સરસ્વતીચંદ્ર ભાગ ૪/સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.


સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.

विगतमानमदा मुदिताशयाः
शरदुपोढशशाङ्कसमत्विषः ।
प्रकॄतसंव्यवहारविहारिणस्
त्विह सुखं विहरन्ति महाधियः ॥

(જેના માન અને મદ જતાં રહ્યાં છે; જેના આશયનું લોક મોદન કરે છે, શરદના પૂર્ણ ચંદ્રના જેવી જેની મનઃકાન્તિ છે, અને પ્રકૃતિથી પ્રવાહ- પતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુધ્ધિવાળાઓ તો આ લોકમાં સુખે વિહરે છે –યાગવાસિષ્ઠ. )​સસ્વતીચંદ્રે જાગૃત અવસ્થામાં વધારે વિચાર કરી, ઉપકારવશ થઈ, વિરક્તિના રંગનો રાગી થઈ પોતાના જીવનના દાતા વિષ્ણુદાસ બાવાને પૂર્ણ પ્રસન્ન કરવા આખે શરીરે ભગવો વેષ – ધોતીયું, અંચળો અને માથે ફેંટો સર્વે – ભગવાં ધર્યાં. તે કાળે બાવાના મઠોમાં અને ત્યાંથી આખા યદુશૃંગ ઉપર અલખની ગર્જના જાગી રહી, અને તે ગર્જનાવચ્ચે વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રના કાનમાં અતિપ્રસન્ન વદનથી યોગવાસિષ્ટનો ઉપલો મંત્ર મુકયો અને એ મંત્રોચ્ચારનું શ્રવણ કરાવી એના પોતાના ઉત્તમોત્તમ અધિકારીની દીક્ષા આપી. એ દિવસ સર્વ જટાધરોએ અનધ્યાય અને અભિક્ષાનો પાળ્યો અને સર્વ પોતાને મનગમતે સ્થાને ફરવા નીકળી પડ્યા. સરસ્વતીચંદ્રને લેઈ વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતનાં શૃંગો દેખાડવા નીકળી પડ્યા.

પ્રાતઃકાળે આ ત્રણ જણ ફરતા હતા તે કાળે તેમની વચ્ચે જે જિજ્ઞાસા, કુતૂહલ, પૃચ્છા, અને ગોષ્ટિવિનોદ ચાલી રહ્યાં હતાં તેને સ્થાને અત્યારે વિહારપુરી અને રાધેદાસના મનમાં સરસ્વતીચંદ્રને વિષયે પૂજ્યભાવ ઉદય પામ્યો હતો, વિષ્ણુદાસ જેવા સદ્ગુરુએ ઉત્તમોત્તમ અધિકારે સ્થાપેલા પુરુષ ઉપર શ્રદ્ધા અને ગુરુભક્તિ સ્ફુરતાં હતાં અને વિનીત શિષ્ય જેવા બનેલા બંને જટાધરો, સરસ્વતીચંદ્રનાં ધીમાં પગલાંને અનુકૂળ બની, અર્ધો માર્ગ કાપતા સુધી એક શબ્દ બોલ્યા વિના અને એક પ્રશ્ન પુછ્યા વિના, એની બે પાસ એની પાંખો પેઠે એની સાથે ચાલતા દેખાતા હતા. જ્યોતિઃશાસ્ત્રમાં પારંગત ગુરુજીના વર્તારા ઉપર શંકાની ફૂંક સરખી મારવામાં નાસ્તિકતા અને દુષ્ટતા ગણનાર ગુરુવત્સલ શિષ્યોના મનમાં આ સમયે કંઈ પણ વિચાર થતો હોય તો તે સરસ્વતીચંદ્રના રૂપ અને વેશ સંબંધે હતો અને કંઈ પણ તર્ક થતો હોય તો એના પૂર્વાશ્રમ, એના પુણ્યોદય, અને એના ભાવી ઉત્કર્ષ વીશે હતો. ભસ્મ, ગોપીચંદન, લંગોટી, અને જટા એટલા વેશવાળા બે કાળા બાવાઓ વચ્ચે સર્વાંગે ભગવાં પણ શુદ્ધ ગેરુના રંગવાળાં વસ્ત્રો પ્હેરી ચાલતો ગૌર પુરુષ બે કાળા ગણ વચ્ચે ઉભેલા મહાદેવ જેવો, હનૂમાન સુગ્રીવ વચ્ચે ઉભેલા રામ જેવો, લાગતો હતો, અને બે બાવાઓનાં મન એનાં દર્શનથી તૃપ્ત અને નમ્ર થઈ જતાં હતાં.

