સરસ્વતીચંદ્ર ભાગ ૪/અલખ મન્મથ અને લખ સપ્તપદી.


અલખ મન્મથ અને લખ સપ્તપદી.

“ Fool, not to know that Love endures no tie, “ And Jove but laughs at Lovers' perjury!"          Dryden. “Let me not to the marriage of true minds “Admit impediments.”-Shakespeare. વિષ્ણુદાસના મઠથી અર્ધા કોશને છેટે વિવાહિત સાધુઓનો મઠ હતો, તે ગૃહસ્થમઠ ક્‌હેવાતો. તેની પાછળ તેટલેજ છેટે પરિવ્રાજિકામઠ હતો તેમાં અવિવાહિત અને વિધવા સાધુસ્ત્રીઓ ર્‌હેતી. પરિવ્રાજિકા-મઠની રચના વિષ્ણુદાસબાવાના મઠ જેવી હતી. ગૃહસ્થમઠ પણ ઘણી વાતમાં તેવોજ હતો, તેમાં

​ફેરમાત્ર એટલો હતો કે તેને એક માળ હતો, અને તે ઉપર ન્હાના ન્હાના ખંડ ત્યાં વસનાર દમ્પતીઓને માટે હતા, અને દરેક ખંડની પાછળ ન્હાનો સરખો અગાસીનો કડકો સઉ સઉને નીરાળેા હતેા. આ મઠ “વિહાર” નામથી પણ ઓળખાતો. ત્રણે મઠ વચ્ચે પર્વતની લીલોતરી અને શિલાઓ હતી; અને સાધુઓએ તેમાં ધ્યાનયોગ્ય, તપયેાગ્ય, અને વિહારયોગ્ય કુંજવન કરેલાં હતાં, અને પર્વત ઉપર ઉડનાર પક્ષીઓ તેમાં ટોળાબંધ આવ જા કરતાં.

ભક્તિમૈયા વગેરેનો સાથ કુમુદસુંદરીને લેઈ ખરે મધ્યાન્હે પરિવ્રાજિકામઠના દ્વાર આગળ આવ્યો. શ્રમથી અને ભુખથી કુમુદસુંદરીનું શરીર ગ્રીષ્મના કુમુદ પેઠે મ્લાન થઈ ગયું હતું, પણ નવી સૃષ્ટિના દર્શનથી સતેજ થવા કોમળ પ્રયત્નનો ઉત્સાહ અનુભવતું હતું, માર્ગમાં જ ત્રણે મઠોની સ્થિતિ અને અલખનું રસરહસ્ય એણે સાધ્વીઓ પાસેથી જાણી લીધાં હતાં અને નવીનચંદ્રનો ઇતિહાસ પણ પ્રસંગે પ્રસંગે પુછી લીધો હતો. એના મનના મર્મ જાણનારી ચતુર વત્સલ સ્ત્રીઓયે એની તૃષાને સર્વાંગે તૃપ્ત કરી હતી અને એની નિરાશાના ઉદરમાં આશાને ગર્ભ પ્રકટાવ્યો હતો.

મઠના મધ્યભાગે વિશાળ ચોક હતો અને તેની વચ્ચોવચ એક ઓટલો અને ઓટલા ઉપર એક મ્હોટો તુળસીકયારો અને પીપળો હતાં. તુળસીકયારાને અઠીંગી પીપળાની છાયામાં કુમુદને બેસાડી અને આશપાશ પરિવ્રાજિકાઓ વીંટાઈ વળી અને અનેક સુન્દર પ્રશ્નોત્તરની પરંપરાથી થોડોક કાળ તો અજ્ઞાત જ ચાલ્યો ગયો, અને એક ઓસરીમાં સર્વ ભેાજન કરવા બેઠાં. તે પછી સર્વેની છુટી છુટી ટોળીયો પડી ગઈ; અને કોઈ ટોળીમાં જ્ઞાનની, તો કોઈમાં રસની, અને કોઈમાં રસની તો કોઈમાં વ્યવહારની, વાર્તાઓ ચાલી રહી. કોઈ ટોળીમાં અધ્યાત્મ રામાયણ વંચાવા લાગ્યું, તો કોઈમાં તુળસીના ચમત્કાર પ્રકટવા લાગ્યા.એક સ્ત્રી પૂર્વાવસ્થામાં દક્ષિણી હતી, તે “તુકા”ના અભંગ ગાતી હતી અને બેચાર જણીને મરાઠી-ગુજરાતીમાં છટાથી અને રસથી સમજાવતી હતી. બે ત્રણ ટોળીઓમાં ભજન ગવાતાં હતાં અને સાથે તુમ્બુરા સાજક અને એકતારાના સ્વરનો સંવાદ [1] થતો હતો.

આ પ્રમાણે રમણીય પવિત્ર કાળવિનોદ કરતાં ઉત્તર મધ્યાન્હ ચાલ્યો ગયો. કુમુદે કંઈક નિદ્રા પણ લેઈ લીધી, અને જાગૃત થતાં પર્વતની

​ઉત્સાહિની પવનલહરીથી ચારેપાસના સમાજ સાથે ભળી જવા ઉમંગથી પ્રયત્ન કરવા લાગી. તેના મનની સુધરતી દશા જોઈ સાધ્વીઓને પણ આનંદ થતો ગયો, અને સંધ્યાકાળે આકાશમાં ચંદ્રોદય થયો તેની સાથે સ્ત્રીવનમાં કુમુદિની જેવી કુમુદ પણ ઉત્ફુલ્લ થઈ ભાસી. મઠની ઓસરીમાંથી એક બારી પર્વતના એક ઉંડા અતટ.[2]ભાગઉપર પડતી હતી; તેને જાળીવાળું બ્હાર લટકતું છજું હતું તેમાં કુમુદ બેઠી હતી, અને ઘડીમાં બારીબ્હાર જોતી હતી તો ઘડીમાં બારી પાસે ઓસરીમાં બેઠેલી બંસરી અને મોહિનીની વાતો ધ્યાનથી સાંભળતી હતી.

બારી બ્હારનો અતટ પચાશેક વામ ઉંડો હતો, સુરગ્રામથી આવવાના માર્ગના એક છેડાના દશ પદંર હાથ જેટલી જગાનું વળણ આ અતટને તળીયે આવતું હતું, ત્યાંથી એક પાસના ચ્હડાવ વચ્ચે તેનું મ્હોં દેખાતું હતું, અને એ મ્હોં આગળ એ વળણ દિવસે પણ બારીએ ઉભેલાંની દૃષ્ટિને અદ્રશ્ય થતું હતું. આજે શુક્‌લપક્ષનો મધ્યભાગ હતો અને સંધ્યાકાળથી જ ચંદ્ર આકાશના મધ્યભાગમાં ઉદય પામતો હતેા. અતટ આગળના ઉંડા ઉંડાણમાં એનું શાંત તેજ ચમકતું હતું, અને કાળા કઠણ અંધકાર અને ખડકોના હૃદયની ઉંડામાં ઉડી અને એકાંતમાં એકાંત ખોમાં ચન્દ્રિકાની કોમળ સૂક્ષ્મ પ્રભા ચન્દનના લેપ પેઠે લીંપાઈ જતી હતી, અને એ કઠિનતા અને કોમળતાનું સુન્દર રસિક તેજસ્વી મિશ્રણ આ દેશકાળના દ્રશ્યને તેમ દ્રષ્ટીને[3] પ્રશાંત ગંભીર કરી દેતું હતું. સુરગ્રામ ગયેલા સરસ્વતીચંદ્રને પાછો આવતો આ ખોના તળીયાને માર્ગે શોધતી કુમુદની આંખ એ તળીયાના અંધકારમાં પણ ફરકતી છાયાઓથી ચમકતી હતી; એની ચિત્તવૃત્તિ ચન્દ્રિકાનું એ ભાગ ભણીનું વ્હેવું આતુરતાથી લક્ષ્યમાં રાખતી હતી; અને તળીયામાં પવન ગુંચવાયાથી સુસવાટ આવતા કે ખડકોની બખોલોમાં ઉગેલાં પાંદડાંને ખખડાટ અથવા તેમની વચ્ચે થઈ નીકળતા પવનનો ધસારો સંભળાતાં એના કાન સજજ અને સાવધાન થઈ જતા હતા.

આવી આતુરતા ભરેલી શાંતિ-અશાન્તિના મિશ્રણસમયે પાસે બેઠેલી બંસરી અને મોહનીની વાતો સાધારણ હત તો તેમાં કુમુદનું ચિત્ત ચ્હોટત નહી, પણ બારી બ્હારનો દેખાવ શાંત ગંભીર છતાં કુમુદને ઉન્માદક હતો તેવીજ આ સાધ્વીઓની ગોષ્ઠી શાંત રસથી ભરેલી છતાં કુમુદના મનોરાગની પ્રોત્સાહક હતી.

બંસરી– મોહની, સામે આ આકાશમાં ચન્દ્ર લટક્યો છે તેના સામે મધુરીમૈયાનો મુખચન્દ્ર તોળાઈ રહેલો છે, પણ એ ચંદ્ર શીતળ અને શાંત છે તેને સટે મધુરીનું પુષ્પજીવન તપ્ત નથી લાગતું?

મોહની– મધુર મધુરી ! ત્હારા પુષ્પજીવનનો જૈવાતૃક ચન્દ્ર આ જ પ્રદેશમાં છે તે જાણી તું શાન્તિ પામ.

કમુદ૦– પ્રિય બ્હેનો ! મ્હારા જીવનને એ ભાન અભાન જેટલું જ સંતાપકર છે. આ આકાશના ચન્દ્રની પ્રત્યક્ષતાથી તેની ચન્દ્રિકાને ભોગવીએ છીયે, પણ મ્હારા ચન્દ્રનો પ્રત્યક્ષ સંયોગ મ્હારે અધર્મ્ય છે અને હું તેની વાસના રાખતી નથી. મ્હારા હૃદયમાં પ્રકટેલો દવાગ્નિ પોતાનું ક્ષેત્ર બાળી દેઈ કાષ્ઠાદિને અભાવે જ શાન્ત થશે.

બંસરી– તમારા સંસારી જનોની સ્થિતિ પ્રમાણે ત્હારું ક્‌હેવું સત્ય છે - ગાઢ પ્રેમની ભરેલી માલતીનાં નિઃશ્વાસ સાથે પણ એવો જ ઉદ્ધાર નીકળ્યો હતો:–

[4]"ज्वलतु गगने रात्रौ रात्रावखण्डकलः शशी दहतु मदनः किं वा मृत्योः परेण विधास्यति । मम तु दयितः श्लाध्यस्तातो जनन्यलान्वया कुलममलिनं न त्वेवायं जनो न च जीवितम् ॥ “તમ સંસારી જનોની અવસ્થા આવા લેખોથી અને ત્હારા જેવાં દૃષ્ટાંતથી અમે સમજી શકીયે છીયે. પણ તું હવે અલખ ભગવાનનાં આશ્રમોમાં આવી છે ત્યાં આ ત્હારા સંસારનાં કૃત્રિમ બન્ધન છુટી જશે અને ત્હારું કલ્યાણ થશે.”

કુમુદ૦- બ્હેન, પતિવ્રતાનો ધર્મ તો સર્વ માર્ગમાં એક જ છે અને તેમાંથી ચળવું નહી એવો મ્હારો નિશ્ચય છે.

બંસરી– માલતીનો પણ નિશ્ચય જ હતો અને તે ચળ્યો તે જ વાત ધર્મ્ય ગણાઈ.

