સરળ અલંકાર-વિવેચન/કારણમાલા

(ग) અત્યુક્તિપ્રધાન અલંકારો :

આ બધા અલંકારો આગળ ઔપમ્યમૂલક અલંકારોમાં આવી ગયા છે, તેથી અહીં તેની ચર્ચા અસ્થાને છે. આ વર્ગના બધા અલંકારોમાં અત્યુક્તિનો અંશ રહેલો છે ને તેથી જ તુલના શક્ય બને છે, ઉપમેયનું ઉપમાન કરતાં ચઢિયાતાપણું શક્ય બને છે, તેમ જ સંદેહ તથા ભ્રાંતિ ઉદ્ભવે છે તે જણાશે. વસ્તુતઃ સંદેહ કે ભ્રાંતિ ઊભા થવાનું કારણ નથી; પરંતુ બે વસ્તુ વચ્ચેનું અત્યંત સામ્ય આ રીતે સંદેહ કે ભ્રાંતિ ઊપજાવે છે. આ અતિ-સામ્યમાં જ અતિશયતા રહેલી છે–ભેદ સાવ ઓગળી જતો અહીં બતાડવામાં આવે છે માટે.

(घ) કાર્યકારણભાવમૂલક અલંકારો :

આ પ્રકારના અલંકારોમાં આપણે વિભાવના, વિશેષોક્તિ, અતિશયોક્તિ, અસંગતિ ને વિષમ જોઈ ગયા છીએ. તેથી અહીં (૧) કારણમાલા (૨) અને સમાધિ એ બે અલંકારો જોવાના રહે છે.

(૧) કારણમાલા :

આ પણ સ્વતંત્ર અલંકાર કરતાં એક જાતનું ઉક્તિનું વૈચિત્ર્ય જ ધરાવે છે. જ્યારે એક પછી એક રજૂ થતા પદાર્થો કે વસ્તુઓ કારણરૂપે રજૂ કરવામાં આવે, જેમકે પહેલું બીજાનું કારણ બને, બીજું ત્રીજાનું, ત્રીજું ચોથાનું, ચોથું પાંચમાંનું, એમ કારણની એક પરંપરા-માળારૂપે-ગુંથાય, ત્યારે આ અલંકાર બને છે. અહીં ખ્યાલમાં રાખવાનું એટલું જ કે આ કારણ કે કારણો તર્કની દૃષ્ટિથી જોઈએ તો શુદ્ધ કાર્યકારણ—ભાવથી સંકળાયેલાં હોતાં નથી. પણ કવિ તે એવી રીતે પ્રયોજે છે કે તેનું કથન બળવાન બને છે ને એ રીતે નિરૂપણમાં અસરકારકતા આવે છે. ઘણાં સંસ્કૃત સુભાષિતો આ પ્રકારનાં છે :

વિદ્યા વિનયને લાવે, વિનયે પાત્રતા મળે,
પાત્રતાથી મળે વિત્ત, ધર્મ તેથી, પછી સુખ.

‘મૃચ્છકટિક’માંથી નીચેનું ઉદાહરણ જુઓ : દારિદ્ર્યથી માણસ લજ્જા પામે છે. લજ્જાથી નિસ્તેજ બને છે, નિસ્તેજ થવાથી પરિભવ પામે છે, પરિભવ થવાથી નિર્વેદ, નિર્વેદથી શોક, શોકથી બુદ્ધિમંદતા, ને બુદ્ધિમંદતાથી ક્ષય-વિનાશ પામે છે. અહો! નિર્ધનતા જ બધી આપત્તિનું આસ્પદ છે! ગીતાનો દાખલો તો ખૂબ જાણીતો છે :

ઝંખે જે વિષયો તેને સંગ તેનો જ ઊપજે;
સંગથી કામના જન્મે, કામથી ક્રોધ જન્મતો,
ક્રોધથી થાય સંમોહ, સંમોહે સ્મૃતિવિભ્રમ,
સ્મૃતિભ્રંશે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ જ.

એવું જ ઉદાહરણ ‘સરસ્વતીચંદ્ર’માંથી પણ મળશે : ...અથવા શું આ સ્વપ્ન હતું ? આ શો સંનિપાત ! અધમ સંગતિ થવા દીધી તો અધમ કલ્પના થવા વખત આવ્યો. કલ્પનામાંથી અધમ મનોવિકાર થયો. મનના જ વિકારમાંથી શરીરને વિકાર થયો. અથવા તો, રાત્રિથી વાદળ, વાદળથી ચંદ્ર, ચંદ્રથી આકાશ ને આકાશથી સૃષ્ટિ શોભે છે.