“ વિહારપુરી !” સરસ્વતીચંદ્રે પુછયું. ​“જી મહારાજ !” જરીક સામે આવી, શિર નમાવી વિહારપુરી બોલ્યો.

“આપણે ક્યાં જઈએ છીયે ? ”

“પ્રાતઃકાળે પશ્ચિમ દિશા જોઈ અત્યારે પૂર્વ દિશાનાં શૃંગો ભણી અાપ અાવ્યા.”

“પૂર્વ દિશામાં સામે જળ જળ થઈ રહેલું આ શું દેખાય છે ?”

“આપણે ઉંચામાં ઉંચા શુંગ ઉપર છીયે, અને પર્વત અને રત્નનગરી વચ્ચે નીચામાં નીચું રેતીનું મેદાન છે તેમાં આ જળ નથી પણ મૃગજળનો સાગર છે.”

સરસ્વતીચંદ્ર વિહારપુરીનો હાથ ઝાલી અટકયો. “મૃગજળ ક્‌હે છે તે આ જ?” ઓઠ ઉપર આંગળી મુકી ફરી બોલ્યોઃ “અહીં ચારે કાંઠે ભરાઈ ગયેલા રમણીય જળના સરોવર જેવું આ સર્વ મિથ્થાજળ ?”

વિહાર૦– “હાજી, એ સર્વ મિથ્યાજળ જ ! એની પાછળ સેંકડો મૃગો ભમે છે અને તરસે મરે છે.”

નિઃશ્વાસ મુકી, નીચલો ઓઠ કરડી, સરસ્વતીચંદ્ર બોલી ઉઠ્યો: “વિહારપુરી ! રાધેદાસ ! આ મિથ્યા સંસારના પ્રતિબિમ્બ જેવા આ મિથ્યાથાજળ ભણી મને ઘડી બે ઘડી જોઈ રહેવા દ્યો – ગુરુજીના પવિત્ર ધામની યાત્રા સફળ થઈ - આ શૃંગ ઉપર સઉ બેસો.”

સઉ એ પથરાઓ ઉપર બેઠા. કોઈનો ઓઠ ઉઘડતો ન હતો. સરસ્વતીચંદ્રનાં નેત્ર મૃગજળ ઉપર ખેંચાઈ જતાં હતાં અને એના ચિત્તમાં વિચાર ઉઠતા હતા.

“મૃગજળ જેવી લક્ષ્મી ! તને મ્‍હેં તજી! આ મૃગજળ જેવી રમણીય અને એના જેવી જ મ્‍હારે મન થયલી કુમુદ ! તને પણ તજી - પણ – પણ-”

“તું ક્યાં? હું ક્યાં? હાલ આ જ અનુભવ સુખકારક છે - હું તને મનથી પણ તજીશ. આ વસ્ત્ર ધર્યાં ! આ આશ્રમ સાધ્યો ! આપણું લગ્ન થયું હત તો પણ મરણ–કાળે વિયોગ હતો. તે વિયોગ આજથી જ ! ઘણા કાળ પછી આવવાની અવસ્થાને બુદ્ધિવાળાઓ ઘણા કાળ પ્‍હેલી જુવે છે – સાધે છે – કુમુદ – ચંદ્રકાંત ! – એક જીવ અનેક જીવોનાં સુખદુ:ખનું સાધન થાય છે – હું તમને દુઃખ દેઉં છું – મરનાર પોતાની પાછળ જીવનારાઓને દુઃખ દે છે તેમ. મરનારને માથે એ દુઃખ દેવાનું પાપ નથી – આપઘાત કરનારને માથે છે; મ્‍હેં પણ એક જાતનો ​આપઘાત – આત્મધાત – જ કરેલો છે ! સર્વ પરિવ્રાજકો, યુદ્ધોમાં મરનાર સર્વ યોદ્ધાઓ, કુટુંબ છોડી દ્રવ્યાદિને અર્થે સમુદ્રાદિ ઉ૫૨ પ્રયાણ કરનારાઓ, સર્વ એક રીતે આત્મઘાતી કેમ નહી? હોય તો તેને શિર આવાં પાપનો ભાર કેમ નહી ?”

