સવાસો વર્ષની વાર્તાઓ/કેમ ખોલી બારી

કેમ ખોલી બારી

પ્રેરણા લીમડી

તીણા સીટીના અવાજે નીલા ઝબકીને જાગી ગઈ. ક્ષણભર એ પોતે ક્યાં છે એ એને સમજાયું નહીં. આઈ.સી.યુ.ની બહાર બાંકડા પર ટૂંટીયું વાળી એ સૂતી હોય એવું એને લાગ્યું. એણે ચારે બાજુ નજર ફેરવી. ખાલી ઓરડાની સામી દીવાલ પર એના પતિ અનિલનો સુખડનો હાર ધર્યો ફોટો લટકતો હતો. શોકસભા માટે એનલાર્જ કરેલો ફોટો દીકરી પ્રિયા લટકાવી ગઈ હતી. જેના પર ઢગલો દવા પડી રહેતી એ ટેબલ અને પલંગ પણ ખાલી હતો. કદાચને એરપોર્ટથી પુત્ર પરાગ ફોન કરશે એ વિચારે રાતે ફોન પાસે સોફા પર બેસી રહેલી નીલા પોતે ક્યારે સોફા પર સૂઈ ગઈ તેની એને સુધ નહોતી રહી. રસોડાના ગળતા નળના ટપટપ અવાજ સિવાય આખું ઘર શાંત હતું. આખી રાત સોફા પર ટૂંટિયું વાળીને સૂતેલી નીલાનું આખું શરીર જકડાઈ ગયું હતું. છેલ્લા ઘણા દિવસનો થાક એને ઘેરી વળ્યો. જોવા જાવ તો છેલ્લા બે વરસમાં અનિલની માંદગી, એને એક કઠપૂતળીની જેમ નચાવતી હતી. 40 વરસ થઈ ગયાં એને આ ઘરમાં પરણીને આવે. એ હંમેશા બીજાનું કહ્યું જ કરતી એક સમજદાર અને જવાબદાર પત્ની બનવા. પહેલા સાસુનું અને પછી પતિનું... એક કઠપૂતળીની જેમ... આ જવાબદારી અને સમજદારી શબ્દો એને કાંટાની જેમ ખૂંચતા. ‘તું તો રહેવા જ દે. તને નહીં સમજાય.’, આવા અનિલના છણકાએ એને ઘણીવાર ઘાયલ કરી હતી. ‘ચલ આઘી ખસ, તને નહીં આવડે. બે બાળકની મા થઈ. જરા જવાબદારી લેતાં તો શીખ...’ સાસુના શબ્દો એને અત્યારે સંભળાવા લાગ્યા. નીલા આંખો મીંચી ગઈ. આ છેલ્લાં બે વરસ એના મનમાં ઘૂમરાવા લાગ્યા. જે દિવસે અનિલના ગળાના કેન્સરની ખબર પડી ત્યારે, અત્યારે બંધ પડેલી પલંગ પાસેની બારી પર ઊભા રહીને અનિલે એક સાથે બે સિગરેટ પી લીધી. નીલાએ રોકવાનો પ્રયત્ન કર્યો. ‘આ શું કરો છો, અનિલ? ડોક્ટરે શું કહ્યું તમે સાંભળ્યું ને?’ ‘હવે મરવાનું જ છે તો મજા કરતો મરું ને...’ ચીઢ અને ગુસ્સાથી ભર્યો અનિલનો અવાજ દીવાલોને અથડાયો હતો. ત્યારે નીલાનો ડુમો ભરાઈ આવ્યો હતો. એ આગળ કશું બોલી નહોતી શકી. ફક્ત આંખમાંથી બે આંસુ સર્યાં હતાં. અનિલના ઓપરેશન વખતે રાજકોટ રહેતાં અનિલનાં મોટાંબેન આવ્યાં’તાં. અનિલના ખાટલા પાસે બેસી અનિલના હાથને પંપાળતાં બેને કહ્યું, ‘જો, ભાઈ ! હવે ધ્યાન રાખજે. પાછી સીગરેટ ચાલુ ન કરતો. ડૉક્ટરની સલાહ પ્રમાણે જ ચાલજે. સાંભળો છો ને, નીલા, હવે બધી જવાબદારી લેતાં શીખો. પરાગની નવી નવી નોકરી છે. અમેરિકાથી વારંવાર તો એ નહીં આવી શકે. દવા વિ. બાબત બરોબર સમજી લેજો... શું સમજ્યાં,’ હંમેશા ‘તને નહીં સમજાય’નો છણકો કર્યા કરતા અનિલ માટે હોસ્પિટલના આઈ.સી.યુ.ના બાંકડે બેઠી એ કંઈ કેટલીયે મોત મરી હતી, એ વાત એ કોઈને ક્યાં કહી શકી. ‘નીલા સૂતી કેમ છે... ચા મૂક.’, અનિલનો અવાજ સંભળાયો. એ ગભરાઈને બેઠી થઈ ગઈ. પલંગ તરફ એનાથી જોવાઈ ગયું. એ ખાલી પલંગને તાકી રહી. એણે પાછું સોફા પર માથું ઢાળી દીધું. અનેક અવાજોએ એને ઘેરી લીધી. “60-65 કંઈ ચાલ્યા જવાની ઉંમર ન કહેવાય... અનિલભાઈ ચેઇન સ્મોકર હતા નહિ...? બિચારા નીલાબેન... એકલાં એકલાં જીવવું અઘરું છે ભઈ... એ તો પરાગ છે ને અમેરિકા લઈ જશે... કેન્સરની ખબર પડી ત્યારે ઓલરેડી થર્ડ સ્ટેજમાં હતું... હા, છેલ્લા દિવસો બહુ તકલીફમાં ગયા. શું થાય? મોત પાસે કોઈનું કશું ચાલ્યું છે?” મોત... મોતના વિચાર સાથે નીલાને ગભરામણ થઈ ગઈ. હોસ્પિટલની એ મનહૂસ રાતો... બીમાર દર્દીઓના ઉંહકાર... ચારે બાજુ મોતના પડછાયા... એના શ્વાસમાં ઉતરી ગયેલી હોસ્પિટલના એન્ટિસેપ્ટિકની વાસ એને ગૂંગળાવવા લાગી. આ બંધ ઓરડામાં એને ગૂંગળામણ થવા લાગી. એ ઊભી થઈ ગઈ. ઓરડાની બંધ પડેલી બારીને ખોલવા એણે પગ ઉપાડ્યા. ‘કેમ ખોલી બારી? મને ઠંડી લાગે છે, તને સમજાતું નથી...?’ પાછળથી અનિલનો અવાજ સંભળાયો હોય એવું નીલાને લાગ્યું. બારી ખોલતા નીલાના હાથ અટકી ગયા. એણે પાછળ ફરીને જોયું અને ક્ષણભર અટકી ગયેલી નીલાએ, બારી ખોલી નાખતાં ખુલ્લી હવામાં શ્વાસ લીધો.