સહરાની ભવ્યતા/સુન્દરમ્

સુન્દરમ્


એકવાર કવિતા આસ્વાદના એક કાર્યક્રમમાં સુન્દરમ્ સળેખમ વિશે વિસ્તારથી બોલ્યા. મને બરોબર યાદ છે કે વર્ષો પહેલાં ધ્યાન વિશેબોલતાં વચ્ચે કૂતરાના ભસવા વિશે એ આટલી જ ગંભીરતાથી બોલ્યા હતા. એમના બોલવા પૂર્વે કે બોલી રહ્યા પછી આપણને ક્યાંય એવુંદેખાય નહીં કે સળેખમ કે કૂતરાના ભસવા વિશે વાત કરવી એ કવિતા–પાઠ કે ધ્યાન વિશે વાત કરવા કરતાં ઊતરતું કામ છે. એમનાસ્વભાવમાં ક્યાંય ઓટ આવતી જ નથી. એમને શું નથી ગમતું એ ક્યારેય જાણી શકાયું નહીં. અને આ જ સુન્દરમ્ ની ખૂબી છે. એ એમના‘સુન્દરમ્’ હોવાનું પ્રમાણ છે. એમની દૃષ્ટિએ કશું ઊતરતું નથી, તુચ્છ નથી.

એ જ રીતે એમને કશા માટે ઉતાવળ નથી. એમણે સમયને જીતી લીધો છે. એંશી વર્ષના સુન્દરમ્ ની જન્મતારીખની જાણકારી સાથે કોઈસાહિત્યરસિક એમને વહેલી સવારે પહેલી વાર મળવા ગયો હોય અને માલિશ કર્યા પછી ચડ્ડીધારી સુન્દરમ્ એની નજરે પડે તો એ કાં તોસુન્દરમ્ માટે રાહ જોવાનું ચાલુ રાખે કાં તો 22 માર્ચ 1908 વિશે શંકા કરે. ‘ઘણુંક ઘણું ભાંગવું ધણ ઉઠાવ મારી ભુજા’ એ પંક્તિલખનાર દાયકાઓ પહેલાંનો હાથ સ્નાયુઓનું સૌષ્ઠવ ધરાવતો. અને ‘હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં’ એ પંક્તિ એમના પ્રત્યેક સ્મિતમાંવંચાતી.

એમ. એ. પછીનો અભ્યાસ કરતી ભોળાભાઈની એક વિદ્યાર્થિની એની બહેનપણી સાથે સુન્દરમ્ ને મળવા ગઈ હશે. સાંભળીને આવી હતીપણ એ તો એમને જોયા વિશે જ વાત કરતી રહી. એના ઉદ્ગારોમાં સુન્દરમ્ ના સ્મિતની સૌરભ વરતાતી હતી. મેં એને કવિશ્રીનીજન્મતારીખ ન કહી. કાં તો એ મને ખોટો માનત કાં તો એને આઘાત લાગત. સુન્દરમ્ નું સમયજિત સ્મિત મને ખોટો પાડી વિજયી નીવડેએ શક્યતા મોટી હતી અને મારે સુન્દરમ્ સાથે સ્પર્ધા નથી. આવું વાક્ય લખવાનો પણ મને હક નથી. સુન્દરમ્ સાથે કોઈએ સ્પર્ધા કરીનથી, ઉમાશંકરે પણ નહીં. એમણે તો વળી ‘જોડિયા ભાઈ’ હોવાનો દાવો કર્યો છે. સરોવર અને ઝરણા વચ્ચે એ સંબંધ સ્વીકારી શકાય. ઉમાશંકરે કાકાસાહેબને ‘ગંગોત્રી’ અર્પણ કરતાં ‘ગભરું ઝરણું’ હોવાનું સ્વીકાર્યું હતું અને સાગર થવાની રટના જાગ્યાનો એકરાર કર્યોહતો. સુન્દરમ્ સરોવર છે. રસિક ઝવેરી સાથે સહમત થઈ શકાય: ‘અસ્તિત્વ બંનેનું આહ્લાદક — સુન્દરમ્ નું માનસરોવર જેવું; ઉમાશંકરનું વહેતા ઝરણા જેવું. બંને ઠાવકા જણ. ઉમાશંકર વધુ વ્યવહારડાહ્યા. બંને પાસે સ્નેહની વાણી–સરવાણી. ઉમાશંકરનેપ્રવાસયોગ: સુન્દરમ્ ને યોગપ્રવાસ. બંનેનો માનવપ્રેમ મબલખ’. આમ ને આમ બંનેની સરખામણી કરતાં જઈએ તો માનવજીવન વિશે વધુને વધુ વિધેયાત્મક જાણવા મળે એમ છે. ઉમાશંકરનો બાળકો માટેનો પ્રેમ અનન્ય છે. સુન્દરમ્ કોઈ પણ ક્ષણે બાળક બની શકે છે. પ્રજારામને પૂછીએ. અધિકારથી કહે, કેમ કે એ તો બાળકના મનની મોકળાશ છોડીને જીવ્યા જ નહોતા. એમનાં બધાં સંસ્મરણો સુન્દરમ્ નીબાલસહજ અનાવલિ ચેતનાનો જ સંકેત કરે. વેરાવળના દરિયાકિનારે ઊભા ઊભા સુન્દરમે એમને પોંડીચેરી બતાવેલું: ‘આમ ચાલ્યાજઈએ, એટલે સીધું પોંડીચેરી!’ એ પછી બનેલી ઘટના અહીં નોંધવા જેવી છે:

