સરસ્વતીચંદ્ર ભાગ ૩/સુન્દરગિરિના શિખર ઉપર.


સુન્દરગિરિના શિખર ઉપર.

અન્નપૂર્ણાના પ્રતાપના અનુભવાર્થીને તેના પ્રસાદનો અનુભવ થયો. અન્ધકાર અને અરણ્યમાં અશરણ શબ-અવસ્થાના અનુભવને અંતે, ભયંકર વનચરોની ગર્જનાઓ વચ્ચે મરણમૂર્છાએ આપેલી બધિરતાને અંતે, મહાસર્પે આપેલા મરણભાનને અંતે, સરસ્વતીચંદ્રને બાહ્ય ભયમાંથી તારનાર જોગીલોક લેઈ ગયા. ભૂમિશય્યા છોડાવી મોહનપુરીએ પોતાના ખભા ઉપર શય્યા આપી. ભયંકર અંધકારમાંથી બ્હાર ક્‌હાડી ભયંકર દાવાગ્નિના પ્રચંડ ભડકાઓ વચ્ચે થઈને એને લીધો. સુન્દરગિરિના ઠેઠ યદુશૃંગ નામના શિખર ઉપર જોગીયોનો મઠ હતો. પૃથ્વીથી એ મઠ સુધી ચ્હડવાનો ઉભો સાંકડો આડોઅવળો માર્ગ અનેક પથરાઓ અને ખડકો વચ્ચે થઈ ઉંચો ચ્હડતો હતો. સાધારણ મનુષ્યને એટલે ઉંચે ચ્હડતાં શ્રમ પડતો અને શ્વાસ ચ્હડતો અને તે છતાં બે કલાક એ માર્ગ કાપવામાં જતા. ગુરુજીની ગાડી તળેટી ઉપર એક મઠ આગળ તેમાં ર્‌હેનારાઓને સોંપી ગુરુજીસહિત સર્વે જોગીયો આ સુન્દરગિરિપર કલાકમાં જોરભેર ચ્હડી ગયા. એક બીજા વચ્ચે ખંભાફેર કરી તેમણે સરસ્વતીચંદ્રને પણ ઉપર લીધો: મધ્યરાત્રિ વીત્યા પછી એક વાગે સર્વ મંડળ મઠ આગળ પ્હોચ્યું. જેમ જેમ સઉ ઉપર ચ્હડયા તેમ તેમ ત્હાડ વધવા લાગી, અને ઉપર ચ્હડી રહ્યા તેની સાથે સરસ્વતીચંદ્રને ચૈત્રમાસ છતાં ઘણી ત્હાડ વાવા લાગી; પર્વત ઉપરની એ ત્હાડે એના ​શરીરને સચેત કર્યું અને એના પ્રાણમાં નવા પ્રાણ મુક્યા. અન્નપૂર્ણાના પ્રસાદની વૃષ્ટિ થતા પ્હેલાં તેનો મેઘોદય થતો હોય તેમ સરસ્વતીચંદ્રનો શ્રમ ઉતરી ગયો, ઉચકનારને ખભેથી પોતે ઉતરી પડ્યો, વિસ્મય તેમ આનંદથી ચારે પાસ દૃષ્ટિ ફેરવવા લાગ્યો, અને આ વિચિત્ર પવિત્ર સ્વપ્નના તાત્પર્યનો મર્મ અંતમાં શોધવા લાગ્યો.

એને જાગૃત થયેલો જોઈ જોગીયો ખુશી થયા, એની ચારે પાસ વીંટાઈ વળ્યા. ગુરુજી મઠમાં પધાર્યા હતા અને મઠના દ્વારમાંથી દીવાનો મંદ પ્રકાશ બ્હાર આવી સરસ્વતીચંદ્રના મ્હોં ઉપર પડતો હતો. મોહનપુરી એને વાંસે હાથ ફેરવી આતુરતાથી પુછવા લાગ્યો: “કેમ ભાઈ, તમે બરાબર જાગૃત થયા? તમારે શરીરે સુખ છે?”

આ સ્વપ્ન કે જાગૃત છે તે વીશે સંશયમાં પડેલા સરસ્વતીચંદ્રે ઉત્તરમાં પ્રશ્ન પુછ્યા: “ તમે સઉ કોણ છો? આ કીયું સ્થાન છે? અહીં કોનું રાજય છે? હું અહીં શી રીતે આવ્યો? આ સ્વપ્ન છે કે જાગૃત છે?"

મોહનપુરી બોલ્યો: “ભાઈ! આ આત્માનું સ્વપ્ન છે, પણ માયાનું જાગૃત છે; તું તો આવ્યો પણ નથી અને ગયો પણ નથી, પરંતુ ત્હારા શરીરને અમે જંગલમાંથી આણ્યું છેઃ કૃષ્ણ પરમાત્માના રાજયમાં સર્વ સમાન છે, પણ આ ચર્મચક્ષુના પ્રદેશનો ધરતીપતિ મહારાજ મણિરાજ છે. અમે ને તમે એક જ છીયે અને એ સર્વનું સ્થાન એક છે, પણ જે પ્રદેશપર આ સર્વ ચરણ ઉભા છે તેને મનુષ્યો સુન્દરગિરિ કહે છે. આ સુન્દરગિરિ પર્વત ઉપર વિષ્ણુદાસ બાવાનો મઠ છે અને આ સર્વ ગોસાંઈઓ એ મઠના આશ્રિત છીયે. પણ તમે કોણ છો ?” ગુરુજીએ વર્તેલું ભવિષ્ય ખરું છે કે ખોટું તેની પરીક્ષા કરવા મોહનપુરી આમ બોલ્યો, તેનું પ્રયોજન સર્વ ગોસાંઈઓ સમજી ગયા અને આતુરતાથી ઉત્તરને વાસ્તે ઉત્કંઠિત થયા.

જાગેલો પણ શ્રમ અને ક્ષુધાથી ઉંઘતા જેવો સરસ્વતીચંદ્ર આ પ્રશ્નોથી ચકિત થઈ ખરેખરો જાગ્યો. ચારે પાસ બાવાઓનું ટોળું જોઈ તે વચ્ચે પોતાને ઉભેલો જોઈ એ પણ સમયસંવાદી થઈ બોલ્યોઃ “સત્ય છે. આ અન્ધકારમાં તો ક્‌હો છો એમ જ છે, અને હું કોણ છું તે જાણો છો તો ઉત્તર શું કરવા જોઈએ? લાંબી વાતનો સંક્ષેપ એટલામાં છે, પણ જો તમે મઠના અધિકારી હો તો પ્હેલી વાત એટલી કરો કે આ શરીરને કંઈ અન્ન આપો અને નિદ્રા સારુ તસુ ધરતી આપો – તો પછી સ્વપ્ન અને જાગૃત એક જ છે.” ​ગોસાંઈઓ આ ઉત્તરથી તૃપ્ત થયા, ગુરુજીની પરીક્ષા સફળ થઈ સમજી આશ્ચર્ય અને આનંદમાં મગ્ન થયા, અને અંધકારમાં ગાજી ઉઠ્યા: “શ્રીકૃષ્ણ પરમાત્માકો જય ! શ્રીરાધાકૃષ્ણકો જય!” સર્વ ગોસાંઈઓ માંહોમાંહ્ય ગુરુજીના ત્રિકાળજ્ઞાન ઉપર શ્રદ્ધા દૃઢ કરવા લાગ્યા અને ગુરુજીના અભિમત અતિથિનો સત્કાર કરવા તત્પર થઈ ગયા. વીજળી જેટલી ત્વરાથી મંદિરમાંથી તુલસીપત્ર સહિત પ્રસાદ લેઈ એક બાવો આવ્યો, બીજો બાવો નિર્મળ જળ ભરેલો લોટો લાવ્યો, ત્રીજાએ એક લીંપેલી ઓટલી ઉપર લીમડાના વૃક્ષ નીચે ગોદડી પાથરી તે ઉપર નવી ધોયેલી ચાદર પાથરી અને કરચલીનું નામ પણ રાખ્યું નહીં, ચોથાએ ન્હાની સરખી તાપણી કરી ત્હાડ અને અંધકારનો ઉપાય કર્યો, અને અંતે બોલ્યા ચાલ્યા વિના અતિથિને અન્નતુષ્ટ કરી, નિદ્રાવશ કરી, સર્વે પોતપોતાને સ્થાનકે વેરાઈ ગયા. કોઈએ થોડીવાર ગાંજો કુંક્યો, કોઈએ શ્રમ ઉતારવા વાર્તાવિનોદ કર્યો, કોઈ નિઃશબ્દ નિશ્ચેષ્ટ થઈ જાગતા આકાશના તારાસામું જોતા સુતા, કોઈએ જરીવાર ભજન કર્યું અને સર્વ પણ અંતે સાથેલાગા નિદ્રાસમાધિમાં પડ્યા. માત્ર પવન કંઈક વૃક્ષોનાં પત્રોમાં ઝીણો શબ્દ કરતો હતો; એકલા તારાઓ ઝીણી દૃષ્ટિ કરી જોતા હતા; એકલી સૃષ્ટિ વિના સર્વ જડચેતન નિદ્રાવશ થઈ ગયાં – કંઈક જતાં રહેલાં લાગ્યાં. આખી સૃષ્ટિમાં કેવળ રાત્રિ પણ ઝપાટાબંધ ચાલવા લાગી, અને પાછલી રાતના ચારેક વાગ્યા ન વાગ્યા હશે એટલામાં તો વ્હેલા ઉઠનારા જોગીયો ઉઠવા લાગ્યા. વ્યાઘ્રાદિની પેઠે તેજમાં તેમ જ અંધારામાં જોઈ શકતી અાંખોવાળા જોગીયોની અંધકારમાં આવજા થવા લાગી, એ ખડખડાટ ભડભડાટથી સરસ્વતીચંદ્રની નિદ્રા જતી રહી અને સુતો સુતો કાનમાં આવતા શબ્દને આવવા દેવા લાગ્યો. એનાથી બે ચારેક હાથને છેટે સુતેલા બે જોગીયો પથારીમાં પડ્યા પડ્યા વાતો કરતા હતા તેમાં સરસ્વતીચંદ્ર લીન થયો.

“ભૈયા, આ અતિથિ કોણ છે અને તમે ક્યાંથી આણ્યો છે? ગુરુજીનો એનાપર શાથી પક્ષપાત થયો છે ?”

