સમૂળી ક્રાન્તિ/1. કૂવો અને હવાડો

1. કૂવો અને હવાડો

હવે રાજકીય ક્રાન્તિના પ્રશ્નોનો વિચાર કરવા ઇચ્છું છું. આ બાબતમાંયે પ્રાચીન કાળથી અનેક પ્રકારનાં રાજકીય તંત્રો અને વાદોનો માનવસમાજ વિચાર અને અખતરા કરતો આવ્યો છે. એકહથ્થુ રાજ, ગણરાજ, પ્રજારાજ, ગુરુશાહી, રાજાશાહી, સરદારમંડળશાહી, મહાજનશાહી, પંચાયતશાહી, તાનાશાહી (ડિકટેટરશિપ), બહુમતશાહી (મૅજોરિટી–રાજ), વગેરે અનેક પ્રકારનાં તંત્રોની ચર્ચાઓ ચાલ્યા જ કરે છે, અને કદાચ ચાલ્યા જ કરશે.

આનો અર્થ એટલો જ કે મનુષ્યને સુખી થવા માટે કોઈ પ્રકારના રાજતંત્રનું અસ્તિત્વ આવશ્યક છે એમ સૌને લાગે છે ખરું; પણ તેનું આદર્શ બંધારણ હજુ તે ખોળી શક્યો નથી. વિચાર અને અખતરા કરતો આવ્યો છે, અનુભવો લેતો આવ્યો છે, પણ હજુ કોઈ અખતરો પૂરો સફળ થયો નથી, અને લાંબો વખત સુધી સંતોષકારક કામ આપનારો સાબિત થયો નથી.

દુનિયાના આજના ડાહ્યા માણસો અને એમને અનુસરનારા દેશો ત્રણ મુખ્ય વર્ગમાં વહેંચાયેલા છે એમ કહી શકાયઃ પ્રજાકીય બહુમતશાહી(ડેમોક્રેસી), લશ્કરી તાનાશાહી (ફાસિસ્ટ ડિકટેટરશિપ) અને મજૂરોની તાનાશાહી (સામ્યવાદી ડિકટેટરશિપ). જુદા જુદા આર્થિક વાદો પ્રત્યેની શ્રદ્ધા પ્રમાણે વળી પાછા તેમાં પૂંજીવાદી, સમાજવાદી વગેરે ભેદો પડે છે. અને દરેક દેશની પ્રત્યક્ષ પરિસ્થિતિના વિચારથી દરેક શાહીનાં વ્યાવહારિક સ્વરૂપો વિશે ઘણી જાતના વિચારો પ્રવર્તે છે. જેમ કે, જાતિ–વાર મતાધિકાર, એકત્ર મતાધિકાર, સર્વજન મતાધિકાર, વિશિષ્ટ જન મતાધિકાર, પ્રત્યક્ષ ચૂંટણી, અપ્રત્યક્ષ ચૂંટણી, બે ધારાસભા, એક ધારાસભા, મજબૂત કેદ્ર, મર્યાદિત કેદ્ર વગેરે વગેરે.

દરેક મતવાળાની પ્રામાણિકતા સ્વીકારીએ તો આ બધા પક્ષોનો અર્થ એટલો જ છે કે આપણે હજુ સુખી શી રીતે થવાશે તે બાબતમાં આંધળાની જેમ ફાંફાં મારી રહ્યા છીએ.

આ વાદોની સૂક્ષ્મ નુક્તાચીની કરવાનો મારો ઈરાદો નથી. આપણા પોતાના દેશ માટે પ્રજાકીય બહુમતશાહી બંધબેતી થઈ શકે એવો આપણા દેશના બહુ મોટા ભાગના સુજ્ઞ પુરુષોનો મત છે, અને જે કાંઈ અખતરા કરવાના છે તે એ શાહીને અનુકૂળ રહી કરવાના છે એમ આજે તો નક્કી જેવું છે. તેમાં બુદ્ધિભેદ કરવાની હું જરૂર જોતો નથી.