‘વેરાવળની કન્યાશાળામાં સુન્દરમ્ ને બોરસલીની માળા પહેરાવેલી. તે હાથમાં લઈ ચાલતા હતા. કોણ જાણે ક્યારે એ માળા સરકી પડી! મંદિરથી ખાસ્સું દૂર ચાલી ગયા પછી હાથ પર નજર ગઈ તો માળા ન મળે! ચાલો પાછા. જમીનની ઇંચે ઇંચ તપાસતાં તપાસતાં સામું જેકોઈ મળે તેને પૂછતાં પૂછતાં અમે ચાલ્યા: ‘ભાઈ, એક માળા રસ્તામાં પડેલી જોઈ?’ છેક મંદિરે જઈ અમે પાછા વળ્યા; વળી, પૂછતાંપૂછતાં, ત્યાં એક સજ્જન કહે, ‘હા, મેં માળા જોઈ છે. ત્યાં જ, પાસેના ઓટલા પર મેં મૂકી છે.’ અમે ઝડપથી ચાલ્યા. માળા મળી! સુન્દરમ્રાજી રાજી!’ (‘સસ્મિત સુન્દરમ્ — પ્રજારામ રાવળ’, પૃ. 96, તપોવન)

સુન્દરમનું ધ્યાન બોરસલીની માળામાં હોય કે આ નામરૂપ જગતની કોઈ પણ ક્રિયામાં હોય, એ સમયથી શાસિત થતા નથી. એ જમવાનુંપણ ભૂલી જતા. સંગીતકાર શ્રી અજિતભાઈ શેઠે એક પ્રસંગ કહેલો: મુંબઈમાં એક મિત્રને ત્યાં સાંજે આઠ વાગ્યે સુન્દરમે જમવા જવાનુંહતું. એમની અનુકૂળતા જોઈને જ સમય નક્કી કરેલો. પણ પહોંચ્યા નહીં. પા–અડધો કલાક તો ગમે તેને મોડું થઈ શકે. પેલા યજમાનેસુન્દરમ્ માટે ખાસ બે કલાક સુધી રાહ જોઈ. છેવટે નિરાશ થઈને બધું આટોપી દીધું. સમય થતાં સહુ ઊંઘી ગયાં. એ પછી બરાબરરાતના બાર વાગ્યે સુન્દરમ્ પધાર્યા. મોડા પડવાની લેશમાત્ર સભાનતા વિના શાંત ચિત્તે સસ્મિત! જમવાનું તો બાકી હતું જ. એ અંગે કશોસંકોચ નહીં. બધું રંધાયું, પીરસાયું અને સાવ સ્વાભાવિક રીતે જમાયું. માત્ર નિમિત્ત બનવાની રીતે. જાણકાર જાણે છે કે આંકડાઓનુંગણિત તો ઉપરથી લાદવામાં આવ્યું છે. સમય તો અમૂર્ત છે. એ સુન્દરમ્થી જુદો નથી. ખરેખર તો સુન્દરમ્ છે, સમય નથી.

