સવાસો વર્ષની વાર્તાઓ/સરસ પૂતળી

સરસ પૂતળી

પ્રીતિ સેનગુપ્તા

હજી ચિંતા કરવાની જરૂર નથી, કહી કહીને સલોમી સવારથી મનને સમજાવતી રહી હતી; પણ કલાકો પસાર થતા ગયા તેમ એનું મન આશંકાથી ભરાવા લાગ્યું હતું. આખું અઠવાડિયું નીકળી ગયું હતું - શ્રેણિકને મળ્યા વગર. લગભગ મળ્યા વગર, વિચારતાં સલોમીએ માથું હલાવ્યું. માંડ માંડ વીત્યા હતા એ દિવસો. પરાણે ધીરજ રાખી હતી. આજે હવે એ જીવનો ફફડાટ શાંત કરી શકતી નહોતી. "ફરી એક વાર એ છેલ્લા સાત દિવસોની વિગતો યાદ કરવા માંડી. ગયા ગુરુવારે શ્રેણિક નિરાંતે મળ્યો હતો. હંમેશ મુજબ કામ પરથી સીધો આવી ગયો હતો. રાત રહ્યો હતો. સલોમીએ તંદુરી ચિકન બનાવી હતી - લાઇબ્રેરીમાંથી ઇન્ડિયન કૂક બૂક લાવીને જાતે શીખી ગઈ હતી. શ્રેણિકને મસાલેદાર ખાવાનું જ ભાવતું. શરૂઆતમાં એ ખાસ ખાતો નહીં, ભૂખ નથી કહી દેતો, અથવા સાથે પીઝા લેતો આવતો. સલોમી તંદૂરી ચિકન બનાવવા માંડી ત્યારથી ગુરુવારે ઘેર જમવાનો રિવાજ શરૂ થઈ ગયો. અનેક વાર શ્રેણિકે કહ્યું હશે, સોમવારથી જ રાહ જોતો હોઉં છું ગુરુવાર ક્યારે આવે. બહાર બધું ખાતાં હોઈએ. પણ બેબી, તારા હાથની ચિકનની વાત ઑર છે. શ્રેણિક એનાં ફોઈને ત્યાં રહેતો હતો, આન્ટીના ઘરમાં નૉન-વેજનું નામ પણ લઈ ના શકાતું. શુક્રવારે સાંજે બંને બહાર જમવા જતાં. મોટે ભાગે નાની, સાધારણ મેક્સિકન રેસ્ટૉરાંમાં. સલોમીને કોઈ ફેન્સી જગ્યાએ જવાનું મન થતું, પણ પૈસા ફેંકી દેવામાં શ્રેણિક માનતો નહીં. ભારતીય રૅસ્ટૉરાંમાં એકાદ વાર જ ગયેલાં. પાછું કોઈ ઓળખીતું મળી જાય, શ્રેણિક કહેતો. એમાં શું વાંધો, સલોમીને સમજાતું નહીં. શ્રેણિક કોઈ સમજૂતી આપતો નહીં. પછી તો સલોમીએ પૂછવાનું ય બંધ કરેલું. ગયા શુક્રવારે બહાર જવાનું બન્યું નહોતું. મળવાનુંય ક્યાં બન્યું હતું? ઑફિસે ગયા પછી શ્રેણિકે ફોન પર કહ્યું હતું કે એને ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર જવું પડે તેમ હતું. સૉરી બૅબી, આન્ટીનાં ખાસ બહેનપણીની સુપુત્રી મુંબઈથી આવી રહી છે.