“પુણ્ય કાર્યને અર્થે ખમેલો શરીરવ્યય પુણ્ય છે; અધમ કાર્યને અર્થે આણેલો શરીરવ્યય વ્યય જ છે. આ એક વિશ્વરૂપ શરીર એક આત્માથી સંધાયું છે, ઉભું છે અને એ આત્માની ઈચ્છાથી શાંત થશે. એ શરીરમાં રહેલાં આ સર્વ વ્યક્તિશરીરો - વ્યષ્ટિરૂપે – તે એકજ સમષ્ટિ શરીરના અવયવ છે. હું જેને મ્હારું શરીર કહું છું તે આ મહત્ શરીરનો અંશ છે અને તેથી મ્હારું નથી. એ જ મ્હારું શરીર કુટુંબનો અંશ છે, પળવાર કુમુદની સાથે જોડાઈ દામ્પત્યના અંશરૂપ હતું ; આ દેશનો અંશ છે, મનુષ્ય લોકનો અંશ છે! એ સર્વ શરીર મ્હારાં શરીર છે – આ દેખીતું શરીર તેમનો અંશ છે, આનો અથવા એનો વ્યય પુણ્ય કાર્યને અર્થે કરવો એ વ્યય નથી; એક અંશના વ્યયથી બીજા અંશોને પુણ્ય લાભ થાય તે કાર્ય સાધ્ય જ છે – બાકી “આત્મઘાત” તો થતો જ નથી – આત્મા અમર છે. ખરી વાત છે કે એ આત્માને તો શસ્ત્ર છેદતાં નથી અને પાવક બાળતો નથી. એ આત્મા તો વધતાં ઘટતાં આ સર્વ શરીરોથી ઉભરાયલા એક મહત્ શરીરમાં સ્ફુરી – એ શરીરની મર્યાદાથી રહિત થઈ વસે છે – એ શીવાય બીજો આત્મા નથી ! સરસ્વતીચંદ્ર ! ત્હેં કીયા પુણ્ય કાર્યને અર્થે આ દુષ્ટ વ્યય કર્યો?”

આ આત્મપરીક્ષક પ્રશ્ને મસ્તિકને ચકડોળે ચ્હડાવ્યું. તેમાં અંતર્ગાન થવા લાગ્યું.

विगतमानमदा मुदिताशयाः" “મ્હારું પુણ્ય કાર્ય – મ્હારે મુદિત આશય – કીયો ? મુદિત - લોકમુદિત – આશય – તું કયાં છે?”

"Life is real l Life is earnest !" “આયુષ્યનો મર્મ ક્યાં ?

“મચી રહ્યો કોલાહલ આજે દશે દિશે ગાજે તે મધ્યે થઈ ઉતરી પડની, શૂર, નીચે નીચે જાજે.