એમ તો એ ‘ત્રિશૂલ’ પણ થયેલા. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનો પ્રથમ અક્ષર ‘ત્રિ’ અને વેધકતાનો ભાવ જગવતો ‘શૂલ’ શબ્દ લઈએમણે એ ઉપનામ રચેલું. ખાસ તો વાર્તાઓ લખવા માટે. પણ ઉત્તમ વાર્તાકાર તરીકેનો ‘ત્રિશુલ’નો યશ પણ ‘સુન્દરમ્’ને જ મળ્યો. ‘મરીચિ’ અને ‘વિશ્વકર્મા’ પણ ગંભીરતાપૂર્વક ધારણ કરેલાં. જ્યારે ‘સુન્દરમ્’ થયેલા તે તો રમૂજમાં. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં મિત્રોસાથે એ હાસ્યરસનું ‘પંચતંત્ર’ ચલાવતા. એમાં હળવી રીતે આ ઉપનામે લખેલું, ખાસ ગાંધીજીની આત્મકથામાંથી મેળવીને. એમાંબાલાસુન્દરમ્ નામના એક તમિળ મજૂરનો ઉલ્લેખ આવે છે. બિચારા એ મજૂરના નામમાંથી ‘બાલા’ બાદ કરીને પોતે ‘સુન્દરમ્’ થયા અનેપછી તો ત્રિશૂલ, મરીચિ, વિશ્વકર્મા મટીને ક્રમશ: વધુ ને વધુ સુન્દરમ્ થતા ગયા.

પૂરેપૂરા સુન્દરમ્ થયા પછી એકવાર દિલ્લી ગયા હશે. ઘણા બધા માણસોનાં નામો સાથે પોતાનું આ મધુર ઉપનામ જોડાઈ ગયેલું જોઈનેએની આભા ઝાંખી થતી લાગી. એમના પોતાના જ શબ્દોમાં જોઈએ તો ‘આખું દક્ષિણ સુન્દરમોથી ભરપૂર છે. એવી રીતની પ્રાકૃતતાઅહીં પણ મારા નામમાં આવી જતી દેખાઈ અને એની અનન્યતા ગુજરાતમાં અનુભવાય છે તેવી ત્યાં અનુભવાવા ન લાગી.’ આ શબ્દોકવિશ્રીએ એકસઠ વર્ષની ઉંમરે ઉચ્ચાર્યા હતા. ઈકોતેર કે એક્યાશી વર્ષની ઉંમરે પણ એમના ઉદ્ગારમાં આ નિખાલસતા અને હળવાશકલ્પી શકાય તેમ છે. એમનો આ સ્વભાવ એ એમની મૂલગામી સત્યનિષ્ઠાનું જ પ્રગટ રૂપ. પ્રાગટ્યથી ડરવું નહીં એ એમની શક્તિ છે. તેથીતો સાઠ પછીની ઉંમરે કોઈ સંસારીના જીવનને દારૂણ અનુભવમાં મૂકી દે, લગભગ નિષ્પ્રાણ કરી મૂકે એવી ઘટના એમના જીવનમાં ખરીજતા ફૂલની ઋજુતા મૂકી ગઈ. ગ્લાનિ શમી ગઈ અને સુન્દરમ્ ની તેજસ્વિતા સ્થિતિસ્થાપક નીવડી. ગુજરાતી લેખકોમાં આવા પ્રાણવાનપુરુષો કેટલા?