“કાલ રાત્રે જંગલમાં મૂર્છાવશ પડેલો જડ્યો તે ઉચકી આણ્યો. ગુરુજીએ સમાધિથી ભવિષ્ય વર્ત્યું છે કે એ મહાત્મા થશે અને આ મઠનો એ પુરુષ ઉત્કર્ષ કરશે. એની સાથે થયેલા પ્રશ્નોત્તર તો સાંભળ્યા કની ? ”

પોતે આ વાતનો વિષય છે અને પોતાને વીશે આ વર્તારો થયો છે જાણી સરસ્વતીચંદ્રના મુખ ઉપર અંધારામાં પણ સ્મિત ફરક્યું. ​તેના મનમાં શબ્દ સ્ફુરવા લાગ્યા, “આ પણ વિચિત્ર ભૂમિ દેખાય છે. જ્યાં આમ વર્તારા વર્તાય છે અને તે ઉપર શ્રદ્ધા રખાય છે એમાં પણ કાંઈ જોવાનું હશે.” જોગીયોની વાતે વિચાર બંધ પાડ્યા.

“હા, ભૈયા, એની બુદ્ધિમાં કંઇ ચમત્કાર તો છે. ગુરુજી એને શું કરવાનું ધારે છે ?”

“એ તો હરિ જાણે. પ્રાતઃકાળે એમનો સમાધિ પૂર્ણ થાય તે પછી એને એમની પાસે લેઈ જવાની આજ્ઞા કરી છે. ત્યાંસુધી એની સેવા કરવાની આજ્ઞા છે.”

“મને તો લાગે છે કે આપણા મઠનું રહસ્ય એને મોડું વ્હેલું આપશે.”

“એ તો જેવો અધિકાર. અલખ જગાવવો એ કાંઈ ન્હાનીસુની વાત નથી.”

“જયારે આવો વર્તારો વર્ત્યો છે ત્યારે આટલો અધિકાર તો હશે જ.”

“રાધેદાસ ! એ તો જે થવાનું હશે તે થશે, આપણી નિત્યકથા ચલાવો. સૂર્યોદય થતાં વાર નહી લાગે.”

“આજ શી ચર્ચા ચલાવશું ?”

“તને કાલનો કંઈ વિચાર થયાં કરે છે.”

"હા.”

"શો ?"

“ગુરુજી સાથે કાલ ભિક્ષા લેઈ પાછા આવતા હતા એવે સંધ્યા થઈ ત્યારે એક વડ નીચે પડાવ નાંખી વિશ્રામ લેતા હતા અને હું ગુરુજીની સેવા કરતો હતો; ત્યારે પોતે બે ચારેક મંત્ર બોલ્યા. તેનો અર્થ મ્હેં પુછ્યો ત્યારે બોલ્યા કે બચ્ચા આજ નહીં, વિચાર કરી અધિકારી થા – રહસ્યશ્રવણનો તું આજ આટલો અધિકારી થયો – રહસ્ય - અર્થનો અધિકારી તું થશે ત્યારે તેનું શ્રવણ કરાવીશ.”

“સાચી વાત છે. સર્વ અધિકારને અંગે છે.”

“હા, પણ તમને અર્થ અજાણ્યો નહી હોય. ગુરુ અધિકારી વગર બીજાને દાન ન કરે, પણ હું તો તમારો સબ્રહ્મચારી છું.”

“સાચું બોલ્યો. આપણે તો પરસ્પર-વિબોધનનો ધર્મ છે. બોલ જોઈએ – એ મંત્ર શા છે ?”

રાધેદાસ જરીક વિચારમાં પડી, સ્મરણ આણી, ધીમે ધીમે બોલ્યો.

“ગોકુલમાં ગોકુલ ચરે, ગોપાલક ગોપાલ; "નંદસદન નંદન થઈ મધુરિપુ ભાસત બાલ.” ​ વિહારપુરી એકદમ પથારીમાં બેઠો થયો અને બોલી ઉઠ્યો; “ અહો હો ! એ મંત્રનો અર્થ તો મને મળ્યો છે. મહાગંભીર અર્થ છે. એના રહસ્યમાં અત્યંત ચમત્કાર છે. રાધેદાસ ! ધન્ય ભાગ્ય ત્હારાં કે ગુરુએ મહાકૃપા કરી આ મંત્રનો તને અધિકારી ગણ્યો; આની સાથે બીજા મંત્ર પણ કહ્યા હશે.”

“બીજા ત્રણ મંત્ર કહ્યા.”

“કીયા ?”

રાધેદાસ પણ બેઠો થયો અને બોલ્યો.

“અવનિ અવનિ મધુપુરી, કૃષ્ણચંદ્ર અવતાર, શેષભાર ઉતારીને કરત ધરતી ઉદ્ધાર.” સરસ્વતીચંદ્ર કંઈક કૌતુકથી સાંભળવા લાગ્યો. રાધેદોસ બીજા શ્લોક બોલ્યો.

“પારસસ્પર્શથી લોહનો થાય સ્વરૂપવિનાશ; દૈત્યરૂપ હરી, અમરતા દે જ સુદર્શન-પાશ. પામરમાં પામર દીસે ગોપાલક ગોપાલ; કૃષ્ણ ભક્તિવશ ભાસતો બાલક અર્થે બાલ.” “બસ, વધારે શ્લોક મને હાલ આપવા ના કહી.”

વિહારપુરી: “યોગ્ય કર્યું, ગુરુનો આદેશ છે કે એમના મુખથી જેને મંત્ર-પ્રાપ્તિ થઈ હોય તેને સબ્રહ્મચારીએ અર્થપ્રાપ્તિ કરાવવામાં બાધ નથી; માટે સાંભળ, આ ચમત્કારિક મંત્રોનું રહસ્ય કહું છું તે અધિકારી વિના બીજાને આપવું નહી. શાસ્ત્રના ઉપદેશ બે જાતના હોય છે. કેટલાક સર્વથી સમજાય, અને કેટલાક સંપ્રદાયનું રહસ્ય જાણ્યા વિના ન સમજાય. તરવારથી રક્ષણ પણ થાય અને કુપાત્રને હાથે ખુન પણ થાય. માટે રહસ્યનો અનર્થ અટકાવવાના હેતુથી કહ્યું છે કે અધિકાર વિના રહસ્ય પ્રકટ કરવું નહી. બાળક આદિ પાસે તરવારના મ્યાનને બાંધી રાખવું. હવે જે અર્થ બ્હારથી દેખાડવાનો છે તેનું નામ વાચ્યઅર્થ અને રહસ્યનું નામ લક્ષ્યઅર્થ. કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં ગાયો ચારતા એ તો માત્ર વાચ્ય અર્થ છે.”

"ત્યારે શું વાચ્ય અર્થ ખરો નહી ?” રાધેદાસ બોલી ઉઠ્યો.

“ ના, ના, ખરો એ નહી અને ખોટો એ નહી.”

“એ તો તમે દુધમાં ને દહીમાં બેમાં પગ રાખો છો.” ​“એમ નથી. જો, કાંઈ સંકેતની વાત હોય તો સંકેત જાણનારાઓ દૂતમુખે પરસ્પર ક્‌હાવે તો તેમાં કાંઈ બાધ નથી, કારણ દૂત સંકેત જાણતો નથી પણ મનમાં એટલું તો સમજે છે કે આમાં કાંઈ મર્મ છે તે સ્વામીએ કારણસર જ ગુપ્ત રાખ્યો હશે.”

"ઠીક."

“હવે જો, ગો એ શબ્દના ઘણા અર્થ છે. ગો એટલે ગાય, ગો એટલે ઈન્દ્રિય, અને ગો એટલે પૃથ્વી. માટે ગોકુળ એટલે ગોકુળ ગામમાં ગોકુળ એટલે ગાયો ચરે એ વાચ્ય અર્થ; અને ગોકુળ એટલે પૃથ્વી ઉપરનાં કુળ એટલે મનુષ્ય આદિ જાતો છે તેમાં ગો એટલે ઈન્દ્રિયોના કુળ ચરે છે; આ એક પદનું રહસ્ય થયું.”

રાધેદાર વિસ્મિત થયો. “ પછી ?”

“ગોપાળક એટલે એ ગાયોને શ્રીગોપાળ પાળે. રહસ્ય એ કે ઈન્દ્રિયોને બ્રહ્માએ ઉત્પન્ન કરી તેને પાલનાર એટલે જગતની સ્થિતિને અર્થે પાલનાર એ તો ગોપાલ એટલે પૃથ્વીના પાલનાર શ્રીકૃષ્ણ જ કે નહી ? આ રહસ્ય.”

“ઠીક, ભૈયા ! આ તો ચમત્કાર છે.”

“તો !” વિહારપુરી આગળ વાધ્યો; “નંદજીને ઘેર પુત્રરૂપે અવતરી મધુ - કૈટભમાંના મધુ - અસુરને મારનાર બાળક દેખાય છે. દેખાય છે ક્‌હેવાનું કારણ એ કે વસ્તુતઃ બાળક નથી.”

"ત્યારે વાચ્ય અર્થમાં પણ આવો ભેદ રહેલો છે – દેખાય છે એટલે છે, નહી !”

“બરોબર. હવે નંદ ક્‌હેતાં પરમાનંદ–સચ્ચિદાનંદ, તેનું સદન આ બ્રહ્માંડ, તેમાં પુત્રરૂપે એટલે કાર્યરૂપે એટલે જીવરૂપે અવતરીને મધુરિપુ પોતે બાલ એટલે અજ્ઞાની ભાસે છે – સામાને અજ્ઞાની દેખાય છે - વસ્તુતઃ ગોપાલ જ્ઞાનરૂપ જ છે, આ રહસ્ય !! સમજયો?”

“વાહ વાહ, વિહારપુરી ! શું ગુરૂજીએ રહસ્ય મુક્યું છે ? આના ઉપર તો બહુ બહુ મનન કરવું પડશે. વારુ ચાલો.”

“મધુપુરી તે શ્રી મથુરાંજી તે અવનિરૂપ છે; ત્યાં શ્રીકૃષ્ણચંદ્ર વૈકુંઠથી અવતર્યા. હવે રહસ્ય સમજવા એમ લેવું કે અવનિ એટલે પૃથ્વી તે કેવી છે કે દુષ્ટોના ભારથી અવનિ થાય છે એટલે ડબાય છે, ને નીચી જાય છે, તે મધુપુરી જેવી છે કે જ્યાં દુષ્ટ દૈત્યોથી પુણ્ય ઉતરવા લાગ્યાં. પૃથ્વીમાં ​કૃષ્ણચંદ્ર કારણબ્રહ્મમાંથી આવી પ્રકટ થયા, હવે પ્રકટ થવાનું પ્રયોજન શું? પૃથ્વી શેષને માથે રહેલી છે. શેષ શબ્દનું રહસ્ય કલ્પાય છે ?”

વિચારમાં પડી અંતે ઉંડાણમાંથી બોલતો હોય એમ રાધેદાસ બોલ્યો: “ના.”