“મુંબાઈનગરીના પંડિત, રાજ્યકર્તાઓ, કવિઓ, દેશસેવકો, લક્ષ્મીનંદનની લક્ષ્મી, ચંદ્રકાંતની મિત્રતા, કુમુદનો સ્નેહ - એ સર્વ ​કોલાહલમાંથી હું નીચે ઉતરી પડ્યો ! પ્હેલું પાતાળ બુદ્ધિધનનો સુવર્ણપુરમાં-, બીજું એના કારભારમાં–, ત્રીજું એના–ઘરમાં, ચોથું બ્હારવટીયા અને અર્થદાસમાં–, પાંચમું જંગલમાં અને રાત્રિમાં નાગના ભાર નીચે– એ પાંચ પાતાળમાં હું ઉતરી પડ્યો– આ છઠ્ઠા પાતાળમાં આવ્યો અને મ્હારા શેષનો ભાર ઉતરવાની વાત સાંભળું છું. હવે કીયા પાતાળમાં ઉતરવાનું હશે ? મહાન્ અજગરના જેવા લાંબા અને અનેક સાંધાવાળા આ વિચિત્ર સંસારના મુખમાં હું ઉતરતો ઉતરતો સરું છું – તે કીયા પુણ્ય કાર્યને અર્થે? ગંગામાં ઉતરી પડેલાં સીતાને ભવભૂતિયે ગંગા અને વસુંધરાનાં દર્શન કરાવ્યાં. મ્હારો વિધાતા મને કેટલાં પાણી તળે ઉતારશે? મ્હારે કેઈ વસુંધરાને પ્રત્યક્ષ કરવાની હશે ?”

“અહો મૃગજળ ! અતિશય રમણીય અને ચમકતા ચળકાટ મારતા ત્હારા વિશાળ સરોવરની સપાટી ઉપર અત્યારે તો અાંખે ઠરે છે ! હું ત્હારાથી દૂર રહી માત્ર આંખોને જ ઠારું એ પણ એક ભાગ્ય જ ! અહો ! આ વસુને ધરનારી વસુંધરા !”

આ વિચાર ઉઠે છે ત્યાં ઉડતો ઉડતો એક કાગળનો કડકો એના પગ આગળ આવ્યો, તેણે એના વિચારને તોડ્યા, એ કડકો એણે હાથમાં લીધો, અને એના ઉપરના અક્ષર જોઈ એ ચમક્યો.

ચંદ્રકાંતના ઉપર લખેલા પત્રનું પરબીડીયું ! અને બુલ્વર સાહેબના અક્ષર ! – તું આ સ્થળે !”

મ્હોટે સ્વરે કહ્યું: “વિહારપુરી ! આ પત્ર અહીં કયાંથી આવ્યો હશે ?”

બે ગોસાંઈયો હાથ જોડી આગળ આવ્યા. લખેાટા પરના ઈંગ્રેજી અક્ષર તો ન સમજાયા પણ વિચારમાં પડ્યા અને રાધેદાસ બોલ્યો.

“નવીનચંદ્રજી ! બે ચાર દિવસ ઉપર આપણું મંડળ અલખ જગવવા ગયું હતું ત્યારે થોડાક ગાસાંઈઓના હાથમાં રત્નગરીથી ભદ્રેશ્વર જવાના માર્ગ ઉપરથી એક કાગળોનું પોટકું જડી આવેલું હતું તે તેમણે ગુરુજીના આશ્રમમાં આણેલું છે. એણી પાસથી ઉપર આવવાનો એ માર્ગ એટલે તેમાંથી આ પત્ર પડેલો હશે.”

વિહારપુરીઃ “એમજ. બીજી રીતે આવા અક્ષરને આ સ્થળે સંભવ નથી. જી મહારાજ ! આપને આ અક્ષરનો બોધ છે ?”

સર૦–“ હા. એ પોટકું મને જોવા મળશે ?” ​“ગુરુજીની આજ્ઞા છે કે આ૫ણા આશ્રમના સર્વ મર્મ-ગ્રન્થ આમારા નવીન જૈવાતૃકને બતાવી દેવા તો આ પોટકું તો તુચ્છ વાત છે. જી મહારાજ, આ પત્રમાં શો ઉદ્ગાર છે તે જાણવાને અમને અધિકાર છે ?”