શેને માટે, ખબર છે? મુરતિયો શોધવા. કેન યુ બિલીવ ઈટ? સાવ દેશી પૂતળીને અમેરિકામાં કોણ પસંદ કરવાનું? કહી એ હસેલો. સલોમી નિરાશ થયેલી કે શ્રેણિક નહીં મળે. કાંઈ નહીં, એક જ સાંજની વાત છે ને, એણે મન મનાવેલું. પછી શ્રેણિકના શબ્દો પર એ પણ હસેલી. દેશી પૂતળી, કહીને એ હંમેશાં ભારતીય છોકરીઓની મજાક કર્યા કરતો. ફોન મૂક્યા પછી શ્રેણિકને પહેલી વાર મળ્યાનો પ્રસંગ સલોમીને યાદ આવી ગયો. એના ટાઉનના જાહેર ચોગાનમાં ઇન્ડિયન એસોસિયેશન તરફથી એક કાર્યક્રમ યોજાયેલો, એ ત્યાં જઈ ચડેલી. આમ રવિવારે બપોરે ખાસ બહાર નીકળતી નહીં. હૉસ્પિટલમાં એ નર્સ હતી. શનિવારે રાતની ડ્યૂટી રહેતી. રવિવારે વહેલી સવારે ઘેર પહોંચતી, એટલે બપોર સુધી તો એ ઊંઘ પૂરી કરતી હોય. એ કાર્યક્રમ ઘરની નજીકમાં હતો, તેથી કુતૂહલ ખાતર ગયેલી. ચોગાનમાં ભેગી થયેલી ભીડ જોઈ એને બહુ નવાઈ લાગેલી. પુષ્કળ ભારતીયો એક સાથે એણે ક્યારેય જોયા નહોતા. ત્યાં વહેંચવામાં આવી રહેલા બ્રોશરનાં પાનાં ફેરવતાં એણે વાંચ્યું : એ દિવાળીનો વાર્ષિક કાર્યક્રમ હતો. કશોક ખાસ દિવસ હોવો જોઈએ, એટલો ખ્યાલ એને આવ્યો. ભેગી થયેલી સ્ત્રીઓ રંગ-રંગીન ઝાકઝમાળ લાગતાં કપડાંમાં હતી. સલોમી થોડી સંકોચ પામી ગયેલી. એણે પોતે રોજનાં સાદાં કપડાં પહેરેલાં - બ્લુ જીન્સ અને કાળું, સુતરાઉં, ઊંચા ગળાનું ટી-શર્ટ. પાછળ થોડી ખાલી ખુરશી જોઈ એ એકલી ત્યાં બેસી ગયેલી. પહેલાં થોડાં નૃત્યો થયાં. એ તો ઠીક હતાં, પણ પછી ગીતો શરૂ થયાં ત્યારે સંગીત બહુ જ મોટેથી વાગતું લાગ્યું. ભાષા ના સમજાય એટલે રસ પણ શું પડે? એ ઊઠી જવા કરતી હતી, ત્યાં શ્રેણિક પાસે આવી ચડેલો. બાજુમાં કોઈ છે? પૂછી એ સાથે બેસી ગયેલો અને વાતો કરવા માંડેલો. બ્રોશર જોઈ એણે કહેલું, પાનાં બધાં જાહેરખબરોથી જ ભરેલાં હોય છે. પછી દિવાળી એટલે શું તે થોડું સલોમીને સમજાવેલું. એનાં વખાણ કર્યા પછી એ બોલેલો, ને જુઓ આ ઇન્ડિયન લેડીઝને. કોઈ કહે કે અમેરિકામાં રહે છે ? તમે કેવાં જુદાં તરી આવો છો ! સલોમીને હસવું આવી ગયેલું, પણ હું અહીં જુદી પડું જ ને. શ્રેણિક બે ઘડી ચૂપ થઈ ગયો ખરો, પણ તરત જરા ઊંચા-નીચા થઈને વાત સુધારતાં કહ્યું, હા, તમે ઇન્ડિયન નથી, એ બરાબર. પણ મારું કહેવાનું એમ હતું કે અમેરિકનોમાં - એટલે કે ધોળાઓમાં - એટલે કે તમારા લોકો વચ્ચે પણ તમે દેખાઈ આવો એવાં