બંસરી– મૈયા, ત્હારા હૃદયની શુદ્ધિ અને મધુરતા ત્હારી પાસે આ શબ્દો બોલાવે છે, પણ સત્ય ધર્મના જ્ઞાન વિનાની કેવળ હૃદયશુદ્ધિથી શુદ્ધ દૃષ્ટિ ઉઘડતી નથી અને શુદ્ધ ધર્મ દેખાતો નથી.

કુમુદ- સર્વ ધર્મ જેને શ્રેષ્ઠ ગણે છે એ પાતિવ્રત્યને પ્રિય ગણવું અને આ જીવિતને અને જીવિતના નાથને અપ્રિય ગણવાં એવો મ્હારો ધર્મ છે. બંસરી બ્હેન, તમારી પ્રીતિ મને જે માર્ગે લેવા ઇચ્છે છે અને મને સુખી જોવા ઇચ્છે છે તે માર્ગને મ્હેં ઘણા દિવસથી અશુદ્ધ ગણ્યો છે અને તેણી પાસે દૃષ્ટિ સરખી ન નાંખવા દૃઢ નિશ્ચય કર્યો છે.

બંસરી– મૈયા, ત્હારા નામાભિધાન જેવો એ નિશ્ચય મધુર છે, પણ તેનો આધાર સત્ય ધર્મ ઉપર નથી.

કુમુદ– કેમ નથી?

બંસરી- પતિવ્રત ઇચ્છનારીના જે પતિરૂપને ત્હારું વ્રત ગણુવું ધર્મ્ય છે એ પતિ કીયો ? તું જે દૃષ્ટિને દૂર રાખે છે તે દૃષ્ટિ ત્હારી ? કે એ દૃષ્ટિને દૂર રાખનારી દૃષ્ટિ ત્હારી? મધુરી, આ યુગના સંસારી જનોમાં એટલા બધા દુરાચાર રૂઢ થઈ ગયા છે અને એટલા અધર્મ ધર્મ ગણાયા છે કે ત્હારા જેવી સુંદર મધુર પક્ષિણી પણ તેની જાળમાં પડી રીબાય છે. હવે તું આ અમારા સાધુજનોના આશ્રમમાં આવી; જે વીર્યવાન્ કલ્યાણકારક આચાર પ્રાચીન આર્યો પાળતા તે, તમારા દૂષિત સંસારથી દૂર રહી, અમે અગ્નિહોત્રીના અગ્નિ પેઠે સાચવી રાખ્યો છે અને અમારા આશ્રમમાં આવી તું એ આચારનો ધર્મ જોઈશ અને જોઈશ એટલે પાળીશ. મધુરી, દુષ્ટ સંસારે જે યુવાન પાસે ત્હારું પાણિગ્રહણ કરાવ્યું તે યુવાનને જાણતાં પ્હેલાં તું અન્ય જનને મનથી વરી ચુકી હતી અને તે અન્યજન જ ત્હારો પતિ – ત્હારો એક પતિ તે એજ. કન્યા જેને મનથી વરે તે તેનો વર. માતાપિતાનો વરાવેલ કે વરેલો વર તે કન્યાનો વર નહીં, અને તેટલા માટે જ શ્રીકૃષ્ણે રુકિમણીનું હરણ કર્યું તે મહાધર્મ ગણાયો. મધુરી, જે ચન્દ્રને ત્હેં ત્યારે આત્મા આપ્યો તે ત્હારો એકજ પતિ અને જે ​યુવાને ત્હારાં માતાપિતાએ ત્હારું શરીર આપ્યું તે ત્હારો જાર - હવે ત્હારું પતિવ્રત કેવું તે સમજી લે.

કુમુદે ઉંડો નિઃશ્વાસ મુક્યો અને આંખ ભીની થઈ તે બારી બ્હાર જોઈ લ્હોઈ નાંખી, બ્હાર જોતાં ખોને તળીયે - કંઈક છાયા - કંઈક ઘસારો - લાગ્યો. મોહની ઉઠી, કુમુદની પાસેથી નીચે જોયું, અને એની જોડે એને શરીરે હાથ ફેરવતી બોલી.

“મધુરી, ત્હારા જારને જોવાને સંસારે તને જે દૃષ્ટિ વિવાહના નામથી આપી છે તે દૃષ્ટિ ત્હારી નથી – તે વિવાહ ત્હારો નથી. ત્હારા જીવનો શુદ્ધ વિવાહ તો ત્હારા ચંદ્ર સાથે થયો છે અને ત્હારા હૃદયની દૃષ્ટિ તે તો તેના ભણી વળી ચુકી છે જ. ત્હારી પોતાની દૃષ્ટિ તે આ ચર્મચક્ષુને પ્રવૃત્ત કરનારી એ હૃદયદષ્ટિ જ; – જો જો મધુરી – આ ખોના તળીયા નીચેની છાયાઓ તને ચકિત કરે છે – શું એ છાયાઓમાં ત્હારા પતિને જતો આવતો, તું શંકતી નથી ? તું માતાજીની ધ્વજામાંથી આ સ્થાને ચ્હડી આવી તે એ ચંદ્રના દર્શનને માટે નહી ? એ શંકા કરનારી અને એ દર્શન શોધનારી ત્હારા હૃદયની દૃષ્ટિ તે જ ત્હારી દૃષ્ટિ ! - એ દૃષ્ટિ ત્હારા શુદ્ધ પતિને જ વરી છે અને એ દષ્ટિને લીધે જ તું પતિવ્રતા છે માટે દુષ્ટ સંસારના દુષ્ટ આચારોએ જેના સંસર્ગથી ત્હારી દેહલતાને મ્લાન કરી દીધી છે તેનો હવે સર્વથા ત્યાગ કરી ત્હારા શુદ્ધ સત્વને પામ. મધુરી, ત્હારી દૃષ્ટિ તું ક્‌હે છે તે નહી; ત્હારી દૃષ્ટિ તો હું કહું છું તે જ – જો એણે અત્યારે તને રોમાંચથી ભરી દીધી છે.”

કુમુદ૦- એ સિદ્ધાંતોનો પ્રતિવાદ કે પ્રતિપક્ષ કરવાની મ્હારામાં શક્તિ નથી. મ્હારું ભાવિ તે મ્હેં કહ્યું તેમ બંધાઈ ચુક્યું છે - તેમાંથી મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કૃપા કરી ન કરશો.

મોહની– સંસારે ત્હારી બુદ્ધિમાં આટલો બધો ભ્રમ મુકી દીધો છે, અમે તને ભ્રષ્ટ નહી કરીયે – શુદ્ધ સુન્દર કરીશું.

કુમુદ- મ્હારે એવાં શુદ્ધ પણ નથી થવું અને સુન્દર પણ નથી થવું. એ શુદ્ધિ અને સૌંદર્યનો ગ્રાહક મને વિડમ્બનારૂપ થયો છે અને જો મ્હારું કલ્યાણ ઇચ્છો તો એ વિડમ્બનામાંથી મને મુક્ત કરો અને તમારા સત્સંગની શાન્તિ આપો.

મોહની ગમ્ભીર થઈ દયા આણી બોલીઃ “ તે યે પ્રાપ્તકાલ થશે ત્યારે મળશે. પણ મધુરી મૈયા, ક્‌હે વારું - તું તે ત્હારું શરીર કે ત્હારો અન્તરાત્મા ?” ​કમુદ– બાળ્યું એ શરીર અને બળ્યો એ અન્તરાત્મા.

બંસરી– મોહની મૈયા, જેનાથી મધુરી તપ્ત થાય છે એ વિષય પડતો મુકી દે અને એને શાંતિ મળે એવો કાંઈ વિષય ક્‌હાડો.

મોહની– મધુરી, તને શો વિષય વિનોદ આપશે ?

કુમુદ– મ્હારા સંસાર ભુલી જવાય એવું ગમે તે બોલો.

“શું બોલીશું ?”– મોહની અને બંસરી એક બીજાના સામું જોઈ રહ્યાં.

“આપણા આશ્રમોનાં વર્ણન કરીશું?” મોહિનીએ પુછયું.

બંસરી– મોહની, તને મ્હારા કરતાં બે વર્ષ વધારે થયાં છે અને ઘણા દિવસથી મન્મથાવતારનું માહાત્મ્ય સમજાવવા ત્હેં મને વચન આપેલું છે તે પાળવાનો અવસર સારો છે.

કુમુદ- એ વિના બીજી વાત નથી?

બંસરી– અમ સાધુજનોમાંથી કોઈ વિહારમઠમાં ર્‌હે છે અને કોઈ પરિવ્રાજિકામઠમાં ર્‌હે છે. કોને કીયામાં ર્‌હેવાનો અધિકાર છે અને ક્યારે એ અધિકાર બંધ થાય છે કે બદલાય છે તે જાણવા ઉપર અમારી સતત દૃષ્ટિ ર્‌હે છે, અને અલખ માર્ગના ગુરુજનોએ સ્ત્રીજનની ચિન્તા રાખી મન્મથાવતારનું માહાત્મ્ય રચી રાખેલું છે. તે સર્વ સ્ત્રીયોને શાન્તિપ્રદ થાય છે. મધુરી, તું પણ તેથી શાન્તિ પામીશ.

કુમુદ– મ્હારા મનોરાગને પ્રદીપ્ત ન કરે એવી તે કથા હોય તો ભલે બોલો.

મોહની – તો બે જણ સાંભળો. બંસરી, શ્રી અલખ ભગવાનનાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, એ ત્રણ લખરૂપ છે, “હું એક છું તે અનેક થાઉં !” એ કામરૂપ બ્રહ્મા પોતેજ શાશ્વત કામ છે. સર્વસંહારક રુદ્રે એ કામ દૃષ્ટિએ પડતાં તેને ભસ્મ કર્યો, પણ તે અનંગ થઈ અમર રહ્યો. ઉત્પત્તિ અને લયના કારણભૂત લખસ્વરૂપને આમ વશ ન થયો તે કામને જગતસ્થિતિના કારણરૂપ શ્રીયદુનંદને પોતાને ત્યાં પુત્ર કરી, જન્મ આપ્યો અને આજ્ઞાવશ રાખ્યો તે પ્રદ્યુમ્નરૂપે રહ્યો. બ્રહ્મારૂપે કામદેવ જાતે ઈશ્વર છે. શંકરે તેના દેહને બાળ્યો પણ તેના આત્માની અમરતાને વશ થઈ પાર્વતીને પરણી હાર્યા. તેને જીતનાર એક – શ્રીયદુનન્દન – તેનાં મન્દિરમાં મન્મથનો અવતાર થયો. સમજી?

બંસરી- ના.

મોહની- સંસારનું પોષણ કરવું તે વિષ્ણુની પ્રવૃત્તિ. એ દેવના ભક્તોએ ​કામદેવને બ્રહ્માનો અવતાર ગણી, વિષ્ણુનો પ્રિયપુત્ર ગણી અને શંકરથી પણ અજેય અનંગ ગણી, તેને આદર આપવો. એ સત્વ જગતના કલ્યાણનું સાધન છે અને તેમાં સ્ત્રીજનનું રક્ષણ તો એજ કરે છે.

બંસરી– કેવી રીતે ?

