સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૧


પ્રકરણ ૨૧ : ઊગરેલી કુમુદનો અંતર્દાહ

સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ રમણીય રહેતો. એ સુંદર સંગમ આગળ વચ્ચોવચ્ચ આઠ માસ એક નાનો-સરખો રેતીનો બેટ બની રહેતો; તેની બે પાસ સાગર-સરિતાનો સંગમ નિરંતર થયાં કરતો ને ત્યાં આગળ એ સંગમથી રૂપાની ઘંટડીઓ જેવો-કુમુદસુંદરીના સ્વર જેવો – ઝીણો સ્વર મચી રહેતો હતો. ચાતુર્માસમાં નદીના પૂરને પ્રસંગે ત્યાં ત્રણ ત્રણ માથાં પાણી ભરાતું. ‘બેટ’ને મધ્ય ભાગે એક ઊંચો છોબન્ધી ઓટલો હતો, તે ઉપર ઝીણી ધજાવાળો વાંસ દાટેલો હતો, વાંસને નીચલે ભાગે એક ભગવા ખાદીના કપડાની રાવટી જેવું હતું. તેમાં કોરી ઋતુમાં એક બાવી રહેતી અને એક નાના પથરા ઉપર માતાની મૂર્તિ કોતરી સિન્દૂર આદિથી પૂજતી હતી. સુરગ્રામની વસ્તી એને બેટનાં માતાને નામે ઓળખતી. ગામના લોક યાત્રાને દિવસે, રવિવારે અને બીજા દિવસોએ સવાર-સાંજ માતાનાં દર્શન નિમિત્તે આ સ્થળે આવતા અને સૃષ્ટિની રમણીયતાને પવિત્ર ધર્મસંસ્કારો દ્વારા ભોગવતા.

માતાની બાવી યુવાવસ્થાના પૂરમાં હતી, પણ વૈરાગ્યની સુંદરતા તેના મનમાં રમી રહી હતી. જે દિવસે કુમુદસુંદરી તણાઈ તે દિવસે સુંદર સ્વરથી બાવી ગાતી હતી અને ઓટલા આસપાસ ગામની સ્ત્રીઓ તે ઝીલતી ગરબે ફરતી હતી.

‘મા સુંદરગિરિથી ઊતર્યાં, બિરદાળી મા,
મા નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે મા.
આ પ્રાત:કાળે આભલાં, બિરદાળી મા,
તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે મા.
આ સૂરજ સન્મુખ લટકતો, બિરદાળી મા,
મા સામી આરસી સ્હાય, ઝાંઝર વાગે મા.
આ ચકવા ચકવી હંસલા બિરદાળી મા,
આ સાયર પાસે નાચતી, બિરદાળી મા,
મા નદીમાં આવી ન્હાય, ઝાંઝર વાગે મા.
અમ સમી સૌ ન્હાની બાળકી, બિરદાળી મા,
એને હઇયે વસતી માત, ઝાંઝર વાગે મા.
આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બિરદાળી મા,
મુજ કાળજડામાં માંય, ઝાંઝર વાગે મા.’