પન્નાલાલ સુન્દરમ્ ની વિરલ સ્વસ્થતાના સાક્ષી. ગૃહકલહના પ્રસંગોમાં ‘હમણાં કાં તો સુન્દરમ્ ઝાડની જેમ ઊભા થશે. આગળ પડેલીચોપડીઓ જરૂર હવે ઊડવા માંડશે. પણ રામ તારી માયા!’ આ રમૂજનો રંગ કોઈ પ્રબળ સર્ગશક્તિમાંથી જ આવતો હશે ને! ઉમાશંકર1963માં જ્યોત્સ્નાબહેન સાથે પોંડીચેરી ગયેલા. એમને વળાવવા સુન્દરમ્ અને એમની પુત્રી વસુધા આવેલાં. ગાડી ઊપડવામાં હતી ત્યાંછાંટા પડવા શરૂ થયા. કહ્યું, પણ ન ગયાં. ઝાપટું પડ્યું. બંને પલળ્યાં. ન ગયાં, ન ડબ્બામાં પ્રવેશ્યાં. એ પ્રસંગ વિશે ઉમાશંકરે નોંધ્યું છે: ‘પિતા અને પુત્રી બંનેનું સ્વરૂપ જેમાં ભરપૂર પ્રગટ થઈ જાય છે તે એમનું સરસ ધવલોજ્જ્વલ હાસ્ય અને એની ઉપર અંતરિક્ષથી થતોઅભિષેક — જે દૃશ્ય અનોખું હતું.’ અનોખાં દૃશ્યો સુન્દરમે સ્વયં પણ સર્જેલાં છે. એકવાર એમના વિદ્યાપીઠકાળની વાત નીકળી હતી. ઉમાશંકર અને જ્યોત્સ્નાબહેન ક્યાં અને ક્યારે મળે એ બધું ગોઠવનાર સુન્દરમ્! બંનેને બાગમાં મોકલીને પોતે બહારના બાંકડે બેસે. એબાંકડે બેઠેલા કવિશ્રીની પ્રસન્નતા કલ્પી શકાય છે. આ બે કવિઓ સાથે હોય ત્યારે જે વાતાવરણ સર્જાય છે એ તો હાજર રહીને જપામવાનું હોય છે. પરિષદના અમૃતપર્વ પ્રસંગે ઉમાશંકરના પ્રમુખપદે સુન્દરમે કવિતા વાંચેલી ત્યારે સભાગૃહમાં આનંદની ભરતી આવીહતી.

સુન્દરમ્ સાચે જ ઊર્મિરસિત સૃષ્ટિના, ભાવોદ્રેકના, વિરલ પ્રાબલ્યના કવિ છે અને એ અંગત–બિનઅંગત, લૌકિક–અલૌકિક વચ્ચે અંતરઓછું કરનાર સાધક હોવાથી ક્યારેક એમના કવિત્વ વિશે વિધાનો કરીને એમના વ્યક્તિત્વનો ખ્યાલ આપી શકાય છે. સુન્દરમ્ વિરલ છે— એવા એક સાદા વાક્યથી પણ ઘણું કહી શકાય છે…

એક ઉદ્યમી વ્યક્તિ તરીકે પણ એ ગુજરાતી લેખકોમાં જુદા પડે. કેટકેટલાં ક્ષેત્રોમાં એમણે હસ્તક્ષેપ કર્યો છે! વર્ષો પહેલાં પ્રગટ થયેલાકાકાસાહેબ અધ્યયનગ્રંથમાં એમણે પોતાના એ ગુરુની હજામત કરવા વિશે રસપૂર્વક લખ્યું છે. શ્રી ગિરીશભાઈ દેસાઈને ત્યાં પોતાના એકાર્ય અને કવન વિશે મારું કુતૂહલ જોઈ સુન્દરમે વિસ્તારથી વાત કરી હતી. એમણે રીતસર સંકલ્પ કરીને એ કળા પર હાથ અજમાવેલો. પૂર્વતૈયારીના ભાગરૂપે બધાં ઓજારો વસાવેલાં ને પછી સહાધ્યાયીઓનાં માથાં માગેલાં. આજના માર્ક્સવાદી કાર્યકર શ્રી દિનકર મહેતાત્યારે ગાંધીવાદી હતા. નિર્ભયતાથી મસ્તક ધરનારાઓમાં એ પહેલા, ‘હી વૉઝ ફર્સ્ટ ટુ ઑફર હિઝ હેડ!’ જોકે દિનકરભાઈએ મોટું જોખમઉઠાવવું પડ્યું ન હતું. ત્રિભુવનદાસની કાતરે માત્ર એમનો કાન કાપેલો. પછી કાકાસાહેબની દાઢી કરતાં ઉત્તરોત્તર ઘા ઘટતા ગયા અને એકતબક્કે તો પાંચ રૂપિયા મહેનતાણું કમાવા સુધી વિકાસ કર્યો. જોકે એ રકમ એમણે ગુરુદક્ષિણા રૂપે પાછી આપી દીધેલી. પછી જીવનનીબધી પ્રવૃત્તિઓમાં વધુ રસ પડતાં આ ક્ષૌરક્ષેત્રે એ આગળ ન વધ્યા.