વિહારપુરી ઉલ્લાસમાં આવી અર્થપ્રકાશ કરવા લાગ્યો, “ત્યારે જો. શરીરનાં મહાભૂતનું પંચીકરણ કરી, આત્મા સ્થળ નહીં, સૂક્ષ્મ નહીં, કારણ નહીં, એમ કરતાં કરતાં જે બાકી રહ્યું તે શેષ ભાગ આત્મા એ ઉપદેશ તો ત્હેં સાંભળ્યો છેકની ?”

“હા.”

“હવે જેમ શેષ નાગના ઉપર પૃથ્વીનો ભાર છે તેમ આ नेति नेति વાક્યથી જોતાં બાકી રહેલા શેષ આત્માને ઉપાધિનો ભાર છે. વેદાંતવાદી એમ ક્‌હે છે કે આ ઉપાધિરૂપ ભાર ક્‌‌હાડી નાંખવો અથવા ભસ્મ કરવો; આપણે અલખવાદીઓ એમ કહીયે છીયે કે આખી ધરતી ઉપાધિરૂપ છે પણ જયારે ગોપાલ શ્રીકૃષ્ણ પરમાત્મા એની સંભાળ કરી પાળે છે તો આપણે પણ પાળવી. જે કાર્ય શ્રીકૃષ્ણને ગમ્યું તે ન ગમાડવાનો આપણને શો અધિકાર છે ? જો એવા અધિકાર મનુષ્યરૂપ ઉપાધિને હોય તો તો ધરતીમાત્રનો નાશ થાય.”

“ત્યારે શું કરવું ?”

“એમાં જ અલખવાદીનું મત જોવાનું છે તો ! જેમ માટી ઉચ્ચ પરિણામ પામી અન્નરૂપ થાય છે અને અન્ન પ્રાણરૂપ થાય છે તેમ સર્વ ધરનારી આ ધરતી પણ શ્રીકૃષ્ણને હાથે ઉદ્ધાર પામે છે એટલે ઉંચી ઉંચી થાય છે, ઉચ્ચ પરિણામ પામે છે. જે દુષ્ટતા આદિને ભારે નીચી નીચી જાય તો શેષનાગને માથે ભાર વધે, તેમ પુણ્ય આદિથી ઉંચી ઉંચી લેઈએ તો શેષના શિરનો ભાર હલકો થાય-”

"એટલે ?"

“એટલે એમ કે માટી અને અન્નના ઉદ્ધારનાં દૃષ્ટાંત આપ્યાં તેમ ત્રણ જાતનાં શરીરરૂપ ઉપાધિને પણ શ્રીકૃષ્ણ ઉદ્ધાર આપેછે એટલે એ ઉપાધિના ભાર નીચે ચગદાતો જે શેષ આત્મા તેનો ભાર પણ ઉતરે છે !!”

આંખો ઉપર હાથ મુકતો રાધેદાસ બોલ્યો: “ભૈયા, આ અર્થ કાંઈ એકદમ સમજાય એમ નથી. મ્હારો શેષ તો આ રહસ્યના ભાર નીચે ચગદાય છે !!" ​હસતો હસતો વિહારપુરી બોલ્યો: “ તો ઉસ શેષકા બી ભાર ગુરુપ્રસાદસે ઉતરેગા.” હસવું છોડી બોલ્યોઃ “જો ગભરાઈશ નહી. અધિકાર વિના રહસ્ય ન આપવું તે આટલા જ માટે. હવે જો બીજા બે શ્લોક ત્હેં કહ્યા તેનો અર્થ સમજીશ ત્યારે આનું રહસ્ય વધારે સ્પષ્ટ થશે.”

“ના, બાપજી: ” બે હાથ ઉચા કરી ભડક્યો હોય તેમ રાધેદાસ બોલ્યો. “આજ તો મ્હારે વધારે રહસ્ય જાણવાનો અધિકાર નથી જોઈતો. વળી કાલ આ વખતે હું પુછું ત્યારે સમજાવજો – તમારી મેળે વાત ન ક્‌હાડશો, આટલું ખાધેલું પચશે ત્યારે બીજું માગીશ. નીકર અજીર્ણ થાય.”

“ બહુત અચ્છા ચાલ - ચાલ – ત્યારે આ પ્રકાશ થાયછે તે દંતધાવન, સ્નાન વગેરે કરવા તરત ઉઠવું જોઈએ.”

“આ અતિથિને પણ ઉઠાડશું ?”

“હાસ્તો !”

“ ભાઈ અતિથિ, પ્રાતઃકાળ થવા આવ્યો છે માટે ઉઠો.” – રાધેદાસે અર્ધું વાક્ય ઉચ્ચાર્યું તે પ્હેલાં જાગતો સુતેલો સરસ્વતીચંદ્ર બેઠો થયો.

અત્યારે હજી પ્રાતઃકાળના પાંચ પણ વાગ્યા ન હતા, પરંતુ ચૈત્રમાસનો ઉતાવળો ઉગનારો દિવસ અને પર્વતનું શિખર, એટલે સ્થલ સમયના પ્રસંગથી આછો આછો પ્રકાશનો પટ અંધકારને અંગે જોત જોતામાં ચ્હડતો હતો. રુપેરી તેજનો ચણીયો પૂર્વદિશા પગની પ્હાની આગળથી પ્હેરવા માંડતી હોય અને ધીમે ધીમે ચણીયો ઉંચો ચ્હડાવતી હોય તેમ પ્રાતઃકાળનું પૂર્વગામી તેજ પૂર્વ ક્ષિતિજમાં જ ચ્હડવા લાગ્યું. રાત્રિયે તારાટપકીવાળું એક વસ્ત્ર પહેરી સુઈ રહેલી આકાશનારીએ પણ એ વસ્ત્ર બદલવા માંડ્યું. રાત્રિના શૃંગારરસના રસિક ચમકી રહેલા તારાઓ ધીરે ધીરે એક પછી એક કંઈક સંતાઈ જવા લાગ્યા. ત્હાડના ચમકારા પણ સ્થલસમય ચુક્યા નહી. ચારે પાસ અંધકારનો પડદો ત્રુટી જઈ કંઈક પડી ગયો હોય અને પાછળનો ગુપ્ત પ્રદેશ ઉઘાડો થઈ ગયો હોય તેમ દશે દિશાઓ અવનવી સામગ્રીથી ભરાઈ જવા લાગી, જયાં જુવો ત્યાં એકદમ અગણિત અનેકરંગી અનેક ભાતનાં ચિત્રોનો ભરાવો કરી દીધા જેવી પૃથ્વી થઈ ગઈ. કાલ જંગલમાં હતો તે આજ કાંઈક જાદુથી – ચમત્કારથી – પર્વત ઉપર આવી પડેલો હોય એવો સરસ્વતીચંદ્ર ચાર પાસ વિસ્મય અને હર્ષથી જોવા લાગ્યો, પરમદિવસે જ રાણા ભૂપસિંહના દરબારમાં મગજને ગુંચવારામાં નાંખી ગભરાવે એવો ઠાઠ જોયો હતો તેથી વધારે ગુંચવે અને ગભરાવે એવો ઠાઠ ​અત્યારે સુન્દરગિરિના આ અતિથિના નેત્ર આગળ – મન આગળ - ખડો થયો. સમુદ્રનાં અનેક ઉચાં નીચાં મોજાં અચીન્ત્યાં ખસતાં બંધ થઈ, જડ થઈ બંધાઈ ગયાં હોય એવાં અને એથી તો અનેક ગણાં મ્હોટાં પણ મોજાં જેવાં જ કાળાં અને આકાર વગરનાં પર્વતનાં શિખરો ચારે પાસ ડોકીયાં કરતાં લાગ્યાં. આ વળી નવો વિચિત્ર પુરુષ કોણ આવ્યો છે તે જોવાને આતુર આ સઉ ઉંચા શિખર, મ્હોટા ખડકો, અને ખડકોની હારો ને હારો, પોતાને જોઈ ર્‌હેતાં હોય અને તેથી ગભરાતો હોય તેમ સરસ્વતીચંદ્ર સઉના સામું જોવા લાવ્યો, અને એ જોવામાં પાસે કોણ છે અને શું છે તેનું તો ભાન જ ભુલી ગયો અને પાસે ઉભેલા કાળા પ્રચંડ બાવાઓ પણ આ પર્વતના ખડકો જ હોય તેમ સર્વ ઉપર સમાન દૃષ્ટિ રાખી આંખો ચોપાસ ફેરવવા લાગ્યો. એવામાં પાસેના મઠમાંથી ગાન સંભળાયું અને કાને આંખોને બીજી પાસ દોરી.

એ બેઠો હતો ત્યાંથી પંદરેક હાથ છેટે મઠ હતો ત્યાંથી સ્વર આવવા લાગ્યો.

“આા....આ..આ... ..." “જો રાધેદાસ, ગુરુજીએ પ્રાતઃપૂજા એકાંતમાં આરંભી – સાંભળ્યો એમનો સ્વર ?” વિહારપુરી બોલ્યો, અને સર્વ સાંભળવા લાગ્યા. વિષ્ણુદાસ બાવા ગાયનમાં પણ પ્રવીણ હતા અને પોતાના મઠમાં યદુનંદનની પ્રતિમા હતી તેની પાસે ઉત્કૃષ્ટ નિર્ભર નિરંકુશ ચિત્તનું પ્રભાત પદ ગાતા હતા તે આઘે સુધી સંભળાતું હતું અને સર્વ શિષ્યો જયાં જે કામ કરતા ઉભા હતા ત્યાં તે કામ પડતું મુકી ઉભા રહી સ્તબ્ધ ચિત્તથી ગુરુજીનું ગાન કાનમાં ને હૃદયમાં ઉતારવા લાગ્યા. વિષ્ણુદાસજી ગાતા હતા અને ગાન તંબુરામાં ઉતારતા હતા.

“ આઆ....આ.….આ.…. …..” . [1]“યદુનં-દનને...ભવખં-ડનને... ! “નમું પ્રા-તસમે...જગમં–ડનને ! “યદુનં-દનને...યદુનં-દનને... “નમું પ્રા–તસમે...યદુનં-દનને !...નમું૦ “ એ......એ......" સ્વર ઉતારી દીધો. વળી ચ્હડાવી, મૂર્છના વધારી.

“ હરિ હા.....હરિ હા–પ્રા.....ત થયો..... - "હરિ હા.....”

​કંઠ અને આંગળીયો માર્ગે પડ્યા. કંઠ અને તુંબુરના સ્વર પરસ્પર લીન થયા.