છો. મારું કહેવાનું - એમ કે નોટિસેબલ છો. થેન્ક યુ કહી સલોમી ઊભી થયેલી. સાથે ચાલતાં ચાલતાં શ્રેણિકે એને જમવાનું આમંત્રણ આપેલું. સલોમીએ આનાકાની કરેલી પણ શ્રેણીકના આગ્રહ પાસે છેવટે નમતું મૂકેલું. ત્યારથી, જાણે આપોઆપ, એમના મળવાના દિવસો અને રાતો ગોઠવાઈ ગયેલાં. એમાં શનિવાર ખાલી રહેતો. સલોમીને રાતપાળી હોય અને શ્રેણિકને કોઈ ને કોઈ પાર્ટીમાં જવાનું હોય. સલોમી ક્યારેક શનિવારની રજા લઈ શકે તેમ હતી. સાથે પાર્ટીમાં જવાનું બહુ મન થતું. શ્રેણિક એને ટાળતો. હમણાં નહીં, બેબી. વખત આવવા દે. તારા જેવી કામણગારી પૂતળીને મારી સાથે જોઈ બધાંના છક્કા છૂટી જવાના. શ્રેણિક એને પટાવી લેતો. પહેલી વાર સલોમીએ પૂછેલું, પૂતળી એટલે શું? અને બધાં એટલે કોણ ? અરે, બધાં એટલે - એટલે કે મારાં બધાં ઓળખીતાં, શ્રેણિકે પતાવેલું. પૂતળી એટલે ડૉલ. ખૂબસૂરત - ખૂબ સુંદર ઢીંગલી. એના મિત્રોમાં એ શબ્દ કોઈ પ્રકારની કુત્સિત મજાકના અર્થમાં વપરાતો - એ એણે નહોતું ઉમેર્યું. શનિવારે સાંજે બંને મળતાં નહીં, પણ સલોમી કામ પર જવા નીકળે ત્યાં સુધીમાં શ્રેણિક એને ફોન જરૂર કરતો. ત્યારે વાત પણ નિરાંતે કરતો. એ જ પ્રમાણે, સલોમીએ ફરી યાદ કર્યું કે, ગયા શનિવારે શ્રેણિકે ફોન કરેલો ખરો. પણ વાત કરવાનો સમય એની પાસે નહોતો. એ બહુ ઉતાવળમાં હતો. સલોમીએ પૂછેલું, ઍરપૉર્ટ જતાં ટ્રાફિક તો બહુ નહોતો નડ્યો ને? આવજે ત્યારે, કહી ફોન મૂકી દે તે પહેલાં વળી સલોમીએ વાત લંબાવેલી. મુંબઈથી ઊતરી આવેલી દેશી પૂતળી વિશે પૂછેલું. જવાબમાં શ્રેણિક બોલેલો, સ્માર્ટ છે. ઘણી મૉડર્ન. મને ખબર નહીં કે અહીં અમેરિકામાં ભણેલી છે. - અહીં આવવાનો વિઝા મળી ગયો એને? કહો છો ને કે કુંવારાંને વિઝા નથી આપતા? અરે, એની પાસે ગ્રીનકાર્ડ છે. એનું કુટુંબ વર્ષો સુધી અહીં જ રહેતું હતું. બેએક વર્ષથી બધાં મુંબઈ પાછાં ગયાં. હવે પરણવા આ રીના અહીં આવી છે. એને તો તરત મુરતિયો મળી જવાનો. ચાલ, બેબી, પછી વાત કરીશું. સલોમી વધારે કશું બોલે એ પહેલાં શ્રેણિકે ફોન મૂકી દીધેલો. પહેલી વાર એ પસ્તાયેલી કે જીદ કરીને ક્યારેય એણે શ્રેણિકના ફોન નંબર મેળવી લીધા નહોતા. જીવ બાળીને અને ઉદાસ થઈને ઘેર બેસી રહેવા જેવો સમય સલોમી પાસે નહોતો. નોકરીમાંથી એમ ૨જા લેવાય એમ નહોતી. જોકે, અંદર-અંદર એને ખાત્રી હતી, રવિવાર શ્રેણિક નહીં