સરળ અલંકાર-વિવેચન/નિવેદન

નિવેદન

આપણું સંસ્કૃત કાવ્યશાસ્ત્ર-તેમ જ તેનું એક અંગ અલંકારશાસ્ત્ર-જગતના સાહિત્યવિવેચનમાં વિશિષ્ટ ગણાય તેવું છે. ગુજરાતના વિદ્વાનોએ આ અલંકારશાસ્ત્ર વિશે સારી ચર્ચા કરી છે. પરંતુ આપણે ત્યાં એ વિષયનો સળંગસૂત્ર પ્રમાણભૂત ગ્રંથ લખાવો હજી બાકી છે. આ પ્રયત્ન એ દૃષ્ટિએ નથી થયો એમ કહેવાની પણ ભાગ્યે જ જરૂર હોય. કૉલેજમાં, વિનયનનાં પ્રથમ બે વર્ષમાં અલંકારનો અભ્યાસ આપણા પાઠ્યક્રમમાં આવશ્યક ગણાયો છે એ દૃષ્ટિએ, તથા બી. એ.ના વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની દૃષ્ટિએ આ પુસ્તિકા લખાઈ છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ગણાવેલા ઘણા અલંકારો અહીં નહિ દેખાય; આ પુસ્તિકાનું પ્રયોજન વિદ્યાર્થીઓને ને તેમની કક્ષાને અનુલક્ષીને એટલું મર્યાદિત બનાવવું પડ્યું છે, તે ખુલાસારૂપે કહેવું પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓને અલંકારચર્ચામાં રસ પડે, સાચી સમજ પ્રાપ્ત થાય ને કવિતા વિશેની તેમની દૃષ્ટિ શુદ્ધ ને સમતોલ બને એ હેતુથી કરેલો આ પ્રયત્ન, આશા છે કે સાવ વ્યર્થ નહિ જાય. જેમની કૃતિઓમાંથી ઉદાહરણો લીધાં છે તેમનો સૌનો તથા પુરોગામી કવિતા-વિવેચકોનો ઋણસ્વીકાર કરું છું. આ પુસ્તિકાના પ્રકાશન માટે સહૃદય મિત્ર જેવા શ્રી. નટવરલાલ ગાંધીનો પણ આભારી છું.

– ઉપેન્દ્ર પંડયા.