[2]"પ્રાત...થ.યો !......યદુનં.......દન જા......ગો....... “અ–લ–ખ–હવે......લખ...થા...વો !...રી......પ્રાત૦ "ર-જ-નિ-ગઈ......ન્દરનાદિન આ.......વી ઉભો...છે... “વા......ટ જુઓ......પ્રભુ ! જાગો.......રી !...પ્રાત૦ “હળવે... હળવે... ...તા-રા...થા–તા... “અ-સ્ત ! ઉગે...છે......ભા...નુ...રી........ પ્રાત૦ "હરિ...હા...હરિ...હા...... “પ્ર-ક-ટ-ની ભ...ક્તિ......પ્રકટે...જ્યા...રે.. "પ્રકટે...સુ......ન્દરના[3]-સા...નુ[4]...રી !... “સા...નુ ઉઉ...રી !...... "સા-આ સા...નુ...રી !......પ્રાત૦ "યા...દવવંશ...તણા...રવિ...કે...રાં… “દ-ર્શ-ન-આ......રવિ કરતો....રી !...પ્રાત૦ "હૃ–દ-ય-કમળ કે...... કમળ જ...વિકસે ?...... “વિષ્ણુદા.........સ નહીં કળતો......રી !...…….પ્રાત૦” ગાન એકદમ બંધ થયું. તુંબુર રણકાર કરતો કરતો બંધ થયો. વિહારપુરી રાધેદાસને ખભે હાથ મુકી અચીન્ત્યો બોલ્યો, “ગુરુજીને સમાધિ ચ્હડ્યો !”

રાધેદાસઃ “શું ગુરુજીની શક્તિ ! જ્ઞાન જુવો તો એમનું ! વૈરાગ્ય એમનો ! ઉપદેશ એમનો ! બુદ્ધિ, ગાયન, વાદિત્ર, ભક્તિ, યોગ, સમાધિ - જે સદ્વસ્તુ ક્‌હો તેનો સમુદાય ગુરુજીમાં – અને તે પણ અપૂર્વ.”

“વાહ વાહ! રાધેદાસ ! ધન્ય ભાગ્ય આપણાં કે ગુરુની સેવા કરતાં જ અલખ જગાવીયે છીયે.” વિહારપુરી બોલ્યોઃ વળી સરસ્વતીચંદ્રના મ્હોં સામું જોઈ તેને કહેવા લાગ્યો.

“ભાગ્યશાળી જુવાન ! તમે સુન્દરગિરિના વિષ્ણુદાસ બાવાના મઠના અતિથિ છો - તેમના અત્યંત પ્રસાદનું પાત્ર છો. અમે તેમના ચેલા છીયે અને તમારો સત્કાર કરવા ઉપર અમારો અધિકાર થયો છે. માટે કોઈ રીતની શંકા ન રાખશો. તમે મહાપવિત્ર સ્થાનમાં અત્યારે ઉભા છો. તમે કોઈ દુ:ખી પુરુષ જણાવ છો પણ અલખના પ્રતાપથી - શ્રી યદુનંદનની કૃપાથી – શ્રી વિષ્ણુદાસના આશીર્વાદથી તમારા ત્રિવિધ તાપ અંહી ભાગશે. માટે સર્વ શંકા છોડી અમારી સાથે ચાલો અને અમારો યત્કિંચિત્સત્કાર સ્વીકારો. તે પછી પરસ્પર પૃચ્છા અને પરિચય નીરાંતે કરીશું.”

રાધેદાસે એક નિર્મળ પાત્રમાં નિર્મળ પાણી અને દાતણ આણી એક પત્થર ઉપર મુક્યું. ત્યાં આગળ સરસ્વતીચંદ્ર અને વિહારપુરી જઈ બેઠા. પત્થર ઉપરથી પર્વતની પશ્ચિમનો સર્વ દેખાવ દૃષ્ટિ આગળ આઘે સુધી પથરાતો હતો અને તેની પેલી પાસ સમુદ્ર ઉછાળા મારી રહ્યો હતો. સમુદ્ર દેખાતાં જ સરસ્વતીચંદ્રને મુંબાઈ સાંભર્યું, પિતા સાંભર્યા, અને દાતણ કરતાં કરતાં, પિતાની શી અવસ્થા હશે તે વિચારતાં વિચારતાં, આંખમાં પાણી ભરાઈ આવ્યું તે પાણીની છાલકો મારતાં પણ બંધ થયું નહી. વિહારપુરી તે જોઈ બોલ્યોઃ “અતિથિ મહારાજ ! તમે સર્વે ખેદ ક્‌હાડી નાંખો. સુન્દરગિરિ ઉપર શ્રીકૃષ્ણ પરમાત્માનું પરમાનંદ પ્રગટ કરનહાર સ્મિત વ્યાપી રહ્યું છે, માટે તમારો તાપ ગયો સમજવો. જુવો !

"तापत्रयौषधिवरस्य हि तत्स्मितस्य "निःश्वाससमुन्दमरुता निवुसिकृतस्य । "एते कडंकरचया इव विप्रकीर्णाः "जैवातृकस्य किरणा जगति भ्रमन्ति ॥"[5][6] મુંબાઈમાં દાક્ષિણાત્ય મિત્રો દાક્ષિણાત્ય સુસ્વરથી સંસ્કૃત શ્લોક ગાતા તે સાંભળવાના રસિક પુરૂષને મુંબઈ છોડ્યા પછી ઘણે દિવસે આ સુપરિચિત શ્લોક સાંભળવાનો પ્રસંગ આવ્યો. આથી એના ઘણાક સંસ્કાર જાગ્યા અને

​પિતાના વિચારમાંથી બીજી આનંદમય દશામાં સંક્રાંત થયો. પાછલી રાત્રે સાંભળેલા સ્વભાષાના કાવ્યતરંગ અને અત્યારે સાંભળેલા આ શ્લોકથી એનું હૃદય સુપ્રસન્ન થયું. આવે સ્થળે પણ આ કાવ્ય અને પર્વેષણાના રમ્ય મિશ્રણને વિનોદ મળશે - આ આશા તેના મનને મનોજ્ઞ થઈ પડી અને ઉલ્લાસમાં આવી આ વસ્ત્રહીન જેવા, જડભરત જેવા, પ્રતિમા જેવા કાળા, અને પાંચ હાથ ઉંચા બાવાને રૂપે કોઈ રમ્ય વિનોદસ્થાન પ્રત્યક્ષ ઉભું હોય તેમ તેની સાથે પ્રીતિથી બોલવા લાગ્યો.

“યોગિરાજ ! શ્લોક તો ઉત્તમ કહ્યો પણ આ દિવસને સમયે સૂર્યને ઠેકાણે જૈવાતૃકના[7] કિરણ શી રીતે ભમે છે તે સમજાયું નહીં. આપના પવિત્ર આશ્રમમાં જે સત્કાર પામું છું તે જ મ્હારા મનના ખેદને દૂર કરે છે. આપના ગુરુજીનો મ્હારા ઉપર પક્ષપાત છે તો મ્હારા शेषનો ઉપાધિભાર પણ ઉતરશે.”

“ ક્યા બોલા ! જુવાન !” – વિહારપુરી અને રાધેદાસ આંખો વિકસાવી એકબીજાના સામું જોઈ રહ્યા. પોતાના સંપ્રદાયના રહસ્યમાં આ પુરુષની ગતિ થઈ ગુરુનો પક્ષપાત એણે જાણ્યો, અને સંસ્કૃત શ્લોકનો અર્થ વગર સમજાવ્યે એ સમજી ગયો, અને 'શેષભાર'નું રહસ્ય એને પ્રાપ્ત થયું; આ સર્વ વાત બાવાઓને ચમત્કાર જેવી લાગી અને ગુરૂજીનું વચન સફળ જ થશે એ શ્રદ્ધા એમના ચિત્તમાં સજડ થઈ ગઈ. આખરે વિહારપુરી સરસ્વતીચંદ્રને બે હાથે ઉમળકો આણી બાઝી પડ્યો અને છુટો પડી, પોતાના શરીર ઉપરની વિભૂતિ એને શરીરે વળગેલી જોઈ, ઓર આનંદમાં આવી ગયો. અંતે હર્ષથી ઉભરાઈ જઈ બોલ્યો.

“જુવાન, તમારું નામ ક્‌હો ! પછી હું ઉત્તર દેઈશ.”

“મ્હારું નામ નવીનચંદ્ર !”

“ નવીનચંદ્ર ! વાહ વાહ! ક્યા અચ્છા નામ હૈ ! નવીનચંદ્રજી અમારા નવીન જૈવાતૃક ! શ્રીકૃષ્ણના સ્મિતરૂપ અમારા જુના જૈવાતૃક શ્રી વિષ્ણુદાસજી શ્રી પરમાત્માના સ્મિતરૂપ છે; અને શ્રી વિષ્ણુદાસજીના કિરણ આ સુંદરગિરિ ઉપર ચારેપાસ આ માયારાત્રિમાં ભ્રમણ કરે છે; અને એ કિરણનો જેના ઉપર અભિષેક થાય છે તે આનંદરૂપ સ્મિતપ્રકાશરૂપ હો જાયછે – એ આનંદનો ઉદય તમારા ત્રિવિધ તાપ ન્હસાડશે. ક્યા નવીનચંદ્રજી ! સબ સમજ ગયા ?” ​ “ વિહારપુરીજી ! આપનાં વચનામૃતથી જ શેષનો ભાર ઉતરે એમ છે તો પછી આપના ગુરુજીનો ચંદ્રના જેવો શાંત પ્રકાશ આત્માને શાંત કરે તો તેમાં શી નવાઈ છે ?” સરસ્વતીચંદ્રને વિનોદ કરવાનું મન થયું અને પોતાને જીવિતદાન આપનાર જેવાઓને ઉપકારવશ થઈ તેમને બે મધુર વચન ક્‌હેવાં એ પોતાનો ધર્મ સમજ્યો. પ્રીતિને બદલો પ્રીતિ.

વિહારપુરી પુરેપુરો પ્રસન્ન થયો અને રાધેદાસને ક્‌હેવા લાગ્યો: “ જો ! પળેપળ જાય છે તેમ તેમ ગુરુજીના વચનના પડેપડ ઉઘડે છે. આ વધામણું અક્ષરેઅક્ષર ગુરુજીની પાસે ખાઈશ અને તે પછી આવા બુદ્ધિશાળી અધિકારી અતિથિનો સત્કાર સારી રીતે થાય એવી તત્પરતા રાખીશ. ગુરુજીને પરવારતાં હજી બે ચાર ઘડીની વાર છે ત્યાં સુધી - રાધેદાસ ! - નવીનચંદ્રજીને સુન્દરગિરિના તટ પાસે લઈ જા, તળેટીનાં અને શિખર ઉપરનાં સર્વ સુંદર ધામ અને વસ્તુઓનું તેમને દિગ્દર્શન કરાવી દે, તેમને આપણા મઠની અને ગુરુજીની સર્વ વાર્તા વિદિત કરી દે, સર્વ સાધુમંડળમાં એમને પ્રસિદ્ધ અને પરિચિત કર, અને એમનું ચિત્ત જે રીતે પ્રસન્ન થાય એમ કર. મ્હારે પાછાં આવવાનો સમય થાય ત્યાંસુધી આટલું કર્તવ્ય તને સોંપું છું.”

