સહરાની ભવ્યતા/ભાયાણીસાહેબ

ભાયાણીસાહેબ


ભાયાણીસાહેબ ત્રિવેન્દ્રમ્ ગયા હતા, ત્યાંની ‘ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ’ના આમંત્રણથી ગુજરાતીના પ્રોફેસર તરીકે.

જે સાંભળે છે એને આશ્ચર્ય થતું. ગુજરાત યુનિવર્સિટીમાં એ ભાષાવિજ્ઞાનના પ્રોફેસર હતા. નિવૃત્ત થવાને અઢી–ત્રણ વરસની વાર હતી. રાજીનામું આપી દીધું. મોટા પગાર અને બીજા બધા લાભ જતા કરી પ્રાકૃત–અપભ્રંશનું સંપાદન કાર્ય કરવા એલ. ડી. ઈન્સ્ટિટ્યુટ ઑફઇન્ડોલોજીમાં ગુફાવાસી બન્યા. જેમણે ઘરઆંગણેની પ્રોફેસરશીપ આગોતરી છોડેલી એ ગુજરાતીના પ્રોફેસર તરીકે છેક કેરાલા જાયખરા?

એમના બહુ ઓછા વાચકો જાણતા હશે કે કેરાલા જવા માટે એમને કારણ હતું. ચંદ્રકળાબહેનનો ઉછેર ત્યાં થયેલો છે. મૂળ તો ગુલાબદાસઆદિ જાનૈયાઓને લઈને તે વખતે જ એમણે વરરાજા તરીકે ત્યાં જવાનું હતું પણ લગ્નનું પોરબંદરમાં ગોઠવાયું અને સાસરે જવાનીફરજ બાકી રહી ગઈ. ફરજ ભૂલે તો ભાયાણીસાહેબ નહિ! વરરાજાની નહિ તો વરરુચિની ભૂમિકા ભજવવા એમણે દક્ષિણાયન સ્વીકાર્યું. છેક બાસઠ વર્ષની ઉંમરે! દાદા ચાલ્યા સાસરે, લખવા નવી કિતાબ.

અમારાં બેત્રણ લેખકમિત્રોનાં બાળકો એમને દાદા કહે. આજથી નહિ, પંદર વરસથી. હાઇલેન્ડ પાર્કમાં એમના વાસનાં બાળકો પણ એમનેપોતપોતાના હકથી દાદા કહેતાં. એમને ત્યાં બે હિંચકા હતાં. એક વરંડામાં ને બીજો આંગણામાં, જે સંસ્કૃત નાટકોના લત્તામંડપનો આભાસકરાવે. ઉત્પલે જેની સાથે લગ્ન કર્યું એ કલ્યાણીને એ હિંચકો ખૂબ ગમ્યો હોત. પરંતુ અત્યારે ઉત્પલ–કલ્યાણી ઋચા સાથે મુંબઈ રહે છેતેથી એ આખો બાળકો માટે અનામત રહે. ક્યારેક બેથી સાત સુધી બાળકો હિંચકો ખાતાં. રમતાં કે લડતાં હોય. દાદાએ આપેલ ચણા–મમરા કે ચંદ્રકળાબહેને આપેલ લીલી બદામ ખાતાં હોય કે અંદરઅંદરના ઝઘડા અંગે દાદાને ફરિયાદ કરતાં હોય. ફરિયાદીને તુરત ન્યાયમળે. દાદા દરેકનું સાંભળે ને એની તરફેણમાં બોલે. પોતાના ઝઘડાનું સ્વરૂપ સમજાવવાનો આગ્રહ જતો કરી બાળકો એમનું રમવાનુંઆગળ ચલાવે. દાદાને એમનાં થોથાં સાથે ગડમથલ કરવા દે. ક્યારેક દાદાએ બે મોરચે કામ કરવું પડે. લેખકો–અભ્યાસીઓ કંઈક પ્રશ્નોલઈને આવ્યા હોય અને બાળકો ક્ષણે ક્ષણે નવા પ્રશ્નો ખડા કરતાં હોય. ભાયાણીસાહેબની ઘણીખરી સાંજો પ્રશ્નાકુલ ગાંભીર્ય અનેલીલાજન્ય કોલાહલ વચ્ચે વીતતી હોય છે. એ એમનું સુખ. સહુનો આનંદ કહે છે કે એ કુંવારા હતા ત્યારે પણ એમના ઘરમાં અનેબાલમંદિરમાં બહુ ફેર નહિ.

