સમૂળી ક્રાન્તિ/13. એકતા અને વિવિધતા

13. એકતા અને વિવિધતા

ભાષા, લિપિ, વેશ, વંશ–વારસો–વિવાહ–મિલકત વગેરેના નિયમો, શિષ્ટાચાર–સદાચાર–માન–પૂજા–સત્કાર વગેરેની રૂઢિઓ, ઘર–ગલી–ગ્રામ–સભામંડપ આદિની રચના, આસન–ભોજન–સ્નાન વગેરેના રિવાજો ઇત્યાદિ એકતા અને વિવિધતાનો ક્યાં અને કેમ વિવેક કરવો તેનો વિચાર કરવાની જરૂર ઊભી કરે છે.

જગતમાં વિવિધતાઓ તો રહેશે. બધે બધું સોળ આની એકસરખું કરી ન શકાય, એ બરાબર છે. કેટલીક વિવિધતાઓ કુદરત–નિર્મત છે. જુદાં જુદાં સ્થાનોની જુદી જુદી આબોહવા, નૈસર્ગિક સંપત્તિ, સગવડ–અગવડ વગેરેને લીધે વિવિધતા પેદા થાય છે. એને લીધે ખાન–પાન, વેશ–ઘર–ગામ વગેરેની રચના, ધંધા વગેરેની વિશિષ્ટતાઓ, શિષ્ટાચાર–સદાચારની કેટલીક રૂઢિઓમાં ફરક પડે છે અને રાખવો પડે છે.

કેટલીક વિવિધતાઓ સંપર્કના અભાવથી નિર્માણ થાય છે અને કેટલીક નવા સંપર્કોથી થાય છે. મૂળ એક જ ભાષા, રિવાજ વગેરેને અનુસરનારા એકબીજાથી બહુ દૂર વસે અને પરસ્પર સંપર્ક છૂટી જાય, તો તેમની મૂળની એક જ ભાષા (ઉચ્ચારણ), લિપિ, વેશ, રૂઢિ વગેરે પણ ધીમે ધીમે બદલાઈ જઈ તદ્દન જુદી હોય એવી બની જાય છે. રેલવે વગેરે પ્રવાસની સગવડને લીધે હવે એવો સંપર્ક પહેલાં કરતાં ઓછો તૂટે છે. તેને અભાવે ‘બાર ગાઉએ બોલી બદલાય‘ એવું થતું અને કેવળ બોલી જ નહીં પણ પાઘડી અને જોડાના આકાર પણ બદલાતા, અને લગ્નની રૂઢિઓ પણ જુદી પડતી.

કેટલીક વાર એક જ જનવિભાગનો એક અંશ એક પ્રકારના લોકોના સંપર્કમાં આવે અને બીજો અંશ બીજા પ્રકારના લોકોના, ત્યારે પણ વિવિધતા ઉત્પન્ન થાય છે.

કેટલીક વાર જાણ્યેઅજાણ્યે ફરક થઈ જાય છે, અને તે ફરકો કાયમના બની જાય છે, અને જેમણે તે નથી કર્યો હોતો તેઓ જુદા પડી જાય છે.

આમ પ્રકૃતિ, દેશ, કાળ, ક્રિયા, સંગ, દીક્ષા, શિક્ષા, નિત્ય–નૈમિત્તિક પ્રસંગો, સગવડ–અગવડ વગેરેથી વિવિધતાઓ ઉત્પન્ન થયા કરવાની.

પણ એ વિવિધતાઓ ઉત્પન્ન થાય માટે એ સૌને રાખવી જ જોઈએ, એને ટાળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, ફરીથી એકતા લાવવા ન મથવું જોઈએ, એ વિવિધતાઓમાં જ પોતાની અસ્મિતા અને અભિમાન ભરી દેવાં જોઈએ, અને વિવિધતામાં જ એકતા જોવી જોઈએ – એ એક ભૂલ છે. વિવિધતાનાં કારણોને તપાસ્યા વિના એક જ સંચામાં બનેલા માલની જેમ બળાત્કારે એકતા નિર્માણ કરવા પ્રયત્ન કરવો એ બીજી જાતની ભૂલ છે.

પ્રકૃતિના ભેદો (જેમ કે, સ્ત્રી–પુરુષના, ચામડીના રંગના), કુદરતના ભેદો (જેમ કે, લાલ, કાળી, ધોળી, પહાડી, મેદાની, રણ વગેરેની જમીનના સમુદ્રકિનારેથી ઊંચાઈના, રેખાંશ–અક્ષાંશના, તથા જુદી જુદી ઋતુઓના), પરિસ્થિતિના ભેદો (જેમ કે, શાંતિકાળના, યુદ્ધકાળના, સુકાળ–દુકાળના, ઉંમરના, માતાપિતાના, ભાવ–અભાવના વગેરે), જે વિવિધતા નિર્માણ કરે છે તે ઓછીવત્તી અનિવાર્ય છે. એ કારણે ઉત્પન્ન થતા પ્રજાઓના જીવનધારણના ભેદો સહન કરવા જોઈએ, અને તે રાખ્યા છતાં તેમની વચ્ચે સુસંબંધો ઉત્પન્ન થવા જોઈએ.

પણ શિક્ષા–દીક્ષાના ભેદોથી ઉત્પન્ન થયેલા ભેદો અને ઉપરના ભેદો જે જગ્યા કે કાળમાં અનિવાર્ય છે તેથી જુદી જગ્યા કે કાળમાં તેભેદો પ્રત્યેની દૃષ્ટિ અનિવાર્યપણાની ન હોવી જોઈએ. ગુજરાતનો માણસ બંગાળમાં જઈને વસે તો તેણે પોતાની સાથે ગુજરાતનાં ભાષા, લિપિ, વેશ, રીતરિવાજો, વંશ–વારસાના અધિકાર, લગ્નાદિકની વિધિઓ, આદર–સત્કાર–પૂજા વગેરેની પદ્ધતિઓને લઈ જઈ તે કાયમ રાખવાનો આગ્રહ કરવો કે અધિકાર માગવો યોગ્ય નથી. જુદા જુદા ધર્મના લોકોમાં, પોતાની ધર્મવિધિઓમાં (એટલે દેવપૂજા તથા પ્રાર્થના વગેરેમાં) ભલે પોતપોતાની માન્યતાનુસાર ફરકો હોય; પણ સામાજિક કાર્યોમાં – જેમ કે સભાઓ, સામાજિક મેળાવડાઓ, લગ્નાદિકમાં સ્વાગત વગેરેમાં – હિંદુઓ એક રીતે સત્કાર શિષ્ટાચાર કરે અને મુસલમાનો જુદી રીતે એમ ન હોવું જોઈએ. પરંતુ એ સ્થાનનો જે બહુજનસમાજનો શિષ્ટાચાર હોય તે જ સૌએ સ્વીકારવો જોઈએ. ‘દેશે તેવો વેશ‘ એ કહેવતમાં ઘણું ડહાપણ છે. પણ વેશનો અર્થ કેવળ કપડાં જ નહીં, પણ ભાષા, લિપિ, વગેરે ઉપર ગણાવેલી બધી બાબતો એ જ કોટિની સમજવી જોઈએ. વિલાયતમાં ચાર દિવસ માટે જ જનાર કે આ દેશમાં થોડા દિવસ માટે જ આવનાર પોતાનો વેશ રાખે એ સમજી શકાય. પણ જો કોઈ હિંદી વિલાયતમાં લાંબો વખત – કહો કે છે મહિના જેટલું – રહેવા ઇચ્છે, અથવા કોઈ યુરોપિયન કે હિંદ બહારનો અહીં તેટલું રહેવા માગે તો સભ્યતા પોતાનો વેશ પકડી રાકવામાં નહીં પણ તે સ્થાનનો વેશ વગેરે પહેરવામાં, ત્યાંની ભાષા બોલવાનો પ્રયત્ન કરવામાં મનાવી જોઈએ. પ્રાન્ત–પ્રાન્ત વચ્ચે તો આમ વિશેષપણે હોવું જોઈએ. પણ કંઈક વિચિત્ર અહંતાને વશ થઈ આપણે જુદે ઠેકાણે વસીનેયે ત્યાંની પ્રજા સાથે ઓતપ્રોત થવાને બદલે પોતાની જૂની રીતોને પકડી રાખીએ છીએ, અને તેમ રાખવાનો હક સમજીએ છીએ. ગુજરાતમાં વસતા સર્વે હિંદુ–મુસલમાન–પારસી–ખ્રિસ્તી–અંગ્રેજ ગુજરાત માટે નિશ્ચિત કરેલો જ વેશ રાખે, ગુજરાતી ભાષા જ અપનાવે, ગુજરાતની લિપિ જ સ્વીકારે એવો નિયમ હોવો જોઈએ, એ વિશેની પ્રાન્તીય વિશેષતા જ કાંઈ ન હોય અને સમગ્ર હિંદમાં સર્વે સરખા જ હોય – ભલે કદાચ એમાં બે–ચાર વિકલ્પો કે પ્રકારો હોય, – તો તે વળી વધારે ઇષ્ટ. સમગ્ર દુનિયામાં એવું કરી શકાતું હોય તોયે તેમાં તત્તવઃ ખોટું નથી. પરંતુ બધાની વચ્ચે પોતાનો જુદો વાડો રાખવાનો આગ્રહ ઇષ્ટ નથી; અને એને કાયદા દ્વારા સ્વીકારવાની માગણી બરાબર નથી. ભાષા, લિપિ, વેશ, વંશ–વારસો, સદાચાર–શિષ્ટાચાર વગેરે તે તે કાળના અને દેશના સમાજની સાર્વજનિક બાબતો છે; તે કોઈ ખાસ ફિરકાની વસ્તુઓ બનાવવી ન ઘટે.

એક બાજુથી આપણે અખંડ હિંદુસ્તાનના હિમાયતી છીએ. કેદ્રીય સત્તા બળવાન હોવી જોઈએ એમ કહીએ છીએ. દેશના ભાગલા પાડયાનો શોક હજુ આપણો ઓસર્યો નથી. બે–રાષ્ટ્ર (નેશન)-સિદ્ધાંતનો વિરોધ જાહેર કરીએ છીએ. અલ્પમતી–બહુમતીનો કોયડો જ નીકળી જવો જોઈએ, સર્વે ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને ભાઈ–ભાઈની જેમ એક થઈ જાય એવું ઇચ્છીએ છીએ. ન્યાત–જાતના ભેદો તોડવાનોયે પ્રચાર કરીએ છીએ. સમાજવાદનોયે આદર્શ જાહેર કરીએ છીએ.

બીજી બાજુથી આપણી પ્રવૃત્તિઓ એવી રીતે કામ કરે છે કે જાણે આપણા મનમાં ડર પેઠો હોય કે આખું હિંદુસ્તાન એક થઈ જશે, કેદ્રીય સત્તા મજબૂત હશે, ન્યાત–જાત તૂટી ગઈ હશે, તો પછી આપણું વ્યક્તિત્વ શું રહેશે? આપણે ‘હું‘ અથવા અમારું મંડળ પણ કાંઈક છે એવી અસ્મિતા કેમ જાળવી શકશું? તેથી આપણે પ્રાન્તીય ભેદો પર અને તેને સ્થિર કરવા તથા વધારવા પર જોર દઈ રહ્યા છીએ. તામિલો અને તેલુગુઓ દુનિયાના બીજા સૌ લોકો સાથે રહી શકે, અને કામ કરી શકે, પણ એ બે એકબીજા સાથે રહે અને કામ કરે એ અશક્ય! એ બેએ જુદા પડયે જ છૂટકો. એવો જ સંઘર્ષ બંગાળી–બિહારીનો, કલકત્તામાં મારવાડી–બંગાળીનો, મધ્યપ્રાન્તમાં હિંદી–મહારાષ્ટ્રીનો, મુંબઈમાં ગુજરાતી–મરાઠી–કાનડીનો!

રાજતંત્રની સગવડ, ભાષાની સગવડ વગેરેની દૃષ્ટિએ ભાષાવાર વિદ્યાપીઠોની સ્થાપના કે પ્રાન્તીય વહીવટના ભાગ પાડવા એ એક વસ્તુ છે. પણ એક ભાષાવાળાને બીજી ભાષાવાળા સાથે બને નહીં, બે વચ્ચે ઈર્ષા બંધાય, અને જીવનના નાનામોટા એકેએક ભાગમાં ભાષાનો ભેદ ગાય–ભેંસ વચ્ચેના ભેદ કરતાંયે વધારે મહત્ત્વનો બની જાય એ આપણી તડા–પ્રિયતાનું જ ચિહ્ન છે એમ સમજવું જોઈએ.

એક બાજુથી આપણે સંયુક્ત મતદારમંડળોનો અને તેમાં નાછૂટકે જ કોઈને માટે ખાસ જગ્યાઓ રાખવાનો કાયદો ઘડીએ છીએ, નોકરીમાં પણ એ જ નીતિની હિમાયત કરીએ છીએ. બીજી બાજુથી આપણે કાયદા બહાર એથીયે વધારે મજબૂત તડાં – રૂઢિઓ (conventions) સ્થાપવા પ્રયત્ન કરીએ છીએ. ચૂંટણીઓમાં ઉમેદવારો ઊભા કરવામાં, પ્રધાનમંડળ, ચૂંટવામાં, તેમના મંત્રીઓ ચૂંટવામાં, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગીમાં, કમિટીઓની નિયુક્તિઓમાં – ક્યાંયે કેવળ લાયકાત માટે પસંદગી કરી શકાતી જ નથી. બલકે એ ગૌણ બની જાય છે. બ્રાહ્મણ, અબ્રાહ્મણ, હરિજન, આદિવાસી, પછાતવર્ગ, પારસી, ખ્રિસ્તી, મુસલમાન, ગુજરાતી, મહારાષ્ટ્રી, કાનડી, નાગપુરી, વૈદર્ભી, બંગાળી, બિહારી, સ્ત્રી, પુરુષ વગેરેનાં યથાયોગ્ય પ્રમાણ જાળવવાં એ જ મહત્ત્વનું બને છે. અને એ તૂત એટલું વધતું જાય છે કે હરિજન છે પણ ભંગી નથી, માંગ નથી; પછાત કોમનો છે પણ વણકર નથી, તેલી નથી; મુસલમાન છે પણ શિયા નથી; ખ્રિસ્તી છે પણ અýગ્લો–ઇંડિયન નથી; વગેરે વગેરે ફરિયાદો કરતાંયે સંકોચ થતો નથી. અને, તે ફરિયાદોને વખોડી કાઢવાની હિંમત પણ થતી નથી, કારણ કે આગેવાનોના પોતાના દિલમાંથી એ દૃષ્ટિ નાબૂદ થતી નથી.

હિંદી–ઉર્દૂ–હિંદુસ્તાની ભાષા અને લિપિ વગેરેના ઝઘડા, કોમી ઝઘડા, પ્રાન્તીય ઈર્ષા વગેરે સર્વેના મૂળમાં એક જ વસ્તુ છે. આપણા દિલની ક્રાન્તિ થઈ નથી; આપણી સંકુચિત અસ્મિતાઓ આપણે છોડી શકતા નથી, તેથી નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જવું એ તરફ જ આપણો પુરુષાર્થ વારંવાર ગતિ કર્યા કરે છે.

19-9-’47