લાંબા પગલાં ભરતો વિહારપુરી ચાલ્યો ગયો અને રાધેદાસ અને સરસ્વતીચંદ્ર બે જણ એકલા રહ્યા. રાધેદાસ અતિથિને પર્વત ઉપર જુદે જુદે ઠેકાણે લેઈ ગયો. પર્વતને અનેક શિખર હતાં. જે શિખર ઉપર વિષ્ણુદાસનો મઠ હતો તેનું નામ યદુશ્રૃંગ હતું. એની પાછળ વધારે ઉચું શિખર તીર્થાંગ નામનું હતું. તેના ઉપર જૈન વર્ગની ભવ્ય ગુફાઓ અને ભાતભાતનાં દેવાલય હતાં. તેનાથી પણ ઉંચે મત્સ્યેન્દ્ર શ્રૃંગ હતું. ત્યાં મત્સ્યેન્દ્ર અને ગોરખની મ્હડીઓ હતી અને આજ ત્યાં માત્ર બે ચારેક યોગીયો ર્‌હેતા હતા તે યોગશાસ્ત્ર પ્રમાણે યોગ સાધતા હતા. આ શ્રૃંગ ઉપર જવાનો માર્ગ ઘણો ઉંચો, સાંકડો, ગલીકુંચીવાળો અને આડો અવળો હતો. એ માર્ગ ઉપર જતાં માંકડાં, રીંછ, સર્પ અને વાઘનો ઉપદ્રવ નડતો. માર્ગ બાંધેલો ન હતો એટલું જ નહી પણ કેટલેક ઠેકાણે તો સાંકડા અણીવાળા પત્થર ઉપરથી પત્થર ઉપર કુદી જવાનું હતું. કેટલેક ઠેકાણે માર્ગ ઉપર ઘાસમાં અને કાંટામાં ચાલવાનું હતું. કેટલેક ઠેકાણે પર્વતની કીલ્લા જેવી બાજુઓ ઉપર ન્હાનાવેલાઓ પેઠે માર્ગ વીંટળાતો હતો અને તે ઉપર ચાલનાર પગલું ચુકે તો બીજી પાસ ઉડાં કોતરો અને નીચી ખાઈમાં પડી જઈ હાડકું પણ ન જડે એમ હતું. કોઈકોઈવખત તો આવા અકસ્માત બનેલા પણ ક્‌હેવાતા. કેટલીક વખત તો ત્યાં જનારાને આંખે તિમિર ચ્હડતું અને તે પાછા આવતા. ​કવચિત્ તે વચ્ચેથી પાછાં આવવું હોય તો પાછાં વળતાં પણ કઠણ પડે એવી સંકડાશ હતી. એમ છતાં યોગીરાજના દર્શન કરવા અનેક જાત્રાળુઓ જવા ડરતા નહી. સ્થલે સ્થલે ફરી આ સર્વ વર્ણન રાધેદાસે કરી બતાવ્યું.

આ શીવાય બીજાં પણ અનેક શિખર હતાં. એક શિખર ઉપર બે ચાર વેદાંતજ્ઞાનમાં પારંગત થયેલા શાંત દાંત સંન્યાસીયો ઝુંપડીઓમાં ર્‌હેતા હતા. એક શિખર ઉપર કેટલાક મઠ અને ઝુંપડાં યાત્રાળુઓયે બાંધેલાં હતાં. ત્યાં એક સ્થાને ન ઠરનાર અનેક સંન્યાસીયોનાં ટોળેટોળાં આવતાં જતાં વિશ્રામ કરતાં એક શિખર ઉપર બેચારેક શિવાલય હતાં અને તેમાનાં બે શિવાલયની પૂજા પુજારી બ્રાહ્મણો કરતા અને બેની સાધુઓ કરતા. એક આઘેના શિખર ઉપર ચંડિકાનું દેવાલય હતું તે બેચારેક વડાદરા બ્રાહ્મણોને સ્વાધીન હતું, યાત્રાળુઓ પગે ચાલી સર્વ દેવદેવીઓને નમસ્કાર કરતા, સર્વ ઠેકાણે યથાશક્તિ પુણ્યદાન કરતા પણ પોતાના કુલદેવતા કે ઈષ્ટદેવતાને અધિક દાન કરતા. સંન્યાસી, જોગી, બ્રાહ્મણ, અને જતિઃ સર્વ જયાં ર્‌હે ત્યાં તેનો નિર્વાહ થતો. જે સઉથી આઘે, સઉથી એકાંતમાં, સઉથી ગુપ્ત ર્‌હે તેનું મહત્વ વધારે લેખાતું અને ત્યાં જનાર થોડા હોય એ સ્વાભાવિક હતું પણ જે થોડા જતા તે વધારે પુણ્ય કરતા. આ સર્વ પંથના સ્થાનિક પંથીઓ પર્વત ઉપરથી નીચે ઉતરતા પ્હેલાં અને ઉતર્યા પછી એકઠા થતા ત્યારે પોતાના દેવની સ્તુતિ અને પારકા દેવની નિંદા ચાલતી, એકબીજાનો તિરસ્કાર થતો, વિરોધ અને વિતંડાવાદ મચી ર્‌હેતો અને પ્રસંગે મારામારી થવાનો પ્રસંગ આવતો પણ લાંબો પ્હોંચતો નહીં. હોંકારા હોંકાર કરવામાં સર્વ શક્તિ વપરાઈ જાય એટલે વધારે વિરોધની શક્તિવૃત્તિ સ્વતઃ શાંત થઈ જતી. આ સર્વ વાતોની કથા કરતાં અંતે રાધેદાસ બોલ્યોઃ “નવીનચંદ્રજી, જેમ સાગરમાં સર્વ પ્રાણીયો રહે છે તેમ જ સુન્દરગિરિ ઉપર પણ છે; ફેર એટલો કે સાગરનાં પ્રાણીયો પરસ્પરનો શીકાર કરે છે ત્યારે આ ગિરિ ઉપર મહારાજ મણિરાજની આણ એવી વર્તે છે કે ફોજદારના સીપાઈને અંહી ફરકવું સરખું પણ પડતું નથી, સર્વના મનમાં એમ જ ર્‌હે છે કે મહારાજ મણિરાજને કાન આપણે હુડુયુદ્ધ [8] કર્યાની વાત જશે તો એમની પાસે આપણા ધર્મની પ્રતિષ્ઠા ઘટશે અને મહારાજને ખેદ થશે તે જુદો. અમારા મહારાજ જેવો સર્વધર્મપ્રતિપાળ ધર્માત્મા કોઈ થયો નથી અને થનાર નથી. એનું મન દુભાય તે આ ગિરિ ઉપર બાળક તો શું પણ કોઈ દુષ્ટ પણ ઈચ્છતો નથી. મહારાજ

​બાળક છે પણ શી એમની બુદ્ધિ, શો એમનો અનુભવ, અને શી એમની રાજનીતિ !”

“મહારાજને અંહી કોઈ પ્રસંગે આવવું થાય છે ?”

“તો ! આ સ્થાન એવું રમણીય છે કે મહારાજ વર્ષે બે વર્ષે ચૈત્ર વૈશાખમાં અત્રે આવ્યા વિના ર્‌હેતા નથી. આ એકેએક શ્રૃંગ ઉપરના પંથવાળા ઉપર એમની દૃષ્ટિ છે. અમારા તેમ સર્વ પંથના ગુરુ પુરુષો વર્ષમાં એક સમય પણ મહારાજને રત્નનગરી જઈ મળ્યા શીવાય ર્‌હેવાના નહી. જયારે અમારા ગુરુજી ત્યાં જાય છે ત્યારે મહારાજ જાતે દર્શનનો લાભ આપે છે અને ગુરુજીની પાસે કાંઈક પણ નવું રહસ્ય યાચી લે છે. ગુરુજીનો આશીર્વાદ મહારાજને પ્રિય છે. જે ધર્મ શાંતિ અને નીતિના પંથ શીખવે અને પળાવે તે ધર્મ ઉપર મહારાજનો પક્ષપાત. જેમ શ્રીકૃષ્ણ સર્વ ગોપીયોના હૃદયમાં બીરાજે તેમ સર્વ પંથના આચાર્યોના હૃદયમાં મણિરાજની આણ ખરી.”

“તમારા પંથને મહારાજ માને છે ?”

“એ તો એમના કુલધર્મને અનુસરે છે એમાં અમે દોષ કેમ ક્‌હાડીયે ? स्वधर्मे निधनं श्रेय [9]એવું ભગવદ્વાક્ય છે. જેનો જે ધર્મ. રાજનો એક ધર્મ એ કે સર્વ ધર્મનું પ્રતિપાલન કરવું.”

રાધેદાસની વાતોમાં સરસ્વતીચંદ્રને મન ગંભીર અર્થ હતો. રાજનીતિનાં અનેક અંગ હોય છે. તેમાં એક કાર્ય – અંગ અને એક યશ - અંગ. કાર્યને અંગે લોકની પ્રીતિ-અપ્રીતિ વેઠવી પડે છે અને રાજા તો સર્વનું પ્રીતિભાજન હોવું જોઇએ. માટે કાર્ય-અંગ કારભારીને આપવું અને યશ-અંગ રાજાએ રાખવું. પ્રધાનવિવર્તના કરતાં રાજવિવર્તમાં અનેકધા હાનિ અને કષ્ટ છે, અને કાર્ય-અંગના વ્‌હેનારને લોકની અપ્રીતિના પ્રસંગ આવશ્યક સ્વીકારવા પડે છે અને એ સ્વીકારથી પદવીવિવર્તના પ્રસંગ સારુ તૈયાર ર્‌હેવું પડે છે. માટે સુભક્ત પ્રધાને કાર્ય-અંગ પોતાના જ શિર ઉપર રાખવું અને યશ-અંગ રાજાને જ આપવું. જેમ યોદ્ધાઓએ યુદ્ધમાં મરણ સ્વીકારવા તૈયાર ર્‌હેવાનું છે તેમ પ્રધાને કાર્ય-અંગના પરિણામ સારુ તૈયાર ર્‌હેવાનું છે. પોતાનું માથું આપી રાજાના યશ-અંગનું રક્ષણ કરવું એ પ્રધાનનો 'પ્રધાનધર્મ' છે. પ્રધાને કાર્ય સાધવું અને રાજાને યશ પ્રાપ્ત કરાવવો. આ યશ એટલે રાજાની સ્તુતિ પ્રવર્તે એટલું જ નહી, પણ રાજા ઉપર સર્વની પ્રીતિ થાય એ આ યશ-અંગનું સાધ્ય છે. જેમ કેટલાંક સામાન્ય વ્યાપારકાર્યમાં અને ગૃહકાર્યમાં .

​સ્વામી ઉદાર દેખાય અને સેવક કૃપણતાનો આરોપ વેઠી સ્વામીનું દ્રવ્ય બચાવે, તેમ જ રાજકાર્યમાં પણ યશ-અંગ રાજાનું છે. આનો અર્થ એમ નહીં કે પ્રધાને યશ ન શોધવો અને રાજાએ કાર્ય ન કરવું. કાર્ય એ રાજાનો આત્મા છે અને યશ એ રાજાનું અંગ છે અને અંગથી આત્મા ઢંકાયેલો ર્‌હે છે. પ્રધાનને યશ પણ સાધ્ય છે પણ એનો યશ રાજાનું કાર્ય સાધવામાં છે, રાજાના હૃદયમાં છે, અને રાજાની ફલસિદ્ધિમાં છે, અને રાજના યશ-અંગમાં રાજાને નામે ઢંકાયેલો છે. રાજ્યકાર્યને અંગે જો અપયશ પ્રધાને વ્હોરવો પડે છે તેનું અનિષ્ટ પરિણામ તેની જાતને વેઠવું પડે તેમાંથી તેનું રક્ષણ કરવું એ રાજાનું કામ છે, એમાં રાજાને પોતાની જાતના સ્વાર્થનો ત્યાગ કર્તવ્ય છે, અને જે રાજા આ અવસ્થા સ્વીકારે તો જ તેના કાર્ય- આત્માનું કુશળ છે. આવાં આવાં અનેક કારણોથી રાજા પ્રધાન વચ્ચે કર્મવિભાગ કરવામાં રાજાને યશ-અંગનાં કર્મ સોંપવાં અને પ્રધાનને કાર્ય- અંગનાં કર્મ સોંપવાં અને અંતમાં ઉભયનો આત્મા એક રાખવો એ રાજ- નીતિનો પ્રથમ અને આવશ્યક પાયો છે, એ પાયા વગર બાંધેલું સર્વે બાંધકામ પોલું અને રાજા અને પ્રજા ઉભયને અકુશળ છેઃ આવો વિદ્યાચતુરને સિદ્ધાંત હતો તે વાર્તાવિનોદ પ્રસંગે તેણે સરસ્વતીચંદ્રને કહ્યો હતો. આ પ્રસંગ આજ એને સાંભરી આવ્યો અને મણિરાજના પ્રધાનનો સિદ્ધાંત વ્યવહારમાં કેમ સિદ્ધ થાય છે તેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત રાધેદાસની વાર્તામાંથી નીકળ્યું. આ દૃષ્ટાંત ઉપરથી વિચાર થતાં એને સાંભર્યું કે

सदानुकृलेषु हि कुर्वते रतिम् । नृपेष्वमात्येषु च सर्वसंपदः ॥ [10] અને આ શ્લોકમાં કેવલ વાક્‌પટુતા જ નથી પણ કંઈક અનુભવનું અર્થગૌરવ છે તે સમજાયું. “આવા દુરવાસી બાવાઓની પણ મણિરાજ ઉપર આટલી પ્રીતિ, અને પ્રીતિને અંગે તેમને આટલું ભય કે પોલીસ સરખીનું પણ કામ પડતું નથી – વિદ્યાચતુર ! મણિરાજના યશશરીરનો સાધક તમારો અને મણિરાજનો સંબંધ કેવો પ્રીતિકર છે ! – નક્કી તમારામાં આવા કાર્યની સાધક કલા ગુણસુંદરીએ જ સમર્પી છે – ગુણસુંદરી ! – કુમુદસુંદરી –” કુમુદ સાંભરી ત્યાં અંતર્માં ઉંડો ઘા પડ્યો અને હૃદય આગળ મર્મવેધક સૃષ્ટિ આવી અને ચમકારા કરવા લાગી. પણ રાધેદાસે કષ્ટવિચારમાં સુવિક્ષેપ પાડ્યો. પત્થરો, વેલાઓ, છોડવા, અને

​માટીવાળા માર્ગમાં થઈને સરસ્વતીચંદ્રને પર્વતની કોર આગળ લેઈ ગયો. કોર આગળ ખુણો પણ હતો. ત્યાં એક મહાન શિલા ચોરસ અને ઉપરથી લીસી હતી તે ઉપર બે જણ બેઠા. સરસ્વતીચંદ્ર એના ઉપર પણ ઉભો થયો અને ચારે પાસ દૃષ્ટિ ફેરવી વાળ્યો. દક્ષિણમાં તાડનાં વન હતાં. ઉંચા ઉંચા તાડ ન્હાના છોડવા હોય તેમ દૃષ્ટિ એક ફેરો ખાઈ બધા તાડ ઉપર ફરી વળી. પૂર્વમાં મનહરપુરીની સીમા, અને આંબાનાં વન હતાં. સૂર્ય સામે આવતો હતો અને નેત્રને ઝાંઝવાં વાળતો હતો. નેત્ર એણી પાસથી ફર્યું અને ઉત્તરમાં વળ્યું. સુન્દરગિરિનાં સર્વ શ્રૃંગો–શિખરો– જાનનાં માણસો પેઠે એક બીજાના ખભા ઉપર માથાં કરી જોઈ ર્‌હેતાં હતાં અને નવા તેજના રંગથી રંગાતાં છેટે આકાશમાં ભળી જતાં હતાં. દક્ષિણમાં આવતાં નેત્ર ઉંચા શિખરો છેડી, છેક નીચાણમાં આધે સમુદ્ર હતો તે ઉપર પડ્યું. પશ્ચિમમાં સમુદ્ર, પૂર્વમાંથી-દક્ષિણમાંથી–વહેતી આવતી સમુદ્રને મળતી સુભદ્રા, અને જોનાર ઉભા હતા તેમના પગ આગળથી નીચે પથરાતો પર્વત અને તે નીચે એની તળેટીઃ આ સર્વ કોરપાલવ વચ્ચે વિચિત્ર ભવ્ય- ચિત્રપટ- ચિત્રોથી ભરેલું વસ્ત્ર – પડી રહ્યું હતું તે ઉપર સરસ્વતીચંદ્રની દૃષ્ટિ ફરવા–ઠરવા-લાગી. રાધેદાસે આ વસ્ત્રમાંનાં ચિત્રોની કથા વિસ્તારથી ક્‌હેવા માંડી.

“ નવીનચંદ્રજી ! આ જોઈ દ્હેરાની ઠઠ ? અંહીથી તો ચાતુર્માસમાં જોવાની ગમત છે. ઉપર વાદળાં, અંહીથી તે નીચે તળેટી સુધી સરતા પાણીના ધોધ, સામે સમુદ્ર, વચ્ચે આ ધોળાં દ્હેરા અને આ પાસ સુભદ્રામાં ચોપાસથી ભરાતું ઉભરાતું અનહદ પૂર ! ! અને આ સર્વની વચ્ચે વણકરના તાણાવાણા જેવી વરસાદની વૃષ્ટિ !! ધોળા રેશમના ઢગલા જેવાં વાદળાં તો આપણા પડખામાં આવી ચાલે, વૃષ્ટિ તો આપણી આસપાસથી દોરડા પેઠે ટીંગળાવા માંડે, અને પાણીના ધોધ – નારાયણના નખમાંથી ગંગાજી નીકળ્યાં એમ – આપણા પગમાંથી નીકળતા દેખાય !! વાહ! વાહ! વાહ! શી સુન્દરગિરિની ચાતુર્માસમાં શોભા ! તમે નક્કી સુન્દરગિરિના જ વાસી થાવ અને આ આનંદ અનુભવો ! એ શોભા કાંઈ ઓર જ થાય છે. એ જુવે નહી તેનું જીવ્યું ફોક !”

રાધેદાસે વર્તમાન ચિત્ર સાથે આમ ભવિષ્ય ચિત્રનું મિશ્રણ કર્યું; દૃષ્ટિ આગળ અદ્ભુત દેખાવ તરતો હતો તેમાં કલ્પનાશક્તિ આગળ બીજો દેખાવ ખડો થયો. ન્હાનું બાળક રોતાં રોતાં રમકડું જોઈ રહી જાય છે; મ્હોટું માણસ અત્યંત વિપત્તિને અવસર પણ સૃષ્ટિની ભવ્યતા જોઈ સતબ્ધ થાય છે, ચિત્ત સ્તબ્ધ થતાં આંસુમાં અંતરાય પડે છે, અને નવા આનંદ ​આગળ પળવાર જુનું થયેલું દુ:ખ વીસારે પડે છે. રાધેદાસનું વર્ણન અને નેત્ર આગળનું ચિત્ર એ ઉભયની વસ્તીથી સરસ્વતીચંદ્રનું મન ભરાઈ ગયું.

“વાહ, વાહ, રાધેદાસ ! શી સુન્દરગિરિની શોભા છે ? આ આટલાં બધાં દેવાલય કોનાં છે ? તળેટીમાં વસ્તી કોની છે ?”

સર્વ દેવાલયો ઉપર રાધેદાસની દૃષ્ટિ પક્ષિની પેઠે ફરી વળીઃ "નવીનચંદ્રજી, આ પેલી પાસ કાળા ડાઘા દેખાય છે તે સુરગ્રામનાં ઘર છે. ગામ તો ન્હાનું છે, પણ તીર્થનું સ્થાન છે. અસલ સુરગ્રામ આ દેવાલયોને સ્થાને હતું. આ દેવાલયોમાં પંચાયતન દેવતાની જુદી જુદી પ્રતિમાઓ વિરાજે છે. આ સુન્દરગિરિપર જેટલા શ્રૃંગો છે તેટલા પંથ છે અને તે સર્વ પંથવાળાનાં દેવાલય આપણી દૃષ્ટિ આગળ છે.”

“તમે તો વિષ્ણુભક્ત છો - વિષ્ણુ શીવાય બીજા દેવનાં દેવાલયનાં ગર્ભમન્દિર ભાગ્યે જોયાં હશે !”

રાધેદાસ હસ્યો: “અમારા દેવ અને બીજાના દેવ જુદા એ તો ભ્રમ છે. ઈસ જગતમેં અંધ-હસ્તિ-ન્યાય ચલ રહા હૈ ! કેમ – ભૈયા - સમજ્યા? અમે તો વૈષ્ણવ છીયે પણ શિવમાર્ગી આરતીમાં ગાય છે–

“શિવ વિષ્ણુ એક સ્વરૂપ, “અંતર નવ ગણશો ! “અંતર નવ ગણશો ! “એ અભિપ્રાય અમારે પણ કબુલ છે. શ્રી અલખ જગતમાં લખ થાય છે ત્યારે જેના હૃદયમાં જેણી પાસનાં કિરણ પડે છે તેની તેને પ્રીતિ થાય છે. શિવ, વિષ્ણુ, અને ઇતર દેવો તેમ અનાર્ય યવનોના દેવમાત્ર પણ અલખનાં લેખ સ્વરૂપ છે. જેની જેવી દ્રષ્ટિ. અમારા હૃદયમાં હૃદયના દેવતા વિષ્ણુ છે - વિષ્ણુનું પણ કૃષ્ણસ્વરૂપ અમને પ્રિય છે - બાકી અલખ તો એક જ છે અને તેને વેદાંતી બ્રહ્મ ક્‌હે છે.-” કંઈક ક્‌હેતો ક્‌હેતો રાધેદાસ અટક્યો.