જન્મ 1917ના મેની 26મી તારીખે, સૌરાષ્ટ્રના મહુવા ગામે. વિદ્યાર્થી તરીકેની કારકિર્દી તેજસ્વી. સંસ્કૃત સાથે બી. એ., એમ. એ. અને કવિસ્યંભૂના મહાકાવ્ય ‘પઉમચરિઉ’નું સંપાદન કરી પ્રાકૃતમાં પીએચ. ડી. થયેલા. ’45થી ’65 ભારતીય વિદ્યાભવનમાં સંશોધન અને અધ્યાપનકર્યું. પછી ગુજરાત યુનિવર્સિટીમાં જોડાઈ અમદાવાદ આવ્યા. સુરેશ દલાલ કેરાલા–નિવાસના સંદર્ભમાં કહેતા હતા કે ભાયાણીસાહેબેપહેલાં મુંબઈને દગો દીધો, હવે અમદાવાદ છોડી એને દઈ રહ્યા છે. મેં એમને દાવા સાથે કહ્યું છે કે અમે ભાયાણીસાહેબને ત્યાં બહુ રહેવાનહીં દઈએ. યેનકેન પ્રકારેણ અમદાવાદમાં જલદી પાછા ખેંચી લાવીશું. આવા મફતના માસ્તર અમને બીજા મળે એમ નથી… એ અધૂરીમુદતે પાછા આવી ગયા જેથી અહીં કામ પૂરું થઈ શકે.

એમને પૂછી મેં પીએચ. ડી.નો વિષય રાખેલો: ‘હિંદી ઔર ગુજરાતી કી ક્રિયાવાચક ધાતુઓંકા તુલનાત્મક અધ્યયન.’ શરૂ શરૂમાં ગતિઆવતી ન હતી. ટકોર કરી લે. હસે, હસાવે. પછી છેલ્લાં બે વરસમાં પીએચ. ડી. પૂરું ન થાય ત્યાં સુધી નવલકથા ન લખવાનો સંકલ્પકરીને મેં એમને રાજી કર્યા, મહેનતના કલાક વધાર્યા ને એમણે પણ સમય આપવા માંડ્યો. પહેલીવાર સાંભળી ગયા, સૂચનો કરતા ગયા. બીજી વારના લેખન પછી શબ્દશ: તપાસી ગયા, શોધન–વર્ધન કરતા ગયા. કયા ગાઈડ આટલી તકલીફ ઉઠાવતા હશે? કાનૂની રીતે તો હુંજ મારો માર્ગદર્શક હતો. પણ વ્યવહારમાં ભાયાણીસાહેબનો ચીંધ્યો એક એક ડગલું ભરતો હતો. એમનું માર્ગદર્શન ન મળ્યું હોત તો કદાચહું વહેલો પીએચ. ડી. થઈ ગયો હોત. હિંદીના ધોરણે એક કોથળા થીસિસમાં ઉમેરો કરી ધન્યતા અનુભવતો હોત. પણ એમણે સામગ્રીપરથી જ તારણ કાઢવાનો પાઠ આપ્યો. આધાર વિનાની ધારણાઓ — યદૃચ્છાથી બચવા સભાન કર્યો. એમની કક્ષાના માર્ગદર્શક થવાનીશક્તિ બધામાં ન હોય તે તો સમજી શકાય, વૃત્તિ પણ જવલ્લે જ હોય છે. ભાયાણીસાહેબને એનો વાંધો છે. સાચે જ એક ક્ષણે એમનેઅનુસ્નાતક શિક્ષણ વ્યર્થ લાગ્યું હતું. એની સાથે જોડાયેલું તંત્ર પોકળ લાગ્યું હતું. પોતાનાં વર્ગીય હિતો પરત્વે અતિ સભાન અધ્યાપકોનુંમાનસ ઉદ્વેગજનક બની રહ્યું હતું. એમણે અધ્યાપન છોડીને સ્વાધ્યાય શોધનમાં બધો સમય આપવાનો નિર્ણય કર્યો.