ચૂકે. ને ખરેખર બપોર પછી એ આવ્યો પણ ખરો. જોતાંની સાથે સલોમી એને ભેટી પડેલી, હોઠ પર ચૂમી કરવા માંડેલી. શ્રેણિકનો વર્તાવ અચાનક અતડો થયો હતો એ પણ જાણે એના ધ્યાનમાં ના આવ્યું. પહેલાં ચ્હા તો પીવડાવ, કહીને શ્રેણિક અળગો થયેલો. હા, હા, જરૂર, કહેતાં સલોમી શ્રેણિકને ભાવે એ પ્રમાણેની ખૂબ દૂધવાળી ચ્હા બનાવવા માંડેલી. પોતાની કૉફી પીવાની ટેવ તો લગભગ છૂટી ગયેલી. સાથે બેસીને આ જાતની ચ્હા, વાતો કરતાં કરતાં નિરાંતે પીવાની, એને ગમી ગયેલું. પણ આ રવિવારે શ્રેણિકનું ચિત્ત વાતોમાં નહોતું. એ ફરી પાછો ઉતાવળમાં હતો. જલદીથી ચ્હા પતાવી પેલું બ્લેઝર ક્યાં છે? કહેતો કબાટ પાસે ગયેલો. સલોમીને એ બ્લેઝર બહુ જ ગમતું. એમાં એને શ્રેણિક બહુ દેખાવડો લાગતો. ઓહ, માય નિક ઈઝ સચ એ હૅન્ડસમ ડેવિલ, કહી એ શ્રેણિકને વહાલ કરતી. છેલ્લા સાડા ચારેક મહિનાથી સલોમીના જ કબાટમાં એ લટકતું રહેલું. શુક્રવારે સાથે બહાર જમવા જતાં એ પહેરવાનો આગ્રહ સલોમી અચૂક શ્રેણિકને કરતી. એ રવિવારે શ્રેણિકને બ્લેઝર પહેરી લેતો જોઈ એનો જીવ કપાયેલો. એવું ક્યાં જવાનું છે? બીજું કંઈક પહેરીને જજે ને. નહીં તો, ચાલ, હું પણ સાથે આવું છું. ઢીલી થઈને એણે કાકલૂદી કરેલી, તારી સાથે લઈ જાને આજે મને, પ્લીઝ નિક. કમ ઑન, બેબી. તને ખબર છે ને, એવું ખાસ કશું છે નહીં? શ્રેણિકે ભળતો જવાબ આપેલો. એવું છે કે ભઈ, મારે રીનાને એક પાર્ટીમાં લઈ જવાની છે. શું કરું, બોલ. આન્ટીનો હુકમ છે, એટલે પાળવો જ પડે. પાછી અમારી ન્યાતની છે. એટલે – એ સમજૂતી સલોમીને ગળે ઊતરી નહોતી. ન્યાતની હોય એટલે શું થઈ ગયું? ધીમા અવાજે એણે પૂછેલું. જવાબમાં એના ગાલ પર સહેજ હોઠ અડાડી, ફક્ત બાય, બેબી, કહી ઘેરા ભૂરા રંગના બ્લેઝરમાં દેખાવડો લાગતો શ્રેણિક બારણા બહાર નીકળી ગયો હતો. સોમવારે સલોમી બૅન્ક અને લાઇબ્રેરી થઈ ઘેર આવી ત્યારે આન્સરીંગ મશીન પર શ્રેણિકનો ટૂંકો સંદેશો હતો. કેમ છે, સલોમી? મઝામાં? બસ, કાંઈ કામ નથી. હલો કહેવા જ ફોન કર્યો હતો. ગૂડ બાય. હૃદય પર હાથ મૂકીને સલોમી ઊભી રહી ગયેલી. અરેરે, ઘરમાં નહોતી ત્યારે જ ફોન કર્યો? એને ગળે ડૂમો ભરાઈ આવ્યો. ચાર-પાંચ વાર ટેપ આગળ-પાછળ કરી શ્રેણિકનો અવાજ, એના શબ્દો સાંભળ્યા કરેલા. આટલા મહિના પછી શ્રેણિકે એને બેબી નહીં કહેતાં નામથી સંબોધી હતી. સલોમીને પોતાનું જ નામ વિચિત્ર