સમુડી/તેર

તેર

હર્ષદ અને નયના મેડા પર આવ્યાં. ખાસ ગરમી કે ઉકળાટ નહોતો. અમસ્તો જ હર્ષદે કપાળે હાથ ફેરવ્યો. ‘લાવો,’ આ જોઈ તરત જ નયનાએ કહ્યું, ‘હું પંખો ચાલુ કરી દઉં.’ એણે પંખો ચાલુ કર્યો. બારી ખોલી નાખી. પછી ખુરશીમાં ગોઠવાઈ. બારીમાંથી આવતો તડકો હર્ષદના કાન પર પડતો હતો. આ જોઈ તરત નયના ઊભી થઈ. બારીનો પડદો બંધ કર્યો. હર્ષદે વિચાર્યું, નયના અત્યારથી મારી કેટલી બધી સંભાળ રાખે છે! વિવાહ થયા પછી સૌથી મોટી તકલીફ જ એ કે નાની નાની વિગતોનો આધાર લઈને મને એકમેકને વિશે જાતજાતની પૂર્વધારણાઓ કરે; સાચી પણ અને ખોટીય! ‘સામેથી સફેદ કપડાં પહેરીને પેલા ભાઈ આવે છે ને,’ નયનાએ તર્જનીસંકેત કરતાં કહ્યું, ‘એ મારા અંગ્રેજીના પ્રોફેસર હતા. આખું વરસ હું એમને ત્યાં ટયૈશન ગયેલી.’ નયના બોલતાં બોલી તો ગઈ પણ એ પછી જાણે એકદમ ચોંકી ઊઠી હોય એવું હર્ષદને લાગ્યું. હર્ષદની આંખો સહેજ ઝીણી થઈ અને નયનાનો ચહેરો ઉકેલવા લાગી. નયના એકાદ ક્ષણ સહેજ અસ્વસ્થ થઈ પણ તરત જ બીજી ક્ષણે પોતાની જાત સંભાળી લીધી. હર્ષદને થયું, એ ખરેખર ચોંકી ઊઠેલી? એ સાચે જ એકાદ ક્ષણ માટે અસ્વસ્થ થઈ હતી? કે પછી પોતાને એવો ભ્રમ તો નહિ થયો હોય?! હર્ષદને તો એમ કે એ પ્રોફેસર નજીક આવશે એટલે નયના એમને બોલાવીને પરિચય કરાવશે. ‘ભાઈ,’ પ્રોફેસર કોકને પૂછતા હતા, ‘નયનાબહેનનું ઘર ક્યાં આવ્યું?’ ‘ખબર નહિ, બીજા કોઈને પૂછી જુઓ. હું તો અજાણ્યો…’ બાકીના શબ્દો પાછળ હવામાં જ રહી ગયા. પ્રોફેસર આગળની શેરી તરફ વળી ગયા. આ જોઈ નયનાએ જાણે કે ‘હા…શ’ અનુભવી હોય એમ ઊંડો શ્વાસ લીધો. પછી બોલી, ‘હર્ષ…’ ‘હં?’ ‘એક મિનિટ, હું હમણાં આવું, હોં!’ કહી હર્ષદના હાથમાં કો’ક મેગેઝિન પકડાવી નયના નીચે ગઈ. હર્ષદ એ ફિલ્મી મેગેઝિનનાં પાનાં ઉથલાવવા લાગ્યા. મનમાં વિચારો ઊભરાતા હતા – પોતાના ઘર આગળથી જ એ પસાર થયા હોવા છતાં નયનાએ એમને બોલાવ્યાય નહિ! તાજા જ વિવાહ થયા હોવાથી મારો પરિચય કરાવતાં શરમ આવતી હશે? પણ થિયેટરના અંધકારમાં તો એનામાં શરમનો છાંટોય દેખાતો નથી? પ્રોફેસરને જોતાં જ એ કેમ ચોંકી ઊઠી? ગમે તે હોય, પણ નયનાએ એ પ્રોફેસરને બોલાવવા તો જોઈએ જ. વરસ આખું જેમને ત્યાં એ ટયૈશન ગયેલી એ પ્રોફેસરને બોલાવ્યાય નહિ! પોતાનું જ ઘર એ શોધતા હતા એ સાંભળવા છતાંય…?! એ પ્રોફેસર હતો તો હેન્ડસમ! કદાચ – ક્ષણભર તો હર્ષદનાં હાડકાં સોંસરી વીજળી પસાર થઈ ગઈ. આંખો આગળ જાણે અંધારાના ગૂંચળાં દેખાયાં. નયના ઉપર આવી. એના ચહેરા પર હવે કશીક શાંતિ… કશીક… ‘હા…શ’ દેખાતી હતી. ક્યાં જઈને આવી હશે એ? પેલા પ્રોફેસરને તો નહિ મળી આવી હોય?! મારી નજર મેગેઝિનમાં હતી ને મન વિચારોમાં. આથી કશો ખ્યાલ ન આવ્યો. એ પ્રોફેસર નયનાનું જ ઘર શોધતા હતા તો થોડીવાર પછીય આવ્યા કેમ નહિ?! શેરીમાં કોક તો મળે ને ઘર બતાવનારું?! હર્ષદનું મગજ ભમતું હતું. વાતાવરણ ભારેખમ બની ગયું હતું. ‘હર્ષ,’ નાટકનો સંવાદ બોલતી હોય એમ નયના બોલી, ‘એકલો પડી ગયો’તો, નહિ?’ ‘નયનું…’ ધીરેથી હર્ષદે પૂછયું, ‘કેમ તેં એ પ્રોફેસરની આવી અવગણના કરી?’ ને ઝીણી આંખો કરીને નયના સામે તાકી રહ્યો. નયના વાત બદલવા ઇચ્છતી હતી પણ અચાનક આવો પ્રશ્ન સાંભળી મૂંઝાઈ ગઈ. પણ પછી શબ્દો ગોઠવી ગોઠવીને નયના બોલી, ‘હવે તો હું ભણી રહી. હવે ક્યાં એમનું કશુંયે કામ પડવાનું હતું?!’ ક્યારેક નયનાને પોતાનુંય કોઈ કામ નહિ પડે ત્યારે? – આ વિચારથી હર્ષદ ધ્રૈજી ઊઠયો. પોતે નાનપણથી જે કન્યાની કલ્પના કરતો આવ્યો છે એ નયના તો નથી જ. એની નયના શું આટલી સ્વાર્થી? ગુરુની આવી અવગણના? બીજું કોઈ હોય તો ધડ ધડ દાદરો ઊતરીને સામે જાય… કદાચ એ પ્રોફેસર સાથે લફરું તો નહિ હોય?! જોકે, હું એને ગમું છું એ તો નક્કી. એમાં બે મત નહિ. એ મને ખૂબ સાચવે છે એ ય સો ટચના સોના જેવી વાત. પણ… નયના બારીમાંથી જુએ તે છતાં બોલાવે નહિ એટલી નાની અમથી ઘટનાથી હર્ષદના ભીતરમાં અણુધડાકો કરી જશે એનો તો કોઈને અણસાર પણ ક્યાંથી આવે? હર્ષદને એ રાતે મોડા સુધી ઊંઘ ન આવી. નયનામાં સંસ્કારનો આટલો બધો અભાવ? કે પછી કશુંક જુદું જ… જોકે, લગ્ન પછી તો એ સુધરી જશે. કદાચ વરસાદમાં ચાલતાં પગ સહેજ લપસ્યો હોય ને પછી જાતને સંભાળી લીધી હોય તો ઓમાં શો વાંધો? પોતેય પેલે દિવસે સમુડીને ચુંબન ક્યાં નહોતો કરી બેઠો? એની કો’ક ભૂલ માફ ન કરી શકે એવો તો પોતે નથી જ. પણ નિખાલસતાથી નયનાએ વાત તો કરવી જોઈએ ને? પણ ધારો કે એવું કશું પણ ન હોય તો? મન વિચારોમાં ગૂંચવાતું જ ગયું. પોતાની આસપાસ કરોળિયાના જાળા જેવું કશુંક રચાતું ગયું. આંખ ઘેરાતી ગઈ. વહેલી સવારે આંખ ઊઘડી ગઈ. થયું, સમુડી હમણાં જ ઉઠાડવા