સરસ્વતીચંદ્ર તે ચેતી ગયો: “કેમ અટક્યા? કંઈક ક્‌હેવા જતા હતા!”

“કહું ? તમે સંસારી છો તો સંસારી ભાષા સમજશો – પણ અમે વેરાગી, માટે હું અટક્યો.”

“બોલો, બોલો !”

“એક લલના, કોઈ ઈસીકા મુખદર્શનસે તૃપ્ત હોતા હૈ; કીસીકું ઈસકા ગાન ચૈયે; કીસીકું સ્પર્શસુખ બીન આનંદ નહી હો શકતા હૈ ! કીસીકું સ્પર્શ મેં બી મસ્તી ચૈયે; ઓર કીસીકી મનમેં જનની-સ્વરૂપસે સ્ત્રીકા મુખાદિકી બી ઉપેક્ષા હો જાવે. ઈસ તરેહસે સ્વતઃનિરંજન નિરાકાર ​શ્રીઅલખકા અનેક લખ સ્વરૂપમેં અનેક માનવ કે અનેક મન અનેક પ્રકારસે દર્શન એૌર ક્રીડા કર રહે હય.”

ઉલ્લાસમાં આવી આમ પર્યેષણા [11]કરતો યોગી સરસ્વતીચંદ્રને કંઈક નવા જ લક્ષણવાળો લાગ્યો. આર્યોના અનેક દેવમંડળનો આવો આત્મા જોઈ પક્ષ-મંત્રીની[૨] પરીક્ષામાં સુપરીક્ષિત નીવડેલાંને આર્ય ધર્મનો આ પક્ષમંત્ર અતિપ્રિય લાગ્યો અને એનું દેશાભિમાન જાગ્યું. તેમ થતાં પોતે સામો પક્ષ લેઈ આ ઈંગ્રેજી ભાષાના અપરિચિત સાધુના પક્ષની સીમા જોઈ લેવા સરસ્વતીચંદ્ર લલચાયો: “શું રાધેદાસ, પ્રતિમા પૂજનમાં લખ કયાં આવી ગયો ?”

આ નાસ્તિક પ્રશ્નથી રાધેદાસને કાંઈક ક્રોધ ચ્હડતો ચ્હડતો ગુરુજીનો વર્તારો સાંભર્યો અને તેમ થતાં શાંત પડી, ગંભીર મુખે, બોલ્યોઃ “ભાઈ આ પ્રશ્ન અમારા મઠમાં કોઈને પુછશો તો તમને નાસ્તિક ગણી દુઃખ દેશે. માટે ફરી ન પુછશો. વેદવચન પર શ્રદ્ધા અને ગુરુજીની આજ્ઞા એ અમારી દૃષ્ટિમર્યાદા છે. તેનું ઉલ્લંઘન કરાવનાર પ્રશ્ન કે તર્ક અમને અસહ્ય છે.”

સરસ્વતીચંદ્રને આ પ્રદેશ અને મુંબાઈની સ્વતંત્રભૂમિના ભેદનું ભાન આવ્યું. ઉપકાર કરનારના ચિત્તને પોતે ક્લેશનું સાધન થયો જાણી પસ્તાયો, પર્યેષણાની સાથે ધર્મકલ્પનાના [12] આવેશનો ગુણાકાર જોઈ કંઈક ગુંચવાયો, પણ સર્વથા ઈંગ્રેજી રીતે પણ પરધર્મની નિન્દા કરવી અસભ્ય છે તે સમરી બોલ્યો: “ક્ષમા કરો, રાધેદાસ, આ પ્રશ્નથી તમને અપમાન થશે એમ જાણ્યું ન હતું, માત્ર રહસ્યજિજ્ઞાસાથી શિષ્યભાવે જ પ્રશ્ન પુછ્યો હતો!”

“શું, ભાઈ, આ તે પ્રશ્ન ? એમાં રહસ્યજિજ્ઞાસા માની ?”

“જુઓ, મને લાગે છે કે આપના ગુરુજીનું વચનામૃત છે કે, પામરમાં પામર દીસે ગોપાલક ગોપાલ.”

“એમાં પ્રતિમાપૂજનનું કંઈક રહસ્ય હોવું જોઈએ.”

રાધેદાસ ગભરાયો. “ગુરુનું રહસ્ય આણે સાંભળ્યું ને સમજાયું ! નક્કી, એ મ્હારા કરતાં વધારે અધિકારી છે - તો - તો ” મ્હોટે સ્વરે નમ્ર થઈ બોલ્યોઃ “નવીનચંદ્રજી, ક્ષમા કરજો! આપની જિજ્ઞાસાને તો વિહારપુરી કે ગુરુજી તૃપ્ત કરશે – મ્હારો અધિકાર આપનાથી કનિષ્ટ છે – એ રહસ્ય મ્હારાથી સમજાતું નથી. ધન્ય ભાગ્ય તમારું - નકકી, અલખ તમારા હૃદયમાં જાગે છે.”

​આ વાર્તા પડતી મુકવાના હેતુથી સરસ્વતીચંદ્રે આસપાસના દેખાવની વાત ક્‌હાડી.

"રાધેદાસ, આ છેટે નદી અને સમુદ્રનો સંગમ થાય છે એ નદીનું નામ શું ? અને એ નદી કયાંથી આવે છે ?”

“એ નદીનું નામ સુભદ્રા છે, સુભદ્રા એ ભદ્રાનદીની શાખા છે. ભદ્રા સુવર્ણપુર આગળ શ્રીરત્નાકર સાથે સંગમ પામે છે. સુભદ્રા આ પણે આગળ સુરગ્રામ પાસે સંગમ પામે છે.”

સરસ્વતીચંદ્ર શિલા ઉપરની શિલા ઉપર ઉભો થયો અને સુભદ્રા ઉપર પૂર્વથી પશ્ચિમ સુધી દ્રષ્ટિ નાંખવા લાગ્યો. સુભદ્રા દૃષ્ટિમર્યાદામાં લાંબી રેખા જેવી દેખાતી હતી, અને તીર ઉપરનાં ઝાડોની બે રેખાઓ વચ્ચે પાણીના શ્વેત પ્રવાહની રેખા – બે , ઓઠ વચ્ચે ઉઘાડા પડેલા દાંતની હાર જેવી – દેખાતી હતી તે જોઈ રહ્યો. જયાં પોતે લુંટાયો હતો તે સ્થળ એક બિન્દુ આગળ કલ્પવા લાગ્યો. દૃષ્ટિમર્યાદાની પેલી પાસ સંતાઈ રહેલા સુવર્ણપુરને કલ્પવા લાગ્યો. એ બે સ્થાન વચ્ચે તરવરતાં બ્હારવટીયાનાં ઝુંડ ને ઝુંડ કલ્પવા લાગ્યો. અંતે સુવર્ણપુરથી કુમુદસુંદરી નીકળતી હોય અને પોતે લુંટાયો હતો એ સ્થાને આવી બ્હારવટીયાઓના હાથમાં આવી પડતી હોય એવું ગભરાવી નાંખતું દિવસ–સ્વપ્ન એના મસ્તિકમાં ચમકારા કરવા લાગ્યું. આકાશમાં એક ન્હાની નાજુક વાદળી સમુદ્ર ભણી લીલાભરી ખેંચાતી હતી. કુમુદસુંદરી એ વાદળીમાંથી લટકતી દેવાંગના પેઠે આકાશમાર્ગે અદ્ધર ચાલતી લાગી. ગઈ કાલ ગાડામાંની ડોશી ગાતી હતી તે સંસ્કાર મનમાં સ્ફુર્યો. વાદળી છેક સમુદ્ર પાસે આવી બે હાથ પહોળા કરતી સ્ત્રી જેવી દેખાઈ. સૂર્યના તેજથી રંગેલી સાડી પ્હેરી કુમુદસુંદરી ઉભી ઉભી ભુરા આકાશમાં ફરફરતી વાદળીની કોર ઝાલી, લટકા કરતી ઉતાવળું ગાતી લાગીઃ–

“વાગે મોરલી મધુરી મધુવનમાં રે લોલ “વ્હાલો દેખાય દેખાય જતાં ન્હાસતાં રે લોલ “વ્હાલો કાલો થઈને કાપે કાળજાં રે લોલ “કાળો લપ્પાય તમાલ તાડ ઝાડમાં રે લોલ “ભોગી જોગી બનીને ભોગ ઝંખતો રે લોલ “દેખાય દેખાય સંતાય ને છતો થતો રે લોલ.” સરસ્વતીચંદ્ર ગભરાતો ગભરાતો કાન અને આંખ ઉંચા કરવા લાગ્યો. અંતે વાદળી સમુદ્રમાં પડતું મુકતી લાગી તેની સાથે એ જ સ્થાને કુમુદસુંદરી ઝંપલાવતી લાગી અને ઝંપલાવતાં ઝંપલાવતાં તેનાં મુખમાંથી નીકળતી ​કારમી ચીસ સરસ્વતીચંદ્રના હૃદયે સાંભળીઃ-“ હા ! સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! મુંબાઈથી મને છોડી નાઠા, સુવર્ણપુરથી પણ મને છોડી નાઠા, તે આ સ્ત્રીહત્યા તમારે શિર ! ! !” આમ બોલતી બોલતી કુમુદ સમુદ્રનાં પાણીની કાળી પ્હોળી લેખામાં અદૃશ્ય થઈ ગઈ. સ્ત્રીના હૃદયનો ઉંડો નિ:શ્વાસ, નિ:શ્વાસમાંથી નીકળતો ગુપ્ત શાપ, શાપની જ્વાળા – સર્વ સરસ્વતીચંદ્રના હૃદયને કંપાવવા, નષ્ટ કરવા, બાળવા, લાગ્યાં. અનેક તર્ક અને શોક એને વલોવવા લાગ્યાં. એની હૃદયચિતામાં કુમુદસુંદરીનાં અનેક સ્વરૂપ સતીઓ પેઠે ચારે પાસથી બળવા અને માળવા પ્રત્યક્ષ બેઠાં હોય એવું એને પ્રત્યક્ષ સ્વપ્ન થયું – એના નેત્રમાંથી ચોધાર આંસુ વ્હેવા લાગ્યાં અને સૂર્યનો તાપ એકવારના અશ્રુપ્રવાહને સુકવે ત્યાર પહેલાં બીજો પ્રવાહ નીકળતો હતો.