લાગ્યું. કોઈ બીજા જ માણસ માટેનો જાણે સંદેશો હતો. એ બોલનાર પણ શ્રેણિક નહીં, કોઈ બીજું જ હતું. એ અવાજ દૂર દૂર ક્યાંકથી આવ્યો હતો. ગૂડ બાય? ગૂડ બાય, એટલે શું? એણે ગૂડ બાય, શા માટે કહ્યું હશે? ફક્ત બાય નહીં, ગૂડ બાય? પણ ગૂડ બાય કેમ? આ પ્રશ્નનો હથોડો ઘડીએ ઘડીએ સલોમીના મગજ પર અથડાતો રહેલો. સાથે જ રાહ જોવાતી રહેલી. મંગળવાર આવ્યો ને ગયો. શ્રેણિકનો ફોન નહીં, મશીન પર કોઈ સંદેશો પણ નહીં. સલોમી કામમાં પૂરતું ધ્યાન આપી શકી નહોતી, નહોતી એ આખો દિવસ કશું ખાઈ શકી. બુધવારે બપોરે ફોન રણક્યો. બધું દુઃખ ભુલાઈ ગયું, ચાસા પડ્યાનું સ્મિત ખેંચાઈ આવ્યું. દોડી આવી ફોન ઉપાડતાંની સાથે એ બોલી, ઓહ, નિક. -અરે, આ નિક નથી. ચૅટ છે, ચૅટ. તું કેમ છે, ફૂટલી? એ મશ્કરીમાં હસેલો. સલોમીની જીભે પૂતળીનો ઉચ્ચાર કેવો થતો તે શ્રેણિકે એને કહેલું. -કોણ છો? કોણ બોલો છો? સલોમી થરથરી ગયેલી. -અરે, હું ચૅટ. શ્રેણિકનો ફ્રેન્ડ ચેતન. ભૂલી ગઈ? હવે સલોમીને એની ઓળખાણ પડતાં વાર ના લાગી. શ્રેણિકના એ એક જ ઓળખીતાને મળેલી – તે પણ અકસ્માત, બે મિનિટ માટે. એ અને શ્રેણિક કોઈ ઇન્ડિયન દુકાનમાં તંદુરી મસાલા લેવા ગયેલાં. ત્યાંથી નીકળતાં કોઈએ શ્રેણિકને બૂમ પાડેલી. એ જ ચેતન. બે ઇન્ડિયન છોકરીઓ સાથે હતો. બંને દૂર ઊભી ઊભી હસતી રહેલી ને ત્યાંથી જ એમણે શ્રેણિકને હલો, હૅન્ડસમ, કહેલું. ચેતન સાવ પાસે આવીને ઊભેલો : યાર, ઓળખાણ તો કરાવ, સરસ પૂતળી લઈને ફરતો લાગે છે તું તો. શ્રેણિકે પરાણે ઓળખાણ કરાવી ત્યારે એ બોલેલો : હા, મારું નામ ચેતન ખરું, પણ તારે માટે ચૅટ, એ જ યાદ રાખજે. તને એ સહેલું પડશે. શેક-હૅન્ડ કરવા પકડેલો સલોમીનો હાથ એણે દબાવેલો. એના હાવ-ભાવ ને વર્તાવ સલોમીને ત્યારે જ નહોતા ગમ્યા. આવા સાથે તારે ક્યાંથી ભાઈબંધી થઈ? શ્રેણિકને પૂછેલું. પેલી છોકરીઓ કોણ હતી? એ પણ મને બહુ સારી નહોતી લાગી. —એટલે જ તને હું એવાં બધાંથી દૂર રાખું છું. હવે સમજીને તું? શ્રેણિકે પાછો જવાબ ઉડાવેલો. ચેતનના ફોન સાથે સલોમીને એ પ્રસંગ સાંભરી આવ્યો. આજે પણ ચેતનના બોલવાની રીત એને ના ગમી. ચેતન બોલ્યે જતો હતો, કેમ, યાદ નથી આવતો? આવી હોંશિયાર ફૂટલી છું ને ભૂલી ગઈ ચાર્મિંગ ચૅટને? શ્રેણિકની ચિંતામાં સલોમીએ અપમાનનો આ ભાવ કાબૂમાં રાખ્યો. પૂછ્યું, નિક તો સારો છે ને? -અરે, એ સારો