કુટુંબનો વ્યવસાય શીખવા એ પહેલાં એમણે પ્રયત્ન કરેલો. અમોદની શાળામાં ભણતા ત્યારે રજાઓમાં ઘેર જતા. દાદા એમની પાસે ખાસમદદ ન માગે પણ એ પોતે દુકાનમાં પડેલાં ઓજારો સાથે મગજમારી કર્યા કરે. એકવાર થોડી નળીઓ અને પૈડું ભેગું કરીને એન્જિનબનાવવાનો પ્રયત્ન કરેલો. માણસની વ્યાવસાયિક બુદ્ધિના વિકાસ સામે શ્રી અરવિંદને વાંધો નથી. બલ્કે ભૌતિક સાધનસામગ્રીની ઉપેક્ષા નથાય એના ઉપર ભાર છે. પોંડીચેરી આશ્રમમાં એમણે મુદ્રકની જવાબદારી નિષ્ણાતની હેસિયતથી સંભાળી હતી.

સુન્દરમ્ ગાંધીવિચારના વાતાવરણમાં ઉછર્યા, પ્રેરાયા, સત્યાગ્રહી થઈ જેલમાં ગયા એ બધું ખરું પણ ત્યાંની આધ્યાત્મિકતા એમને આકર્ષીશકી નહીં. કાકાસાહેબે વહેલી સવારની પ્રાર્થનાઓ શરૂ કરી હતી. એ સાથે ‘તારાદર્શન કરાવવાની મીઠી ગોળી પણ જોડી આપી હતી.’ પરંતુ કવિશ્રીએ કહ્યું છે કે મને સવારની ઊંઘ એવી ગાઢ મધુર આવતી કે ઈશ્વર અને તારાઓના દર્શનની ખોટ જરાકે અનુભવાતી નહોતી. જોકે ભક્તિનો એક પાતળો પ્રવાહ એમના બાળપણમાં વહેતો ખરો. લક્ષ્મી, વિષ્ણુ, શંકર, હનુમાન આદિ દેવોની ત્યારે એ આરાધના કરતા, સવાર–સાંજ બંને વખત, વ્યવસ્થિત. ક્યારેક ઘીનો દીવો કરતા કે ક્યારેક મીણબત્તી સળગાવતા અને એમાંથી એક દિવસ એક ‘મહાનઘટના’ બની:

‘એ શરદ પૂર્ણિમા હતી અને અમારે બધાને દૂધપૌંઆ ખાવાના હતા. એટલે મારી દેવપૂજા કરીને પેટીમાંના દેવો પાસે સળગતી મીણબત્તીમૂકીને હું નીચે ગયો અને દૂધપૌંઆ આરોગીને ઉપર આવું છું અને જોઉં છું તો મીણબત્તી પૂરેપૂરી બળી ગઈ હતી અને સાથે એણે બધાયદેવોને (કાગળના) બાળી દીધા હતા. બસ, ત્યારથી મારો ‘ભક્તિયોગ’ પૂરો થયો એમ હું ગણું છું. એ પછી કોઈ પણ કાગળના કે મંદિરનાદેવોની પાસે હું ગયો નથી. ‘દક્ષિણાયન’માંના મંદિરોમાં હું કેવી રીતે ફર્યો છું એ તો સુવિદિત છે.’ (પૃ. 17, તપોવન)

દક્ષિણાયનમાં એમણે જન્મભૂમિ વિશે એક સુંદર ઉપમા કરી છે:

‘મારું મકાન જેવી રીતે વહાલું લાગે છે, તેવી જ રીતે આ ભૂમિ મને વહાલી લાગે છે.’

