સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૬


પ્રકરણ ૨૬ : શશી અને શશિકાંત

ચંદ્રકાંતના મનમાં ઘણી જાતના ગૂંચવાડા હતા. પ્રથમ એણે વિદ્યાચતુર શોધ કરશે એવી આશા રાખી હતી. બહારવટિયા, કુમુદના સમાચાર, આદિ અનેક વિઘ્નોએ આ આશાને ખોટી પાડી. સરસ્વતીચંદ્રના ઉપર આટલો સ્નેહ દેખાડનાર ગુણસુંદરી પાસે શી રીતે કહેવું કે હવે મને એકલો જવા દ્યો; તમારી મદદની મારે જરૂર નથી? આ પ્રશ્નોએ ચંદ્રકાંતને મધુર ગૂંચવાડામાં નાખ્યો. ચંદ્રકાંત આવા વિચારો કરતો સૌન્દર્યઉદ્યાનના કોટ ઉપર એકલો ફરતો હતો, ઉદ્યાન અને નગરના કોટ વચ્ચેના ચોગાનમાં અનેક લોક આવજા કરતા હતા. ગામડાંમાંથી આવેલા અનેક વ્યાપારીઓ હાટ માંડી બેઠેલા હતા. વચ્ચે વચ્ચે ભિખારીઓ, સાધુઓ, ફકીરો અને બ્રાહ્મણો જુદા જુદા રાગ કાઢી, જુદા જુદા ઉચ્ચાર કરી, ઉદરપૂર્તિ પામવા ફરતા હતા. ચંદ્રકાંતની દૃષ્ટિ આ સર્વ ઠાઠ ઉપર ફરી ફરી વળતી હતી. ‘શું આટલા મહાન અને ચિત્ર સમુદાયમાં સરસ્વતીચંદ્ર મને શોધવા ન ઊભો હોય? શું એ સૌમાં એના સમાચાર આપનાર કોઈ નહીં હોય?' ખીસામાં હાથ મૂકી આળસ મરડે છે ત્યાં હાથમાં બેચાર પત્ર આવ્યા. એ પત્ર વાંચેલા હતા, તે પાછા મૂક્યા. ‘મુંબઈમાં ગંગા એટલી માંદી છે કે મારી ત્યાં જરૂર છે. કારકુન લખે છે કે મુંબઈ છોડ્યાથી મારો ધંધો ધૂળધાણી થઈ જવા ઉપર છે. સરસ્વતીચંદ્રના કરતાં આ વધારે નથી, પણ ગંગા મરે તે તો કાળજે ધક્કો લાગે. આ પ્રસંગે હું ત્યાં ન હોઉં તો ઈશ્વરનો અપરાધી થાઉં – પણ એનો મંદવાડ ક્યાં સુધી પહોંચશે તે કહેવાતું નથી અને આ શોધ કરવાનું પડતું મૂકવું તે તો ચંદ્રકાંતથી નહીં થાય.’ ત્યાં પ્રધાનના શિરનામાથી પત્ર આવેલો તે સરસ્વતીચંદ્રસંબંધી લાગતાં, ચંદ્રકાંતને પ્રધાનજીના માણસ મારફત મળ્યો. ગંગાએ ચંદ્રકાંત પર એ પત્ર લખેલો, પણ ચંદ્રકાંતનું નામ લખવું રહી ગયેલું તેથી પત્રની આ દશા થઈ. તેમાં લખાણ ટૂંકું જ હતું. ‘મને મંદવાડ છે, પણ તમે એમના એમ પાછા આવશો તે મને ઠીક નહીં પડે. સરસ્વતીચંદ્ર જડશે તો તે જેટલા આપણા છે એટલાં તમારાં ઘરનાં આપણાં નથી. માટે ખોટાં સગાંનું માનશો નહીં ને ખોળો છો તેને ખોળજો. ધુતારાલાલનાં માણસ તમારા ઘરમાં આવે છે, જાય છે ને લાંચલાલચો આપે છે. મારું નામ દઈ બોલાવે તો છેતરાશો નહીં ને આવશો નહીં.’

