સમુડી/ચાર

ચાર

– ત્યારે હર્ષદ મેટ્રિકમાં ભણતો અને સમુડીની ઉંમર આશરે તેર-ચૌદ વર્ષની, રંગ શ્યામળો. પણ શાંતાફૈબાના શબ્દોમાં કહું તો, ‘મોંનો સિક્કો હારો.’ હર્ષદના શબ્દોમાં કહું તો ‘સ્વીટ ફેઈસ.’ મોટી પાણીદાર ચમકતી આંખો, લાંબી લાંબી, વળેલી પાંપણો. એકમેકને જોડાયેલી ભમ્મરો. કીકીય ડાર્ક બ્લેક. કીકીની આસપાસના ખૂણા એકદમ સફેદ; આરસ જેવા ચળકતા, લિસ્સા, પાણીદાર. એની આંખોમાં કશુંક એવું તો અદ્ભુત હતું કે ભલભલાને એની આંખો જોઈને હેત ઊપજે. તદ્દન નિર્દોષ દેખાતો લંબગોળ ચહેરો. ઠાવકાઈનું નામનિશાન નહિ. પણ ગામમાં બિચારીની એવી છાપ પડી ગયેલી કે ‘સમુડી તો ચોઈટી સ.’ જોકે, એમાં વાંક મણિબેનનો છે. મણિબેનને ન ઓળખ્યાં? સિનીમાની રૉણી! સમુડી સાવ નાની હતી ને શરૂશરૂમાં કામ બાંધેલું ત્યારે એણે સાવ ઘસાઈ ગયેલી, માંડ એકાદ દિવસ નવાય એટલી લક્સ સાબુની ચપતરી ચોરેલી. એમાં તો બિચારીને ‘ચોઈટી ચોઈટી’ કહીને ગામ આખામાં વગોવી. હા, આ ગામમાં કેરીની ચોરી એ ચોરી નહોતી ગણાતી. સૌ સમજતું – ‘સોકરોં સ તે કેરીઓ લઈ જાય.’ ગમે તેમ, પણ સમુનો ચહેરો તો અત્યંત નિર્દોષ એમાં બેમત નહિ. મોટું કપાળ, સપ્રમાણ નાક. પણ નસકોરાં સહેજ મોટાં. હસે ત્યારે બંને નસકોરાં ને હોઠના ખૂણાને જોડતા લયયુક્ત વળાંકવાળી રેખાવાળું જાણે ફ્રિ-હેન્ડ રચાય. ઉપરના દાંત વાંકાચૂકા. નીચલો હોઠ જરીક જાડો. હડપચી પર ત્રણ ભૂરાં ટપકાં ત્રિકોણના આકારમાં ત્રોફાવેલાં. લાવણ્યથી ભર્યોભર્યો સ્નિગ્ધ ચમકતો પાતળો દેહ. ઊંચાઈ પાંચેક ફૂટ. ખૂબ લાંબા વાળ. ખાસ્સો મોટો અંબોડો વળે. પાતળી કમર, ભરાવદાર છાતી. ક્યારેક ક્યારેક હર્ષદ, સમુડી વાસણ માંજતી હોય ત્યારે એના પોલકામાંથી દેખાતો બેય સ્તનનો થોડોક ભાગ અને વય્ચેની ઊંડી ખીણ તરફ તાકી રહેતો. સમુડી ઢીંચણથીયે ઉપર ચણિયો લઈને કપડાં ધોતી હોય ત્યારે હર્ષદ ક્યારેક એની થરથરતી માંસલ જાંઘને જોયા કરતો. સમુડીને લખવા-વાંચવાનો ભારે શોખ. બપોરનો એંઠવાડ પતાવીને એ શાંતાફૈબા પાસે ભણવા બેસતી. ને એમની પાસે જ લખતાં-વાંચતાં શીખી. ‘અંગરેજી’ શીખવાનો તો ભારે શોખ. પણ શાંતાફૈબાને આવડે નહિ ને હર્ષદ શીખવાડે નહિ. તે શું થાય? છતાંય, છોકરાંઓ શબ્દો ગોખતાં હોય ત્યારે જે શબ્દો કાને પડે તે બરાબર યાદ રાખી લે. એક વાર સમુ કામ કરતી હતી ને હર્ષદ ધ્યાનથી તાકી તાકીને જોઈ રહેલો. ત્યાં જ સમુડી બોલી, ‘ચ્યમ હરસદભૈ, સુપરવાઈસરી કરો સો? કોંય વાહણ ચીંકણો નૈં રૅ.’ હર્ષદ ફફકષ કરતો હસી પડતો ને વિચારતો કે સમુડી ‘સુપરવાઈઝરી’ જેવો શબ્દ ક્યાંથી શીખી લાવી? ચાર વરસની ઉંમરે તો સમુડીના વિવાહ થઈ ગયેલા. દસ વર્ષની થઈ એ પછી તો એ ઝડપભેર વધવા લાગી ને હાતમ-આઠમના મેળામાંથી ખરીદેલો નાનકડો આયનો વહાલો લાગવા લાગ્યો. શાંતાફૈબા શાક લેવા જાય ત્યારે એ આયના સામે ઊભી રહી ચહેરો જોયા કરે. ટેરવે કાજળ લઈ આંખોમાં લપેડા કરે. પછી ટેરવું ભમ્મરો પર ઘસે. બેય આંખને ખૂણે, ચીપિયાને છેડે થોડું કાજળ લઈ અણિયાં કાઢે. કંકુનો આઠઆની જેવડો ચાંલ્લો કરે ને થોડુંક સેંથીમાં પૂરે! પછી શાંતાફૈબાની સાડી લઈ, આવડે એવી પહેરીને (દક્ષિણી, હોં!) આયના સામે ઊભી રહે. સ્તનનો ઉભાર તથા કમરનો વળાંક નીરખે. પછી શરીરનું વજન જમણા પગ પર રાખી, કમરનેય જમણી બાજુ લચકાવી, અજન્તાની શિલ્પકન્યા જેવો આકાર રચે! કદાચ ક્યાંક આવા કોઈ ફિલ્મનો ફોટો કે કૅલેન્ડર જોયું હશે અથવા તો છાપામાં કોમલગુટિકાની જાહેરાતની કન્યાય જોઈ હોય. પણ જેવો ફળિયામાં શાંતાફૈબાનો ઘેરો અવાજ સંભળાય કે તરત દો…ડતી પેસી જાય બાથરૂમમાં! આયના પાસે પડી રહેતી ઝીણા દાંતાની કાંસકી સમુડીને ખૂબ ગમે. સમુડીને જે ગમી ગયું એ લીધે જ છૂટકો. ‘આ કોંસકી મું લઈ જઉં સું, શોંતાફૈબા.’ ‘કેમ?’ અમસ્તું જ શાંતાફૈબાએ પૂછયું. ‘મીં ગયા ગોકળઆઠમના મેળામોંથી લીધી’તી, પણ એ તો મૂઈ વાળનં અડતી જ નહિ, તમોં.’ અરે! ક્યારેક માથામાં ખૂબ જૂઓ પડી હોય ત્યારે સમુડી, વાળ છૂટા કરી, કાંસકી લઈને હાજર થઈ જાય શાંતાફૈબા પાસે ને અધિકારપૂર્વક કહે, ‘જૂ કાઢી દો શોંતાફૈબા.’ શાંતાફૈબા જૂ કાઢીય દે. ભરતગૂંથણ તો સમુડીને ખૂબ સરસ આવડતું. ઉપરાંત શાંતાફૈબાએ સમુડીને પ્લાસ્ટીકના વાયરમાંથી બગલથેલા, પાકીટ, કાચની ભૂંગળીઓનાં તોરણ, ઝુમ્મર ને એવું બધું બનાવતાં શીખવેલું. પ્લાસ્ટીકના વાયર, મોતી, કાચની ભૂંગળીઓ વગેરે જરૂરી ચીજો લાવી આપે. સમુડી એમાંથી બગલથેલા, પાકીટ, તોરણ, ઝુમ્મરો વગેરે બનાવે. એ બધી ‘સમુડી મેઇડ’ ચીજો શાંતાફૈબા વેચી આપે તથા ભરતગૂંથણનુંય કામ મેળવી આપે. એટલું જ નહિ, પણ સમુડીના નામનું બેંકમાં ખાતુંય ખોલાવી આપેલું તે સમુડી આ બધા પૈસા જમા કરે ને એનું કેટલું વ્યાજ આવશે એનાંય સ્વપ્નાં જુએ! આમ, આ રીતે સમુની આવક વધ્યા પછી શાંતાફૈબા સિવાય બીજાં ઘરોનું કામ એણે છોડી દીધેલું. આથી અજાણતાં જ હર્ષથી બોલાઈ ગયેલું, ‘નવાઈના બગલથેલા ને તોરણ બનાવતાં આવડયું એમાં તો જાણે કેવીય ડંફાસ!’ આ સાંભળી સમુડીનું મોં એવું તો પડી ગયેલું કે… હર્ષદ હજીય એ માટે પોતાની જાતને માફ નથી કરી શક્યો.