ભૂમિને, એના અનેકવિધ અંકુરિત સૌંદર્યને, શિલ્પ–સ્થાપત્યને જોઈ એ હરખાયા છે અને ત્રણ ત્રણ બારણાંમાં બંધ દેવોની દયા ખાધી છે. ભક્તિથી યોગમાં પહોંચવા સુન્દરમે સારો એવો સમય લીધો હતો. એ સમજવા તો સીધા એમને જ વાંચવાના રહે. અહીં એટલું નોંધવુંપૂરતું છે કે સુન્દરમે યોગ અને કવિતાની ભેળસેળ કરી નથી. શ્રી અરવિંદની દૃષ્ટિએ તો જીવનસમગ્ર એક યોગ છે. પરંતુ તેથી યોગ એકવિતા છે કે કવિતા એ યોગ છે એવું તારણ કાઢવા કવિ પ્રેરાયા નથી. એમણે તો એટલે સુધી કહ્યું છે કે યોગ કરવો જ હોય તો તમારેકવિતાને ભૂલી જવી પડે છે અને કવિતા કરવી હોય તો તમે યોગને પણ ભૂલી શકો છો. કવિતા કરવાથી વધારે સારો યોગ થશે અથવાયોગ કરવાથી વધારે સારી કવિતા થશે એવું કંઈ નથી. ‘યાત્રા’ની કવિતા વિશે એમણે કહ્યું છે કે એમાં શાંતિ — શમનું તત્ત્વ વધારે છે. ‘વસુધા’ના કાવ્યાનુભવ જેટલો એ રોમાંચક ન હોય. શમની સ્થિતિ ઘણા માટે દૂરની હોય. શ્રી અરવિંદ જે ઉત્કટતા — તીવ્ર રસાત્મકતામાગે છે એ ‘યાત્રા’નાં કાવ્યોમાં હોવા વિશે સુન્દરમ્ ને શંકા નથી.

‘યાત્રા’ પછીના આ સાડા ત્રણ દાયકામાં એમણે એકેય કાવ્યસંગ્રહ ન આપ્યો. કાવ્યો લઈને બેઠા હોત તો ત્રણ કે ચાર સંગ્રહો થાય. એકસંગ્રહ બાળકાવ્યોનો થાત. સારો તો થાત, વચ્ચે ગદ્યલેખો લઈને ગોઠવવા બેઠા તો ‘સમર્ચના’, ‘સાહિત્ય ચિંતન’, ‘સા વિદ્યા’ એ ત્રણ ગ્રંથોઊભા થયા હતા. એમના કાવ્યસંગ્રહો આવશે ત્યારે સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને જોવા–ઓળખવા એક જુદો જ અવાજ સુલભ થશે. અર્વાચીન કવિતાના પુરસ્કર્તા આધુનિક કવિતાને સંતુલિત રાખવા પોતે કોઈ પરિબળ બન્યા છે ખરા? એનો ઉત્તર મળશે. પૂર્વે શ્રી સુરેશદલાલે એમને સમકાલીન કવિતાનાં ભયસ્થાનો અને શક્યતાઓ વિશે પૂછેલું. એમના ઉત્તરના કેટલાક અંશો જોઈએ:

‘આજના જગતના કવિઓ જગતના જીવનમાં બનતા રહેલા મહાન બનાવો, જેમ કે છેલ્લાં બે મહાન યુદ્ધો, એ જ પ્રત્યાઘાતમાંથી જન્મેલાલેખકો છે. એ પ્રત્યાઘાતની ગતિ ક્યાં સુધી પહોંચે છે એ જોવાનું રહે છે. એ જોતાં આજનો કવિ જે અનુભૂત છે એના તરફ વેગપૂર્વકધસી રહ્યો છે. એટલે કે જેને આપણે જીવનના સૌંદર્યમય અનુભવો ગણતા હતા, તેનો જાણે પૂરતો અનુભવ થઈ ચૂક્યો હોય, અને હવેબાકીના જે અનુભવો લેવાના હોય તે માટે તેઓ ગતિ કરવા લાગ્યા છે. એટલે કે જીવનમાં અસુંદર દુર્ગમ વગેરે તત્ત્વો ઉપર આપણી આંખમંડાઈ અને એને પણ આપણે રસાનુભૂતિનો વિષય બનાવ્યો… એનો છેડો દેખાશે ત્યારે એ પાછી ફરીને કંઈક ખરેખર શુદ્ધ સુભગ, સુંદરમધુર તત્ત્વમાં પાછી આવશે.’ (પ્રશ્નોત્તરી તપોવન)

સુન્દરમ્ માને છે કે માઠી વસ્તુઓ પણ જીવનને જરૂરી ઘાટ આપી જાય છે, ભલે નકારાત્મક રીતે.

આ કવિ પાસે માત્ર શ્રદ્ધા જ નથી, અનુભવ પણ છે. પૂર્વેનો લૌકિક અનુભવ ગુજરાતી કવિતા–વાર્તાને વળાંક આપવામાં નિમિત્ત બને છે કેકેમ એ જોવાનું રહે. સમયે? ના, સુન્દરમે.

1964માં મેં એમને પૂછેલું:

અમે જેને ચાહિયે તે તમે જ? અમારાથી અન્ય, ત્રીજું કોણ એ તમોને ખેંચી જાય દૂર? દૂર, માત્ર દૂર…

ગિરિ પર ચડી રહ્યા તેના જ ઓછાયા નીચે વસુધા પે અંકિત તમારાં જુએ પદચિહ્ન ઊંચે.

યુગોથકી ઉપેક્ષિત કંટકશા અમે, પંથ પર ઊડી ઊડી પડી જતા ધૂલિકણ, વાદળના પડછાયા, ખાઈ મહીં ખોવાયેલ પવન–શા અમે: એક બીજા સમા.

તમે જેને ચાહતા તે અમે જ. નિરપેક્ષ આનંદ તો અનવદ્ય, પૂર્વેનો પ્રકોપ અવ જાગવાનો સદ્ય? ઘંટીનાં બે પડ વચ્ચે આજેય પિસાય પેલી વૃદ્ધાતણી અંતિમ જીવનપળો.

ગરુડ હજીય આભ વિશે ઊડે, અટવાય, શૂન્યતાનો સાગર બે આંખમહીં ભર્યો, નિહાળેલી મૃત્તિકા તો પગ નીચે, રચાવાનો કણ થકી હિમાલય?

લખી આપ્યાં સપનાં તે છેંકી નાખો અથવા તો યથાર્થનો અંતરાલ વાંચો.

આજ થકી પ્રાપ્ત તવ શબ્દમહીં કવિ, પ્રફુલ્લિત પદ્મતણી તેજોન્મુખ છવિ.

અપૂર્વ એ મૂર્તિમંત સંમોહક દ્યુતિ. ચિત્ત થાય તૃપ્ત અને જાગી આવે સ્તુતિ.

કિન્તુ અવ યાત્રા સ્થિર? ધ્રુવ કેમ શ્રુતિ? કવિને તે ધ્રુવપદ હોય ભલા? અવિરત ગતિ.

એક નહીં દસે દિશ અપરોક્ષ ઇજનથી ભરી. ધરા પર સ્વર્ગ આવે? ધરા એ જ સ્વર્ગ.

માનવને ઉર સંગોપિત સહુ ભર્ગ.

અવનીનું અમૃતત્વ શોધવાને સુન્દરમ્ માટી પર પાછો મૂકો દક્ષિણ ચરણ.

સુન્દરમે આ જ છંદમાં ‘રુચિ’ના પછીના અંકમાં ઉત્તર આપેલો.