વિહારપુરીનાં પ્રીતિવાક્ય સાંભળી સરસ્વતીચંદ્રના નેત્રમાં જળ ઉભરાયું; “પવિત્ર પ્રિય વિહારપુરી ! તમે જેવો મ્હારા ઉપર ઉપકાર કરો છો એવોજ ઉપકાર મારાપર કરનાર મ્હારો એક મિત્ર રત્નનગરીમાં મ્હારે માટે ભટકે છે તેના આ નામાક્ષર છે અને તેનું જ એ પોટકું હશે.”

“વાહ ! મહારાજ ! તો એ રત્નનો પણ આપણે સત્કાર કરીશું. આજ્ઞા હોય તે હું અત્ર વેળા ત્યાં જાઉં !”

“તમારી પ્રીતિ મ્હારે માટે શું નહી કરે ? વિહારપુરી ! ત્યાં તમારે જ જવું એવો મેળ નથી. ગુરુજીની સેવામાં તમારી ન્યૂનતા કોઈ પુરે એમ નથી. માટે ગમે તે પણ કોઈ દક્ષ ગોસાંઈ રત્નનગરી જાય, મ્હારા મિત્ર પ્રધાનજીના અતિથિ છે તેને મળે અને પ્રધાનજી જાણે નહી એટલી યુક્તિ કરે, અને બને તો મ્હારા સંબંધી કાંઈ પણ કિંવદન્તી સંભાળાવ્યા વિના મ્હારા મિત્રને આ દિશાએ આકર્ષી આણે એવી મ્હારા ચિત્તની આતુરતા છે.”

“એ તો અલખ જગાવનારાઓનો સહજ ઉદ્યોગ છે. ”

“એ મિત્રનું નામ ચંદ્રકાંત છે. તે મુંબઈથી આવેલા છે. તેઓ અવ્યક્ત આકર્ષણથી ન જ આકર્ષાય તો તેમને એકલાનેજ મ્હારું અભિજ્ઞાન થાય એવી સંજ્ઞાઓ હું આપું તે તેમને તટસ્થપણે સંભળાવવી.”

“શી સંજ્ઞાઓ ? બોલો જોઈએ.”

વિચારમાં પડી, નેત્ર મીંચી, થોડી વારે નેત્ર ઉઘાડી સરસ્વતીચંદ્ર બેાલ્યો.

“ચંદ્રકાંત એકલા હોય ત્યાં જઈ અલખ જગવતાં જગવતાં બેાલવું કે

"નહીં કાન્તા-નહીં નારી, હું, ત્હોય પુરુષ મુજ કાન્ત ! જડ જેવો દ્રવતો શશી, સ્મરી રસમય શશિકાંત.”

નેત્ર મીંચી, ઉઘાડી, વિહારપુરી બોલ્યોઃ ​"જી મહારાજ, એ મંત્ર અવધાનમાં સંગ્રહી લીધો."

નેત્ર મીંચી રાખી થોડા થોડા શબ્દો રચી અટકી અટકી, મીંચેલે જ નેત્ર અંતર્વૃત્તિ રચી એકાગ્ર વિચારમાં મગ્ન સરસ્વતીચંદ્ર ધીરે ધીરે બેાલવા લાગ્યો.

