સરળ અલંકાર-વિવેચન/સંકર

(૩) સંકર :

સંકર ને સંસૃષ્ટિ અલંકારો ખરું જોતાં સ્વતંત્ર અલંકારો નથી; પણ જ્યારે એક કરતાં વધુ અલંકાર ભેગા થાય ત્યારે સંકર કે સંસૃષ્ટિ બને છે. કવિનું ચિત્ત, તેની અનુભૂતિને આકાર આપવા, કલ્પનાથી જ્યારે પ્રદીપ્ત બનીને પ્રેરાતું હોય છે, ત્યારે અલંકારો એક-પછી એક જ નહિ, ઘણીવાર એકી સાથે, ધસતા, ઊડતા આવે છે; ને ત્યારે, આમ અલંકારોનો સમન્વય પણ થઈ જાય છે. કવિની રચનામાં આવતા આ અલંકારો એકબીજામાં દૂધમાં કેસર ને સાકર ભળે તેમ ભળીને એકરૂપ થઈ જાય, નીરક્ષીરભાવે એવા એકાકાર થઈ જાય કે એકબીજાને અન્યોન્યથી જુદા ન પાડી શકાય, જુદા પાડવા જઈએ તો આખી રચના દૂષિત કે ખંડિત થઈ જાય, ત્યારે તે સંકર કહેવાય છે. થોડાં ઉદાહરણો જોઈએ : તદ્ગુણ અલંકારમાં આગળ આપેલું શૂદ્રક રાજાવાળું પહેલું જ ઉદાહરણ જુઓ. અહીં કવિએ રાજા શૂદ્રક વર્ષાઋતુનો દિવસ હોય એવી કલ્પના–ઉત્પ્રેક્ષા કરી છે. આ ઉત્પ્રેક્ષા સ્વતંત્રરીતે-તદ્ગુણ અલંકાર વિના–અસંભવિત છે, તે જણાશે: કારણ, શૂદ્રક રાજા સુવર્ણ જેવા રંગનો હોવા છતાં, વર્ષાઋતુના દિવસ જેવો શી રીતે બને ? તેથી કવિ તદ્ગુણ દ્વારા આ સિદ્ધ કરે છે. રત્નાભૂષણોની આભાથી રાજાનો રંગ પલટાઈ ગયો ને તેના અવયવો છુપાઈ ગયા, માટે તે વર્ષાઋતુના દિવસ જેવો જણાતો હતો! આમ અહીં તદ્ગુણ અને ઉત્પ્રેક્ષાનો સંકર છે. તદ્ગુણ અલંકાર અહીં પ્રધાનપદે છે, તે પણ જણાશે. હવે આ ઉદાહરણ જુઓ :

અરધી પરધી મ્હોરી હતી આયુષ્ય—વેલડી,
પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી.

(નિશીથ)

અહીં ‘આયુષ્ય—વેલડી’માં આયુષ્યરૂપી વેલી, એમ રૂપક રહેલું છે; એ વેલ પર હિમ પડ્યાનું કવિ કહે છે. વેલ પર હિમ પડ્યાનું સમજાય છે, પણ આયુષ્યરૂપી વેલ પર પડનારું હિમ કયું? દર્દ, વ્યાધિ અથવા મૃત્યુ જ અહીં હિમ ગણવાનું છે; ને અહીં આમ ઉપમેયરૂપ વ્યાધિ કે મૃત્યુનો લોપ થવાથી ‘હિમ’માં અતિશયોક્તિ રહેલી છે. હવે વેલી ને હિમનો પરસ્પર સંબંધ છે. અહીં તે કવિને અનિવાર્ય પણ છે, પણ અંગાંગિભાવ ધરાવતા આ અલંકારમાં રૂપકને મુખ્ય કરીને તેની સાથે અતિશયોક્તિ જોડાયેલી હોવાથી આ ઉદાહરણ રૂપક-અતિશયોક્તિનો સંકર બને છે. એવું જ સંકરનું આ ઉદાહરણ છે :

હલી શક્યો કે ન ચલી શક્યો હું,
નજીક કે દૂર જઈ શક્યો ન હું,
એ મૂકતા–સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવ-ભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

(વસુધા)

અહીં મૂકતારૂપી સાગરમાં વિમૂઢતારૂપી ખડકની સાથે અફળાતા કોઈ જનને ઉગારવા આવતી હોડી જેવી તું સરી રહી, એમ કવિ કહે છે. પહેલાં બંને અહીં રૂપકો છે, પરસ્પરને અવલંબતાં; તે પછી હોડીની ઉપમા છે, પણ આ ઉપમા આગળનાં બે રૂપકો વગર અસંબદ્ધ બને; તેથી અહીં રૂપકની સાથે ઉપમાનો સંકર છે તે સમજાશે. એવું જ સંકર અલંકારનું સુભગ ઉદાહરણ આ પણ છે :-

ઊંચાં નીચાં સ્તનધડકમાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં ધીમે તલ સમ પડે ઊપડે નાવ મારી.

(ભણકારા)

અહીં રેવામૈયાનાં હલમલતાં સુપ્ત વારિને કોઈ નારીના ઊંચા નીચા થતા સ્તનનું રૂપ આપ્યું છે. પણ અહીં સ્તન કે જે ઉપમાન છે તેના ઉપમેયનો લોપ થયો હોવાથી અતિશયોક્તિ અલંકાર બને છે. હવે બીજી પંક્તિમાં કવિ અનહદ સુંદરતાથી નવું ચિત્ર રજૂ કરતાં કહે છે કે સુંદરી જેમ ઊંઘમાં આછું આછું હાંફતી હોય, અને ઊંચા નીચા શ્વાસ લેતી હોય, ને તે વેળા તેના પડ-ઊપડ થતા સ્તનોની સાથે સ્તન પર રહેલો તલ પણ સહેજ ઊંચો નીચો, નીચો ઊંચો થતો દેખાય, તેમ મારી હોડી રેવાનાં પાણીમાં ઝૂલે છે. અહીં સ્તનની અતિશયોક્તિ વિના તલની ઉપમા હોડી માટે અસંભવિત છે. માટે અહીં અતિશયોક્તિ અને ઉપમાનો સંકર છે તે પ્રતીત થશે. વળી અહીં ત, ડ, વગેરે અક્ષરોના આવર્તનથી અનુપ્રાસ અલંકાર પણ રહેલો છે, તે જણાશે. ઉત્પ્રેક્ષા અને ઉપમાનો તથા રૂપક અને ઉત્પ્રેક્ષાનો સુંદર રીતે સંકરરૂપે કેવો યોગ નીચેની પંક્તિઓમાં થયો છે! —

પૂર્ણ ગ્રીષ્મ સમો જાણે અક્કેક દિન ચૈત્રનો
તપી આખી ઋતુ સંધ્યા ફળંતી આમ્રસાખશી !

(પ્રસૂન)

*

જગસકલની ત્રાંબાકુંડી ભરી તસુ યે તસુ
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી !

(પરિક્રમા)