એક બ્રાહ્મણી ગાતી ગાતી નદીના મૂળ સામું જોતી હતી તે વચ્ચે બોલી ઊઠી : ‘માતા! આ આઘે શું દેખાય છે?' બાવીએ નાકે આંગળી મૂકી તેને ચૂપ કરી અને ગરબો વધ્યો ને બદલાયો. ગરબો આગળ વધ્યો ત્યાં સમુદ્રની ભરતી વધતી વધતી માતાના ઓટલા સુધી આવી, એટલે નીચે ગરબો ઝીલનારીઓને પગે પાણીની છોળ વાગી અને સૌ ગરબો બંધ કરી ઓટલા ઉપર ચઢી ગયાં. ત્યાં પૂર્વ ભાગમાંથી આવી કાંઈક લાંબી વસ્તુ ઓટલે અથડાઈ અને ભરતીના બળથી પાછી નદીમાં ધકેલાઈ. સમુદ્રનું કોઈ ચમત્કારી માછલું હોય એવું સૌને લાગ્યું. એટલામાં લાંબી ઝીણી દૃષ્ટિ કરનારી બ્રાહ્મણી બોલી : ‘માજી, કહો ન કહો પણ એ માછલું નથી, કોઈ છોકરીનું મડદું છે.’ સ્વર નીકળતામાં એક ગોવાળિયણ કચ્છ મારી પાણીમાં કૂદી પડી. એની પાછળ બીજી બેત્રણ સ્ત્રીઓ તરતી તરતી તરનાર વસ્તુ ભણી વેગભરી વહી ગઈ. ‘ઈશ્વર, એને ઉગારો.’ એક બાઈ બોલી. હા, આ તરતાં તરતાં સૌ આવ્યાં.’ બાવી બોલી. સમુદ્ર વચ્ચે ડોકિયાં કરી ઊભેલા ખડકોનાં શિખરોનાં વચાળાંમાંથી વચલે ભાગે ઊભેલી સુંદર નાજુક લીલોતરી દેખાઈ આવે તેમ આ સ્ત્રીઓની વચ્ચે તેમના હાથ ઉપર રહેલી કુમુદસુંદરી દેખાતી હતી. એના વસ્ત્રમાંથી ચારે પાસથી નીગળતું પાણી ચારે પાસનાં પાણીમાં પડતું હતું અને એના મનનાં દુઃખ અને વિકાર તેમ એના કર્મવિપાક[1] માતાના પ્રતાપથી ઓગળી જઈ, જાતે જ એને છોડી નીચેના મહાસાગરમાં સરી પડતા હોય એમ એ પાણીની ધારાઓ એના શરીર પાસેથી સરી, નીચે ટપકી જતી હતી. દુષ્યન્તે ત્યાં અણઓળખાયેલી અને તિરસ્કાર પામેલી શકુન્તલા પતિમંદિરની બહાર નીકળી કે દયા-વત્સલ માતૃજ્યોતિ એને આ પૃથ્વી ઉપરથી અધ્ધર ઉપાડી ગયેલું. આ રંક અનાથ પુત્રીને ઉપાડી શરણવત્સલ માતૃજ્યોતિ જ મહિયરમાં આજ તાણી લેતું હતું.