ગુજરાતી ભાષા અને એના વ્યાકરણનો ઇતિહાસ લખવા એમણે કેરાલા જવાનું હોય નહીં. પણ એક પ્રવૃત્તિનો આરંભ યોગ્ય રીતે થાયએમાં એમને રસ. ત્રિવેન્દ્રમની આ ઈન્ટરનેશનલ સ્કૂલના સૂત્રધારોએ શરૂશરૂમાં પોતાના વિદ્યાકેન્દ્રને વિકસાવવાની નિષ્ઠા દાખવી હતી. ત્યાંબીજી ભારતીય આર્ય ભાષાઓના વિદ્વાનો પણ હોય, એક તુલનાત્મક સંદર્ભ મળી આવે. ભાષાવિજ્ઞાનના બીજા વિદ્વાનોને ભાયાણીસાહેબજેવાની હાજરીનો લાભ મળે. ખ્યાલ સારો હતો. ઐતિહાસિક ભાષાવિજ્ઞાન અને પ્રાકૃત–અપભ્રંશ તબક્કાના એમની કક્ષાના વિદ્વાનો દેશમાંનથી. એ સાથે પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓ, કાવ્યશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન એ પણ એમના રસના વિષયો છે. અંગ્રેજીમાં તો એ વર્ષોથી લખે છે. જર્મનપણ જાણે છે. બંગાળી–મરાઠી વાંચે. તામિલ શીખેલા. મોટો શબ્દકોશ ન મળ્યો ને એ સ્વાધ્યાય અટકી ગયો. ચંદ્રકળાબહેન અંગ્રેજી–મલયાલમ સહજ પ્રવાહમાં બોલે. એનો પણ એમને લાભ. માત્ર એમની રુચિનો વ્યાપ જ મોટો નથી, એમના અધ્યયનક્ષેત્રની ક્ષિતિજો પણવિસ્તરેલી છે, વિસ્તરતી રહી છે. એમના કાવ્યાનુવાદો અને ‘કમળના તંતુ’માં નવા રૂપે રજૂ કરેલી પ્રાચીન કથાઓ એમની સર્ગ શક્તિનોનિર્દેશ કરે છે.

એ સંગીતના શોખીન હતા. પહેલાં તો શાસ્ત્રીય સંગીતની સભાઓ માટે ઉજાગરા કરતા. દેશના બધા ઉત્તમ સંગીતકારોને એમણે સાંભળ્યાછે. એમની ખૂબીઓ જાણે, માણે. વચ્ચે બીમાર પડ્યા ત્યારે મોટું ખર્ચ પાડીને સંગીતની સામગ્રી વસાવી. એકલા એકલા સંગીત સાંભળતાહોય ને માણસ આવે તો એ પહેલાં મોટેથી બૂમ પાડે: ‘ચંદ્રકળા!’ હા, બીમારી વખતે પણ એ મોટેથી વાત કરતા. સામાન્ય રીતે એ તારસપ્તકમાં અને ક્યારેક મધ્ય સપ્તકમાં બોલે છે. મંદ્ર સપ્તક એમના શ્રવણનો વિષય છે.