ચંદ્રકાંતને પરસેવો થઈ આવ્યો ને કપાળ પર તેનાં ટીપાં ઊભરાયાં. પણ ઓઠ કરડી મુખ ઉપર આવેલો ભાવ પાછો ખેંચી લીધો. પત્ર ખીસામાં મૂક્યો. ચંદ્રકાંતના ક્ષોભનો પાર રહ્યો નહીં; આણી પાસ ઉદ્યાન અને પેલી પાસ વસ્તીનો તરવરાટ – કશામાં એનું મન ગયું નહીં. એટલામાં આઘેના કોલાહલમાં એક ઉચ્ચ સ્વરે ગાયેલી સાખી ચંદ્રકાંતના કાન પર અથડાઈ.

‘જડ જેવો દ્રવતો શશી
સ્મરી રસમય શશિકાંત.’

આ શબ્દો કાનમાં પહોંચતાં તે ચમક્યો અને ઉદ્યાનની બહાર સ્વર ઉચ્ચારનારને શોધવા તેનાં નયન સહસા તે તરફ વળ્યાં.

*

ચંદ્રકાંત સૌન્દર્યોદ્યાનમાંથી બહાર નીકળ્યો અને લોકસમુદાયમાં કાને પડેલા સ્વરનો ઉચ્ચારનાર શોધ્યો. આટલામાં જ સરસ્વતીચંદ્ર હશે જાણી હાથની કોણીઓથી સર્વને ધક્કા મારી તે ઘેલાની પેઠે ધસતો હતો. ઘણું શોધી શોધી પાછો ફરે છે ત્યાં ઉદ્યાનના કિલ્લાની એક પાસ ઊગેલા ઘાસ ઉપર ચારપાંચ બાવાઓ બેસી ચલમ ફૂંકતા હતા અને એક બાવો તેમના સામો પગ ઉપર પગ ચડાવી, તેમની સાથે વાતો કરતો હતો અને વચ્ચે વચ્ચે ‘શશી’ અને ‘શશિકાંત’વાળી કડી બોલતો હતો. ત્યાં આગળ આવી ચંદ્રકાંત ઊભો અને આ સાધુના મુખમાં આ શબ્દ સાંભળી ચમક્યો. ફરી સરસ્વતીચંદ્રવાળી લીટીઓ લલકારાઈ. ચંદ્રકાંત આગળ આવ્યો ને બાવાને નમસ્કાર કરી પૂછવા લાગ્યો : ‘બાવાજી, આપ ક્યાંથી આવો છો ને આ ઉદ્ગારનો અર્થ શો છે?' ‘બચ્ચા, તેરા નામ ક્યા?' ‘મારું નામ ચંદ્રકાંત.’ ‘હાં? ચંદ્રકાંત? નામ તો અચ્છા છે. જો નામ પ્રમાણે અર્થ હોય તો મારું ગાવાનું જાતે જ સમજી લ્યો.' બાવાએ જાડા પણ સુંદર સ્વરથી આગળ ગાવા માંડ્યું. ચંદ્રકાંત એ પંક્તિ સાંભળતાં કંપવા લાગ્યો અને અનેક તર્કવિતર્ક કરવા લાગ્યો. ‘શું બાવાજી, મારા ચંદ્રે તમારા જેવો ભેખ લીધો છે? મને હવે સ્પષ્ટ વાત કહી દ્યો. તે મને ક્યારે મળશે? ક્યાં મળશે? મારે અત્યારે જ નીકળવું છે.' ‘બચ્ચા, આ કામ ગુપ્તપણે કરવાની મને આજ્ઞા છે. આ સ્થાન ને સમય તેને પ્રગટ કરવાને અનુકૂળ નથી. તારું રત્ન સુવર્ણની પેટીમાં સાચવી રાખેલું છે અને સર્વ રીતે આનંદરૂપ છે, એટલું જાણી શાંત અને શીતળ થા. ચંદ્રકાંતજી, હું આ સ્થાને સંધ્યાકાળથી પ્રાત:કાળ સુધી તમારી વાટ જોઈશ અને એકાંતમાં તમારી ઇચ્છા તૃપ્ત કરવાનો સંકેત દેખાડીશ.’ ત્યાં વિદ્યાચતુરના માણસો આવી પહોંચ્યા. બાવો ચાલ્યો ગયો. બાવાની ગોષ્ઠીમાં ભંગ પાડનાર આ મિત્રોનો યોગ અત્યારે તેને રજ પણ ગમ્યો નહીં. ત્યાં વિદ્યાચતુરના માણસો પ્રવીણદાસ ને શાંતિ શર્માએ સરસ્વતીચંદ્રના સંબંધમાં જ વાત કાઢી ને ચંદ્રકાંત આકર્ષાયો. ‘કારાગૃહમાંથી કેટલાક વિશેષ સમાચાર સરસ્વતીચંદ્રના સંબંધમાં મળે એમ છે માટે આપ ત્યાં ચાલો.' એમ એમણે કહ્યું. ચંદ્રકાંત ચાલ્યો. પોલીસ અધિકારી સરદારસિંહે સરસ્વતીચંદ્ર કેવા સંયોગોમાં ભદ્રેશ્વર જવાને નિમિત્તે સુવર્ણપુર છોડ્યું, સરસ્વતીચંદ્રે કેમ કરીને લૂંટાયો તે બધું વિગતવાર જણાવ્યું. ‘આટલી વાત તો નિશ્ચિત છે, પણ તે પછી જે બન્યું તેની વાર્તા બેત્રણ રૂપે આવી છે કે જ્યાં સુધી તેનો નિર્ણય કરી શકીએ નહીં ત્યાં સુધી ન્યાયાસન પાસે આ કામ ચાલવું અશક્ય છે.' ચંદ્રકાંત : ‘એ શી વાર્તાઓ છે?' સરદારસિંહ : ‘પ્રથમ વાર્તા પ્રમાણે સરસ્વતીચંદ્રને બહારવટિયાઓએ કતલ કર્યા છે.' ચંદ્રકાંત કંપ્યો. સરદારસિંહ : ‘બીજી વાર્તા પ્રમાણે અર્થદાસે મણિમુદ્રા માટે તેનું ખૂન કર્યું. ત્રીજી વાર્તા પ્રમાણે તેઓ કોઈ સ્થળે છે.' ચંદ્રકાંત : ‘ત્રીજી વાત જ સત્ય છે.’ સરદારસિંહ : ‘પ્રથમ વાત હીરાલાલ નામનો મુંબઈનો માણસ કરે છે. સરસ્વતીચંદ્રનો સગો ધૂર્તલાલ મુંબઈના કારાગૃહમાં છે. તેનો માણસ હીરાલાલ ભારે ખટપટી છે. તેના કહેવા પ્રમાણે સરસ્વતીચંદ્રનું ખૂન બહારવટિયાઓને હાથે બ્રિટિશ હદમાં થયું છે. તેમ હશે તો આ કામ ત્યાં ચાલશે. ધૂર્તલાલના મનમાં એમ છે કે ગમે તેમ કરી સરસ્વતીચંદ્રને મૂએલા ઠરાવવા – કારણ તેમને તેમ કરવામાં દ્રવ્યનો લાભ છે. અર્થદાસના મનમાં એમ છે કે હીરાલાલ પોતાના સ્વાર્થને માટે એને મારી પાડશે; અંગ્રેજી હદમાં કામ ચાલવાની અરજી કરવા હીરાલાલ ઘણુંયે સમજાવે છે પણ અર્થદાસ બેનો એક થતો નથી ને અરજી કરતો નથી. સરકારી પોલીસ ધારે તો સરસ્વતીચંદ્રને શોધી શકે. પણ સરસ્વતીચંદ્રને શોધવાનું એ ધારે જ નહીં એવી હીરાલાલે યોજના ઘડી છે.’ ચંદ્રકાંતે ઓઠ પીસ્યા : ‘ધૂર્તલાલ કેદમાં પડ્યો પડ્યો પણ આટલા દાવ રમે છે! ઠીક!' સરદારસિંહ : ‘અસ્તુ. અર્થદાસની વાતમાં વાંધો એટલો આવે છે કે અર્થદાસ એ માણસનું નામ નવીનચંદ્ર કહેતો નથી પણ ચાંદાભાઈ કહે છે.’ ચંદ્રકાંત : ‘એમાં કાંઈ નહીં. જે એક નામ બદલે તે બીજા નામને પણ બદલે.' સરદારસિંહને ચંદ્રકાંત ને સાધુના મેળાપની પણ ખબર હતી; તે જણાવી. ચંદ્રકાંત આશ્ચર્ય પામ્યો. સરદારસિંહે કહ્યું : ‘આપની જે વાત ગુપ્ત હોય તે ભલે ગુપ્ત જ રાખો. પણ સરસ્વતીચંદ્રની શોધના હિતમાં જે વાત અમને કહેવા જેવી લાગે તે કહેજો ને વેળાસર કહેજો. વેળા વીત્યા પછી કહેશો તો અમારા હાથમાંથી વાત જતી રહેશે. બીજું પણ ધ્યાનમાં રાખજો. સરસ્વતીચંદ્રની ભાળ બીજા કોઈને લાગી છે ને એ ક્યાં છે એવું હીરાલાલ જાણશે તો એમને ઠાર કરાવવા એવી એની પ્રતિજ્ઞા છે. આપના ઘરમાં પણ હીરાલાલની ખટપટ છે તે ભૂલશો મા.’ ‘મારા ઘરમાં?' ચંદ્રકાંત ચમક્યો. ‘મારા ગરીબના ઘરમાં તે શું જડવાનું હતું?' ‘આપના મોટાભાઈ અને આપનાં માતા, ગંગાબાને માથે શોક્ય લાવવાનો પ્રયત્ન કરે છે અને તેમને હીરાલાલનો શેઠ દ્રવ્યની સહાયતા આપે છે.’ ‘ધૂર્તલાલને તેથી શું ફળ?' ‘આપ સરસ્વતીચંદ્રને શોધવા મૂકી ઘેર જાઓ તો ધૂર્તલાલ નિશ્ચિંત થાય તે ફળ!... વળી સરસ્વતીચંદ્રનું મરણ જેઓ ઇચ્છે છે તેઓ જ ગંગાબાની કાશ પણ કાઢવા ઇચ્છે છે.’ ‘કારણ?' ચંદ્રકાંતને કપાળે પરસેવો છૂટ્યો. ‘કારણ એ જ કે મુંબઈ છોડતી વેળા સરસ્વતીચંદ્રે આપેલા પત્રો તથા દ્રવ્યની કૂંચી તમે અહીં હો ને ગંગાબા સ્વર્ગમાં હોય તો જ તેમને મળે.' ‘એ વાત તો ખરી! અરેરે! આ ગૂંચવાડો સૌથી ભારે આવ્યો!’ માથું ખંજવાળતો, દાંત પીસતો, ચંદ્રકાંત બબડ્યો. ‘તેની પણ ચિંતા ન કરશો. આપ અમને આપના અક્ષર આપો કે ગંગાબા અમારા માણસ ઉપર વિશ્વાસ રાખે અને તેની જોડે મુંબઈ છોડી જાય અથવા આપના કોઈ મિત્ર મુંબઈમાં હોય તો તેને ત્યાં જાય.' ‘તો હું ગંગાને તમને સોંપું છું ને સરસ્વતીચંદ્રને મને સોંપો.’ ‘એમ જ. પણ મેં કહેલી વાત એકેએક લક્ષમાં રાખજો. ભૂલશો તો માર ખાશો.’ અહીંથી સર્વ વેરાયા. સરદારસિંહના શબ્દોના ભણકારા ચંદ્રકાંતના કાનમાંથી ગયા નહીં. એક પાસ સરસ્વતીચંદ્ર અને બીજી પાસ ગંગાને માથે ઝઝૂમતાં ભયસ્વપ્નોએ એની સ્વસ્થતાનો નાશ કર્યો. અંતે રાત્રિ પડી. રાત્રે ચંદ્રકાંતે બાવાની વાટ જોઈ પણ તે મળ્યો નહીં. કોઈ વટેમાર્ગુએ તેના હાથમાં ચિઠ્ઠી આપી કે ‘ગુપ્ત વાત પ્રકટ થવાના ભયથી આપણો સંકેત પાર પાડી શકાયો નથી. જો ગુપ્ત વાત ગુપ્ત રાખી શકશો તો ખોયેલો પ્રસંગ ફરી પ્રાપ્ત થશે.’ ચંદ્રકાંત વધારે ગૂંચવાયો. ગભરાયો, ખિજાયો અને ચિંતામાં પડ્યો. પ્રાત:કાળે બાવાને શોધવા, ને ન જડે તો એકલા યદુશૃંગ જવા મનમાં ઠરાવ કર્યો. એક સરસ્વતીચંદ્રને તો શોધવાનો હતો તેમાં બીજો બાવો શોધવાનો થયો. વિધાતાની ગતિમાં આવાં વૈચિત્ર્ય જ છે.