આઘે વિષ્ણુદાસના મઠમાં મહાન્ શંખનાદ થવા લાગ્યો અને રાધેદાસે સરસ્વતીચંદ્રને વિચારનિદ્રામાંથી જગાડ્યો. “ નવીનચંદ્રજી, ચાલો, ગુરુજીને મળવાનો સમય થયો.” રાધેદાસની દૃષ્ટિ સરસ્વતીચંદ્રના ગૌર શરીર ઉપર હતી – નેત્ર ઉપર ન હતી. બે જણ શિલા ઉપરથી ઉતર્યા એટલામાં રાધેદાસે વિચાર કર્યો, “ કોઈ ગર્ભશ્રીમંતનું દુ:ખી સંતાન છે – એની આકૃતિ અને એનો વર્ણ એનો પ્રભવ કહી આપે છે – આ સ્થળે આવી પડ્યો છે તે ઇતિહાસ એનું દુ:ખ જણાવે છે. એને મહાદુઃખ છે – શ્રીવિષ્ણુદાસ એનો ઉદ્ધાર કરશે. હરિજન વિના કોણ એ કરી શકે ?” મ્હોટે સ્વરે એણે ગાયું.

[13]"હરદમ ઐસા હરિજન કોઈ “તનકી અગન બુઝાવેગા ? “પુરન પ્યાલા પીએ હરિયકા– "ફેર જન્મ નહીં પાવેગા !” . સરસ્વતીચંદ્ર ઉતર્યો. પણ ઉતરતાં ઉતરતાં યે એની કતરાતી દ્રષ્ટિ સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળના ખુણા આગળ હતી. નદીના પાણી ઉપર કુમુદસુંદરી ન્હાની અને સુંદર વિહાર-નૌકા ('જાલી–બોટ') પેઠે પવનની લ્હેરમાં વગરહલેસે તણાતી લાગતી હતી. એણી પાસ જોતો જોતો એ રાધેદાસની પાછળ ખેંચાયો અને ખેંચાતો ખેંચાતો ગઝલો ગણગણવા લાગ્યો:–

“સુભદ્રા ! નામ તુજ સારું; “કહું તે ભદ્ર કર મ્હારું ! “પ્રિયા તુજ પાસ જો આવે, . “કૃશાંગીને તું સમજાવે. ' “તીરે તુજ શીત વા વાય, “શીકર તે તુજ લઈ જાય. “પ્રિયાને ઉર છે તાપ, “કર તું શાંત સંતાપ “શમાવી તાપ એ લેવા, “તને ઉરની કથા ક્‌હેવા, “પ્રિયા મુજ ઝંપલાવે જો, "ઉંડા જળમાં જ આવે જો, “ઉરે શફરી [14].રહે ત્હારે “ત્યમ તું એને ઉરે ધારે, “તરાવે તું, છેવાડે તું, “અમૃત [15]ઉરમધ્ય રાખે તું. “કુમુદ જળનું જ છે પુષ્પ, "રસનું જ છે પુષ્પ; "કુમુદ તુજ ઉર તરશે જો, “સખી એની તું થાશે જો....” આગળ કંઈ કડીયો કવવા લવવા જતો હતો એટલામાં વિહારપુરી, મોહનપુરી, વગેરે બાવાઓનું ટોળું સામું મળ્યું, તેમાં એ ભળી ગયો, અને ભળતાં ભળતાં મનમાં માત્ર એટલું લવ્યો: “ હું યે ગાંડો થયો છું. કુમુદસુંદરી તો એ સુવર્ણપુરમાં સુખથી વિરાજે. ઈશ્વર એનું કલ્યાણ કરો મ્હારે એની વાસના સરખી પણ હવે છોડી દેવી, મૃત્યુથી જુદાં પડવું અને જીવતાં જુદાં પડવું એ એક જ છે. માણસની ચિંતા માણસ શી કરનાર હતો ? એ ચિંતા કરનાર ઈશ્વર સમર્થ છે.” બાવાઓ એની ચારે પાસ વીંટાઈ વળ્યા, એની સાથે પ્રશ્નોત્તર અને વાતો કરવા લાગ્યા, અને સર્વ જેતાજોતામાં આ સ્થાનથી અદ્રશ્ય થવા લાગ્યા. અદ્રશ્ય થતાં થતાં સરસ્વતીચંદ્ર સુભદ્રા અને સમુદ્ર ભણી દૃષ્ટિ નાંખી અને નાંખતા નાંખતો વળી ગણગણ્યોઃ ​ "સ્ફુરે પોતે ન દેખાય, "કુમુદની ગંધ ગ્રહી વાય, “અરણ્યે એકલો વાયુ ! “ જીવન એ ભાવિ છે મ્હારું.–હં !–હાં!” . સર્વ દેખાતા બંધ થઈ ગયા. શિલાઓ, સૂર્ય, સૂર્યનું તેજ, અને સમુદ્ર તથા સુભદ્રાનો સંગમ - એ સર્વ જડસૃષ્ટિ ઉભી રહી, દ્રષ્ટિ વિના સૃષ્ટિ રહી ? દૃષ્ટિ હો કે સૃષ્ટિ હો કે ગમે તે હો પણ દ્રષ્ટા અદ્રશ્ય થયા છતાં દક્ષિણ આકાશમાંથી તે સરસ્વતીચંદ્રના જરીક દેખાતાં મસ્તક સુધી એની પુંઠે કુમુદસુંદરીઓની હારની હાર અદ્ધર ચાલતી હતી, નાચતી હતી, અને વનલીલાના જેવો રાગ ક્‌હાડી લ્હેકા કરી ગાતી હતી અને હાથ લાંબા કરી મ્હેણાં મારવા જેવું કરતી હતી.

“ભોગી જોગી થતો ને ભોગ ઝંખતો રે લોલ “રસિક જ્ઞાનિ થતો ને રસીયો થતો રે લોલ...ભોગી૦ “સુંદર–શિખરે ઉભો ને ઉરે સુંદરી રે લોલ “શુણે જુવે ને ઝંખે, બધે સુંદરી રે લોલ.......ભોગી૦ “પ્હેલી શાને કરી'તી પ્રીતિ સુંદરી રે ? લોલ “પ્રીતિ કીધી તો શાને તજી સુંદરી રે ? લોલ..ભોગી૦ “તજી શાને આવ્યો તું જોવા સુંદરી રે ? લોલ “આવી પાછી તજી તે શાને સુંદરી રે ? લોલ..ભોગી૦ “વાગે વાંસળી મધુરી ત્હારા ઉરમાં રે ! લો । “નાચે ચંદ્ર ને કુમુદ રસપૂરમાં રે ! લોલ.....ભોગી૦” વળી કુમુદનો પોતાનો જ રાગ એનાં અનેક મુખમાંથી નીકળવા લાગ્યો. છેક પાસેની બે ત્રણ કુમુદ તો સરસ્વતીચંદ્રના માથાપર બે હાથે ભાર દઈ ઉડ્યાં કરતી હતી ને ગાતી હતી.

“વાંસલડી વાજે ! જોગીડા ! તું વાંસલડી વાજે ! “આવી ઉભો ર્‌હેજે નદીઘાટે !.........જોગીડા૦ “ન્હોતો પેલા સાગરમાં ગાજે !.........જોગીડા૦ “ઉભો તે પેલા દ્હેરાને દ્વારે,..........જોગીડા૦ “પ્રેમીનો પ્રેમ આંધળો પણ શુણે;....જોગીડાં૦ “પ્રેમીનો પ્રેમ સો સો કોશથી શુણે... જોગીડા૦ “લખ્યા લેખ મિથ્યા નહી થાયે,......જોગીડા૦ “સંસારિણી જોગણ થઈ જાયે.........જોગીડા૦ “જોગીડા ! તું સંસારને છોડે..........જોગીડા૦ ​ “તણાતી જોગણ પણ કોડે....... જોગીડા૦ “જોગી! તું જોગણનો ગુરુ થાજે,..જોગીડા૦ “જોગણને તું જોડે સોડે સ્હાજે.....જોગીડા૦ “જોગીડા ! તું સમશ્યામાં ગાજે,....જોગીડા૦ “જોગણ આવી સાંભળશે સાંજે.....જોગીડા૦ “મોરલીમાં સ્નેહભર્યું વાજે,.........જોગીડા૦ “અવ્યક્તનું વ્યંગ બધું ગાજે........જોગીડા૦ “વાંસલડીમાં બ્રહ્મનું પદ વાજે,.....જોગીડા૦ “મ્હારા ત્હારા અદ્વૈતને ગાજે........જોગીડા૦ “વાંસલડીમાં સંસાર સારવજે,......જોગીડા૦ “ગાયામાં પરમાનંદ ભરજે !.........જોગીડા૦ “મહાકાળની નદીને ઘાટે,..........જોગીડા૦ “ઉભો ઉભો વાંસલડી વાજે.........જોગીડા૦ “કુમુદ દુઃખશોક તરે તે કાજે,.......જોગીડા૦ “વાંસલડી ધુન ભરી વાજે !........જોગીડા૦”


  1. રાગ બીભાસ.
  2. રાગ ભૈરવ.
  3. સુન્દર=સુન્દરગિરિ.
  4. સાનુ=શિખર
  5. તેનું સ્મિત કેવું છે ? ત્રિવિધ તાપના રામબાણ ઔષધિરૂપ છે. આ જૈવાતૃક (ચંદ્ર) એ જ તે સ્મિત છે. જે મુખમાંથી એ સ્મિત નીકળે છે તે જ મુખમાંથી શ્વાસ પણ નીકળે છે, અને આ મન્દ પવન એ જ તે શ્વાસ છે. એ સ્મિતરૂપ ઔષધિ ભુસાંભુસાં જેવી થાય છે અને તેને છાલાં-છોતરાં જેવો ભુકો એ પવનથી ચોપાસ ફેલાઈ વેરાઈ જતો હેાય તેમ એ ચંદ્રના કિરણ જગતમાં ભ્રમણ કરે છે. અર્થાત આ ચોપાસ હરિનું સ્મિત કિરણરૂપે જગતના ત્રિવિધ તાપને નાશ કરતું વ્યાપી રહ્યું છે.
  6. પ્રાચીન શ્લોક.
  7. જૈવાતૃક=ચંદ્ર.
  8. ઘેટાંની લ્હડાઇ.
  9. સ્વધર્મમાં મૃત્યુ થાય તે પણ કલ્યાણરૂપ છે.
  10. ભારવિ. અર્થ:– પરસ્પરને સદા અનુકૂલ હોય એવા રાજાઓ અને અમાત્યો ઉપર સર્વ સંપત્તિઓ પ્રીતિ રાખે છે.
  11. ફીલોસોફી.
  12. Religious Superstition.
  13. પ્રાચીન વાકય છે.
  14. માછલી
  15. અમૃત=પાણી. દેવતાઓનું અમૃત.