મોહની– જો, ઈતર પ્રાણીઓમાં પરસ્પર સંહાર અને પરસ્પર ભક્ષણના ધર્મ પળાય છે ત્યાં કામદેવના પ્રતાપથી સ્ત્રીજાતિનું રક્ષણ થાય છે. એ જાતિઓમાં તું જોઈશ તો ઢેલ કરતાં મેાર સુન્દર અને સિંહણ કરતાં સિંહ સુન્દર અને અલંકૃત હોય છે – એ જાતિઓમાં સુન્દરતા પુરુષમાં હોય છે અને તેના મોહપાશમાં પુરુષ સ્ત્રીને નાંખવાને પ્રયાસ કરીને પણ સ્ત્રીના મોહમાં પડે છે અને તેનું રક્ષણ કરે છે અને તેનો ધર્મ-સહચર બને છે. મનુષ્યજાતિમાં એથી ઉલટું છે. અજ્ઞાની દશામાં તે રાક્ષસ વિવાહ અને પૈશાચ વિવાહ શોધી રાક્ષસ થાય છે. પણ જો તે જ્ઞાની થાય છે તે તેના જ્ઞાનની જ્વાલા શંકર જેવી થઈ મન્મથને ભસ્મસાત્ કરી શકે છે. મયૂરીમાં પોતા ઉપર પ્રીતિ ઉત્પન્ન કરવા સુન્દર સુપિચ્છ સુશિખ મયૂર જે મોહથી કલાપ અને નૃત્ય કરી રહે છે તે મોહને પુરુષના ચિત્તમાંથી જ્ઞાનાગ્નિ દગ્ધ કરી નાંખે છે; અને અનેક સુન્દરતા અને રસની ભરી સ્ત્રીને શ્રીમન્મથ સહાય ન થાય તો જેટલા પુરુષ એટલા કેવળજ્ઞાની થાય ને જ્ઞાની એટલા સંન્યાસી થાય, અને જે પુરુષ જ્ઞાની ન જ થઈ શકે તે મધુરીના શરીરના જાર જેવા રાક્ષસ થાય અને સ્ત્રીયો ગમે તો અશરણ થાય કે ગમે તો દુષ્ટને શરણ થાય. શું ભગવાને મન્મથ આવી મુગ્ધ મધુરીને સહાય થયો હત તો એની આ અસહ્ય દુષ્ટવશ અને અશરણ દશા થઈ હત? બોલ, બંસરી, બોલ.

“નાસ્તો.” બંસરી બોલી. કુમુદ નિરુત્તર થઈ નીચી દૃષ્ટિએ મોહનીના ચરણને જોઈ રહી. તેના નેત્રમાં દીનતા આવી અને હૃદયમાં કંઈ નવું સત્વ પ્રવેશ પામતું ભાસ્યું.

મેાહની – જ્યારે સંસાર ભ્રષ્ટ થયો ત્યારે શ્રીકૃષ્ણ પરમાત્માના આ જ્યેષ્ટ પુત્રનો અનાદર થયો અને માત્ર આપણા વિહાર જેવાં સ્થાનોમાં તેની પૂજા થાય છે.

બંસરી– જો તેની પૂજા આવશ્યક જ હોય તો આ પરિવ્રાજિકામઠ શા માટે જોઈએ ? અને આ મહાત્માઓ બ્રહ્મચર્ય પાળે છે તે શું ખોટાં?

મોહની- બ્રહ્મ જે જાતે જ કામરૂપ છે તેને ત્યાં સરસ્વતી જેવી કુમારિકા અને નારદ જેવા બ્રહ્મચારી શિષ્ટ ગણાય છે, અને તેના જેવાં ​અલખ-ગાન જેના હૃદયમાં ઉતરે છે તે તો, જગતના શ્રવણ માટે – કલ્યાણ માટે જ – પોતાના એ અલખ ગાનને સાકાર કરી, લખગાન કરી ર્‌હે છે. એવાં નારદ અને સરસ્વતીઓ તો બ્રહ્મદેવનાં એટલે કામદેવનાં મોઘાં બાળક છે અને બાકીના સંસારીઓને સ્વબન્ધુ ગણે છે. એ બ્રહ્માનાં બીજાં બાળકોની પ્રવૃત્તિથી જગતની વૃદ્ધિ છે. આપણા નારદ ગણ ગુરુજીની પરિચર્યાના ગાનમાં મગ્ન ર્‌હે છે. આપણી સરસ્વતીઓ આ મઠમાં વીણાધારિણી થઈ ર્‌હે છે. અને બાકીની આપણી સૃષ્ટિ વિહાર મઠમાં પ્રદ્યુમ્નજીનું પાલન કરે છે અને શ્રીયદુનંદનની સેવા કરે છે.

બંસરી– સંસારીઓ કામદેવનું પાલન કરે અને સાધુજન પાલન કરે તેમાં શો ફેર ? સંન્યાસી અને અલખ યોગીના વૈરાગ્યમાં શો ફેર ?

મોહની– ચંદ્રાવલીના હૃદયના પતિમાં અને મધુરીના શરીરના જાર પતિમાં જેટલો ફેર છે એટલો સાધુના અને સંસારીના મન્મથ-પોષણમાં ફેર. ચંદ્રાવલીનો હૃદયપતિ અલખયોગી છે અને મધુરીને હૃદયપતિ આજ સુધી એને અશરણ કરી નાંખનાર સંન્યાસી હતો. હવે થાય તે ખરો.

કુમુદ- “જાર ” શબ્દ મ્હારા હૃદયને ખુંચે છે – હું તે પુરુષને જ આ શરીરનો અધિકારી સમજું છું - એ શ્રદ્ધામાંથી મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરો તો હું તેના સામે હજી ટકી શકીશ. પણ તેની આમ નિન્દા કરો તે મ્હારાથી વેઠાતી નથી.

બંસરી- માટે જ તું મધુરી છે, મધુર જનેતાની હૃદયવૃત્તિને મૂર્ખની કે દુષ્ટની કે શત્રુની પણ નિન્દા ગમતી નથી. તેમના હૃદયમાં મધુરતા એટલી ગાઢ હોય છે કે નિન્દાના કણમાત્રની ખારાશથી એ મધુરતા અસ્વસ્થ થાય છે.

કુમુદની સાથે છજામાં બેઠેલી મોહની એને ઉમળકાથી આલિંગન દેતી બોલી: “મધુરી, તને જે શબ્દ વિષમ લાગે તે અમે અવશ્ય નહી કહીયે અને તને સુખી કરે એવા જ ઉચ્ચાર કરીશું. उपकारिषु यः साधुः साधुत्वे त्स्य को गुणः । अपकारिषु यः साधुः स साधुः सद्भिरुच्यते ॥ ત્હારા ઉપર આટલું આટલું વીતાડનારને માટે ત્હારું અંત:કરણ આટલું દ્રવે છે તે ત્હારી મધુરતાને અમે ખારી નહી કરીયે. પણ પ્રસ્તુત પ્રકરણના દૃષ્ટાન્તમાં કંઈ પદાર્થ ત્હારા સંસારમાંથી લેઈએ તો ક્ષમા કરજે. અમે લખ–ભગવાનની વિભૂતિને લખ કરી તે દ્વારા અલખ જગવીયે છીયે, માટે ત્હારા સંસારને પણ લખવિભૂતિના અંશ ગણી તેની કથા કરીશું.

કુમુદ- જો મ્હારા હૃદયને શાંત કરવાને માટે તમે એમ કરતાં હો તો ભલે. પણ ​એ હૃદયના મર્મસ્થાન ચુંથાય એ વિના અન્ય ફળ ન થાય, એવી વાત છેડશો નહી.

મોહની– બાઢમ્ – મહારી મધુરી – બાઢમ્. અમે સર્વથા તેમ કરીશું. તો શાંત થા અને સાંભળ. એક કાળ એવો હતો કે સંસારમાં આઠ જાતના બધા મળી એટલે શુદ્ધ વિવાહ અને અશુદ્ધ વિવાહ ઉભય હતો. કાળાંતરે સંસારે ગાન્ધર્વવિવાહને વર્જ્ય ગણ્યો, પણ અમ અલખ માર્ગના યોગીકુળમાં તો એટલો એ વિવાહ જ પ્રશસ્ત અને અન્ય વિવાહનું મૂળરૂપ ગણ્યો છે. જગતનું કલ્યાણ તેથી જ છે એમ માનીયે છીયે, અને તેનું કારણ એટલું કે ભગવાન મદનનો સ્વયંભૂ અવતાર બે હૃદયમાં સંપૂર્ણ કલાથી પ્રકટે એટલે તેમાં અલખની લખવાસના પ્રકટ થઈ ગણીયે છીયે, અને જે અલખનાં પ્રત્યક્ષ દર્શનનાં અધિકારી નથી તેને તે અધિકાર પામવાનો એક માર્ગ મન્મથના સ્વયંભૂ અવતારનું જ્યોતિ ઝીલવામાં છે.

બંસરી– તે તો સંસારીયો પણ ઝીલે છે.

મોહની– ના, એમ નથી. મદનનો અવતાર એક નથી. મદનવૃક્ષની સ્થિતિ ત્રણ અને અવતાર અનેક છે કામ, ભોગ અને પ્રીતિ એવી ત્રણ આ વૃક્ષની સ્થિતિ છે એ વૃક્ષનાં પૃથ્વીતળે ગુપ્ત રહેલાં બીજ અને મૂળની દશા એ કામ; પૃથ્વી બ્હાર અનેક રસનલિકાઓથી – નસોથી - તરવરતું થડ તે ભોગ; અને પત્ર, પુષ્પ, ફલસમૃદ્ધિ તે પ્રીતિ, રતિ, આદિ નામથી[5] શાસ્ત્રકારે વર્ણવી છે. હવે મદનના અવતાર પુછો તો અનેક છે. પણ પ્રધાનપક્ષ આંગળી વ્હેડે ગણાય એટલા ચાર છે. પાશવ કામ, જાર કામ, પરિશીલક કામ, અને પુત્રાયિત કામ. પશુ જાતિનો કામ તે પાશવ કામ; તેમાં ધર્મવૃત્તિ નથી, અધર્મવૃત્તિ નથી, ને સંકલ્પસૃષ્ટિ નથી - માત્ર ચાક્ષુષાદિવૃત્તિથી ભોજ્યસૃષ્ટિની દૃષ્ટિસાથે કામવૃક્ષનું બીજ રોપાય છે અને સ્થૂલ ભોગથી પ્રીતિને ફાલ થાય છે. બીજો જારજનનો કામ તે જારકામ; એમાં ચક્ષુઃપ્રીતિ, મનઃસંયોગ, આદિ બીજદશાની પરંપરાથી કામનો અવતાર થાય છે, અને સંકલ્પસૃષ્ટિ સૂક્ષ્મ થઈ શકે છે; પણ તે કામ નિરંકુશ છે, અધર્મ્ય છે, મનુષ્યજાતિમાં અવ્યવસ્થા અને વર્ણસંકરનો પ્રેરક છે. પુરૂષને અન્ય પુરુષાર્થોમાં બાધક અને વિક્ષેપક છે, સ્ત્રીજાતિની સમષ્ટિના શારીરક તેમ આર્થિક – એટલે જીવિકાના - કલ્યાણનો પરિણામે પ્રધ્વંસક છે, અને સંતતિનાં સર્વ સદ્ભાગ્યનો ઉચ્છેદક છે. નિરંકુશતાનો નિરંકુશ સ્વાદ–મોહ એ જ આ વૃક્ષનો બીજાત્મા છે અને એનું ભયંકર વિષ મરણ સુધી પ્હોંચ્યાં કરે છે. પરિશીલક[6] મદન સંવનન [7]કાલથી વિવાહ સુધી બીજદશામાં ર્‌હે છે, અને વિવાહ પછી જ તેની ભોગદશા અને રતિસમૃદ્ધિ ઉદય પામે છે. આમરણાન્ત, સંયોગે તેમ વિયોગે, એ ઉદય આકુઞ્ચન સમ્પ્રસારણ પામતો પામતો, દમ્પતીનાં હૃદયમાંના સ્નેહમય અલખનું અદ્વૈત લખ કરાવે છે, અને નિષ્કામ વાસનાથી શારીરક કામને, બાલિશ પુત્રવત્, ક્વચિત્ લાલન આપે છે તો કવચિત્ તેને અંકુશમાં મુકી, લખરૂપને તેમ અલખરૂપને લક્ષ્ય કરે છે. વિવાહપછીનો એ પુત્રાયિત કામ અને તજ્જન્યપ્રીતિ કીટભ્રમરીન્યાયથી આધ્યાત્મિક થઈ જાય છે - આ દમ્પતી પરસ્પરનાં સ્થૂલ શરીર જોતાં જોતાં સૂક્ષ્મ શરીર જોવા લાગે છે અને તેમાંથી પરસ્પરનાં અધ્યાત્મસ્વરૂપ પ્રત્યક્ષ કરી તેનો ભોગ અને તેની રતિને પામે છે. એ ઉચ્ચતમ સૂક્ષ્મ પ્રીતિ અલખના વિહારવાસીઓને જ પરિચિત છે. સુન્દરગિરિ બ્હારના સંસારી જન એટલી તો અધોગતિને પ્રાપ્ત થયા છે કે આ અધ્યાત્મપ્રીતિનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી. મધુરી ! મ્હારી મધુરી ! ત્હારાં મનનાં પતિના સંયોગથી તું આ પ્રીતિને પામત અને તેનું માહાત્મ્ય અનુભવત; તે શુદ્ધ પ્રીતિમાંથી ત્હારા આ માની લીધેલા પતિના સંયોગથી તું ભ્રષ્ટ થઈ ! શું એ ભ્રષ્ટ સંસારના અધોગત આચારવિચારમાંથી અમે સાધુજનોનો સંગ તને ઉદ્ધાર નહી આપી શકે?

