સમરાંગણ/૧૪ યમુનાને કિનારે

૧૪ યમુનાને કિનારે

યમુનાના કિનારા પર એકાંતે એક પડાવ પડ્યો હતો. પણ લશ્કરી ઠાઠમાઠ એ પડાવમાંથી ગેરહાજર હતા. છતાં દીદાર કોઈ પલટનની છાવણી જેવો હતો. એક મંદિર હતું. ઊંચા થંભની ટોચે ઝંડો ફરકતો હતો. ઝંડાનો રંગ ભગવો હતો. પરોઢના શંખનાદ સંભળાયા, ને પોષ મહિનાના પવનફૂંફાડે હમણાં જાણે થીજી જશે એવાં યમુના-વહેનની ઊંડી ધારામાં નખશિખ નગ્ન, એવાં આઠસો-હજાર પોલાદી શરીરોએ ‘જય ગુરુ દત્ત’ની ત્રાડ દેતે દેતે ઝંપાપાત કર્યો. ​ બીજો શંખનાદ : ને આઠસો-હજાર શરીરો કિનારા પર એક-કતાર થાય છે, કવાયતી તોરથી શરીરો લુછાય છે, ભેરીનાદ થાય છે, ને ત્યાં પડેલા ભસ્મના ઢગલામાંથી દોથા ભરીભરીને પ્રત્યેક શરીર પોતાને અંગેઅંગે ખાખ લપેટે છે. ઠંડીનું નામ કે નિશાન એ શરીરોના એકેય રોમમાં રહેતું નથી. વ્યાયામ આરંભાય છે. લંગોટીધારી કલેવરોની પેશીએ પેશી જાણે કે જુદી પડીને પોતાની હાજરી નોંધાવતી જાય છે. સાચા વટની તલવારો કમાનરૂપે વળી શકે છે એમ કહેવાય છે. સાચાં પોલાદી શરીરો પણ વાળો ત્યાંથી વળી શકે છે. પ્રભાતની લાલી ઝળહળે છે અને એ લંગોટીભર નગ્ન દેહો પહાડી અશ્વો પર પરબારી એક જ છલંગે પલાણી બેસે છે. નગારું બજે છે, ને નગ્ન ઘોડેસવારો યુદ્ધના વ્યૂહો રચે છે. પ્રભાતનાં અજવાળાં એ આઠસો પૈકીના એક યુવાન પર એકાગ્ર બને છે. એની કમ્મર પર લંગોટીને સ્થાને પૂરી ધોતીનો કછોટો દેખાય છે. બાકીનાં રંગરૂપ સૌની સાથે એકસમાન છે. મોઢું તો કદરૂપું છે, પણ કાયા રૂપાળી છે. એ દીક્ષા પામ્યો નથી જણાતો. અન્ય ફૌજી જોગીઓનાં ગળામાં તેમ જ જટાજૂટ ઉપર, કાનમાં તેમ જ બાહુઓ ઉપર જે કેટલાંક ધાર્મિક ચિહ્નો છે તેનાથી આ એક જ યોદ્ધો વંચિત છે. એના ગળામાં રુદ્રાક્ષની માળા નથી, બાહુઓ પર રુદ્રાક્ષ પારાનો બેરખો નથી. ભસ્મ છે પણ ત્રિપુંડ નથી. કાન એના વીંધેલા નથી, વાળી કાનમાં ઝૂલતી નથી. જોગીઓની એ ફોજ હતી. બાવાઓની પલટનો અકબરશાહના કાળના ઇતિહાસમાં જાણીતી છે. કોઈ કહે છે કે એ હતી અતીતોની પલટન, બીજો કહે છે કે એ હતી કાનફટ્ટા ગોરખ-પંથીઓની ફોજ, કોઈ વળી એને નાગડા બાવાઓના સૈન્ય નામે પણ ઓળખાવે છે. સંસારમુક્ત એ મર્દાઈઓ હિન્દના ઇતિહાસ-પાને ઘૂમી ગઈ છે, સમરાંગણોમાં ખપી ગઈ છે. રુદ્રાક્ષના બેરખાઓ પહેરતી એ ભુજાઓને આયુધો અજાણ્યાં નહોતાં, યુદ્ધો અધર્મી નહોતાં. એ પૌરુષ અનોખું હતું, કેમ કે વ્રત વીર ​ બ્રહ્મચારીઓનું હતું. કવાયત કસરતોમાં આઠસો જોગીઓની જમાતને ચકિત કરે તેવાં સામર્થ્ય દેખાડીને જ્યારે એ અર્ધસંસારી યુવાન ગુરુદેવની પાસે ચરણરજ લેવા આવતો ત્યારે એની પીઠ પર પંજો મૂકીને ગુરુ એનું મોં તપાસતા, પછી મશ્કરી કરતા : “અબ તક તો તેરી મૂછડિયુંને વળ નહિ ઘાલ્યા હૈ, હો બચ્ચા! અબ તો તેરે યહીં ઠેરનાં હૈ ન!” યુવાન ગમગીન બની જતો. હજુ ય મૂછોએ વળ નથી ઘાલ્યા. ઘેર જઈ શું કરું! માતા એ વાતનો ભેદ સમજાવશે નહિ. આટઆટલી વ્યાયામ-કળામાં પ્રવીણ બન્યો છતાં મૂછો હજુ કેમ જલદી વળ ઘાલતી નથી? “લે જા, અબ તો જલદી જલદી તેરી મૂછડિયાં વળ ઘાલેગી, ને નહિ ઘાલેગી તો મેં તું ને, મેં તેરી મૂછડિયાંકુ ચામડી ચીરકે બહાર નિકાલ દૂંગા, માલુમ સે ને!” ગુરુદેવ એક આ જુવાનની સાથે બોલતા ત્યારે જ હિન્દી સૌરાષ્ટ્રી ભાષાને એકસાથે કચરીને કચુંબર કરતા. પોતાના વતનની વાણીનો આટલો ભેળસેળિયો ઉચ્ચાર સાંભળવામાં યુવાન પોતાના ઉર-સંતાપનું શમન અનુભવતો. ગુરુદેવનાં ચરણોમાં એ આખો ય દેહ લંબાવીને દંડવત્ કરતો. એને ફક્ત એક જ ગમ રહેતી, કે ગુરુદેવ ગમે તેમ કરીને પણ હવે તો ટૂંક મુદતમાં જ મારી મૂછડીએ વળ લાવી દેવાના છે. બાર વર્ષોના પરદા પડી ગયા હતા. તો યે યાદ હતી બે-ત્રણ વાતો : એક તો માતૃભૂમિનો રંગમતી-આરો, કે જ્યાં પોતે માને ધાવણે ધરાઈધરાઈ મોટો થયો હતો : બીજું નહોતું વીસરાયું માનું મોં, જેણે પિતાની તોછડાઈથી એકલતા શોધી હતી : ને ત્રીજો નહોતો વીસરાતો એક દોસ્ત, જેના પગ હેઠળ પોતે આશાપરાને થાનકે ઘોડી બન્યો હતો. યમુના અદ્વિતીય હતી, પણ માભૂમિ તો પ્યારી હતી. જમાતના એકધારા લશ્કરી જીવનમાં એને જંપ નહોતો, કેમ કે ત્યાં સ્નેહ નહોતો; પિતાનો, પાલકનો, પરગજુઓનો સદ્‌ભાવ હતો. હેતુ વગરનું જીવન હતું. કુમાશ ​ વગરની વીરતા હતી. વતનના વાતાવરણમાંથી મમતાનાં રજકણો ચાલ્યાં ગયાં હતાં. ત્યારે એ સાત વર્ષના શિશુને નાસી છૂટવાનું મન થયું હતું. સીમોમાં રઝળતો હતો. માણસોથી સંતાતો હતો. વળી ક્યાંક ‘જોરાર’નો શબ્દ કાને પડી જશે એવી ફાળ પામીને વૃક્ષો, પાંદડાં ને વહેળાંની સોબત શોધતો હતો. એક દિવસ કૂતરાની ગોદમાં લપાઈને સંધ્યાનાં શિયાળુ પવનનાં ખંજરો ખાળતો હતો. અસૂર થઈ ગયું હતું. તે રાતે નાગડાઓની જમાત નીકળી, નિરાધાર જાણી ઉઠાવી ગઈ, તે પછી એણે સાબરમતીનાં, મહીના, નર્મદાનાં વગેરે અનેક નદી-તીર નિહાળ્યાં હતાં. બદરીકેદારનાં ને પશુપતિનાથનાં હિમ-શૃંગોમાં પણ જમાતે એને ઘુમાવ્યો હતો. છેલ્લી ભેટી હતી યમુના નદી. કલ્પનામાં ન સમાય તેટલું સૌંદર્ય જોઈ રહ્યા પછી વતનના ત્યાગનો ખેદ પાછો વળ્યો હતો. નાગની ગામની પીપરોના પેપા અને આંબલીના