બીમારીના સ્વરૂપ વિશે એમની અને ડૉક્ટરની વચ્ચે ગંભીર મતભેદ હતો. આ 1980ના માર્ચની વાત છે. ડૉક્ટરે હૃદયરોગના હળવાહુમલા તરીકે એ બીમારીને ઓળખાવેલી. લેખકો મોટી ઉંમરે પ્રેમમાં પડ્યા હોય એવા દાખલા એ જાણે તેથી ખબર પૂછવા આવનારનેક્યારેક કહે પણ ખરા: ‘સાઠની ઉંમર પછી કાં તો હૃદયરાગ થાય કાં તો હૃદયરોગ.’ આમ હળવા થાય પણ ડૉક્ટરના અભિપ્રાયનોખેલદિલીથી સ્વીકાર ન કરે. મૂંગા વિરોધ સાથે શિસ્ત પાળવાની રીતે દવા લે. ચર્ચા નીકળે તો આપણને સમજાવવા લાગે કે એમનીબીમારી કેવા પ્રકારની છે. માણસના શરીર અને એના રોગો વિશે હું પણ જાણું છું. એવો ખ્યાલ જાગવાની ક્ષણે હું એમની સાથે મતભેદપાડી બેસું. ડૉક્ટરના પક્ષે દલીલો કરું. એમની જ ભૂમિકાએ નિષ્ણાતોના અભિપ્રાયને માન આપવા કહું. એક દિવસ સંવાદી સૂરોમાં જઅમારી વાત શરૂ થઈ હતી ત્યાં એ પોતાની માન્યતા દૃઢતાથી રજૂ કરવા જતાં ઉગ્ર થઈ ગયા. ભારે ઉગ્ર. શંકર બલ્કે ઉમાશંકરથી પણવધુ. હું એમની તબિયતની ચિંતાથી, બધી દલીલો પડતી મૂકીને તુરત એમની સાથે સહમત થઈ ગયો. જમા પાસે નોંધાયેલા બધા આરામનેથોડી ક્ષણોમાં ઉધારી શકે એવા ભાવાવેગમાં આવતાં એમને વાર થતી નથી. એ ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેની સાથે મોટેથી વાત કરી શકેછે. સામો માણસ એમની સાથે સંમત થઈ જાય કે તુરત એ પહેલાં ગંભીર અને પછી તટસ્થ થઈ જાય છે. તે દિવસે એમણે કહેલું: પણડૉક્ટરે આપેલી સૂચનાઓ તો પાળીએ જ છીએ ને! એણે પાંચ અઠવાડિયાં આરામ કરવાનું કહ્યું છે તો આપણે છ અઠવાડિયાં પડી રહીશું. જોકે ડૉક્ટરે માત્ર પડી રહેવાનું નહોતું કહ્યું, માનસિક આરામ લેવા પણ ભલામણ કરી હતી. અહીં વળી પાછો મતભેદ હતો. ડૉક્ટરને નવાંચવામાં આરામ દેખાતો હતો, ભાયાણીસાહેબને વાંચવામાં.

વાંચે એમાંય વાર્તાઓ તો ઘણી ઓછી. પણ વાંચે એ બધું યાદ રહે. યાદશક્તિ અદ્ભુત, મેં જોયું છે કે સારી યાદશક્તિ ધરાવતા વિદ્વાનોસફળ વક્તા હોય છે. બે–પાંચ વ્યક્તિઓની ગોષ્ઠીમાં ભાષાણીસાહેબની જીભે વહી આવતાં અવતરણો, તત્ક્ષણ સૂઝી આવતા હાસ્ય–વ્યંગભલભલા વક્તાનેય ભુલાવી દે એવાં હોય છે. પણ એ મોટી મેદનીને સંબોધવા ઊભા થાય ત્યારે મોટાં વાક્યોમાં બોલે છે. પેલો જનાન્તિકેપ્રયોજાતો હાસ્યવિનોદ અહીં એમની સાથે હોતો નથી અને એ શ્રોતાઓને અઘરું સાંભળવાની કસરત કરાવે છે. એક તો લાંબાં સંકુલવાક્યો યોજે અને પાછા દરેક વાક્ય શુદ્ધિ જાળવીને વિરામચિહ્ન સાથે એને પૂરું કરે. લખતા હોય એવું જ બોલે. તેથી વાક્ધારાનો લયસાચવી શકે નહીં. ક્યારેક ટાંચણ કરેલાં પાનાં હાથમાં રાખ્યાં હોય તો એ ઊલટસૂલટ થઈ જાય. એમને ક્રમમાં ગોઠવવા મથે અને મોટેથીબોલતા જાય. પણ સુન્દરમ્ આદિ આ શૈલીના બીજા વિદ્વાનોની જેમ છેડેથી વાંચવા લાગે નહીં, વાંચે તોપણ બધા ધ્યાનથી સાંભળે. સહુજાણે છે કે ભાયાણીસાહેબ નકામું કશું બોલતા નથી. એ સફળ વક્તા ભલે ન હોય, શિક્ષક મોટા છે. એક જ ક્ષણે એ ગુરુ અને ગુરુણામ્ગુરુ હોઈ શકે છે.

ભાયાણીસાહેબ ભલભલાની મજાક–મશ્કરીમાં જોડાય. એમાં આપણે મૌલિકતા દાખવી હોય તો કદર પણ કરે, પરંતુ પૂર્વગ્રહપૂર્વકની નિંદાજુએ કે છળી પડે. તદ્દન અણધાર્યો અને અપૂર્વ ગુસ્સો કરે. એમના હાસ્યમાં એકવિધતા છે. સુભાષ શાહ પહેલાં એમના હાસ્યની મિમિક્રીકરતા. પણ એમનો ગુસ્સો કોઈથી પકડાય એવો નથી હોતો. આપણે સાચા હોવાના ખ્યાલથી આક્ષેપ કરી રહ્યા હોઈએ ને એ અડધા વાક્યેપામી જાય. પછી તો આવી જ બન્યું. બાળકોનું તોફાન કલાકો સુધી સહન કરનાર ભાયાણીસાહેબ હેતુઓનું આરોપણ કરતી ચાતુરી સહીન શકે. વિષય બદલાય પછી જ એ શાંત થાય. વચ્ચે વિરતિ અને પછી શાંત રસ. એક રસમાંથી બીજા રસમાં વસ્તુને સંક્રાંત કરવાનીપ્રેમાનંદની શક્તિની ગુજરાતી વિવેચકોએ પ્રશંસા કરી છે. ભાયાણીસાહેબની બદલાતી મન:સ્થિતિઓ એમના ઔદાર્યના વિવિધ સ્રોત જેવીછે. લડ્યા હોય એ પછીની બેપાંચ મિનિટમાં તો એ આખું વાતાવરણ બદલી નાખે. નિમિત્ત મળતાં જ સંસ્કૃત–પ્રાકૃત મુક્તકોના એમનાઅઢળક ખજાનામાંથી કોઈ ને કોઈ મુક્તક છલકાઈ આવે. પહેલાં ભાવાર્થ કહે પછી મૂળ રચના. આનંદ આપી, આનંદ કરે. સાથે હાસ્ય તોખરું જ.

કદાચ આ હાસ્યના કારણે જ એમના મુખ પર આવી ચમક રહે છે. એમના ફોટોગ્રાફ બહુ સુંદર આવે છે. શ્વેત વસ્ત્રો સાથે શ્વેત કેશ અનેધવલોજ્જ્વલ મુખ એમને પ્રૌઢ લેખકો વચ્ચે સુંદર રીતે જુદા તારવી આપે છે. માત્ર કાનની બૂટ સુધી ધસી આવતી ગરમ ટોપી એમનેશોભતી નથી. ખૂબ ઠંડી હોય ત્યારે શોભાનો ખ્યાલ જતો કરી એ વિદ્યાયાત્રા ખેડે છે. એક વાર ડિસેમ્બરની સવારની ઠંડીમાં એમણે પેલીટોપી પહેરી અને શ્રી કંચનલાલ પરીખ સાથે અમે રામાયણ વિશે બોલવા લુણાવાડા ગયા હતા. વિસરાતી વિદ્યાકલાનું ગૌરવ કરવા, પ્રશિષ્ટકૃતિઓનો સ્વાધ્યાય પ્રેરવા એ શરીરના ઘસારાનીય પરવા ન કરતા.