નહીં, બહુ સારો છે. કેમ, એણે તને કશું કહ્યું નથી? જો, એની ગરજ તો પતી ગઈ. એને ગ્રીન કાર્ડવાળી મળી જ ગઈ સમજ. સલોમી કશું સમજી નહોતી. વ્હૉટ? એણે પૂછ્યું. -અરે, ફૂટલી, તને કહું છું કે નિક તો હવે ગયો. નિક-બિકને ભૂલી જા. પણ હું હાજર છું, તને કંપની આપવા તૈયાર. બોલ, ક્યારે આવું? વધારે સાંભળ્યા વગર સલોમીએ ફોન મૂકી દીધેલો. ચેતનની વાતોના સૂરથી એના મનને જાણે અપમાનના તમાચા વાગી ગયા. શ્રેણિક હવે નહીં આવે, એ વાત એને સાચી લાગી નહીં, એને માટેનું કારણ એ સમજી નહીં. એણે વિચાર્યું કે આ ફોન વિષે તો શ્રેણિકને કહેવું જ પડશે, આવા માણસ સાથે ભાઈબંધી ના રાખે. સમજાવવું જ પડશે. છ-સાત મહિનાના એમના સંબંધમાં સલોમી જ હંમેશાં નમતું મૂકતી. શ્રેણિકની ઇચ્છા પ્રમાણે કરતી આવેલી, પણ આ બાબતમાં શ્રેણિકે એનું માનવું જ પડશે, ને એ માનશે જ - સલોમીને ખાતરી હતી. આમ કરતાં અઠવાડિયું પસાર થયેલું. ફરી ગુરુવાર થયો. આજે જમવાના સમય સુધીમાં શ્રેણિક આવી જ જવાનો, એ જાતને સમજાવતી રહેલી. એમ કરતાં સાંજ પડવા આવી. સલોમી રસોઈની તૈયારી કરવા લાગી. સિઝર સલાડ, ગાર્લિક બ્રેડ અને તંદુરી ચિકન – ગુરુવાર રાતનું શ્રેણિકનું ભાવતું ભોજન. ફ્રિજ ખોલી સલાડની સામગ્રી બહાર કાઢી. અંદરના ખાનામાં મૂકી દીધેલું ખાનું ખેંચીને ચિકનવાળું પેકેટ હાથમાં લીધું ત્યારે પેકેટના પ્લાસ્ટિક પર એક ચાવી ટેપથી ચોંટાડેલી જોઈ. પહેલાં એને ધ્રાસકો પડયો - કોની ચાવી છે આ? આ પૅકેટ પર ક્યાંથી આવી હશે? સ્ટોરમાંથી કોઈની હશે? પણ ટેપથી ઉખાડી હાથમાં લેતાં એણે એને ઓળખી. એ ચાવી હતી તો સલૉમીના અપાર્ટમેન્ટની, પણ એ સલોમીની નહોતી. શ્રેણિકની હતી. ચારેક મહિના પહેલાં શ્રેણિક, એક નાની ભેટ કહીને સરસ એક કી-ચેઇન લઈ આવેલો. સોનેરી ચેઇનને છેડે હૃદયના આકારનો સોનેરી અક્ષર - અંગ્રેજીનો ‘બી’ લટકાવેલો હતો. બી કૉર બેબી. તું મારી બેબી છે કે નહીં? શ્રેણિકે વહાલ કરતાં કહેલું. એ જ વખતે સલોમીએ એની ચાવીઓ એમાં પરોવી દીધેલી, અને એની સાદી કી-ચેઇનમાં અપાર્ટમેન્ટની બીજી ચાવી પરોવી શ્રેણિકને આપી દીધેલી. આ ઘર હવે તારું પણ ખરું, તને જ્યારે મન થાય ત્યારે આવવાની છૂટ, સલોમી બોલેલી. આ એ જ ચાવી. પેલી સાદી, કી-ચેઇન વગરની. શ્રેણિકે એને પાછી આપી દીધી - સાવ છાનીમાની. એક ગુનેગારની જેમ. એક કાયરની જેમ. સલોમીની આંખો એ માની નહોતી