આવશે. પણ ત્યાં તો ખ્યાલ આવ્યો કે પોતે તો નયનાના ઘરે સૂતો છે! તો, હમણાં નયના આવશે ઉઠાડવા. દૂર કોક મંદિરમાં થતી આરતીનો ઘંટારવ વહી આવ્યો. થોડીકવાર કાગડાઓના અવાજો આવ્યા. આખી રાત કાન પાસે ગણગણતા હતા એ મચ્છરો ચાલ્યા ગયેલા. પોતાની આજુબાજુ રચાયેલ કરોળિયાનું જાળુંય અત્યારે નહોતું. કશા જ વિચારોય નહોતા. મોડે મોડેય થોડી ઘસઘસાટ ઊંઘ આવી ગયેલી એથી મન પ્રફુલ્લિત હતું. બારીમાંથી ઠંડો પવન વહી આવ્યો. પવન વધારે ઠંડો લાગ્યો. પવનમાં ભળેલી ઝાકળભીના ઘાસની ગંધ ગમી. એ ગંધનો અનુભવ થતાં જ, પથારીમાં રહ્યે રહ્યેય જાણે પાછલી બારી પાછળના મેદાનમાં વિસ્તરેલું, પ્રભાતના કુમળા પ્રકાશથી છવાયેલું ઘાસ દેખાયું. ઘાસ પર ઝાકળ ચળક ચળક ચમકતું. પડોશીના રેડિયોમાંથી મીરાંબાઈના ભજનનો અવાજ વહી આવ્યો. ક્યાંક લાઇટની સ્વીચ ઉઘાડબંધ થવાથી રેડિયોમાં થતાં ડિસ્ટર્બન્સનો અવાજ આવ્યો. હવે કોઈ ઊઠે તો સારું. જેથી ઊભો થઈને બ્રશ કરું. આમ ભલે બધાં ઘરમાં મોડાં ઊઠતાં હોય પણ કોઈ મહેમાન હોય ત્યારે તો… હર્ષદ પથારીમાં પડયો પડયો અકળાતો હતો. છેક આઠેક વાગે એનાં સાસુ ઊઠયાં. આ ઘરમાં સવાર શું આટલું મોડું પડે? હર્ષદ મોડામાં મોડું સાડા છએ તો ઊઠી જ જાય. જોકે, વહેલા ઊઠવાની ટેવ પડી સમુડીના કારણે. દૂધ લઈને પોણા છએ તો સમુડી આવી જાય. છ વાગે તો નળ આવે એટલે પાણી ભરે. પછી પથારીઓ ઉપાડે ને છેલ્લે જાય અગાસીમાં; હરસદભૈને ઉઠાડવા સ્તો. ‘હરસદભૈ…’ દાદરેથી બૂમો પાડવાનું શરૂ કરે. ‘ઊઠો હડો અવઅષ. હવાર પડ્યું. જુઓ, તડકા ચડ્યા.’ તડકા ચડયા એ સાબિત કરવા દર્પણ સાથે લેતી જાય. અગાસીના એક ખૂણે તડકાનો ટુકડો આવ્યો હોય. ત્યાં જઈને એ સૂતા હર્ષદની આંખો પર દર્પણ વડે તડકા ફેંકે. પણ હર્ષદે રાત્રે મોડા સુધી વાંચ્યું હોય એટલે હાલેય નહિ. પણ સમુડી એમ કંઈ છોડે? કબૂતરનું એક પીછું લઈ હર્ષદની બિડાયેલી પાંપણો પર ફેરવે, બે હોઠ વય્ચે રહેતી થોડી જગ્યા પર ફેરવે. ‘તું જા નીચે, હમણાં ઊઠું છું.’ કહી હર્ષદ પડખું ફરી જાય. ‘ઊઠી રિયા પસઅષ તો.’ કહી સમુડી બીજો ઉપાય અજમાવે. પોતાના ચોટલાની પૂંછડીના વાળ હર્ષદના કાનમાં ખોસે. અને જો તોય ન ઊઠે તો ઢંઢોળીનેય ઉઠાડે. ‘કુંભકરણની ગોડી (જેમ) ચ્યોં લગી ઘોરસો? ઊઠો હડો અવ. માર પથારી લેવી હ.’ હર્ષદ ઊભો થતાં બબડે, ‘એક પથારી લેવા હાટું મારી લાખ રૂપિયાની ઊંઘ બગાડી.’ સમુડી મજાક કરે, ‘તમારોં લગન થૈ ગ્યા કેડે નીં આવું ઊંઘ બગાડવા.’ રોજ વહેલી સવારે હર્ષદ જાગી તો જતો જ; કાગડા, સૂડા તથા કાબરોની અવાજથી. પણ સમુડી ઉઠાડવા આવે એની રાહ જોતો પથારીમાં પડયો રહેતો. કોક પોતાને જગાડવા આવે એ હર્ષદને ખૂબ ગમતું. પણ એક દિવસ હર્ષદને આશંકા થઈ હતી કે હવે તો સમુડી પોતાને ઉઠાડવા નહીં આવે. મેડા ઉપર, સમુડીને ચુંબન કરી બેઠો હતો તેના બીજા દિવસે સવારે હર્ષદની આંખ ખૂબ વહેલી ઊઘડી ગયેલી, સ્વપ્નદોષ થઈ જવાના કારણે. થોડી ક્ષણ તો એ નિ:સ્તબ્ધ થઈ ગયો. ખબર નહિ કેટલા વાગ્યા હશે! પૂર્વમાં આછેરું અજવાળું દેખાતું હતું. ગીચ ઝાડીને વીંધતાં સૂર્યકિરણો પણ આવી રહ્યાં હતાં. કા…કા… અવાજ કરતા કાગડાઓ પસાર થતા હતા. પેલી કાબર દૈયડના ટહુકાની નકલ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી હતી. પણ હજી સમુડીનો અવાજ નહોતો આવતો. હર્ષદે વિચાર્યું. આજે સમુડી પોતાને ઉઠાડવા નહીં આવે. મારા પર હવે એ કઈ રીતે વિશ્વાસ પણ રાખે? હવે મારી સાથે સીમની પેલી તરફની ટેકરી પર સૂર્યાસ્ત જોવા તો નહીં જ આવે. અને ગામની ઉત્તરે, પાંચેક કિ.મી. દૂરથી પસાર થતા રેલવેના પાટા તરફ તો કદાચ ક્યારેય નહીં આવે! બંને જણ રેલવેના પાટા પર કેવાં ફરવાં જતાં! બંને અલગ અલગ પાટા પર ચાલતાં; બેય હાથ પહોળાં કરી, સમતોલન રાખીને કોણ ઝડપથી અને પડી ગયા વગર પાટા પર દોડી શકે એની શરતો લાગતી. જે શરત હારે તેણે કેરીઓ, બોર, રાયણ, જામફળ કે જાંબુ બીજાના માટે ચોરી લાવવાં પડતાં! પાટા પર ચાલવાને બંને જણ ટેવાયેલાં તો હતાં. પણ થોડેક જતાં સમતોલન ડગતું ને એકાદ પગ પાટા પરથી નીચે પડી જતો. એ પછી બંને જણ એકમેકનો હાથ પકડી આંગળીઓમાં આંગળીઓ પરોવીને, બીજો હાથ પહોળો રાખીને, પાટા ઉપર દોડતાં, તો પડતાં નહિ. સમતોલન રાખીને, સંવાદિતા જાળવીને પાટા ઉપર બંને પૂરઝડપે દોડતાં આગળ ને આગળ; નિરુદ્દેશે! પણ હવે? સમુડી એવું નહિ વિચારે કે ઘરમાં બધાં હતાં તોય મેડી પર પોતાને બાથમાં લઈને ચુંબન ચોડી દીધું તો પછી રેલના પાટા પર કે વનવગડામાં તો હર્ષદ શું નહિ કરે? પણ મારે મેડી પર એમ નહોતું કરવું જોઈતું. કેમ એવું થઈ ગયું એ હર્ષદનેય સમજાતું નહોતું. સસ્તી નવલકથાઓ વાંચવાને કારણે? ફૂટતી યુવાનીને કારણે? ના, એવું કારણ તો ન હોઈ શકે. તો પછી? હર્ષદને કશું જ સમજાતું નહોતું. મોં સુધી ચાદર ઓઢીને એ સમુડીની રાહ જોવા લાગ્યો. શા માટે એ સમુડીની રાહ જુએ છે? ગઈકાલના પોતાના વર્તનથી એને ખરાબ લાગી ગયું છે કે નહિ એ જાણવા માટે? કદાચ બા જ એને કહેશે, ‘લી સમુડી, જા, હરસદિયાનં ઉઠાડી આય.’ પણ બાના કહેવાથી સમુ આવે તો એ શા કામનું?! કદાચ… હવે સમુડી ક્યારેય નહિ આવે! એવો નિ:શ્વાસ નાખી હર્ષદે ચહેરા પરથી ચાદર ખસેડી તો – ચાદર લઈ લેવા માટે ઝૂકેલી સાક્ષાત્ સમુડી! હર્ષદની નજર ઢળી ગઈ. ગઈકાલના પોતાના વર્તનને કારણે એ સમુડીની સામે આંખ ન મેળવી શક્યો. ‘ઓંખો બંધ નોં કરશો અવઅષ. ઊઠો હડો, લ્યો! જોણેં મારી શરમ આવતી હોય ઈમ….’ને સમુડી ખડખડાટ હસી પડી ને હર્ષદનો કાન આમળતાં ઉમેર્યું, ‘હડો ઊભા થૉવ, મારઅષ ગોદડોં લેવોં હ.’ હર્ષદ એની સામે જોઈ જ રહ્યો! જાણે ગઈ કાલે મેડા ઉપર કશું બન્યું જ ન હોય એવું લાગતું હતું સમુડીને જોઈને! સમુડીને પોતાનું વર્તન ગમ્યું હશે? સહજ-સ્વાભાવિક લાગ્યું હશે? સમુડી ચાદર ખેંચી લે એ પહેલાં જ હર્ષદ ચાદર ઓઢેલી જ રાખીને નીચે ચાલ્યો ગયો ને ટુવાલ લઈને સીધો બાથરૂમમાં. એ પછીયે સમુ થોડી ક્ષણો ઊભી રહેલી અને હર્ષદના વજનથી નવા ગોદડામાં પડેલા ખાડા તરફ કેવી તો તાકી રહી હતી! પણ અહીં તો નયના ઉઠાડવા ન આવી એટલે કંટાળીને હર્ષદ ઊભો થયો. કદાચ નયનાને એમ હશે કે હર્ષદ સૂતો છે તો ભલે સૂતો. જગ્યા બદલાઈ એથી કે મચ્છરોના કારણે કદાચ બરાબર ઊંઘ ન યે આવી હોય. ટૂથપેસ્ટનું ઢાંકણ ખોલી, પેસ્ટ લગાવી આપીને બ્રશ હર્ષદના હાથમાં આપતાં નયના બોલી, ‘તમને જો દાતણ ફાવતું હોય તો લીમડાનાં દાતણ પણ છે.’ હર્ષદને થયું, વાહ! નયના મારું કેવું ધ્યાન રાખે છે! ચા નાસ્તો પતાવ્યાં. પછી હર્ષદને ના’વા માટે નયનાએ ગરમ પાણી આપ્યું. ટુવાલ-કપડાં બાથરૂમમાં મૂકી આપ્યાં. હર્ષદ ના’વા બેઠો. ડોલમાંના ગરમ પાણીમાં ખુલ્લા નળમાંથી ઠંડું પાણી પડતું હતું. ગરમ પાણી અને ઠંડું પાણી એકમેકમાં હળીમળી જતું. પરપોટા થતા ખરા પણ શમી જતાં. હર્ષદને નયનાનો અવાજ ખૂબ ગમતો. એનો લહેકો… એનો રણકાર… કેવો મીઠો લાગતો! બહાર નયના કશીક વાત કરતી હતી. પણ નળના અવાજના કારણે સ્પષ્ટ સંભળાતું ન હતું. આથી હર્ષદે નળ સહેજ ધીમો કર્યો. ‘શું રાંધીશું? હર્ષદકુમારને શું ભાવે?’ હર્ષદને થયું. હમણાં અતિઉત્સાહથી નયના જવાબ આપશે, ‘એમને તો મમ્મી, પૂરણપોળી બહુ ભાવે.’ ને રસપૂર્વક ઉમેરશે. ‘આજે તો મમ્મી, એમના માટે હું જાતે જ રસોઈ બનાવીશ.’ પણ એના બદલે હર્ષદે સાંભળ્યું, ‘જે કરવું હોય એ કરી દો ને મમ્મી, નહિતર બજારમાંથી કંઈ મંગાવી દો એટલે એટલી માથાકૂટ ઓછી.’ ડોલમાં હાથ બોળી જોયો તો પાણી વધારે ઠંડું થઈ ગયેલું. નળ બંધ કર્યો. પતિ માટે રસોઈ કરવી એને માથાકૂટ કહેવાય? માથાકૂટ! ‘ખૉવ, ખૉવ, હરસદભૈ, આજ તો મીં બનાયું હં. ચેવું થ્યું હ? મન ખબર હ ક તમનં એકલું પૂરણ બઉ ભાવઅષ. લ્યો જી (ઘી) નખીનં થોડું પૂરણ આલું. લઈ લ્યો ક આટલું. ચ્યોં વધાર હ?’ ‘હરસદભૈ, ઓ… હરસદભૈ,’ બારણામાં પેસતાં જ સમુડી બોલી હતી, ‘આજ તો તીકમ મા’રાજની બોઈડીનો બોર વેંણી લાઈ સુ.’ પછી ટાંકીની ચકલી ચાલુ કરી બોર ધોયાં. ધૂળનું બારીક પારદર્શક આવરણ દૂર થતાં લાલચટાક રંગ વધારે ચમકી ઊઠયો. દરેકેદરેક બોર પરની પાતળી ડીંટડી ઉખાડી ને ભીના હાથે ખોબામાં લાલચટાક બોર લઈને સમુડી હર્ષદને આપવા ગઈ. પણ ત્યાં જ કંઈક યાદ આવતાં અટકી. ‘ઊભા રૉ ઘડીક. મું જરા મેઠું-મરચું ચોપડી આલું.’ પછી રસોડામાં જઈ, આંગળીઓ પર સહેજ તેલ લઈને, બેય હથેળીઓમાંનાં બોરને પોલા હાથે મસળીને તેલ લગાડયું. જેથી મીઠું મરચું બરાબર ભળે. પછી મીઠું, મરચું અને જીરાળું. પણ જ્યાં મીઠું મરચું લઈ બોરને લગાવવા જાય ત્યાં તો – ‘ઓઈ મા! હારી બઉં બળતા બળઅષ હ.’ બોર તોડતાં બરાબરના કાંટા વાગેલા. બધીય આંગળીઓ લગભગ ઉઝરડાઈ ગયેલી. જે બોર વધારે ઊંચાઈએ હોય એને તોડવા તો ઊંચો કૂદકો જ લગાવવો પડે ને! હમણાંથી હર્ષદ પણ સમુડીની સાથે બોર ચોરવા નહોતો જતો. નહીંતર તો હર્ષદ ઘોડો બને ને સમુડી ઉપર ચડી બોર તોડે. પછી ચણિયામાં બોર બાંધી લઈ સમુ હર્ષદનો હાથ પકડે, બીજા હાથની તર્જની નાકે મૂકી સૂચવે કે ચૂપકીદીથી સરકી જવાનું છે. ચૂપચાપ બહાર સરકી ગયા પછી પણ છીંડું ખુલ્લું ન મૂકે. પણ થોરને હતો એમ ગોઠવી દે. પણ હર્ષદ હવે તો ‘મોટો’ થઈ ગયો હતો. ટેકરી પર સૂર્યાસ્ત જોવા સાથે આવતો પણ બોર કે કેરીઓ ચોરવા નહિ. મોટું થવું એ જ સાલું સૌથી મોટું દુ:ખ છે… આથી સમુડીને એકલીને જ જવું પડતું. ને બોર તોડવા કૂદકા લગાવવા પડતા. છીંડામાં પેસતાં પહેલાં જ ઝાંઝર કાઢીને નાખીને કૅડમાં ભરાવ્યાં હોય, જેથી કૂદકોય બિલ્લીપગે જ મારવાનો રહે. બે-ત્રણ વાર કાંટાના ઘસરકા હાથ પર પડે નહિ ત્યાં સુધી તો બોર હાથમાં ન આવે. કારણ કે હાથ પહોંચે એવાં નીચાં તો બોર તો કોઈએ તોડી જ લીધાં હોય, વળી બપોરે તીકમ મા’રાજ રોટલા ખાઈને ‘લેંમડા નેંચ’ આડા પડયા હોય એ સમયે જ બોર ચોરવા જવાય. પહેલાં કાન સરવા કરીને તીકમ મા‘રાજનાં નસકોરાં બોલે છે કે નહિ એની બરોબર ખાતરી કરવી પડે. ને એ પછી જ ખેતરમાં છીંડું પાડીને ‘બોઈડી નેંચ’ જવાની હિંમત કરાય. અને તીકમ મા’રાજ પણ જમ્યા પછી અડધા કલાકથી વધારે આડે પડખે ન થાય. આથી આટલા સમયમાં જ બોર ચોરવાનાં. ઘણીવાર સમુડી વિચારતી, ‘પીટયા તીકમ મા’રાજનં બરાબરની ભોંગ પીવડાવવી માગ હ ક પસઅષ ઊંઘની દવા ખવડાવી દેવી લાડવા ભેગી…‘ ‘મરચું અડઅષ હ તે હારી બઉ બળતા બળઅષ હ.’ એમ બોલતી સમુડીના મોંમાંથી સીસકારા નીકળી જાય. ઉઝરડાઈ ગયેલી આંગળીઓમાં સખત લાહ્ય બળતી હોય તે છતાંય મીઠું મરચું તો બરાબર લગાવે જ ને પછી હર્ષદને આપે. ‘આ છેલ્લી વાર આલું સું હોં,’ પોતાની સાથે હર્ષદ આવતો નથી એનો રોષ ઠાલવતાં કહે, ‘પારકી ઓંગળીઓ ધાવે કોંય નોં વળઅષ.’ એમ તો બજારમાંય બોર તો ઘણાંય મળે. પણ ‘પીટયા’ તીકમ મા’રાજની ‘બોઈડી’ જેવાં એકેય નહિ. ઠળિયોય ઝીણો અને ગર્ભ તો… અહા! કેવો ખટમધુરો! અરે! ઠળિયો મમળાવવાનોય કેવો ‘હવાદ’! સમુ વિચારતી, ‘તીકમ મા’રાજ પણ મૂઓ ગોંમમોં વેકવાનં બદલે શે’રમોં વેકવા નેંકળઅષ તાણં નેળિયામોં જ રોયાનં ઓંતરીનં લૂંટી લેવો માગ હ.‘ આથી ચોરી કર્યા સિવાય બીજો ઉપાય જ શો? હર્ષદનેય એ બોર બહુ ભાવતાં. એમાં બોરના ગર્ભની ખટમધુરી મીઠાશ ઉપરાંત સમુડીની આંગળીઓનીય મીઠાશ ભળતી. ‘હાળું આ વેળા કોંટા વધાર વાગ્યા હ… નખ્ખોદ જાય પીટયા ભગવોનનું… બોઈડી પર કોંટા હું કરવા ઉગાડયા હસી? કાલ કપડોં ધોતઅષ હાબુનું પોંણી અડસે તાણં તો બહુ બળતા બળસે.’ સમુડી આમ બબડતી હોય ત્યાં તો શાંતાફૈબા આ જોતાંવેંત ગરજે, ‘લી, આવોં બોર ચમ હરસદિયાનં આલ્યોં સ? પસઅષ ઉધરસ નીં થાય?’ ‘તે ઈમોં હું? મું અઈડુસીનોં પોંન લીયાવોય. નં ઈનો રહ કાઢીનં પઈં દએ, પસઅષ?’ ત્યાં તો શાંતાફૈબાનું ધ્યાન સમુડીની આંગળીઓ તરફ જાય. ને ઉઝરડા વધારે ઊંડા હોય ત્યાં દવા લગાવી આપે. પોતાને બોર ભાવતાં આથી સમુડી કેટકેટલું કરતી! નયનાને તો આ બધી માથાકૂટ જ લાગે, માથાકૂટ!