કોઈ સાચો જિજ્ઞાસુ આવી ચડે તો એ પોતાના મુદતી કામને પણ બાજુ પર મૂકી દેવાના. પછી આરામના મર્યાદિત સમય પર કાપ મૂકી પેલુંકામ પૂરું કરવાના. સ્વીકારેલું કામ એ અધૂરું છોડતા નથી. ઉમાશંકરના પ્રશંસક હોવા છતાં સંશોધન–વિવેચનનાં પુસ્તકો છપાવાં શરૂ થાયપછી દાયકાઓ સુધી પૂરાં ન થાય એવી વ્યવસ્થા કે આકાંક્ષા કરતા નથી. ક્રમ નક્કી કરીને એ દરેક કામ બાંધી મુદતમાં પૂરું કરતા. એ જેમલાંબા વાક્યો લખવાની ટેવ ધરાવે છે તેમ ટૂંકા લેખો લખવાની શક્તિ પણ ધરાવે છે. પિષ્ટપેષણ નહીં. પરિશિષ્ટમાં મૂકવા જેવું હોય એનેલેખમાં પ્રવેશવા પણ ન દે અનુવાદથી ચાલતું હોય તો પોતાના નામે લેખ ન લખે. એમના અનુવાદ ખંડો વિશદ હોય છે. બીજા વિદ્વાનેકહેલો મુદ્દો એ જ રીતે કહી શકાતો હોય તો પોતાનું નામ વચ્ચે આવવા દે નહીં. વિવેચન–લેખોમાં અંગ્રેજી ભાષાનો બેશુમાર ઉપયોગ કરીઓછું ઉકેલતા ને વધુ ગૂંચવતા નવી પેઢીના લેખક મિત્રો ભાયાણીસાહેબના પ્રેમથી સંતુષ્ટ થયા એને બદલે પ્રકાશ મેળવી શક્યા હોત. અપ્રસ્તુતની આળપંપાળ કરવાને બદલે મુદ્દાસર લખવાનું શીખી શક્યા હોત.

પત્તાંની અમુક રમતો એ એકલા રમે, ‘પેશન્સ’ વગેરે. કલાકોના વાચન–લેખન વચ્ચે અડધો કલાક એકલા એકલા આમ પત્તાં રમી લે. પછીરમત પૂરી થાય કે ન થાય, એમને આરામ મળી જાય. જવાનીમાં વૉલીબોલ પણ રમતા. ભાવનગરના થોડા મિત્રો પાર્લામાં ભેગા થઈગયેલા. સતત દસ વરસ સુધી રમેલા. બેએક વાર ઘાટકોપરની ટીમ સાથે મેચ પણ લીધેલી. હારેલા એ જુદી વાત છે પણ હરીફાઈ કરેલીખરી. એક વાર અમે રાણકપુરની કલાયાત્રાએ ગયેલા. ત્યાં અમને પાંચસો પંચાવનની રમત — અમેરિકન રમી એમણે શીખવેલી. આમઅમેરિકા કે રશિયા કોઈના માટે કુણી લાગણી નહિ. જે. પી.નાં પંચોતેર વર્ષ ઊજવાઈ રહ્યાં હતાં ત્યારે પાંચસો રૂપિયા મોકલી આપ્યાહતા. જે. પી. સિવાયનાઓ વિશે હસે, હસાવે. રાજકારણમાં પણ બરાબર સમજે. ઐતિહાસિક ભાષાવિજ્ઞાનના અભ્યાસી તરીકે એ સંસ્કૃતિઅને લોકસંસ્કૃતિના પણ ચાહક છે જ, તેથી રાજકારણનો પ્રાણીબાગ તો એમણે જોયો જ હોય ને! એવું જ જ્યોતિષ વિશે કહી શકાય. ભારતમાં રાજકારણ અને જ્યોતિષ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. ભાયાણીસાહેબ આ બંને વિષયને ચોક્કસ અંતર રાખીને જોતા. થોડુંક જાણે પણ માનતા નહીં. ચંદ્રકળાબહેને બતાવેલી ઉત્પલની કુંડળી પરથી મેં કરેલી આગાહી સાચી પડે તોપણ એ હસી શકતા, મતાધિકાર કે માતાધિકાર પર હસે એવા તો એ હતા જ નહિ. લોકશાહી અને વ્યક્તિ સ્વાતંત્ર્યના પ્રખર પુરસ્કર્તા પણ માત્ર ભાગ્યના જોરેમળી જનાર વસ્તુઓમાં એમને રસ નહોતો. એકવાર છાયાશાસ્ત્રીની કસોટી કરી આવેલા. છાયાશાસ્ત્રી જે સંસ્કૃત વાંચી સંભળાવતા હતાએ કાગળ પર લખેલું નથી એ જોઈ આવેલા. બૌદ્ધિક પ્રતીતિથી જ બધું સ્વીકારવું, વ્યાકરણના નિયમોમાં મૂકીને જ જીવન જોવું — એવુંકોઈ સીમિત દૃષ્ટિબિંદુ એ ધરાવતા નહોતા. બુદ્ધિ ઉપરાંત લાગણી, આવેગ એ બધાનુંયે જીવનની સંકુલતામાં સ્થાન છે. અસ્તિત્વવાદ અનેફિનોમિનોલોજીની કેટલીક ઉપપત્તિઓ એમણે સ્વીકારી છે. વસ્તુમાં શું સમજે વ્યાકરણી — એ વિધાનનું હાર્દ એ જ આપણને સમજાવીશકે એમ છે. શુષ્કતા અને બનાવટના એ શત્રુ છે. પોતે એ વ્યાકરણશાસ્ત્રના ઉપાસક જે એક બાજુ દર્શન અને બીજી બાજુ આધુનિકભાષાવિજ્ઞાન સાથે સંબંધ ધરાવે. ટૂંકા રસ્તા શોધતા જૂનવાણી માનસના એ વિરોધી, દરેક વસ્તુ કે વિચારની ચકાસણી કર્યા પછી જ એતારણ સ્વીકારે. વૈજ્ઞાનિક અભિગમના એ પુરસ્કર્તા હતા. ઔપચારિક સભાઓમાં એ ન જાય. મળેલા સમયને એ કરકસરથી વાપરે પણવિદેહ સર્જકોની શોકસભાઓમાં જાય. જનારને આદર આપવો, જે છે એનો અનાદર ન થાય એ જોવું અને આંગણે લીલા કરતાંશિશુલોકને વચ્ચે વચ્ચે પ્રેમથી જોઈ લઈને પોથીપંડિતો સાથે કામ પાડવું એ એમનો સ્વભાવ.