પણ એ મૂળ પાયો સ્વીકાર્યા બાદ પણ મતાધિકાર, ચૂંટણીઓ, રાજકીય પક્ષો વગેરેના પ્રશ્નો ઓછા ઝઘડા અને ખુનામરકી કરાવનારા તથા મૂંઝવનારા નથી. કાના, માત્ર, જોડણી, વ્યાકરણ, વિરામચિહ્ન વગેરેની એક પણ ભૂલ ન હોય, અને બહુ સુવાચ્ય અક્ષરે લખાણ લખ્યું હોય, છતાં કાયદો વસ્તુ જ એવી છે કે જેનો અપ્રમાણિક ઉપયોગ કરવાના માર્ગો નીકળી જ આવે છે. કારણ, કાયદાની સ્થાપના દંડશક્તિ પર શ્રદ્ધા રાખનારાઓએ કરેલી હોય છે. અને એ દંડશક્તિ ઉપર પાછું કાયદાની વિધિઓનું નિયમન હોય છે. આથી, એ દંડશક્તિ જેટલે અંશે નબળી નીવડે તેટલે અંશે કાયદો તોડવાના માર્ગો મળી જ આવે છે.

અનેક રીતે એ દંડશક્તિ નબળી નીવડે છે. પણ એ બધી નબળાઈઓનું એકમાત્ર કારણ બતાવવું હોય તો તે શાસિત પ્રજાનું ચારિત્ર છે.

‘કૂવામાં હોય તેટલું હવાડામાં આવે‘ એ કહેવત જાણીતી છે, ‘તેટલું‘ની સાથે ‘તેવું‘ પણ ઉમેરી શકાય. એટલે કે ‘કૂવામાં હોય તેટલું ને તેવું હવાડામાં આવે.’ કૂવા કરતાં હવાડામાં ઓછું આવે એમ બને, અને બને છે જ. તેના કરતાં વધારે ન આવી શકે એ દેખીતું. વળી કૂવાનું પાણી ચોખ્ખું હોય, પણ હવાડામાં બગડે એમ બને; પણ કૂવાનું દૂષિત હોય અને હવાડામાં ચોખ્ખું આવે એમ બને નહીં. માટે કૂવા ઉપરાંત હવાડાની ચોખ્ખાઈ પર ધ્યાન આપવાની જરૂર રહે ખરી, પણ કૂવો ખરાબ હોય અને હવાડો ચોખ્ખો રહે એમ બને નહીં.

હવાડો એ શાસકવર્ગ છે. કૂવો એ સમસ્ત પ્રજા છે. ગમે તેવા કાયદાઓ અને બંધારણો ઘડો. સમસ્ત પ્રજાના ચારિત્ર કરતાં શાસકવર્ગનું ચારિત્ર ઘણું ઊંચું હોય એમ બનવાનું નહીં; અને પ્રજા પોતાના ચારિત્રથી જેટલાં સુખસ્વાતંત્ર્યને લાયક હોય તેથી વધુ સુખસ્વાતંત્ર્ય ભોગવી શકશે નહીં. જે રાજ્યપ્રણાલિકામાં શાસકવર્ગ કેવળ દંડશક્તિ જ મેળવતો નથી, પણ સાથે ધન અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરે છે, તેમાં શાસકવર્ગનું ચારિત્ર પ્રજાના એકંદર ચારિત્ર કરતાં વધારે હીન બને એવી બધી અનુકૂળતાઓ હોય છે, ચારિત્ર ઉન્નત થવાથી અનુકૂળતાઓ હોતી નથી. અને છેવટે શાસકવર્ગ પેદા થાય છે શાસિતોમાંથી જ. એટલે શાસિત પ્રજાના હીનતર ભાગના હાથમાં શાસન રહે એવું ધીમે ધીમે પરિણામ આવે છે. સર્વે પ્રકારની રાજ્યપ્રણાલિકાઓ થોડા વખતમાં સડવા માંડે છે તેનું આ જ કારણ છે.