શકતી. એનું મન માનવા તૈયાર નહોતું. છતાં, ચાવી હતી તો ખરી જ ને. ક્યારે મૂકી હશે એણે? રવિવારે બ્લેઝર લેવા આવ્યો ત્યારે? પછીના ત્રણ દિવસમાં એ કામે ગઈ હશે ત્યારે? સાવ આમ ચોરની જેમ આવીને? એકાએક જાણે એને એ ચાવીની, એ ઘરની, એ સંબંધની જરૂર નહોતી. જતાં જતાં કશું કહેવાની જરૂર પણ એને ના જણાઈ? કોઈ કારણ નહીં, કશી સમજૂતી નહીં! આટલો વખત એણે શું એનો લાભ જ ઉઠાવ્યો? પ્રેમનો કોઈ ભાવ નહોતો એના મનમાં? ચેતનની વાતથી લાગ્યું હતું એનાથી ઘણું વધારે અપમાન સલોમી અનુભવી રહી. શ્રેણિક સાથે ઓળખાણ થયા પછીના એ બધા મહિના એની આસપાસ ઢગલો થઈને પડ્યા. ફ્રિજને ટેકે, નીચે જ, એ નિર્જીવની જેમ ક્યાંય સુધી ફસડાઈ રહી. પછી એકદમ એ ઝબકી ઊઠી - જાણે કશુંક એને ઢંઢોળી ગયું હતું. શું બન્યું હતું એનું ભાન આવતાં બેએક ઘડી થઈ. ટૂંટિયું વાળેલા પગ અકડાઈ ગયા હતા, ઢળી પડેલી ડોક દુખવા આવી હતી, પણ ચાવી હજી એના હાથમાં જકડાયેલી હતી. ભાન આવતાંની સાથે, સળગતા કોલસાની જેમ એ ચંપાતી હોય એમ લાગ્યું. ના, ના, ના-ની ચીસ સાથે એણે ચાવી છોડી દીધી. એ જ્યાં પડી ત્યાં સળગવા માંડવાનું હોય તેમ સલોમી ચાવી તાકી રહી. પછી થોડા પ્રયત્નપૂર્વક ઊભી થઈ. અભાનની અવસ્થામાં જ જાણે એક નિર્ણય સ્પષ્ટ થઈ આવેલો. એનો અમલ એ ચૂપચાપ કરવા માંડી. પહેલાં તો એણે ફેંકવાનો કચરો ભરવા માટેની પ્લાસ્ટિકની બેંગ બહાર કાઢી, પહોળી કરીને મૂકી, અને લાવીલાવીને ચીજો એમાં નાખવા માંડી - બેડરૂમમાંથી શ્રેણિકનાં ટી-શર્ટ, મોજાં, રૂમાલ; બાથરૂમમાંથી એનો વસ્ત્રો, શેવિંગ ક્રિમ, ટૂથબ્રશ; રસોડાના ટેબલ પર પડેલું ચિકનનું પેકેટ એમાં ફેંક્યું, નીચે પડેલી ચાવી ઉપાડીને ઉપર નાખી. છેલ્લે શ્રેણિકે વહાલ કરીને આપેલી સોનેરી કી-ચેઇન ફેંકી દેવા ધ્રૂજતા હાથે એ એમાંની ચાવીઓ કાઢવા માંડી - ઘરની, ટપાલપેટીની, ગાડીની, ડીકીની, હૉસ્પિટલના લૉકરની, દવાના કબાટની, એની આંગળીઓ બધી પકડી ના શકી અને એ ખણ ખણ કરતી નીચે ચારે તરફ વેરાવા માંડી. સોનેરી કી-ચેઇન જ હાથમાં રહી ગઈ હતી. એને જોરથી પ્લાસ્ટિક બૅગમાં ફેંકતાં સલોમી હસવા માંડી - જોરજોરથી, ખડખડાટ, પેટ દબાવીને, હાથથી ટેબલનો ટેકો લઈને, મોઢું ઢાંકીને, ઊંડા શ્વાસ લઈને. ઘણી વારે, ધીરે ધીરે એનું હસવું અટક્યું. પછી ક્યાંય સુધી સલોમીની આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં.