સમૂળી ક્રાન્તિ/5. બીજું પ્રતિપાદન

5. બીજું પ્રતિપાદન

‘ન કો શાસ્ત્રનો વક્તા પરમેશ્વર |

નકીવિવેકનાક્ષેત્રથીપર ||’

પહેલા પ્રતિપાદનને સ્વીકાર્યા પછી બીજાને સ્વીકારવામાં બહુ મુશ્કેલી લાગવી ન જોઈએ. છતાં, થોડો સંભવ છે. કેટલીક વાર મનુષ્યોના મુખમાંથી, અને વિશેષ કરીને પરમેશ્વર-પરાયણ મનુષ્યોના મુખમાંથી, એવાં લોકોત્તર વચનો નીકળી પડે છે કે જે એણે ગોઠવીને કહ્યાં હોય એમ ન કહી શકાય. એવું શી રીતે એને બોલતાં આવડયું તે એ પોતે પણ ન કહી શકે, અને બીજાને પણ આશ્ચર્યકારક લાગે. એને પોતાને તેમ જ એ વચનો સાંભળનારને એમ જ લાગે કે એ વાક્યોનું કર્તાપણું એનું નથી. કોઈ અંતર્યામી જાણે એને બોલાવી રહ્યો છે. એ વાક્યો ઈશ્વરતત્ત્વ વિષે, મનુષ્યોના ધર્મો વિષે, અથવા કોઈ ખાસ પ્રશ્ન વિષે હોય, અને તે સાંભળતાં જ તે કાળના મનુષ્યોની કોઈ ગૂંચ એમાંથી ઊકલતી હોય, તો તે ઈશ્વરનો આદેશ કે ઈશ્વરપ્રેરિત વાણી છે, એમ માનવાનું મન પણ થઈ જાય છે. જો એ કોઈક ભવિષ્યવાણી હોય અને તે બરાબર સાચી પડે તો તેનો ઈશ્વર સાથે સંબંધ જોડતાં વાર નથી લાગતી.

જો ઊંડે ઊતરીને તપાસીએ તો જણાશે કે લોકોત્તર વાણી અથવા પ્રતીતિ ઉપજાવી દે એવું સત્યવચન કેવળ પરમેશ્વર-પરાયણ મનુષ્યોના મુખમાંથી જ નીકળે છે એવું હંમેશાં જોવામાં નથી આવતું. કેટલીક વાર અજ્ઞાન બાળકોનાં મુખમાંથી, કોઈક વાર ગાંડા જેવા માણસોનાં મોંમાંથી, અને કોઈક વાર બેશુદ્ધ થયેલા માણસોનાં મોઢાંમાંથીયે લોકોત્તર સત્યો નીકળી પડે છે. પોતાના ચિત્તની અને વિવેકની શુદ્ધિને માટે સતત પ્રયત્નશીલ, તેમ જ મનુષ્યના કોયડાઓનો તળથી અભ્યાસ કરનાર અને તે વિષે વિચાર કરનાર, પરમેશ્વરના કે તે તે વિદ્યાના ઉપાસક માણસોનાં મોંમાંથી જાણ્યે તેમ જ અજાણ્યે લોકોત્તર સત્ય અભિપ્રાયો વધારે પ્રમાણમાં નીકળે એમાં આશ્ચર્ય નથી. પણ એવી રીતે અપાયેલા અભિપ્રાયોમાં કદી ભૂલ જ નથી થતી, હમેશાં છેવટ સુધી સાચા જ ઠરે છે એવો નિરપવાદ અનુભવ નથી.

માટે અભિપ્રાય આપનાર અથવા ઉદ્ગાર કાઢનાર ગમે તેવી મહાન વ્યક્તિ હોય, તેનું વચન વિવેકની કસોટી વાપર્યા વિના શ્રદ્ધાથી જ સ્વીકારી લેવા જેવું ગણાય નહીં. જે પરમેશ્વરની જ વાણી હોય તેની સત્યતા વિષે સૌ કોઈને સાંભળતાં અથવા અનુભવ લેતાં જ ખાતરી થવી ઘટે. જેને વક્તા વિષે શ્રદ્ધા હોય તેને જ જો તે માનવા યોગ્ય લાગે અને બીજાને દોષરૂપ પણ લાગે, તો તે પરમેશ્વરની વાણી ન જ હોઈ શકે. એ ઈરાદાપૂર્વક વિચારીને બોલાઈ હોય, અજાણ્યે બોલાઈ હોય, કે કોઈક યોગાવસ્થા અથવા ચિત્તની ખાસ પ્રકારની દશામાં બોલાઈ હોય, એને પરમેશ્વરની વાણી સમજવાની જરૂર નથી. બધાં વચનો તે મનુષ્યની બુદ્ધિમાંથી નીકળેલાં કે ભાવનાવશતામાંથી નીકળેલાં જ સમજવાં જોઈએ. અને જેટલે અંશે તે અનુભવ તથા વિવેકની કસોટીમાં ખરાં ઊતરે તેટલે જ અંશે ગ્રાહ્ય સમજવાં જોઈએ.