કૂવા કરતાં હવાડો નાનો હોય એ ખરું. પણ શાસકવર્ગનો હવાડો એટલો નાનો નથી હોતો કે થોડો ઉપરનો ભાગ ચોખ્ખો હોય અને નીચેના ભાગમાં સખત કાયદાની શોધક દવા (ડિસઇન્ફેક્ટન્ટ) નાખીએ તો બધું બરાબર ચાલે. કારણ પ્રજાનાં પ્રત્યક્ષ સુખસ્વાતંત્ર્ય શાસકોના ઉપલા માણસોના હાથમાં નથી હોતાં, પણ નીચેના શાસકોના હાથમાં હોય છે, અને શોધક દવાઓ ગમે તેટલી તીવ્ર હોય, તે ખરાબીનો બહુ થોડો અંશ જ દૂર કરી શકે છે.

આથી, પ્રજાના હિતચિંતકો અને સુજ્ઞોએ તેમ જ પ્રજાએ પણ સમજવું જોઈએ કે સુખસ્વાતંત્ર્યની પ્રાપ્તિ કેવળ રાજકીય બંધારણ અને કાયદાઓની સંભાળપૂર્વક રચના કે ઉદ્યોગો વગેરેની યોજનાઓ દ્વારા સિદ્ધ નથી થવાની, કેવળ શાસકવર્ગમાં થોડા સારા માણસો હોવાથીયે નથી થવાની, પણ સમસ્ત પ્રજાની ચારિત્રવૃદ્ધિ તથા શાસકવર્ગના ઘણા મોટા ભાગની ચારિત્રવૃદ્ધિ દ્વારા જ થશે. સારા કાયદાઓ અને યોજનાઓ મદદ કરી શકે, પણ તે કેવળ સાધન રૂપે; મૂળ કારણ બની શકે નહીં. જો પ્રજાને દુઃખી કરવા માટે તે જ પ્રજાના માણસોની જરૂર પડે એમ હોય તો દુષ્ટમાં દુષ્ટ વિજેતા બળવાન ચારિત્રવાળી પ્રજાને લાંબો વખત સુધી રંજાડી શકે નહીં. અને સુખી કરવા માટેયે તે જ પ્રજાના માણસોની જરૂર રહેતી હોય (અને તે તો હમેશાં રહે જ) તો ધર્માત્મા રાજા અને પ્રધાનમંડળ પણ ચારિત્રશૂન્ય પ્રજાને લાંબો વખત સુધી સુખી રાખી શકશે નહીં.

પણ આપણે તપાસીશું તો જણાશે કે આપણે આથી ઊલટી શ્રદ્ધા પર કામ કરીએ છીએ. આપણે માનીએ છીએ કે સામાન્ય વર્ગ બહુ ભારે ચારિત્રવાન ન હોય, પણ સારા પગારો વગેરે આપી શાસકવર્ગ માટે તેમાંથી આપણે સારા ચારિત્રવાન માણસો મેળવી શકીએ ખરા, અને તેમની મારફતે જનહિતની યોજનાઓ તથા કાયદાઓ ઘડી પ્રજાને સુખી કરી શકીએ. આ મેલા પાણીમાં થોડું ચોખ્ખું પાણી મેળવી બધુ પાણી સારું કરી શકાય એના જેવી શ્રદ્ધા છે. આમ બની તો શકતું નથી પણ સર્વત્ર પ્રચલિત આ શ્રદ્ધાનું પરિણામ એ આવે છે કે શાસિત વર્ગ પોતાની બધી સુખસગવડો માટે રાજ્ય તરફ જ જુએ છે, ખામીઓ માટે તેનો જ વાંક કાઢે છે અને જુદા જુદા પક્ષોની ચળવળોના તથા તોફાન કરાવનારાઓના શિકાર બને છે. જાણે ચૂંટણીઓ અને સરઘસો, પરિષદો, સમિતિઓ, ભાષણો, હડતાળો અને રમખાણો જ પ્રજાકીય શાસનનાં અંગો હોય. આટલું છતાં પ્રજાઓમાં વ્યવસ્થિત જીવન ચાલે છે તેનું કારણ રાજ્યના કાયદા કે વ્યવસ્થાશક્તિ નથી, પણ આ બધી ધાંધલો છતાં પ્રજાના મધ્યમ વર્ગોમાં રહેલી નૈસર્ગિક વ્યવસ્થાપ્રિયતા અને શાંતિપ્રયતા છે.