શ્રી હરીન્દ્ર દવેએ 1964માં ‘કેસૂડાં’માં ‘વ્યક્તિત્વનો સંવાદ’ નામે લેખ લખેલો. એમાં ભાયાણીસાહેબના ઔદાર્યના અનેક પુરાવા આપવાસાથે એક આગ્રહ નીચેના દાખલાથી સ્પષ્ટ કરેલો:

‘કોઈએ ડૉ. ભાયાણીને ભાષાશાસ્ત્ર પર “લેમૅન”ને પણ સમજાય એવો પ્રાથમિક સિદ્ધાંતો સમજાવતો લેખ લખી આપવા નિમંત્રણ આપ્યું.’

એમણે કહ્યું: ‘આ માટે મારે જ શું કામ લખવું જોઈએ? ભાષાશાસ્ત્રના બીજા ઘણા અભ્યાસીઓ પણ આ પ્રાથમિક જ્ઞાન આપતો લેખઅવશ્ય લખી શકે.’

‘ના, અમે તો દરેક વિષય પર એના તજ્જ્ઞ પાસેથી જ લખવાનો આગ્રહ રાખીએ છીએ.’

‘એટલે કે તમે તજ્જ્ઞ પાસે “લેમૅન” માટેનો લેખ લખાવો!’

‘હા…’

‘તો તો તમે સાપેક્ષતાના સિદ્ધાંત વિશે લોકભાગ્ય લેખ લખવા આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જ આગ્રહ રાખો, ખરું ને!’

આવા ભાયાણીસાહેબ કોઈક નાના બાળકને પોતે જ શોધી હોય તેટલી વહાલી પત્તાંની રમત શીખવતા હોય ત્યારે, એમ કરવા માટે પણપૂરેપૂરા અધિકારી લાગે.