“ સુન્દરગિરિનાં શૃંગ ચુંબતાં જલધરગણને, “ પવિત્ર સાધુવૃન્દ જગવતાં ત્યાંજ અલખને. “ મૃગજળ સરવરતીર પડ્યો છે રમણીય રસ્તો, “ જગ ત્યજી જનારાતણો પંથ–સંતોને સસ્તો. “ તુજ ઇન્દ્રપુરીની ભભકભરી નથી માયા ત્યાં તો; “ નથી ચંદ્રવિકાસિ કમળ[1] સૂક્ષ્મસુગન્ધિ ત્યાં તો. “ તુજ વૃદ્ધ વૃદ્ધ પૂર્વજો ચિરંજીવ વસતા ત્યાં તો, “ હજી સુધી શ્રુતિને પ્રત્યક્ષ કરે સઉ અવનવી ત્યાં તો. “ ત્યજી ઇન્દ્રપુરી, ત્યજી કમળ, ત્યજી મળ સંસૃતિકેરા, “ લીધ ભગવો રંગ વિરક્ત, ઉદાસીન ફરું છું ફેરા. “ મુજ હૃદયે વિશ્વે દેવ પ્રકટીયા, તે તું જાણે ! “ ગુરુજનઉદ્ધારો બોધ હોમતા ત્યાં આ ટાણે. “ આ વ્હાણું વાય નવું આજ, મન્દ ધીર પ્રકાશ લાગે, " ધીમી ધીમી ઉઘડે મુજ અાંખ, સૂર્યમંડળ ઉંચું આવે. “ આ ગિરિશૃંગ પ્રભાતહોમ થાતો તે કાળે “ નહીં મળે મિત્ર અધ્વર્યુ[2] યજ્ઞમાં વિશ્વ જ આવે. ” સરસ્વતીચંદ્રે અાંખ ઉઘાડી. વિહારપુરીએ ઉઘાડી, પણ આટલાં બધાં પદ એને અવધાનવશ થઈ ન શક્યાં તેનો અસંતોષ તેના મુખ ઉપર પ્રકટ્યો. સરસ્વતીચંદ્ર તે સમજી ગયો અને બોલ્યો.

​“વિહારપુરીજી, આ કવિતા હું મ્હારે અક્ષરે લખી આપીશ એટલે વાંચનારને વિશેષ અભિજ્ઞાન થશે.”

વિહારપુરી તૃપ્ત પ્રસન્ન થયો તે પણ એના મુખ ઉપરથી દેખાયું, “તમે આટલી વ્યવસ્થા કરો – હું પાછળ આવું છું ” એટલા શબ્દો સરસ્વતીચંદ્રના મુખમાંથી નીકળતાં જટાધરો ઉઠ્યા, ચાલ્યા, અને પળવારમાં પર્વતના ખડકો અને ઝાડોમાં મળી જઈ અદૃશ્ય થયા.

અત્યારે પાછલા પ્હોરના ચાર વાગ્યા હતા, સૂર્ય પર્વત ઉપરનાં ઝાડો પાછળ અદૃશ્ય થયો હતો, અને તેના મધ્યાન્હની ભભકમાંથી મુકત થયેલા પર્વતની પૂર્વ દિશાનો નીચો પ્રદેશ દીર્ધ છાયાના પટઉપર વધારે સ્પષ્ટ થયો હતો. ખડકને અઠીંગી સરસ્વતીચંદ્ર ઉભો થયો ત્યાં આ વિશાળ પ્રદેશ ઉપર તેની દૃષ્ટિ પડી. એક પાસ મૃગજળ, આસપાસ વનની ઘટા, વચ્ચે વચ્ચે રસ્તાઓની રેખાઓ, તળાવોનાં કુંડાળાં, અને સ્ત્રીયોનાં વસ્ત્રોની કોરો જેવી સ્થળે ઉઘાડી સ્થળે ઢંકાયલી નદીઓ : એ સર્વ ચિત્રોથી ભરેલા પટ ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રની આંખ ચમકી અને અઠીંગણ મુકી દેઈ તે બોલ્યો.

“Woods over woods in gay theatric pride !” ” વળી થોડી વાર રહી બોલ્યો–

“Amidst such stores shall thankless pride repine?" વળી અટકી બોલ્યો.

“Creation's heir, the world the world is mine !”[3]

શેતરંજની બાજી જેવા પટ ઉપર પડેલાં મ્હોરાંઓ પછી મ્હારાંઓ ગણતાં ક્ષિતિજભાગમાં રત્નનગરીના મ્હેલો અને બુરજોના શિખરભાગ, સ્ત્રીની કંચુકીની બાંય ઉપર રંગેલાં અને ભરેલાં ટપકાં જેવા જણાવા લાગ્યા અને ત્યાં આગળ દૃષ્ટિ અટકી. દ્રષ્ટિ અટકતાં તર્કરાશિ વિશ્વકર્મા પેઠે સૃષ્ટિ રચવા ઉભો થયો.

દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઉભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા.

​કુમુદસુંદરીની પાસથી સ્વર નીકળ્યો : "गेहे गेहे जंगमा हेमवल्ली"[4] વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ

"मार्गे मार्गे जायते साधुसङ्ग"[5] સરસ્વતીચંદ્ર સ્થિર થઈ ચિત્ર પેઠે ઉભો. પ્રતિમાઓ અદૃશ્ય થઈ માત્ર સ્વર સંભળાવા લાગ્યા.

"क्षणमपि सज्जनसंगतिरेका[6] "भवति भवार्णवतरणे नौका।" આ પરસ્પરવિરુદ્ધ સ્વરો વચ્ચે ગુંચવાતાં સરસ્વતીચંદ્ર પાછો ફર્યો અને આશ્રમ ભણી ચાલવા લાગ્યો. થોડી વારમાં કુમુદસુંદરીની પ્રતિમા તેની પાસે આવી જોડે જોડે ધીમે પગલે ચાલવા લાગી, અને ઉપડતે પગલે ગાવા લાગી. ગાતી ગાતી સાથે ચાલી – પગ ઉપાડવા લાગી.

“લીધો લીધો ભગવો વ્હાલે ભેખ, સુંદર થયો જોગી રે, “મને વ્હાલો લાગે એનો વેશ, થયો બ્રહ્મભોગીરે. લીધો૦ “ચંદ્રજોગીની સાથ કુમુદ જોગણ થઈ ચાલી રે ! “વ્હાલા ! પ્રીતિનો સાજીશું મેલ, રમીશું મ્હાલી રે. લીધો૦ “રુડા સુન્દરગિરિને કુંજે, લીલી છે લીલોતરીરે, “શીળી છે છાંય; બેસી ત્યાં શોકસમુદ્ર જઈશું તરી રે. લીધો૦ “પેલા પત્થર બે દેખાય, વચ્ચે શિલા સાંકડી રે “સમાઈત્યાં બે બેસીશું કાલ, કરીશું જ્ઞાનગેાઠડીરે. લીધો ૦ “જુઠા જગનો કીધો છે ત્યાગ; સાચો રસ ઝીલીશું રે “એમાં ન મળે આળપંપાળ, અદ્વૈતથી રીઝીશું રે. લીધો.” ગાનમાં લીન થઈ, પ્રતિમાને હાથ ઝાલવા અને તેને પ્રશ્ન પુછવા જતો સરરવતીચંદ્ર છેતરાયો; કોઈ હાથમાં આવ્યું નહીં, પ્રતિમા અદૃશ્ય થઈ અને તેને સટે વચ્ચે આવતી મ્હોટી શિલાનો પડદો દૃષ્ટિ આગળ ઉભો.


  1. ચંદ્રવિકાસિ કમળ=કુમુદ.
  2. યજ્ઞ કરનાર કરાવનાર 'ગેાર' તે ઋત્વિજ્; "ऋस्विग्यग्ज्ञकृत्." તેના ચાર વર્ગ. (૧.) હોતા ઋગ્વેદના મંત્ર ગાય, ર, ઉદ્વાતા - જે સામવેદનું ગાન કરે. ૩, અધ્વર્યું. ૪. બ્રહ્મન્. આમાં અધ્વર્યુ યજુર્વેદ ભણે, તેમાં होता प्रथमं शंसति तमध्वर्युः प्रोत्साहयनि. યજ્ઞની સામગ્રી તત્પર કરવી અને હોતાનું પ્રોત્સાહન કરવું એ અધ્વર્યુનું કામ.
  3. B. Goldsmith,
  4. ઘેરે ઘેરે સોનાની વેલ જંગમં દીપેરે” શુંકરંભાસંવાદ.
  5. માર્ગ માગે સાધુનો સંગ સાધુને થાયરે.” શુકરંભાસંવાદ.
  6. ક્ષણ પણ સજ જન-સંગતિ થાય, ભવજળ તરવા નૌકા થાય - શંકરરવામી