*

‘દુલારી! મધુરી મારી દુલારી! દેખ દેખ યહ મૈયાકા ખેલ!' એવું બોલતી બોલતી બેટની બારી ઝૂંપડી બહાર આવી અને ચૈત્ર માસને સાયંકાળે સમુદ્રના સામું જોતી માતાના ઓટલા ઉપર બેઠેલી બાળાને પાછળથી બાઝી પડી. ‘ચંદ્રાવલીબહેન! હું માતાજીનું ઘણું ધ્યાન ધરું છું, પણ હૃદયનો પુરુષ હૃદયમાંથી ખસતો નથી.’ આંખનાં આંસુ લોહતી લોહતી બાળા બોલી અને સમુદ્ર સામે જોઈ રહી. ‘બેમાંથી કયો પુરુષ ખસતો નથી?' જોડે બેસી ચંદ્રાવલી પૂછવા લાગી, જે પુરુષની સાથે સંસ્કારથી હું ચોરીમાં જોડાઈ હતી તે પુરુષ તો મારા મરણ-ભાનથી સુખી થશે, એટલે મને માજીના ધામમાં આવવાથી જંપ છે. પણ જે મહાત્મા મને પોતાના સંસારમાંથી છૂટી કરી પોતાના હૃદયમાંથી છોડતો નથી, તેને મારું કૃપણ હૃદય પણ છોડી શકતું નથી.’ આ બોલનારી તે કુમુદ જ હતી. ચંદ્રાવલીના પ્રયાસથી ડૂબેલી કુમુદનું શરીર હાથ આવ્યું હતું, અને ચારેક દિવસ થયાં એના મનનું સમાધાન કરવાને બાવી મથતી હતી. કુમુદનાં સંસાર-સંસ્કારી ભીનાં વસ્ત્ર નદીમાં નાખી દઈ માતાની પ્રસાદીની આછી હીરાગળ ચુંદડી એને પહેરાવી હતી. એની સર્વ વાત ચંદ્રાવલીએ સાંભળી લીધી હતી; માત્ર વાતમાં આવતાં સર્વનાં નામઠામ કુમુદે જણાવ્યાં નહોતાં અને તેને માટે ચંદ્રાવલીની ક્ષમા માગી લીધી હતી. ચંદ્રાવલીએ એનું નામ મધુરી પાડ્યું હતું. ‘મધુરી મૈયા! આ બેટમાં આવતાં પહેલાંનું પાણી આ સ્વર્ગનું દ્વાર સમજ. આ માજીના ધામમાં તું આવી ત્યાંથી મૃત્યુલોકનો તેં ત્યાગ કર્યો એમ જ તું સમજ. જેવો એક પુરુષ તારા હૃદયમાંથી ખસ્યો તેવો જ બીજે પણ ખસશે એટલી માજીના ઉપર શ્રદ્ધા રાખ.' કેટલોક પ્રોત્સાહક ઉપદેશ આપ્યા બાદ ચંદ્રાવલી તેની સાથે વિનોદ કરવા લાગી. પાણી ઉપર ચાંદની ફરી વળતી હતી અને તૂટતાં-સંધાતાં મોજાંમાં એનો પ્રકાશ અંદર સરી જતો હતો. ભાંગતો હતો, સંધાતો હતો અને વાંકોચૂંકો થતો હતો. એ જોઈને એકલી પડેલી કુમુદને એક પછી એક સ્વજનો સાંભરી આવ્યાં. પ્રીતિચંદ્રિકા જેવી સાસુ, પ્રેમાળ અલકબહેન, સસરાજી ને સરસ્વતીચંદ્ર! કુમુદનું હૈયું હાથ ન રહ્યું. ‘સરસ્વતીચંદ્ર! શું તમે ડૂબશો જ? શું તમે હતા તે સ્થાને નહીં જ જાઓ? શું તમારા દુર્ભાગ્યની જ હું સાધન થઈ?’ આકાશમાં ચંદ્રને વાદળીઓ ડુબાડે છે અને સમુદ્રમાં વહાણને વાદળીઓ જેવાં મોજાં ડુબાડે છે. શું તેમને આ સદ્ભાગ્ય છે અને મને નથી? આમ ને આમ સમુદ્રમાં હું ચાલી જાઉ તો મને કોણ અટકાવનાર છે?' એ જરાક આગળ ચાલી અને પગની પાનીએ પાણી અડક્યું. ‘હા, જરાક આગળ ચાલીશ કે પાણી ઢીંચણ સુધી આવશે, જરાક આગળ જઈશ કે કેડ સુધી આવશે. જરીક આગળ-ખભે–ને પછી માથા ઉપર પાણી ફરી વળશે ને દુ:ખી કુમુદ હતી ન હતી થઈ જશે! બિચારી ચંદ્રાવલીના થોડાક ભિક્ષાન્નમાં ભાગ પાડવાનું મારે માથે બાકી હતું તે પાપ કર્યું. દિવસે તણાઈ તે બધાએ દીઠી ને ઉગારી; પણ આ અંધકારમાં તો કોઈ જુએ એમ નથી જ.' અને મનને બળવાન સાંકળથી બાંધી બાળા આમ આગળ ચાલવા લાગી, ત્યારે માત્ર એનાં આંસુએ એની આજ્ઞા પાળવા ના પાડી. નવાં આંસુ આગળ ધસી આવતાં હતાં, અને આંસુના પ્રત્યેક બિન્દુમાં સરસ્વતીચંદ્રની છબી જોતી જોતી એ ચાલી. કેડ સુધી કુમુદસુંદરી ડૂબી; તેની કોમળ છાતીને પાણીની છાલકો વાગવા લાગી, તેની સાથે જ તેના કાનમાં નવીન સ્વર આવવા લાગ્યો. આઘે ઊંડાણમાં કોઈ ગાનારનું ગાન સંભળાતું હોય એમ એ સ્વર આવવા લાગ્યો. ખેતરની રખેવાળ જુવાન કણબણનો લલકાર સાંભળી ચમકેલી હરિણી ગાન સાંભળવાની લહેરમાં ડાંગર ખાવાનું ભૂલી જાય તેમ ગાન સાંભળી કુમુદ ચમકી. પોતાનો નિશ્ચય યાદ આવતાં પગ ઉપાડવાનું કરે છે ત્યાં પાછળ પાણીમાં કંઈક પછડાયું. ચંદ્રાવલીના હાથ કુમુદના શરીરની ચારે પાસ વીંટાઈ વળ્યા અને એ માયાળુ સાધુજનનો કોમળ સ્વર આવ્યો : ‘મધુરી! મધુરી! તારો આટલો જ વિશ્વાસ? બેટા, જો તું પાછી ન ફરે તો તને માજીની આણ છે.’ બીજી બે-ચાર સ્ત્રીઓ એની આસપાસ ફરી વળી. કુમુદ પાછી ફરી અને ચંદ્રાવલીને બાઝી પડી. એની છાતીમાં મોં-માથું સંતાડી દઈ, મોટા સ્વરે રોઈ પડી ને રોતી રોતી બોલી : ‘હું શું કરું ને ક્યાં જઉં રે. મારી મા? મને કાંઈ સૂઝતું નથી. મારાથી નથી રહેવાતું રે, મારી મા!’ કુમુદ ચોધાર રડવા લાગી. મોં દેખાડતાં શરમાઈ અને ચંદ્રાવલીની સોડમાં ભરાઈ મોં સંતાડી, પાસે બેસી રહી. બીજી વાતોમાં એનું ધ્યાન જાય એમ ધીરે ધીરે સૌ વાતો કાઢવા લાગ્યાં. સ્ત્રીઓની સંખ્યા પણ આઠ-દસની થઈ. ચંદ્ર પણ મધ્યાકાશમાં આવી ગયો.' ‘ચંદ્રાવલીમૈયા, આપણા ગુરુજીને વ્હાં તો નવીન અતિથિ આવ્યા છે. ગુરુજીનો તેમના ઉપર બડો પક્ષપાત છે.’ કુમુદ કંઈક સાંભળવા લાગી. ભક્તિમૈયા, તે કોણ છે અને જૂના શિષ્યો મૂકી તેમના ઉપર કહાંસે પક્ષપાત થઈ ગયા?' ચંદ્રાવલીએ પૂછ્યું. ‘ભક્તિમૈયા : ‘એ અતિથિનું નામ નવીનચંદ્રજી છે.’ કુમુદસુંદરીના શરીરમાં વીજળીનો ચમકારો થયો. તે સફાળી બેઠી થઈ અને સાંભળવા લાગી. ‘ગુરુજીને ત્રિભેટાના અરણ્યમાંથી એ પુરષ મળી આવ્યા ને નક્ષત્રયોગ ઉપરથી પક્ષપાત થયો અને વિદ્વત્તા ઉપરથી વધ્યો.’ કુમુદસુંદરીને જાગ્રત થયેલી જોઈ ચંદ્રાવલીએ માજીનું રહસ્ય દર્શાવતો વાર્તાલાપ કર્યો ને તેથી ભક્તિભાવથી આર્દ્ર બનેલા કુમુદસુંદરીના ચિત્તનું ઘણે અંશે સમાધાન થયું ને શાંતિ પ્રાપ્ત થઈ. આમ વાર્તાલાપ ને ગીતકીર્તનાદિમાં સમય ઠીક ઠીક ચાલ્યો ગયો. સર્વનાં નેત્ર મીંચાયાં ન મીંચાયાં ત્યાં કુમુદે પોતાની આંખ ઉઘાડી. જાગતાં ભક્તિમૈયાનો નવીનચંદ્ર સાંભર્યો. તે જ વેળા ચંદ્રાવલીએ પાસું ફેરવ્યું : ‘મધુરી! તું હજી જાગે છે?' ‘ચંદ્રાવલીબહેન, મને થાય છે કે કાલ પ્રાત:કાળે હું ભક્તિમૈયા સાથે યદુશંગનાં દર્શન કરવા જાઉં.' વાતો સાંભળતાં ભક્તિમૈયા જાગી ને એણે પણ અનુમોદન આપ્યું. નાજુક મધુરી ગિરિરાજ કેમ ચઢી શકશે, એમ ચંદ્રાવલી વિચારતી હતી. ભક્તિમૈયાએ મધુરીને હાથમાં ઉપાડીને લઈ જવાનું જણાવ્યું ને ચંદ્રાવલી સંમત થઈ.. ફરી સર્વ સૂતાં.