કુમુદ વજ્રમય હૃદય કરી બોલી: “મોહનીમૈયા, જે સ્વપ્નનું બીજ ઉડી ગયું તેની વાત પડતી મુકો. એ બીજદશાનું માહાત્મ્ય મને મ્હારા ઇષ્ટ જનના માહાત્મ્યનું સ્મરણ કરાવે છે, અને હું શુદ્રી જેવી એ મહાત્માના દર્શન કરવાને માટે જ આવી છું - તેના દર્શનથી તૃપ્ત થવું એટલો જ મ્હારો અધિકાર છે અને એટલો જ મ્હારો ઉદ્ધાર છે, એથી વધારે લોભ તે અતિલોભ છે ! એમાં મ્હારો ઉદ્ધાર નથી, વિનિપાત છે. કૃપા કરી તે સંબંધે પ્રશ્ન ન પુછતાં એ માહાત્મ્યનું જ પ્રકરણ ચલાવો; કારણ અમ સંસારી જનોના આચાર વિચાર કરતાં તે જુદી જાતનો તમ સાધુજનોનો ઉત્કર્ષ મને એટલું આશ્વાસન આપે છે કે મ્હારા હૃદયશલ્યનું ઉન્મૂલન કરવાની મ્હારી અશક્તિને હું અપવિત્ર ગણતી હતી તે નિર્દોષ છે એટલું આજથી – તમારી કૃપાથી - હું જોઉં છું.” એના શબ્દોચ્ચારમાં એના હૃદયની શાન્તિ સ્ફુટ લાગી.

મોહની– મધુરી, તું એથી પણ વધારે જોઈશ. ત્હારો હૃદયદેશ કેવળ નિર્દોષ છે એટલું જ નહી, પણ ત્હારી એ સ્થિતિને લીધેજ તું હજી પવિત્ર છે. એ દંશ જો ત્હારામાં જાગૃત ન હત તો અમે તને પામર અને દુષ્ટ ગણત. પરિશીલક કામનું લક્ષણ તને કહ્યું એ કામ વિવાહ પ્હેલાં પરિશીલક હોય છે અને વિવાહ પછી પરિશીલક તેમ જ પુત્રાયિત હોય છે. પણ તમ સંસારી જનોના આચારમાં વિવાહ પ્હેલાંનું પરિશીલન કે સંવનન તે હતું જ નથી – માત્ર પાછળથી “કેવળપુત્રાયિત” અને સ્થૂલ કામઃ હોય છે, ભોગ પણ સ્થૂલ હોય છે, અને પ્રીતિ પણ કેવલ સંપ્રત્યયાત્મિકા હોય છે.

કુમુદ– એ પ્રીતિ, એ સંવનન, અને એ પરિશીલન મને અભિજ્ઞાત કરાવો.

“તે તો ત્હારા ઇષ્ટ પુરુષનું કામ - બાકી મોહની મૈયા અનુભવહીન જનને આપી શકે તેટલો બોધ તને આપી શકશે.” ચાલતી વાર્ત્તાના શ્રવણમાં આવી ભળી બેઠેલી બે ત્રણ બીજી સ્ત્રીયોમાંની એક બોલી.

મોહની – ચુપ, પ્રમત્તા, ચુપ! તું મધુરીનાં સુખદુઃખની મધુરતા જાણતી નથી ત્યાં સુધી તને કંઈ કટાક્ષ વચન બોલવાનો અધિકાર નથી. મધુરી, પ્રીતિ ચાર [8]જાતની કહી છે : વિષયાત્મિકા, સંપ્રત્યયાત્મિકા, આભિમાનિકી, અને આભ્યાસિકી. શબ્દરૂપાદિ પ્રત્યક્ષ વિષયોના ભોગથી થાય તે વિષયાત્મિકા પ્રીતિ; એ પાશવ કામનું ફલ હોય છે. જે પુરુષને મ્હેં અથવા મ્હારા કુટુમ્બે મ્હારો પતિ માન્યો છે અથવા જેને હું શોધું છું છું તે આ જ પુરુષ હોવો જોઈએ એવી બુદ્ધિથી – સ્વયંભૂ મદનની સૂચના વિના – તે પુરુષ ઉપર કોઈ સ્ત્રી પ્રીતિ કરે તે સંપ્રત્યયાત્મિકા, ત્હારા શરીરનાં પતિ ઉપર તું જે મધુર પ્રીતિ રાખે છે તે આવી સંપ્રત્યયાત્મિકા છે. સંબન્ધાદિનો કોઈ જનમાં અધ્યારોપ કરવો અને તે હેતુથી પ્રીતિ થાય તે આ. વિષયના વિચાર વિના, અભ્યાસ વિના, માત્ર સંકલ્પાત્મક જે મન તેના સ્વચ્છન્દ સંકલ્પથી[9] જ, જે ભોગ થાય તેની પ્રીતિ અભિમાનથી થઈ માટે આભિમાનિકી કહી છે. કેવળ કોઈક સ્વચ્છન્દ સંકલ્પથી જાગેલા, પણ વિષયને ગૌણ ગણનાર, સ્વયંભૂ મદનને ઉત્કટ બેાધના બળથી, પણ યોગ્ય પરિશીલન વિનાની, પ્રીતિ આભિમાનિકી થાય છે. સ્વયંવરે વરાયલાં વરકન્યાની પ્રીતિ અભ્યાસ વિનાની હોવાથી તેમ વિષયને ગૌણ ગણનારી હોવાથી આભિમાનિકી ગણવી. આવી પ્રીતિનું અવલોકન અમ સાધુજનોને થતું નથી અને અમારાં ચિત્ત જ્ઞાનભક્તિને વશ ર્‌હે છે તેમાં જાતે એવા સંકલ્પ થતા નથી, માટે હું તેનું દૃષ્ટાન્ત, આપી શકતી નથી. પણ એટલું જાણું છું કે અલખ ઉપરની અમારી પ્રીતિને અલખ ન માનનાર નાસ્તિકો આભિમાનિકી પ્રીતિ ગણે છે. જો નાસ્તિકોની અશ્રદ્ધા સત્ય હોય તો તે તેને મન આપણી બિન્દુમતીની પ્રીતિને તેઓ અભિમાનિકી ગણે તો તેમાં દોષ ન ક્‌હેવાય. હવે ચોથી, પ્રીતિ અભ્યાસિકી છે. कर्मणां पुनः पुनरनुष्ठानमभ्यासः . કેવળ વિષયનો, કે સંકલ્પનો, કે અભિમાનનો, ભોગ કરવાને બદલે તેમના વિના અથવા તેમના સહિત પણ કોઈ કર્મના અભ્યાસથી જે પ્રીતિ થાય તે આભ્યાસિકી પ્રીતિ. સ્તન્યપાનની આસક્તિવાળું બાળક માતા ઉપર પ્રીતિ કરે તે આભ્યાસિક : બાળકને વિષયનું ભાન નથી, સંકલ્પ નથી, અભિમાન નથી, પણ માત્ર અભ્યાસ છે. સંસારી જનોમાં બાળકને બાળક સાથે વરકન્યાને નામે ગોઠવવાને ચાલ છે. તે બાળક યુગને પરસ્પર સાહચર્યના અભ્યાસથી કાલક્રમે આભ્યાસિક પ્રીતિ થઈ શકે છે અને ત્યાં સુધી અભિમાનિકી પ્રીતિ હોય છે, અથવા ત્હારા જેવા મધુર જીવને સંપ્રત્યયાત્મિકા પ્રીતિ હોય છે, અથવા તે અપ્રીતિ અને ક્‌લેશ હોય છે - જે અપ્રીતિના ફળનું ત્હારી આભિમાનિકી પ્રીતિના કુપાત્ર પુરુષે તને આસ્વાદન કરાવેલું છે.

બેઠેલી સ્ત્રીઓમાંથી એક બોલી ઉઠીઃ “મૈયા, સંસારી જનોના ધર્મ જાણવામાં નથી રસ અને નથી લાભ. એને સ્થાને હવે આપણા અલખ માર્ગના ધર્મ બોલો.”

મોહની– તું એકલીજ મ્હારાં શ્રોતૃજનમાં હત તો તેમ કરત. પણ સંસારસાગરમાંની માછલી જેવી આ મધુરી આપણા મીઠા જળમાં ખેંચાઈ આવી છે તેના પ્રાણવાયુને પોતાના સહજ પ્રાણનું રોધન કરી આપણા જળમાંના પ્રાણનું ધારણ કરાવવું છે તેનો માર્ગ તું ન સમજે. મધુરી મૈયા, આ ચાર જાતના કામ, તેના વૃક્ષની ત્રણ દશા, અને તેની ફલપુષ્પ સમૃદ્ધિરૂપ ચાર જાતની પ્રીતિ તને કહી દીધી. હવે તેના પરસ્પરસંબંધ ​સમજ, અને અમારા આ માર્ગમાં તે સર્વના વ્યાવર્તક વિશેષ છે તે પણ સમજ. આજ સુતા પ્હેલાં આ વિષય તને કરબદર૧.[10]જેવો હું કરી આપીશ અને સ્વસ્થ નિદ્રાનો તું ઘણે દિવસે અનુભવ કરીશ.

કુમુદ – તમારી સર્વની હું દુઃખી જીવ ઉપર કૃપા છે.

મોહની – કામ, ભોગ, અને પ્રીતિ, સ્થૂલ શરીરને વિષય કરે છે ત્યારે સ્થૂલ હોય છે; સૂક્ષ્મ શરીરને વિષય કરે છે ત્યારે તે સૂક્ષ્મ હોય છે ને તેને અધ્યાત્મ પણ ક્‌હે છે. અમારે ત્યાં કેવળ-સ્થૂલ કામાદિ નથી, પણ સ્થૂલસૂક્ષ્મ અને કેવળસૂક્ષ્મ હોય છે. ધર્મ, ભક્તિ, અને જ્ઞાનથી જેમ મોક્ષ શોધાય છે તેમ આ ઉભય સૂક્ષ્મ કામાદિથી પણ શોધાય છે. અમારાં સાધુજન કેવલ સ્થલ કામાદિને સંગ્રહતા નથી અને તેનો નિરોધ કરવામાં અમારી ષટ્સંપત્તિઓ વ્યાપૃત ર્‌હે છે. પણ સૂક્ષ્મ કામાદિનો અમે નિરોધ કરતાં નથી. કન્યાના કંકણ પેઠે કોણે એકલાં અવિવાહિત રહેવું અને અલખની લખવાસનાએ સયોજવા માંડેલા કીયા જીવ-અણુઓયે ત્રસરેણુકાદિ સંયુક્ત રૂપ પામવાં એ વ્યવસ્થા એ લખ-વાસનાની છે – શ્રી યદુનન્દનની છે, મનુષ્યની નથી. બે જીવઅણુનાં ભિન્ન સ્ફુરતાં હૃદયમાં મન્મથોદય થાય અને એના મન્થનથી એ હૃદય,ભિન્ન અણુઓ પેઠે, અયસ્કાન્ત અને અયોધાતુ પેઠે, એક બીજાના સાન્નિધ્યમાં આકર્ષાય ત્યારે સાધુઓ ચેતી લે છે કે व्यतिषजति पदार्थानान्तरः कोपि हेतुः । આ આન્તર હેતુભૂત લખ-વાસનાથી ઉન્મીલિત થતાં ઉભય હૃદયકમલ પરસ્પરનું સંબોધન અને અભિજ્ઞાન કરે છે અને એ સંયોગ કરવા શ્રી યદુનન્દન ઇચ્છે છે કે નહી તે જાણવા મન્મથને પરિશીલક કરે છે અને પુરુષસાધુ સાધ્વીજનનું સંવનન કરે છે. સ્ત્રી પરિશીલન કરે નહી તો એ સંયોગ-વાસના પુરુષે ત્યજવી, અને પુરુષ સંવનન કરે નહી તો સ્ત્રીએ સંયોગવાસના ત્યજવી, એવી પ્રભુની ઈચ્છા ગણીએ છીએ. પણ જો તેવું કાંઈ ન હોય તે શ્રીયદુનન્દનની ઈચ્છાને અનુકૂળ ગણી તેમના પુત્ર કામદેવ પોતાનાં સર્વ અસ્ત્ર લેઈ પરિશીલન-કાર્યે સ્થૂલસૂક્ષ્મરૂપે સજજ થાય તેમનો સત્કાર કરવો એ સાધુજનમાં લખરૂપની અલખપૂજા ગણાય છે. આ પૂજાનો સંવનનથી આરંભ થાય છે, પરિશીલન એ એનો દ્વિતીય પણ દુસ્તર વિધિ છે, અને તે વિધિ નિર્વિઘ્ન સમાપ્ત થાય તે સંસારી જનોના સાત વિવાહ ત્યજી તેમજ તેમનું વરણ-વિધાન-જાળ ત્યજી, અમે ગાન્ધર્વ

​વિવાહથી આ સર્વ પૂજા સમાપ્ત કરીએ છીએ અને મદનની કેવળ-પરિશીલક દશા પણ સમાપ્ત થાય છે.

કુમુદ– પરિશીલન, સંવનન આદિ શબ્દોના અર્થ સમજાવો. તમારામાં લગ્નવિધિ નહી ? તમારામાં બાલવિવાહ સમૂળક નહી? વિધિ નહી તે વિવાહ કેવો? વિવાહ નહી તો પછી વૈધવ્ય શાનું !

બંસરી હસી પડી– “મધુરી, આજ તો તું છેક મુગ્ધા થઈ ગઈ ! એથી પણ એાછી ન્હાની બાલા થઈ ગઈ ! – કે આ પ્રશ્નો પુછે છે! નવીનચંદ્રજી જેવાનું પરિશીલન પામી આ પ્રશ્નો તું પુછે છે તે કેવી નવાઈ ! ”

મોહની - બંસરી, સુરગ્રામમાં સંસારીઓનો સંસર્ગ મને થયો છે તેથી જાણું છું કે આપણને જેમ મધુરીના સંસારથી આશ્ચર્ય લાગે છે તેમ આપણા મદનવૃક્ષથી તેમને પણ આશ્ચર્ય લાગે છે. મધુરી, અમારા વિહારમાં મદનવૃક્ષ, જેને મદનપ્રરોહ પણ કહીયે છીયે, તેની મૂળ વ્યવસ્થા કામસૂત્રકારોએ સંસારમાટે લખેલાં શાસ્ત્રો ઉપરથી કરી છે. પણ જેમ સંસારીઓ અન્નપાન અને વિહારનું ફળ શારીરક પોષણ અને આનન્દમાં શોધે છે તેમ અમે તે સર્વનું ફળ લખરૂપના પોષણમાં અને અલખ આનંદના બેાધનમાં શોધીયે છીએ અને તેટલા પ્રયોજનને ઉદ્દેશી અમારા રહસ્યસિદ્ધાન્તીઓએ, કામશાસ્ત્રકારોના આશય લેઈ શ્રીકૃષ્ણપુત્ર કામદેવનું માહાત્મ્ય સમજી, તેને અંગે અમારા મદનપ્રરોહની વ્યવસ્થા કરેલી છે. આથી કામશાસ્ત્રની,પરિભાષામાં અલખ પ્રીતિના અર્થનો ગુમ્ફ ગુંથી એના જ શબ્દોમાં જુદું પારિભાષિક સમજીયે છીયે. જો, શીલ શબ્દ મૂળ ગતિવાચક છે. કોઈને પ્રાપ્ત કરવું તે તેનું શીલન. કોઈના હૃદયને પ્રાપ્ત કરવું તે પણ તેનું શીલન. परितः ચારે પાસથી વારંવાર શીલન કરવું તે પરિશીલન. એ શબ્દોનો પ્રયોગ ઘણાં રમણીય સ્થાનમાં થાય છે. यदनुगमना यगहनमपि शीलितम् - એમાં ગહનના અંતર્ભાગમાં પ્રાપ્ત થવું અને તેની ભુલભુલામણીના રહસ્યને પણ પ્રાપ્ત કરવું એ ઉભય અર્થ છે. स्मेरानना सपदि शीलय सौधर्मालिम् – તેમાં સ્ત્રીએ પુરુષને અને તેનાં હૃદયરહસ્યને પ્રાપ્ત કરવાનો અર્થ છે. चल सखि कुञ्जं सतिमिरपुञ्जं शीलय नीलनिचोलम् – એમાં નીલ વસ્ત્રમાં લપટાઈ જવાનો અર્થ છે. નીલવસ્ત્ર જેવા અલખ હૃદયનું રહસ્ય પામવા પણ તેમાં એમજ લપટાવું પડે છે. વળી शश्वच्छतोसि मनसा परिशीलितोसि – એમાં એ શબ્દના સર્વ અર્થોની કળાઓ આવી જાય છે. शीलन શબ્દ આમ ગતિવાચક અને સમાધિવાચક પણ છે. એક હૃદયે બીજા હૃદયમાં, વસ્ત્રના હૃદયમાં શરીર થાય તેમ, સમાહિત થવું તે તેનું ​શીલન કરવું. લવંગલતાના સર્વ અંતર્ભાગમાં ચારેપાસથી વાતો કોમલ પવન ધીરે ધીરે સરી જાય તેમ પુરુષ સ્ત્રીને એને સ્ત્રી પુરુષના હૃદયમાં સરે તે પરિશીલન. ललितलवङ्गलतापरिशीलनकोमलमलयसमीरे– એમાં અનેક લતાઓ વચ્ચે થઈ આવેલા પવનનું લતાઓએ પરિશીલન કર્યું અને પવને લતાઓનું પરિશીલન કર્યું એમ ઉભય સૂચના છે. મધુરી, નવીનચંદ્રજી જેવાએ ત્હારું સુન્દર પરિશીલન કર્યું અને પછી ત્હારો ત્યાગ કર્યો એ અધર્મ થયો. જ્યાં પરિશીલન સંપૂર્ણ અને ઉભય પક્ષનું થયું ત્યાં વિવાહ જ સમજવો. અમારો અલખમાર્ગ તમને ઉભયને આ ધર્મ પ્રાપ્ત કરાવશે.

કુમુદ - એ કંઈ થવાનું નથી. મૈયા, આપણું પ્રકરણ ચલાવો.

મોહની – એમ ચાલો. પણ લક્ષ્યમાં રાખજે કે રત્નાકરના તરંગ દીર્ધ કાળ સુધી એક પછી બીજા ગતિમાન્ રહી અંતે ખડકને તોડે છે એમ અમે તમારો અધર્મ તોડીશું અને તે સુન્દર રમણીય વિધિથી તમને પ્રસન્ન કરીને જ કરીશું. હશે. જો સંસારીયોનાં કામશાસ્ત્રમાં પણ કન્યાનું શીલન વિહિત છે, વિસ્ત્રમ્ભણ વિહિત છે, અને તેવું જ સંવનન પણ આવશ્યક હોય ત્યારે વિહિત છે. સંવનન એટલે વશીકરણ અને તે માત્ર અનુરંજનલક્ષણ છે. કામસૂત્રકાર ક્‌હે છે કે बालायामेवं सति धर्माधिगमे संवननं श्लाव्यमिति घोटकमुखः॥ જો ધર્મ પ્રાપ્ત થતો હોય તો બાલીનું સંવનન શ્લાધ્ય છે, વિવાહમાં લાજાહોમમાં વર યાચે છે કે ઓ કન્યા, મ્હેં ત્હારું સંવનન કર્યું છે તે અગ્નિનું અનુમત હો१[૧]  !” સંવનન વિના વિવાહનો હોમ જ સિદ્ધ નથી. સ્ત્રી વનિતા શા માટે ક્‌હેવાય છે? તેનું વનન થયું છે - સંવનન થયું છે, માટે તે વનિતા; સંવનન વિના સ્ત્રી વનિતા થતી જ નથી.પુરુષ સ્વભાવે ધૃષ્ટ છે અને સ્ત્રી લજજાવશ પરવશ છે અને તેની હૃદય કલિકાની કોમળ ન્હાની સરખી પાંખડીઓ પ્રીતિપુરસ્કર સાવધ અદૃશ નખ વડે પુરુષે ક્યારે ઉઘાડવી તે, આ વાક્યમાં કહ્યું છે એને તે જ સંવનન પુરુષે સ્ત્રીનું કરવાનું, તે મધુરી, ત્હારું નવીનચંદ્રજી કરી ચુક્યા છે, તમારાં હૃદયનું પરસ્પરપરિશીલન સમાપ્ત થઈ ચુક્યું છે, અને હવે તો માત્ર એટલું જ ક્‌હેવાનું બાકી રહ્યું છે કે

पुरश्चक्षूरागस्तदनु मनसोऽनन्यपरता तनुग्लानिर्यस्व त्वयि समभवद्यत्र च तव । १मम तुभ्यं च संवननं तदग्निरनुमन्यतामियं स्वाहा. ​ युवासोऽयंप्रेयानिह सुवदने मुञ्च जडताम् विधातुर्वैदग्व्यं फलतु सकामुऽस्तुमदनः૧.[11]॥ यस्यां मनश्चक्षुपोर्निबन्धस्तस्यामृद्धि:।। नेतरामाद्रियेत ॥ જે જનમાં ચક્ષુને લખ નિબન્ધ અને મનનો અલખ નિબન્ધ તે જનમાં જ આદર કરવો, તે જનમાંજ ઋદ્ધિ છે અને અન્યજનમાં નથી. આ નિબંધ ભગવાન્ મન્મથ રચે તે પછી સંવનનકાળે અને પરિશીલનદશામાં સ્ત્રીપુરુષ આ મન્મથના મન્થનથી તપ તપે છે અને તે ત૫માં સિદ્ધ થાય ત્યારે પરસ્પર- સંકલ્પની પરિપાકદશા થતાં જે પ્રતિજ્ઞાઓ થાય તે ગાંધર્વ વિવાહ. હૃદયનો વિવાહ તો પરિશીલનની મંગલ સમાપ્તિ થતાં જ થયો સમજવો; પણ એ અલખ વિવાહમાં લખશરીરનો ભાગ છે માટે લખ પ્રતિજ્ઞાઓ વડે લખ ગાન્ધર્વ વિવાહમાં ઉચિત છે. મધુરી, હું અને ત્હારા ચંદ્રે આ તપ સાધ્યું છે, ત્યારે પ્રિયજન આ ગિરિરાજ ઉપર છે, અને તું પણ અહીં અલખની પ્રેરી આવેલી છે, તો ત્હારી માલતીના જેવી જડતાને અમે ત્યજાવીશું અને આવાં સુંદર હૃદય ઘડવામાં વિધાતાએ જે ચાતુર્ય વાપર્યું છે તેને તમારા સંયોગથી અમે સફલ કરીશું અને પરિશીલનદશામાં કામનો કામ અપૂરિત રહેલો છે તેને પૂરી અમે મન્મથનું પણ સફળ પૂજન કરીશું.

કુમુદ પોતાને માટે આ સર્વ વાતમાં પોતાનું નામ સાંભળવું તે પાતક ગણતી હતી અને પોતાનું નામ એમાંથી દૂર રખાવવા પ્રયત્ન કરતી હતી – તેણે હવે ધૈર્ય ખોયું અને ચમકી બોલી ઉઠી.

“મોહનીમૈયા, જો તમારો આવો વિચાર હોય તો મને સત્વર પાછી ચન્દ્રાવલીમૈયા પાસે મોકલી દ્યો કે જ્યાં હું પુરુષનું નામ પણ ન સાંભળું. તમારી કથા જેટલી રમણીય અને બોધક લાગેછે એટલા જ તેમાં આવતા મ્હારા અને મ્હારા પતિસંબંધમાંના ઉદ્ગાર મને કડવા લાગે છે. તમ સાધુજન સ્વયંવર કરો તે ભલે કરો. કન્યાઓ જ્યાં જાતે પોતાનું દાન કરે ત્યાં તમે ક્‌હો છો તે સત્ય હો. પણ મને તો મ્હારા પિતાએ જેને અર્પી તેનું આ શરીર આમરણાન્ત થઈ ચુકયું છે, અને હૃદય ઉપર તો બળ નથી પણ બાહ્યવ્યાપાર તો મ્હારા પિતાએ વરાવેલા વરને જ શરણ રાખીશ.

મોહની - હં - “હૃદય ઉપર બળ નથી” તે જ સત્ય છે. મ્હારી મધુરી, જડ શરીરનો વિવાહ નથી, પણ ચેતન હૃદયનો વિવાહ છે. વિવાહ

​હૃદયનો છે અને શરીરનો વિવાહ જેને શાસ્ત્રકારો “વરણ-વિધાન ” ક્‌હે છે તે તો માત્ર તેનું ઉપકારક ઉપલક્ષણ છે. સ્થૂલ શરીરનો વિવાહ સ્થૂલ છે – જડ છે. અમે સૂક્ષ્મ ચેતન વિવાહનો જ સત્કાર કરીયે છીએ જો.–

व्यूढानां हि विवाहानामनुरागः फलं यतः। मध्यमोपि हि सद्योगो गान्धर्वस्ते पूजितः।। सुखत्वादबहुरक्लेशादपि चावरणादिह अनुरागात्मकत्वाच्च गान्धर्वः प्रवरो मतः [12]।। મધુરી, ગાંધર્વને ઉત્તમ ગણવાનાં આમાં કારણ ગણાવ્યાં તેમાં એક તો તેની અનુરાગાત્મકતા છે અને બીજું કારણ આવરણ એટલે વરણ વિધાનનો અભાવ છે. શકુન્તલાદિનાં દૃષ્ટાંત પછી પુરુષોથી કન્યાઓ વઞ્ચિત થાય નહી માટે વરણવિધાન પ્રશસ્ત ગણ્યું, પણ તે વિધાન થયું એટલા માટે પરિશીલનની અને સંવનનની આવશ્યકતા મટી જતી નથી. સંસારી જનોએ તે મટાડી અને વિવાહને કેવલ સ્થૂલ કરી નાંખ્યો માટે તે ભ્રષ્ટ થયા. તેમનાં શરીર ત્હારા જેવાં તે જો ! કેટલાં નિર્બળ ! તેમના સંસાર જો ! સુખમય નહી, પણ કષ્ટમય ! સંસારી જનો સદાચારને છોડી દુરાચારમાં અને દુઃખમાં પડવાના માર્ગ ઉપર ભ્રષ્ટ થયા છે ને તેનાં ફળ ભોગવે છે ને ભોગવશે. મધુરી, એ માર્ગે ચ્હડી ત્હારા પિતાએ ત્હારા શરીરનું વરણવિધાન કર્યું તેથી ત્હારા અલખ વિવાહને બાધ નથી આવતો. ધાર કે નવીનચંદ્ર જોડે ત્હારું વરણવિધાન થયું હત અને તેમાં સ્ત્રીમંડળ બેચાર ગીત ગાવાં ભુલી ગયાં હત – તો તેથી ત્હારો વિવાહ અપૂર્ણ ર્‌હેત?

કુમુદ-ના.

મોહની - તેઓએ વરધોડે ક્‌હાડ્યો હત નહીં અથવા જ્ઞાતિભેાજન કર્યું હત નહી તો ?

કુમુદ - તો પણ કંઈ નહી. સપ્તપદી એક જ આવશ્યક વિધિ છે.

મોહની – તો नेति नेति કરી અલખ આત્માનું અભિજ્ઞાન થાય છે તેમ नेति नेति કરી અલખ મન્મથના અવતારમાં જ વિવાહનું તત્વ તને દર્શાવીશ. સપ્તપદીમાં પગલાં વાંકાં ચુકાં મુકાયાં હત તો ?

મોહની – તેમાં પ્રતિજ્ઞાના શબ્દો ત્હારે ઠેકાણે ત્હારો ગોર બોલ્યો હોય તો?

કુમુદ – તે તો નિત્ય થાય છે જ.

મોહની – તો સમજ કે ત્હારો વિવાહ આ વિધાનમાં નથી, પણ સંકલ્પમાં અને સંકલ્પની પ્રતિજ્ઞામાં છે.

કુમુદ - હા, પણ પિતાએ મ્હારા દાનનો સંકલ્પ કર્યો અને પ્રતિજ્ઞા લેવડાવી.

મોહની – હા,પણ સંકલ્પ કરનાર અને પ્રતિજ્ઞા કરનાર એક કે જુદાં? ત્હારા પિતાએ સંકલ્પ કર્યો પણ પ્રતિજ્ઞા ત્હારી પાસે લેવડાવી. સત્ય જોતાં વરકન્યા જ સંકલ્પ કરે અને પ્રતિજ્ઞાઓ લે. પિતાએ બલાત્કારે કે આજ્ઞા વડે પુત્રી પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવવી એવું કોઈ શાસ્ત્રનું શાસન કે વિધાન નથી. એ તો તમારા મૂર્ખ ભ્રષ્ટ સંસારી જનોનો આચાર છે. પિતા કન્યાદાન દે તે તો શકુન્તલા જેવી આપત્તિમાંથી પુત્રીને ઉગારવાને જ સાક્ષી થાય છે; અને તેની અને તેને અભાવે ઇતર કન્યાદાનના અધિકારીઓ છે તેની આવશ્યકતા તો માત્ર ઘોડે ચ્હડનારનું પેંગડું ઝાલી રાખવાને માટે જ છે. તે ન હોય તો કન્યા જાતે સ્વયંવર કરે – વરણવિધાન વિના અને કન્યાદાન વિના વિવાહ- સિદ્ધિમાં કંઈ બાધ નથી એટલું જ નહીં; પણ ભ્રષ્ટ માતાપિતા જ્યારે દાનનો અધિકાર વાપરી અવિવાહને વિવાહ નામ આપી કન્યાઓને સંપ્રત્યયાત્મક પ્રીતિની જાળમાં નાંખે, અને એ જાળ, અલખભગવાનની કૃપાથી ત્રુટી જાય, ત્યારે તેમાંથી મુક્ત થયેલાં હૃદય, અલખ મદનને વશ થઈ પવિત્ર પરિશીલન કરી અલખપ્રીતિનો માર્ગ શોધે તો તે યોજના સુન્દર અને ધર્મ્ય છે. મધુરી, એ રમણીય ધર્મ્ય અલખ માર્ગે ત્હારું હૃદય ચ્હડ્યું છે તેને અમે અપૂર્વ સાહાય્ય આપીશું.

કુમુદ - અષ્ટવર્ષા તે ગૌરી વગેરે વાક્યોથી કન્યાવયની મર્યાદા નીમી જે પ્રતિજ્ઞાઓ શાસ્ત્ર તેની પાસે કરાવે છે, અને પિતાએ આપેલું દાન સફળ કરી સ્વામીની સેવા કરવા એ પ્રતિજ્ઞા લેવાય છે, તે નિષ્ફળ કરવાનો તમારો પ્રયત્ન અધર્મ છે ને મ્હારી પાસે તે વૃથા છે.

મોહની – વૃથા હો પણ અધર્મ્ય નથી. ત્હેં ક્‌હેલાં વાક્યો તમ સંસારી જનના કોઈક દેશકાળને ઉદ્દેશી કોઈ શાસ્ત્રકારોએ લખેલા છે તેટલા કાળ માટે તે ઉપયોગી હશે પણ તેમાં સર્વ દેશકાળને સનાતન ધર્મ નથી. એવો ધર્મ તો અમે પાળીએ છીયે તે છે. જે શાસ્ત્રો ત્હેં ક્‌હેલાં વાકય ઉચ્ચારે છે તેમાંજ બીજું પણ ક્‌હેલું છે તે સાંભળ. સંસારી જન ભ્રષ્ટ અને દુષ્ટ થઈ ગયા છે તેના વર્તનથી તો એ શાસ્ત્ર પણ વિરુદ્ધ છે. તેમાં તો રજોદર્શન પ્હેલાં જે સ્વામી વધૂનો અભિયોગ કરે તેને શિર અધોગતિ અને ​બ્રહ્મહત્યા મુકી છે.[૧] એ શાસ્ત્ર પણ પ્રસ્તુત વિષયમાં શું ક્‌હે છે તે કહું છું. એ શાસ્ત્રોમાં પણ વરણકાલે વધૂએ વરને વરમાળા આરોપવી વિહિત છે. જો પિતાની દાનેચ્છા જ વરણને માટે પર્યાપ્ત હોય તો આ વરમાળાનો વિધિ વ્યર્થ થાય; જો તે વ્યર્થ ન હોય તો વરણમાં કન્યાની ઇચ્છા આવશ્યક છે. શું તે ઇચ્છા ગૌરી રોહિણી આદિ બાલકીઓને હોય છે ? શું વરવધૂની પ્રતિજ્ઞાઓ એવી કન્યા બોધપૂર્વક ગ્રહી શકે ? કન્યાની વૃત્તિવિના પિતા કન્યા દાન આપે છે એવું શું તેને દેનાર પિતાએ સમજવાનું છે કે લેનાર વરે સમજવાનું છે ? શાસ્ત્રપ્રમાણે તે કન્યાદાનને કાળે કામ-સ્તુતિનો[૨] પાઠ યોજાય છે તેમાં સ્પષ્ટ મંત્ર છે કે આ દાન કરનાર કામ છે, દાન લેનાર કામ છે, અને દાન જાતે પણ કામ છે, વળી વર ક્‌હે છે કે સામે આ કન્યા ગંધર્વને આપી, ગંધર્વે અગ્નિને આપી અને અગ્નિયે મને આપી. વળી વર કન્યાને ક્‌હે છે કે “હું સામ અને તું ઋક્‌, હું દ્યૌ અને તું પૃથ્વી, તે આપણે બે વિવહન કરીયે, ચાલ!” વિશેષ વહન તે વિવહન-વિવાહ. સંસારમાં બે જણે એક કાર્ય - એક જીવન – રચી તેનું વહન કરવું તે વિવાહ. જે વધૂ આ વાક્યોના શ્રવણને યોગ્ય છે તે શું તમારી રોહિણી દશાવાળી – કે જે પરિશીલનમાં કે કામમાં સમજે જ નહી ? મધુરી, આદિ ઋષિઓ એવું ગણતા ન હતા, તેઓ તો કન્યા પાસે સપ્તપદ ભરાવતાં વર પાસે કન્યાને “સખા” શબ્દથી સંબોધાવે છે. सख सप्तपदा भव सा मामनुव्रता भव અને કન્યા પાસે વરને લગ્નકાળે પગલે પગલે ક્‌હેવડાવે છે કે [૩] -

सुखदुःखानि सर्वाणि त्वया सह विभज्यते । यत्र त्वं तदहं तत्र प्रथमे साब्रवीदिदम् ॥ कुटुम्बं रक्षयिश्याम्याबालवृद्धकादिदम् । अस्ति नास्तीति पश्यामि द्वितिये साव्रवीदिदम् ॥ १ प्राग्रजोदर्शनात्पत्नीं नेयाद्रत्वा पतत्यघः ।व्यर्थीकारेण शुक्रस्य ब्रह्महत्यामवान्पुयात् ॥ अश्वलायन, संस्कारभास्कर। २ ૐ कोदात्कस्मा अदात कामोदात कामयादात । कामो दाता कामः प्रतिगृहिता कामैतत्ते ॥ રૂ સંસ્કારભારકરઃ–૪. પ્રથમ પગલે કન્યાએ વરને ક્‌હેવું કે “સર્વ સુખ-દુઃખનો ત્હારી સાથે વિભાગ કરવામાં આવે છે, જયાં તું ત્યાં હું તેવી જ.”ર. બીજે પગલે ક્‌હેવું કે ”બાળકથી તે વૃદ્ધ સુધીનું એ કુટુંબનું રક્ષણકરાવીશ; ને જે છે અને જે નથી તે જોઉ છુંઃ”૩ ત્રીજે પગલે ક્‌હેવું કે ભર્તા ઉપર ભક્તિમાં નિત્ય રત થઈશ; સદા જ પ્રિયભાષિણી થઈશ." ૪. ચોથે પગલે તેણે ક્‌હેવું કે "તું દુ:ખી હઈશ તું હું દુ:ખી થઈશ- સુખ-દુઃખની સમભાગિની થઈશ ને ત્હારી આજ્ઞાને પાળીશ.” પ. પાંચમે પગલેક્‌હેવું કે “ઋતુકાળે શુચિ સ્નાત થઈ ત્હારી સાથે ક્રીડા કરીશ; હું બીજાનેગમન નહી કરું.” ૬. છઠ્ઠે પગલે ક્‌હેવું કે “હવે અંહી વિષ્ણુ આપણાસાક્ષી છે કે ત્હેં મને છેતરી નથીજ; આપણી બેની પ્રીતિ બની ચુકી છે." ૭. સાતમે પગલે ક્‌હેવું કે હોમયજ્ઞાદિકાર્યોમાં તેમ ધર્માર્થકામકાર્યોમાંહું તારી સહાયિની થઈશ." :-સપ્તપદીમાં આ કન્યાની પ્રતિજ્ઞાએા. ​ भर्तुभक्तिरता नित्यं सदैव प्रियभाषिणी । भविष्यामि पदे चैव तृतिये साव्रवीदिदम् ॥ आर्त्ते आर्त्ता भविष्यामि सुखदुःखसमभागिनी । तवाज्ञां पालयिष्यामि कन्या तूर्यपदेव्रवीत् ॥ ऋतुकाले शुचिस्नाता क्रीडिष्यामित्वया सह । नाहं परतरं गच्छेः कन्या पञ्चपदेव्रवीत् । इहाथ साक्षी नौ विष्णुस्त्वयाऽहं नैव चञ्चिता । उभयोः प्रीतिः सम्भूता कन्या षष्ठदेव्रवीत् ॥ होमयज्ञादिकार्येषु भवामि च सहायिनी । धर्मार्थकामकार्येषु कन्या सप्तपदेव्रवीत् ॥ “જે કન્યાને માથે આવડી અને આટલી પ્રતિજ્ઞાઓનો ભાર મુકાય તે કન્યા શું આઠદશ વર્ષની કેવલ બાલા હોવી જોઈએ ? તમારા સાંપ્રત સંસારમાં તો કન્યાઓ સ્વમુખે આટલું બોલી શકતી નથી એટલું તેમનું સદ્ભાગ્ય છે, નીકર શુકપેઠે તે બોલી જાય તો પણ શું ? શાસ્ત્રકારે તો એમજ જાણેલું કે આ વાક્ય બોલતી બોલતી કન્યા તે સમજશે અને સ્વીકારશે તે જ્ઞાન અને તે સ્વીકાર પરિશીલન વિના થવાનાં નહીં. કારણ “વિષ્ણુ સાક્ષી છે કે આપણી પ્રીતિ બની ચુકી છે” એ છઠા પગલાનું વાક્ય હવે કરવાની પ્રીતિની પ્રતિજ્ઞા નથી, પણ એ વાક્ય બોલાયું તે કાળે બનેલી પ્રીતિનું વાક્ય છે. દશ બાર વર્ષની અપરિશીલિત અને અપરિશીલક કન્યાના મુખમાં આ વચન મુકાવનાર સંસારીઓ કેવા દુષ્ટ હોવા જોઈએ? હજી તો સમાપ્ત નથી થતું. આ પછી વર વધુના ખભા ઉપર હાથ મુકી તેના “હૃદય” નું “આલંભન” કરે છે અને કન્યાને એ હૃદયને ઉદ્દેશી વ્રતમાં મ્હારા આ હૃદયને મુકું છું તે મ્હારા ચિત્ત જેવું ત્હારું ચિત્ત હો ! ​

" मम व्रते ते हृदयं दधामि मम चित्तमनुचितं ते ऽस्तु । मम वाचमेकमना जुषस्व प्रजापतिष्ट्वा नियुनक्तुमह्यम् ॥ “જે કન્યાના હૃદયને વર આમ “આલંભન”કરે તે કન્યાનું વય પરિશીલન અને સંવનન યોગ્ય હોવું જોઈએ. તે પ્રતિજ્ઞા કરી કન્યા ક્‌હે કે આપણી પ્રીતિ થઈ ત્યારે વર ક્‌હે કે “ત્હારા હૃદયને મ્હેં આમ પ્રાપ્ત કર્યું છે તેવું નિત્ય હો !” પરિશીલન વિના આ કેમ થાય ? અથવા તો વધૂવર આમ બુદ્ધિપૂર્વક સત્ય ઉચ્ચારે તો તે જ પરિશીલક મદનની પરિપાકદશા. તે દશા પામ્યા વિને એ દશાના નામનો દમ્ભવિવાહ સંસારીઓ યોજે છે તેથી શુદ્ધ વિવાહ થતા નથી અને એવા વિવાહથી સંયોજિત સ્ત્રીપુરુષ દમ્પતી નથી. મધુરી, ત્હારા સાપ્તપદિક વિવાહ કાળે ત્હારી અશિક્ષિત બુદ્ધિની વઞ્ચના થઈ ગઈ એવા વિવાહથી યોજાયલો પુરુષ ત્હારો પતિ નથી. જેને તને ભગવાન્ કામદેવે અર્પી છે ને જેની સાથે ત્હારો મનઃસંયોગ થયો છે તેની સાથે ત્હારી અલખ પ્રીતિ થઈ છે, તેની સાથે ત્હારો અલખ વિવાહ થયો છે, ને તે જ ત્હારા હૃદયનો અને હૃદય સાથે શરીરનો અધિકૃત ધર્મ્ય પતિ છે, ત્હારા પિતાએ કરેલું કન્યાદાન તો કેવળ વંઞ્ચના છે.”

કુમુદ૦– અન્ય કન્યાઓને માટે તેમ હો, પણ મ્હેં તો મ્હારી પ્રતિજ્ઞાઓ બોધપૂર્વક સાંભળી છે ને સ્વીકારી છે.

મોહની – તેમ હો. તો ત્હેં બે જણને પ્રતિજ્ઞાઓ આપી ગણવી. મધુરી, હું તને ભ્રષ્ટ કરવાને મથતી નથી. હું તને શુદ્ધ કરવાને મથું છું. અમ અલખમાર્ગી સાધુજન અલખ વિવાહ કરીએ છીએ. અમારાં સૂક્ષ્મ અલખ શરીરના ચેતનનું વિવહન પ્રથમ થાય છે અને તેવા વિવાહ પછી સ્થૂલ શરીર સ્થૂલ પ્રીતિ કરે છે. અમારો પરિશીલક મદન અને બીજદશા સમાપ્ત થતાં આ સૂક્ષ્મ વિવાહ થાય છે, તે પછી અમારાં દમ્પતીઓનો અલખ જીવ અને સુક્ષ્મ દેહ અલખ ભોગ ભોગવે છે અને ફલમાં અલખ આભ્યાસિકી પ્રીતિને પામે છે. કર્મપરંપરારૂપ સાહચર્યજીવનને અભ્યાસ આ પ્રીતિને ઉત્પન્ન કરે છે અને એજ પ્રીતિથી પોષણ પામી નવા નવા અલખ કામભોગમાં પોષણ પામે છે. જ્યાં સુધી દમ્પતીનાં શરીર શીર્ણ થતાં નથી ત્યાં સુધી સ્થૂલ કામ પુત્રાયિત થઈ ર્‌હે છે, અને સુક્ષ્મ કામ દમ્પતીના સૂક્ષ્મ દેહોને સૂક્ષ્મ ભાગમાં પ્રવૃત્ત કરે છે. બેમાંથી એક સ્થૂલ દેહ શીર્ણ થતાં પુરુષ કિંવા સ્ત્રી સાધુજન એ શીર્ણ દેહને મરેલો ગણે છે પણ સૂક્ષ્મ દેહને અલખમાં લય પામી મુક્ત અને અમર થયો ગણે છે, અને એ અલખ દેહને પ્રત્યક્ષ ગણી સંસારી જનમાં વૈધવ્ય અને મૃતપત્નીક દશાનો મેહશોક થાય છે તે અમારે ​ત્યાં થતું નથી, વિવાહિત સાધુ, પતિને અથવા પત્નીનો સ્થૂલ દેહ પડ્યા પછી, ફરી વિવાહ કરતા નથી એટલુંજ નહી પણ પોતાના પ્રીતિવિષયને અલખ રૂપે પ્રત્યક્ષ ગણી તેના ભાગનું આસ્વાદન કરે છે અને એની સૂક્ષ્મ પ્રીતિ અવ્યભિચારિણી ર્‌હે છે. મધુરી, સંસારી જનો પેઠે અમારી વિધવાઓ કરકંકણને કે સુન્દરવેશનો નાશ કરતી નથી; પણ અલખ પતિને પ્રત્યક્ષ માની, સર્વ સુન્દરતાનું સંરક્ષણ કરી, બિન્દુમતીના જેવા અલખભેાગનું અને અલખપ્રીતિનું સતત સુધાસ્વાદન અમે કરીયે છીએ. મધુરી, પ્રત્યક્ષ, પ્રમાણ જો – આ કંકણધર હસ્ત !”

પોતાનો હસ્ત લંબાવી તેમાંનું કંકણ કુમુદને પ્રફુલ્લ અભિમાનથી અને આનંદથી દર્શાવતી મોહની પ્રેમાવેશમાં આવી ઉભી થઈ અને નેત્ર મીંચી બોલવા લાગી.

"મધુરી, મ્હારા ઇષ્ટ સખાનો સ્થૂલ દેહ પડ્યો છે પણ આ સ્થૂલ ચક્ષુ બંધ કરું છું ત્યાં મ્હારા એ સખાનાં અલખ સ્વરૂપને અન્તશ્ચક્ષુથી પ્રત્યક્ષ કરી તે સૌભાગ્યથી આ કંકણ રાખું છું – અનાહત નાદ જેવો એનો અલખ સ્વર મ્હારા શ્રવણપુટમાં આવે છે - તેની સંમતિથી આ સ્થૂલ નેત્ર ઉઘાડું છું."

આટલા પતિભોગથી વિધવા મોહનીનાં નેત્રમાં આનંદાશ્રુ આવ્યાં હતાં તે લ્હોતી લ્હોતી એ કુમુદ પાસે બેઠી અને બોલવા લાગી.

“મધુરી, અલખ પ્રીતિ જ સત્ય છે, અને તેવી ધર્મ્ય સુન્દર પ્રીતિ ત્હારે નવીનચંદ્ર જેવા મહાત્મા સાથે શુદ્ધ પરિશીલનથી થઈ છે તે જ ત્હારો વિવાહ; અને અન્ય વિવાહ તો ત્હારી વરચના થઈ છે. એ વઞ્ચનામાંથી હવે તું મુક્ત થઈ, અને ત્હારી અલખ અને લખ સુન્દરતાનો અધિકારી ત્હારા યોગની વાસના રાખે છે એવું તું જાણે તો તેટલા જ્ઞાનથી ત્હારી ત્હારા શુદ્ધ ભાગ્યોત્કર્ષનો પ્રવાહ તું દેખતી નથી?”

કુમુદ – તમે ક્‌હો એવો ભાગ્યોદય આ અવતારમાં હું ઇષ્ટ ગણું એમ નથી. તમારી વર્ણવેલી પ્રીતિને મ્હારું હૃદય પૂજે છે એવી પ્રીતિ મ્હારા ભાગ્યમાંથી આવેલી ગઈ અને હવે તો આ દગ્ધ જીવનું શરીર દગ્ધ થાય તેટલો કાળ આથડવાનું બાકી છે તે ચંદ્રાવલીમૈયાના વિરાગ બોધથી શાંતિ પામી આથડી લેઈશ. ​નિરાશ અને શ્રાંત થઈ અશ્રુ રોકી કુમુદ બોલી.

મોહની – પણ તે શા માટે ? નવીનચંદ્ર પ્રતિ ત્હારે શું કાંઈ ધર્મ નથી? સંસારી જનોએ કરેલી ત્હારી વિવાહવઞ્ચનાએ શું એ ધર્મમાંથી તને મુક્ત કરી ?

સ્થિર સ્વરે કુમુદ બોલી:- ધર્મ-અધર્મનો વિચાર મને હવે સ્પષ્ટ થતો નથી. પણ મ્હારી વિવાહઞ્ચના થઈ નથી. મ્હારી વિવાહ–પ્રતિજ્ઞાઓ મ્હેં બોધસહિત કરી છે; તેના અર્થગામ્ભીર્યનું પ્રમાદથી મ્હેં મનન ન કર્યું. પણ જેને એ પ્રતિજ્ઞાઓ આપી તે સાથે અસત્યવાદિની તો હું નહીજ થાઉં, તેમાં તમારા મુખમાંથી એ પ્રતિજ્ઞાઓના માત્ર આજ આમ સ્પષ્ટ સાંભળીને તો હું એટલો નિશ્ચય કરું છું કે આ શરીર એ પતિને પરાયણ ર્‌હેશે. મોહનીમૈયા, આ પાસેની ખેામાં ભરેલા અન્યધકારના ઉપર ચ્હડી ચન્દ્ર જેમ આવો પ્રકાશ ભરે છે તેમ તમારા બોધ મ્હારા હૃદયમાં આજ શાંત મંદ પ્રકાશ ભરે છે, અને તેથી હું બે વાનાં પ્રત્યક્ષ કરું છું. પ્રથમ તો ખેાની બ્હારના સ્પષ્ટ સુન્દર પ્રકાશમાં ન્હાતી આ આકાશમાંની અને પૃથ્વી ઉપરની સૃષ્ટિ જેવી તમ સાધુજનની સ્વતંત્ર પવિત્ર સુન્દર પ્રીતિસૃષ્ટિ જોઉં છું. પછી આ ખોને મુખે આ જાળીમાં કેદ થયેલી મ્હારી આંખ, બ્હાર, ખેામાં, અને આ સ્થાનમાં જુદી જુદી સ્થિતિ જુવે છે તેવી જ મિશ્ર ગતિવાળા મ્હારા અનેક પ્રીતિપ્રવાહોને જોઉ છું – પણ આ બ્હારના પ્રકાશમાં ન્હાવાનો અધિકાર આ જાળીમાં ર્‌હેલા પ્રાણીને નથી તેમ મ્હારા ચંદ્રના પ્રીતિપ્રવાહમાં ન્હાવાનો અધિકાર આ પ્રતિજ્ઞાજાળીમાં બેઠેલી હું છું તેને નથી.

મોહની૦- આ મધુરતમ્ વાક્યો પાસે હું નિરુત્તર છું, મેધાવિની, અલખ મતના કામશાસ્ત્રમાં મને નિરુત્તર કરનારી તું મળી, પણ આ જાળી બ્હાર તને કીયે માર્ગે કેવી રીતે લેવી અને અલખ પ્રીતિનો આનન્દ તને કેમ અપાવવો એ શોધ હું હજી કરીશ.

કુમુદ- તમે એ શોધ કરશો તો પણ આવા પવિત્ર વૈરાગ્ય પામેલા મ્હારા ચન્દ્રને હું મ્હારા યોગથી ગ્રસ્ત થયો જોવા ઇચ્છતી નથી.

મોહની– તે ઈચ્છા પુરવીન પુરવી એ તો અલખનું કામ છે – ત્હારું નથી.

કુમુદ - ભલે, પણ જેને હું મ્હારું કલ્યાણ ગણતી નથી તેનો લાભ મને અપાવવા તમારે શા માટે આટલો આગ્રહ ધરવો ?

મોહની – અલખનું કામશાસ્ત્ર જાણનારી મોહની ત્હારી અલખ વાસનાઓ વધારે સમજી શકશે. ​કુમુદ – મ્હારી વાસના મ્હેં તમને કહી દીધી.

મોહની – ત્હારી આભિમાનિકી વાસના કેઈ અને આભ્યાસિકી કેઈ, લખવાસના કેઈ અને અલખ વાસના કેઈ એ વિષય સમજવામાં અલખનું કામશાસ્ત્ર જે અપૂર્વ દૃષ્ટિ આપે છે તે વડે સર્વે મ્હારે જાતે સૂક્ષ્મબુદ્ધિથી જોઈ લેવું પડશે. મધુરી, ત્હારી જિવ્હા ઉપર જે હૃદયમાધુર્ય લખરૂપે વિલસે છે તે પણ હું જોઉં છું, અને ત્હારી હૃદયશય્યામાં જે અલખ માધુર્ય છે તે પણ હું જોઉં છું, એ લખ માધુર્ય અને અલખ માધુર્ય પરસ્પર સંયુક્ત હોવા છતાં પરસ્પરથી ભિન્ન છે. હું તે ઉભય માધુર્યમાંથી મધ લેઈ મધપુડો રચીશ અને તેમાનું મધ તને આસ્વાદન માટે આપીશ.


  1. Concert.
  2. તટવગરના, precipice.
  3. જોનારી.
  4. પૂર્ણચંદ્ર ગગનમાં રાત્રે રાત્રે જવાલારૂપે પ્રકટો ! મદન મને બાળી નાંખો ! - મૃત્યુથી વધારે તે એ શું કરવાનો હતો ? હું તો મ્હારા શ્લાધ્યતાતને, વિમળ વંશની જનનીને, અને વિમલ કુળને દયિત ગણું છું તેના અાગળ મ્હારો પ્રિયજન પણ દયિત નથી અને આ મ્હારૂં જીવન પણદયિત નથી – ભવભૂતિ. ​કુમુદ૦- માલતીને મ્હારા જેવો પ્રશ્ન ન હતો. એક પાસ માતાપિતાની aaાજ્ઞા અને બીજી પાસ પ્રિયજન –એ બેમાંથી કોને પ્રસન્ન કરવું તેટલું જ એને જોવાનું હતું. તેને કંઈ મ્હારી પેઠે વિવાહિત પતિનાં બંધનમાંથી છુટવાનો દુષ્ટ અભિલાષ ન હતો. મ્હેં નિશ્ચય કર્યો છે કે એ અભિલાષથી મ્હારે દૂર ર્‌હેવું.
  5. रसो रतिः प्रीतिर्भावो रागो वेगः समाप्तिरिति रतिपर्यायाः x x फलावस्था रतिः x x फलावस्थायां सुखत्वेन चित्तपरिस्पन्देन रमणाद्रतिः । (કામશાસ્ત્રકારો)
  6. शील = મનથી ધ્યાનમાં આરોપવું. પરિશીલક એટલે વારંવાર શીલન ક૨ના૨.
  7. સંવનન=લગ્ન પહેલાં સ્ત્રીને વશ કરવાનો પ્રયત્ન = Courtship, wooing.
  8. अभ्यासादभिमानाश्च तथा संप्रत्ययादपि। विषयेभ्यश्च तन्त्रज्ञाः प्रीतिमाहुश्चतुर्विधाम् ॥
  9. Fancy
  10. ૧.હાથમાં ઝાલેલું બોર (ફળ).
  11. માલતીમાધવ.
  12. કામતન્ત્ર.