સરળ અલંકાર-વિવેચન/અલંકારોનું સામાન્ય વર્ગીકરણ

અલંકારોનું સામાન્ય વર્ગીકરણ

અલંકારોના બે મુખ્ય પ્રકાર જાણીતા છે—શબ્દાલંકાર ને અર્થાલંકાર. આપણે શબ્દાલંકારની ચર્ચા અહીં ન કરતાં વિવિધ અર્થાલંકારોનું વર્ગીકરણ કરવા પ્રયત્ન કરીશું. અલબત્ત આ પૃથક્કરણ કે વર્ગીકરણ કેવળ સ્ફુટતા કે સરળતા અર્થે જ કરેલું છે; તેથી અલંકારોના અહીં કરવામાં આવેલા વિભાગોને બહુ જડતાથી વળગી રહેવું યોગ્ય નથી. ઘણીવાર અલંકારના મૂળમાં એક કરતાં વધુ પ્રવર્તક અંશો રહેલા જણાશે, જો કે સામાન્ય રીતે ઘણા ખરા અલંકારોની ઉત્પત્તિ સામ્યભાવમાંથી થએલી છે. છતાં જ્યાં સરખામણી નહિ પણ તેથી વિરુદ્ધનો ભાવ-વિરોધભાવ વિવક્ષિત છે, તેવા અલંકારો પણ આપણને જોવા મળે છે. તો કેટલાક અલંકારમાં કવિત્વયુક્ત કાર્યકારણભાવ રહ્યો હોય એમ પણ દેખાય છે. આમ અલંકારોનાં વિવિધ જૂથો કે કુલો આપણને જોવા મળે છે. પણ આ વિભાગોને જડતાથી કે સંકુચિતતાથી અનુસરવામાં ગેરસમજ કે ભ્રાંતિ થવાનો સંભવ છે. એકની એક વસ્તુ જુદા જુદા દૃષ્ટિકોણથી જોવાતાં તેનાં જેમ જુદાં જુદાં રૂપ દેખાય છે, તેવું કેટલાક અલંકારોના વિષયમાં બનવું સ્વાભાવિક છે. જેમકે વિરોધ, અસંગતિ, જેવા અલંકારમાં વિરોધનું તત્ત્વ તો રહેલું છે, પણ તે વિરોધના મૂળમાં કાર્યકારણભાવ જ્યાં રહેલો હોય ત્યાં તેવા અલંકારોને આપણે કારણમૂલક અલંકારો પણ કહી શકીએ. એ જ રીતે જોઈએ તો ઉપમા, વ્યતિરેક, પ્રતીપ, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોમાં સામ્યભાવ તો છે જ. પરંતુ તેમાં અત્યુક્તિનો ભાવ પણ રહેલો છે; ને તેથી આવા અલંકારોને અત્યુક્તિમૂલક અલંકારો પણ કહી શકાય. આમ અલંકારના વિભાગ સગવડ ખાતર ને સરળતા ખાતર નીચે પ્રમાણે થઈ શકે. (क) ઔપમ્ય અથવા સાદૃશ્યમૂલક અલંકારો. (ख) વિરોધમૂલક અલંકારો. (ग) અત્યુક્તિપ્રધાન અલંકારો. (घ) કારણમૂલક અલંકારો. (ड) ઉક્તિવૈચિત્ર્યવાળા અલંકારો તેમજ જે આમાંથી કાઈ પણ વર્ગમાં સહેલાઈથી નથી આવતા તેવા (च) પરચૂરણ અલંકારો. (क) ઔપમ્યમૂલક અથવા સાદૃશ્યમૂલક અલંકારો નીચે પ્રમાણે ગણાવી શકાય : (૧) ઉપમા (૨) રૂપક (૩) ઉત્પ્રેક્ષા (૪) અપહ્નુતિ (૫) ઉપમેયોપમા (૬) અનન્વય (૭) દૃષ્ટાન્ત (૮) પ્રતિવસ્તતૂપમા (૯) નિદર્શના (૧૦) અપ્રસ્તુતપ્રશંસા (૧૧) સમાસોક્તિ (૧૨) સ્મરણ (૧૩) ભ્રાન્તિમાન (૧૪) સસંદેહ (૧૫) વ્યતિરેક (૧૬) પ્રતીપ (૧૭) અતિશયોક્તિ (૧૮) સાર અને (૧૯) વિનોક્તિ. (ख) વિરોધમૂલક અલંકારોના કુળમાં નીચે મુજબ અલંકારોને સમાવેશ કરી શકાય : (૧) શ્ર્લેષ (૨) વિરોધ (૩) વિભાવના (૪) વિશેષોક્તિ (૫) વિષમ ને (૬) અસંગતિ. (ग) અત્યુક્તિપ્રધાન અલંકારોમાં ઘણા ઔપમ્યમૂલક અલંકારો પણ ગણાવી શકાય. જેમકે—(૧) ઉપમા (૨) રૂપક (૩) ઉત્પ્રેક્ષા (૪) અપહ્નુતિ (૫) સસંદેહ (૬) વ્યતિરેક (૭) પ્રતીપ (૮) અતિશયોક્તિ (૯) ભ્રાન્તિમાન. (घ) જેમાં કાર્યકારણ–ભાવ રહેલો છે તેવા અલંકારો નીચે પ્રમાણે ગણાવી શકાય : (૧) વિભાવના (૨) વિશેષોક્તિ (૩) અતિશયોક્તિ (૪) કારણમાલા (૫) અસંગતિ (૬) સમાધિ (૭) વિષમ. અલબત્ત આ કાર્યકારણભાવ કેવળ શુષ્ક તર્કબદ્ધ હોતો નથી. કારણ ને કાર્ય પણ અહીં તો અત્યંત કવિત્વયુક્ત હોય છે, એ ખાસ ખ્યાલમાં રાખવાનું છે. (ड) ઉક્તિવૈચિત્ર્યવાળા અલંકારોમાં ઉક્તિનું એક જાતનું વૈચિત્ર્ય-વિશિષ્ટ ચારુતા રહેલી છે. એથી વિશેષ એમાં અલંકારતત્ત્વ છે નહિ. છતાં વાણીની આ પ્રકારની ભંગીઓમાંથી કેટલીકને અહીં અલંકારોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તે પરથી જણાશે કે કોઈ સ્ફુટ અલંકાર ન હોય છતાં યે રજુઆતની રીતિ જ આકર્ષક હોય તો તેમાં કાવ્યગુણ આવી શકે. ઉદાહરણ તરીકે સ્વભાવોક્તિમાં અલંકાર જેવું કશું જ હોતું નથી. કોઈ પણ અલંકાર ન હોય તો જ સ્વભાવોક્તિ સંભવી શકે; ને છતાં સ્વભાવોક્તિને અલંકાર ગણવામાં આવ્યો એ દર્શાવે છે કે સાવ સ્વાભાવિક, સાદી પણ ચિત્રાત્મક વાણી કાવ્ય માટે ઘણીવાર સાર્થક નીવડી શકે. આ પ્રકારના અલંકારો નીચે પ્રમાણે છે : (૧) સહોક્તિ (૨) વિનોક્તિ (૩) સ્વભાવોક્તિ (૪) વ્યાજસ્તુતિ (૫) વ્યાજોક્તિ (૬) પરિસંખ્યા (૭) ઉદાત્ત (૮) પરિકર (૯) આક્ષેપ અને (૧૦) અન્યોન્ય. (च) પરચૂરણ અલંકારોમાં (૧) અર્થાન્તરન્યાસ (૨) તદ્દગુણ (૩) સંકર (૪) સંસૃષ્ટિ વગેરે ગણાવી શકાય. પરચૂરણ અલંકારોના વિભાગમાં આ ઉપરાંત બીજા ઘણા અલંકારો ગણાવી શકાય; પરંતુ ગુજરાતી ભાષામાં જે અલંકારોનો પ્રયોગ સામાન્ય રીતે જોવામાં આવે છે તેવા અલંકારોની જ ચર્ચા આ પુસ્તિકામાં કરવાનો આશય રાખ્યો હોવાથી, બીજા ઘણા અલંકારોનો સમાવેશ વિવિધ વિભાગોમાં જાણીને જ કર્યો નથી.