કુમુદને સ્વપ્ન આવ્યું. પોતે માજીના ઓટલા ઉપર બેઠાં છે, સમુદ્રમાં છેટે તોફાન જાગ્યું છે, પવનના ઝપાટા આવે છે, આકાશ ક્રૂર અને ભયંકર દેખાય છે, અને તે સર્વની વચ્ચે એક નાનો ‘બેડો[2]જરી જરી દેખાય છે. બેડામાં તેનો જીવ છે – તેના પ્રાણ છે – તેનું સર્વસ્વ છે, બેડો ઊગરે અને કિનારે આવે તો એ સુંદરીના જીવમાં જીવ આવે અને બેડો ડૂબે તો સુંદરીનો જીવ જાય એમ છે! એક પાસ તોફાને ચઢેલા સમુદ્રમાં બેડો ઊછળે છે ત્યારે બીજી પાસ આમ સુંદરીનું હૃદય ઊછળે છે, આ બે ત્રાજવાંની દાંડી ઝાલી આકાશમાંનો ચંદ્ર વિધાતા પેઠે ઊભો છે! દીન હૃદયની રંક કુમુદ સ્વપ્નમાં લવતી હતી—ગાતી હતી :

‘બેડો, બાઈ, બૂડતો તારો રે! અંબે! આઈ! પાર ઉતારી રે!
માજી! તમારી બાધા રાખું, ભરીશ હું કુંકુમથાળ,
બેડલિયો હેમક્ષેમ આવે તો! નીકર થશે મુજ કાળ!’





  1. .કર્મોનું ફળ. (સં.)
  2. .વહાણ (સં.)