અલબત્ત, આ વ્યવહારની પાયરી પરથી જ સમજવાનું છે. કેવળ સિદ્ધાંતદૃષ્ટિથી તો એમ પણ કહેવાય કે જે કાંઈ અર્થવાળા કે અર્થ વિનાના, સાચા ઠરનારા કે ખોટા ઠરનારા અવાજો નીકળે છે, તે બધા પરમેશ્વર-પ્રેરિત જ છે. પરમેશ્વર સિવાય કોઈનું કર્તૃત્વ-વક્તૃત્વ છે જ નહીં. પણ આમ સમજીને મનુષ્યોના – જ્ઞાનીઓનાયે – વ્યવહાર થતા નથી, ચાલી શકતા નથી. વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી તારતમ્ય સમજવું જ પડે છે.

કર્મ, વાણી વગેરે માટે જવાબદારી પ્રાણીની કેટલી અને પરમેશ્વરની કેટલી, વગેરેની તત્ત્વચર્ચામાં અહીં પડવાની જરૂર નથી. મનુષ્યોના વ્યવહારો મનુષ્યને જ કર્મ તથા વાણીના કરનાર અને બોલનાર માનીને ચલાવી શકાય એમ હોવાથી, સર્વે કર્મો અને વચનોને પોતપોતાને મળેલી વિવેકબુદ્ધિથી કસીને તપાસવાનો સૌ કોઈનો અધિકાર છે, કર્તવ્ય પણ છે. જ્યાં પોતાની બુદ્ધિ ન ચાલે ત્યાં પોતે જેને પોતાના કરતાં વધારે વિવેકી સમજતો હોય તેના નિર્ણયને આધારે તે ચાલે છે. પણ તેમ ચાલતાં પહેલાં એણે પોતાના વિવેકથી કે પરંપરાગત સંસ્કારથી તે બીજાને વધારે વિવેકી ઠરાવેલો હોય છે. જ્યાં પરંપરાગત સંસ્કારથી જ તેમ બન્યું હોય, ત્યાં કેવળ શ્રદ્ધાનું જ પરિણામ હોવાથી તેને માટે ઉપરનું પ્રતિપાદન ઉપયોગી છે.

જો ઉપરનું પ્રતિપાદન માન્ય થાય, તો એક બીજી પણ બૌદ્ધિક કસરતમાંથી મનુષ્યોનો – ખાસ કરીને પંડિતોનો – છુટકારો થાય. શાસ્ત્રવચનોને ઈશ્વરપ્રણીત માનવામાંથી એ બધામાં એકવાક્યતા બેસાડવાનો પ્રયત્ન થાય છે. જો આ માન્યતામાં ન હોત તો પ્રસ્થાનત્રયી રચવાના ખટાટોપમાં આચાર્યોને પડવું પડયું ન હોત. જુદે જુદે કાળે કદાચ એકબીજાનું નામે ન જાણનાર વિચારકોએ ઉપદેશેલાં ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, ગીતા, પુરાણો, વગેરેમાં એક જ અર્થ, સિદ્ધાંત ઈ# રજૂ કરવાનો આશય છે એમ ઠરાવવા જે તાણાતોડ કરવી પડે છે તે કરવી પડે નહીં. વૈદિક, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્તી વગેરે સર્વે ધર્મોમાં એકાર્થતા બેસાડવાનો પ્રયત્ન કરવાની જરૂર લાગે નહીં. દરેકમાં કેટલુંક સરખું છે, કેટલુંક જુદું છે, કેટલુંક પરસ્પરવિરોધીયે છે. એક જ ધર્મના એક જ શાસ્ત્રમાંયે પરસ્પરવિરોધી વિધાનો મળી શકે છે. કેટલાક વિધિનિષેધો અમુક દેશ-કાળ અને સંસ્કારોના ખ્યાલ રાખીને જ સમજી શકાય એવા છે. આ બધાની એકવાક્યતા કરવાનો પ્રયત્ન નકામી મહેનત છે; અને તે ઉપલા પ્રતિપાદનથી ઊલટી શ્રદ્ધાને લીધે જ ઊભી થાય છે. માટે,

ન કો શાસ્ત્રનો વક્તા પરમેશ્વર;

ન કો વિવેકના ક્ષેત્રથી પર.

14-8-’47