કાતરા ફરી વાર એને સાદ પાડી ઊઠ્યા. “તું કોણ છો? ક્યાં રહેવું તારે?” એવા પ્રશ્નો અને એક વાર એક જ માણસે અમદાવાદમાં પૂછેલા. આગ્રામાં એના વતનની વાણીથી એને સંબોધનાર કોઈ ન સાંપડ્યું. એક દિવસ યમુનાનો તટ નિર્જન હતો. પોતે એક ભેખડ પર બેઠો બેઠો ગાયત્રી કરતો હતો. સાંજ હતી. કોઈક ગાતું હતું –  કાટેલી તેગને રે ભરોંસે હું તો ભવ હારી હું તો ભવ હારી. શબ્દો ઓળખીતા હતા, કોઈક દિવસ કોઈ એક કંઠમાંથી ગવાતું પોતે એ સાંભળ્યું હતું. પણ આ કંઠ કોઈક જુદો હતો. એક પુરુષ ગાતો હતો. નાનપણમાં લોકપરિચયના અભાવે એના કાનની લઈ લીધેલી શક્તિ આજના ભર્યા સંસારે પાછી આપી હતી તેથી એના કાનમાં સોરઠી શબ્દોનું સંગીત ઊંડે ઊતર્યું. એ સૂરોની દિશામાં પોતે આગળ વધ્યો. ગાનારે ગાન બંધ કર્યું. ગાનારથી થોડે દૂર ચાર બીજા માણસો બેઠેલા. ​ એણે ગાયકને કાંઈક કહ્યું. ઊઠીને એ ગાયક ચાલતો થયો. પાછળ ચારેય જણ ચાલ્યા. અર્ધજોગીવેશધારી નાગડો એ ગાયકની પાછળ ચાલ્યો. ચાર રક્ષકોની સાથે ગાયક ઊપડતે પગલે એક રાજનિવાસના દરવાજામાં પેસી ગયો. તે પછી એનો પત્તો મળ્યો નહિ. એક દિવસ આગ્રામાં વીરતાના ખેલોની મિજલસ હતી. જુદાજુદા પ્રદેશોમાંથી રમતવીરોને તેડાવ્યા હતા. જોગીઓની ફોજને પણ પોતાની શૌર્યલીલા બતાવવાનું નોતરું હતું. શહેનશાહ અકબરની હાજરીમાં શૂરાતનની હરીફાઈ ઊજવાતી હતી. સૌના સાંભળવામાં આવ્યું હતું કે ગુર્જરદેશના રજપૂતો વધુમાં વધુ રોમાંચક વીરતાની રમત લઈને આવ્યા છે. જોધપુરી, બિકાનેરી, જયપુરી ને મહારાષ્ટ્રી બધા દાવ ખેલાતા ગયા તેમતેમ પ્રેક્ષકોની અચરજ વધતી ગઈ, કે ગુર્જરી તે વળી કયા ચડિયાતા દાવ દેખાડવાના હશે! આખરે ગુર્જરીનો તમાશો આવ્યો ત્યારે તમાશબીનોનાં મુખ ઊંચાં થયાં. બે ગુર્જર ક્ષત્રિયો ફક્ત કછોટાભર તમાશબીનોના તંબૂમાંથી બહાર નીકળ્યા. તેમનાં શરીરોમાં ખાસ કશી વિશિષ્ટતા નહોતી, કસાયેલા દેહનો દમામ તેમની પાસે નહોતો. “છે કોઈ ગુર્જર?” બેમાંથી એક જણાએ સાદ પાડ્યો. “મુઝફ્ફર ગુજરાતી, મુઝફ્ફર ગુજરાતી.” શહેનશાહે નહનૂને ઇશારત કરી. નહનૂને મુગલ દરબાર મુઝફ્ફર ગુજરાતી નામે ઓળખતો. શહેનશાહનો લાડીલો નજરકેદી નહનૂ પોતાના આસન પરથી ઊભો થઈને તમાશબીનો પાસે આવ્યો. “આને બરોબર વચ્ચેથી પકડો.” એમ કહીને તેમણે નહનૂના હાથમાં એક બરછી પકડાવી. બરછીની બંને બાજુએ તીક્ષ્ણ અણીઓ હતી. “કસકસીને પકડો, પંજાને ધ્રુજવા ન દેશો.” મુઝફ્ફર બે પંજા વતી બરછીનો વચલો ભાગ ઝાલીને ઊભો રહ્યો. એની બંને બાજુથી અક્કેક ગુર્જર ખુલ્લી છાતીએ દોટ કાઢતો ​ આવ્યો. દેખીને મુઝફ્ફરના હાથ કંપી ઊઠ્યા. બરછી એના હાથમાંથી પડી ગઈ. મુઝફ્ફર શરમિંદો બનીને પાછો પોતાને આસને જઈ બેઠો. “છે કોઈ બીજો ગુર્જર?” તમાશબીનોની હાક પડી. એ હાકને જવાબ દેવા નાગડાઓની જમાતમાંથી એક આદમી ઊભો થતો થતો બેસી ગયો. અકબરની આંખ એ આદમી તરફ ખેંચાઈ. “ગુર્જર છો?” શહેનશાહે પૂછ્યું. “સોરઠિયો હોય તો ચાલશે?” જમાતના આગેવાને સામો સવાલ કર્યો. “સોરઠિયો પણ ગુર્જર જ છે.” ગુજરાતી તમાશબીને મંજૂર રાખ્યું. “મંજૂર.” શહેનશાહ શબ્દ કહ્યો. મંજૂરી સાંભળતાંની વારે જ જમાતમાંથી એક કછોટાધારી જુવાન ઊઠી વચ્ચે આવ્યો. એ નવાનગરનો નાગડો હતો. એણે બરછીનો વચલો ભાગ એક જ પંજામાં ઝકડી લીધો ને પછી એ ઊભો રહ્યો ત્યારે ગિરનારી ગુરુદત્તના શિખર-શો ભાસ્યો. સો-સો કદમને અંતરેથી એ ગુર્જરી ખુલ્લી છાતીએ દોડ્યા. તેમણે બરછની બંને બાજુની અવિચલ અણીઓ સાથે છાતીઓ ભીંસી દીધી. બંનેની પીઠ પાછળ અણીઓ તગતગવા લાગી. પાછી બંનેએ ઝોંટ મારી, બરછીની અણીઓ કાદવમાંથી ઊપડે તેમ નીકળી આવી. જખ્મોમાંથી લોહીની ધારો ચાલી. બંને બેભાનોને ત્યાંથી ઊંચકીને લઈ જવામાં આવ્યા. તમાશાના મેદાન પર સન્નાટો પથરાયો. કોઈની તાળીઓ પાડવાની પણ મગદૂર ન ચાલી. મુગલો સ્તબ્ધ બન્યા. અકબરશાહનાં નયનો ચોમેર ફરી વળ્યાં. ગુર્જર રજપૂતોની સરસાઈ કરનારો કોઈ અફઘાન? કોઈ ઇરાની? હબસી? મુગલ? સર્વનાં નેત્રો નીચે ઢળ્યાં હતાં. એ નેત્રો જ્યારે ઊંચાં થયાં ત્યારે તેમણે ખુદ શહેનશાહને જ ઊભો થઈને તલવાર ખેંચતો જોયો. ખુલ્લી તલવારે એ મેદાનની વચ્ચે જઈ ઊભો રહ્યો, ને બોલ્યો, “હું મારો કોઈ જોડીદાર રાખતો નથી કે જેથી ગુર્જર રાજપૂતોની માફક કસરત કરું. ​ મારે માટે તો દીવાલ જ બસ થશે.” એટલું બોલીને એ સામી દીવાલે ધસ્યો. તલવારની મૂઠ દીવાલ સાથે ટેકવીને એણે તલવારની પીંછી પોતાના પેટ પર વચ્ચોવચ લીધી. “આહ! આહ! આહ!” એવી તાજુબીના ઉદ્દ્‌ગારો તમાશબીનોમાં ઊઠ્યા. એક જ પળ પૂરી થાત, ને તલવાર અકબરના પેટને પાર કરી ગઈ હોત. એક જ જુવાનને અકબરનાં જીવન-મૂલ્યની જાણ હતી. એક જ રાજપૂત. એ જિંદગીનો આવો અંજામ ન જોઈ શક્યો. એક જ નરના હૃદયમાં એટલી પ્રીતિ હતી. એણે દોટ દીધી. એણે પહોંચી જઈને જોરથી તલવાર પર મુક્કો લગાવ્યો. તલવાર અકબરના અંગૂઠા પર થોડો કાપ મૂકતી દૂર જઈ પડી. એ હતા યુવાન મહારાજા માનસિંહ. પાદશાહે કોપાયમાન બની માનસિંહને ભોંય પર પછાડી દીધો. એક સૈયદે દોડ્યા જઈ પાદશાહને મહારાજા માનસિંહથી લડતા છૂટા પાડ્યા. તમાશાનો આવો અણધાર્યો અંજામ આવ્યો. પ્રેક્ષકો વિખરાઈ ગયા. અને વિસર્જન ન થતા બે મુગલો મુઝફ્ફર તરફ તિરસ્કારની નજર કરીને બોલી ઊઠ્યા: “ગુજરાત પર હકૂમત તો શાહ અકબર જ કરે; એ નામર્દ શું કરતો’તો, જેના હાથમાં બરછી પણ ધ્રુજે છે!” “રંડીનો બેટો છે.” બીજાએ છૂપુંછૂપું કહ્યું. તમામ આંખોમાં જાણે તિરસ્કાર ભર્યો હતો. કોઈએ કહ્યું : “હેઠ ગુજરાતી!” સાંભળીને મુઝફ્ફરે શરમ અનુભવી. બધાય ચાલ્યા ગયા પછી એ એકલો ઊભો હતો. એક માણસનો પડછાયો એના પર પથરાયો. માણસે આવીને કુમાશથી એને ખભે હાથ મૂક્યો. પૂછ્યું, “તમે ગુજરાતી છો?” મુઝફ્ફરે એ સવાલમાં પણ હીણપત સાંભળી. એણે લજવાઈને માથું હલાવ્યું. “યમુના તટે તમે ગાતા હતા?” “તમે કોણ છો? સોરઠિયા છો, ખરું?” મુઝફ્ફરે પેલા બરછી પકડી રાખનાર યુવાનને ઓળખ્યો. યુવાને નરમાશથી પૂછ્યું : “મેં તમને ​ ભોંઠા પાડ્યા એવું લાગે છે?” મુઝફ્ફરને અચંબો લાગ્યો : એક કદરૂપ જોગી જેવો જણાતો માણાસ આટલી નરમ સુંદર વાણી વાપરી શકે છે! “ચાલશો યમુના-તટે?” નાગડાએ પૂછ્યું. “શું કરશું?” “તમે ગાજો, સાંભળીશ.” “મને ગીતો આવડતાં નથી.” “એ એક જ બોલ ગાશો તોપણ હું મારી ધરતીનો સ્પર્શ અનુભવીશ.” યમુના-તીરે બેઉ જણા બેઠા. મુઝફ્ફર સરાણિયણ છોકરીના ગ્રામગીતની બે-ચાર પંક્તિઓ ગાઈ. એ વખતે પણ થોડે દૂર ચાર બીજા આદમીઓ બેઠા હતા. “પૂર્વે મેં આ જ પંક્તિઓ સાંભળી છે. ક્યાં સાંભળી હશે?” “અમદાવાદમાં રહ્યા હતા?” “હા, સાબરમતીને તીરે.” “હથિયાર સજાવવા ગયા હતા?” “યાદ આવ્યું. એક છોકરી સરાણ ખેંચતી ગાતી હતી.” “એ મારી બહેન થાય.” “તમારી બહેન? શા સગપણે?” નહનૂએ જવાબ ન દીધો. યમુનાતીરે બાદશાહી મહેલોની બત્તીઓના તેજ વરસતાં હતાં. તેને અજવાળે નાગડાએ નહનૂના નિરુત્તર મોં સામે નજર કરી. મોં પર પ્રેમનો ઝલકાટ હતો. ધીરેધીરે બે આંસુઓ ટપકતાં હતાં. દેવમૂર્તિઓને રોજરોજ નિહાળતા નાગડાએ આ માનવમૂર્તિના મોં પરની પ્રેમ-ઝલકને પણ છૂપી વંદના દીધી. “તમે જમાતના જોગી છો?” “ના, આશ્રિત છું.” “અસલ ક્યાંના?” ​“રઝળતો.” “તોપણ, કોઈક ગામ હશે ને?” “જામનગર – નાગની.” “સતા જામનું જામનગર?” “એ જ.” "મારા તો એ દોસ્ત છે, રાજપૂત વીર છે. સૌરાષ્ટ્રના રાજપૂતો જબરા ઈમાનદાર હોય છે એમ મેં ચારણોની વાતોમાં સાંભળ્યું છે.” નાગડો કશું બોલ્યો નહિ. વધુ વાર્તાલાપ ચાલી ન શક્યો. દૂર બેઠેલા ચાર આદમી પાસે આવ્યા. તેમણે નહનૂને કંઈક કહ્યું. નહનૂ નાગડાને સલામ પણ કર્યા વગર એ ચારેયની સાથે ચાલી નીકળ્યો. કોણ હશે? નાગડાએ વિચાર કર્યો. કોઈ રાજકેદી હશે?