સાત પગલાં આકાશમાં/૧૨
બે-ત્રણ દિવસ પછી બપોરના વખતે વસુધા ચોખા સાફ કરતી હતી ત્યાં રંજના આવી. તેની મેલી ચોળાયેલી સાડી પર હળદર-મસાલાના ડાઘ હતા. વાળ ઓળ્યા વગર જ જેમતેમ અંબોડામાં બાંધી લીધેલા હતા. મોં ૫૨ મૂંઝવણ અને લાચારીનાં જાળાં બાઝ્યાં હતાં. આવતાં જ ધીમેથી બોલી : ‘ફૈબા જાગે છે કે સૂઈ ગયાં છે?’ ‘સૂઈ ગયાં લાગે છે. કેમ, ફૈબાનું કામ હતું?’ રંજના વસુધા પાસે જ ભોંય પર બેસી ગઈ. કોઈ સાંભળતું નહોતું તોયે અવાજને ધીમો કરીને બોલી : ‘ના, તમારું કામ હતું. બહુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. જરા મદદ માટે આવી છું.’ વસુધાના હૃદયમાં ફાળ પડી. કોઈનેયે મદદ કરવાની મારામાં શક્તિ છે? મદદ ક૨વાની મને છૂટ છે? ‘શી વાત છે?’ તે પોચા અવાજે બોલી. ‘પાંચસોએક રૂપિયા જેટલી રકમ આપશો?’ ‘પાંચસો રૂપિયા?’ વસુધા હેબતાઈ ગઈ. એટલા બધા તો મારી પાસે ક્યાંથી હોય? રંજના થોડીક વાર ચૂપ બેસી રહી. પછી ઊભા થવાનું કરતાં બોલી : ‘મને હતું જ કે તમારી પાસે નહિ હોય. છતાં થયું — કદાચ હોય. શી ખબર, કદાચ હોય પણ ખરા. ડૂબતો માણસ તણખલું પકડે, એમ ક્ષીણ આશાની મારી હું તમારી પાસે આવી.’ વસુધાએ તેનો હાથ પકડી નીચે બેસાડતાં કહ્યું : ‘પણ જરા વાત તો કરો. જોઈએ, કોઈ બીજો રસ્તો કાઢી શકાય તો! દીપકભાઈ આપવાની ના પાડે છે?’ રંજના ઓશિયાળું હસી બોલી : ‘સંકોચથી મરવા જેવું થાય છે. કોઈનેય કહેવાય એવી વાત નથી, પણ ક્યાંક તો કહ્યુ જ છૂટકો. તમારા વિચારો જરા ઉદાર છે એટલે તમારી પાસે આવી. તમને ગૂંચવાડામાં મૂકતાં ક્ષોભ થાય છે, પણ બીજો ઉપાય નહોતો. આપણું જીવન એટલે નરી લાચારીનું પોટલું, નહિ?’ ‘તકલીફ શી છે, રંજનાબહેન?’ રંજના વધુ નજીક સરી આવી. ‘એ પહેલાં બીજી એક વાત. હું નહોતી એ દરમિયાન લક્ષ્મીને તમે મારે ત્યાં આવતી જોયેલી? અમારે ત્યાં પહેલાં કામ કરતી તે — ઓળખો ને એને?’ વીજળીના એક ચમકારાની જેમ વસુધાને પેલી સાંજની દાદર પરની ઘટના અને દીપકની નજ૨ યાદ આવી. શું કહેવું અને શું નહિ તેનો ત્વરિત નિર્ણય ક૨વાની અશક્તિમાં બોલી દીધું : ‘હા, એક સાંજે અહીં જોઈ હતી ખરી.’ પછી અજ્ઞાત વૃત્તિને વશ થઈ આગળ બોલી : ‘પણ એ તો બીજા કોઈને ત્યાંયે આવી હોય. એનું શું કામ પડ્યું?’ દીપક-લક્ષ્મીને સાથે જોતાં વહેમ પડ્યો હતો એ વાત કરી નહિ. શી ખબર, પોતાની સમજફેર હોય! નકામું રંજનાનું મન ડહોળાઈ જાય! રંજના જરા ઉશ્કેરાઈને બોલી : ‘મેં કેટલી મહેનતે, કેટલી કરકસર કરીને, ઘરખર્ચમાંથી પૈસા બચાવી, દીપકથી છાના ૫૦૦ રૂપિયા રાખેલા. આવીને જોયું તો તે ગુમ.’ વસુધા ચોંકીને બોલી : ‘લક્ષ્મીએ ચોરી લીધા?’ ‘ચોરે ક્યાંથી? એની પાસે કબાટની ચાવી થોડી જ હોય?’ ‘તો પછી?’ રંજના ચૂપ રહી. વસુધા કાંઈ સમજી નહિ. ‘તો રૂપિયા ગુમ થવાને અને લક્ષ્મીને શો સંબંધ છે? દીપકભાઈને તમે એ વિશે પૂછી જોયું?’ ‘એમનાથી તો છાના બચાવી રાખેલા, એટલે એમને પૂછું શી રીતે? મારી ગેરહાજરીમાં એમણે જોઈ લીધા હશે અને — ’ ‘અને?’ ‘લક્ષ્મીને આપી દીધા હશે.’ ‘એમ? પણ લક્ષ્મીને એટલા બધા પૈસા શા માટે આપી દે?’ રંજના આંખમાં આવેલાં આંસુ પાછાં ધકેલવાનો પ્રયત્ન કરી નાક સંકોરતી બોલી : ‘કેવડી મોટી શરમની વાત છે! તમે બહુ ભોળાં છો, કશું સમજતાં નથી. આખો દિવસ, આખી રાત મારી છાતી પર એક સગડી સળગે છે. ખાવાનું ભાવતું નથી. ઊંઘ આવતી નથી. પણ હું ક્યાં જાઉં? શું કરું?’ તે ધીમાં ડૂસકાં ભરી રહી. એકાએક વસુધાના મનમાં પ્રકાશ થયો. તેને દીપકની પેલી નજર યાદ આવી. પોતાને જે જોઈતું હોય તે બધું જ મેળવી લેવાની લાલસાથી, એ મેળવવા માટે ગમે તે હદે જવાની ક્રૂરતાથી ભરેલી આંખો. ચોખાનો ઢગલો બાજુ પર ખસેડી તે સ્તબ્ધ થઈને બેસી રહી. દીપકની નજ૨નો અર્થ તેની પાસે નિષ્ઠુ૨૫ણે ખુલ્લો થઈ ઊભો. તેણે રંજના સામે જોયું. વેદનાથી ઉઝરડાયેલું મોં. ગોળ ભાવવાહી આંખોમાં આંસુની ભીનાશ. રુદન, લાચારી, અસહાયતા… સ્ત્રી પોતાનું આખું જીવન આપી દઈને, બદલામાં શું આ જ મેળવે છે? વસુધાએ રંજનાના હાથ પર હળવેથી હાથ મૂક્યો. હાથ પર ગરમ આંસુનાં બે ટીપાં પડ્યાં. આંખો લૂછી રંજના બોલી : ‘એ તો હું ગમે તેમ કરીને સહન કરી લઉં છું. અને આજે તો હું બીજી વાત માટે આવી હતી. એક મુશ્કેલીમાં આવી પડી છું. એ માટે થોડાક પૈસા જોઈતા હતા. પણ તમારી પાસે તો નથી…’ પછી યાદ આવતાં વળી જ૨ી આશાથી બોલી : ‘ઠીક, વ્યોમેશભાઈ પાસેથી તમે ન લઈ શકો? હું પછી પાછા આપી દઈશ.’ ‘પણ એ પૂછે કે શાને માટે જોઈએ છે, ત્યારે હું શું કહું એમને?’ ‘પૂછ્યા વગર ન આપી શકે? તમે કહો કે જોઈએ છે — તો એટલું પૂરતું ન થાય?’ વસુધાએ ડોકું હલાવ્યું. ‘આજ સુધી એવો પ્રસંગ પડ્યો નથી; પણ મને ખાતરી છે કે કારણ જાણ્યા વગર એ ન આપે.’ રંજનાએ નિસાસો નાખીને કહ્યું : ‘તો તો તમારી સ્થિતિયે મારા જેવી જ ગણાય. આપણે તો પૂછ્યા વગર આપણું આખું જીવન એમને આપી દેતાં હોઈએ છીએ. અને એ લોકો, આપણે કહીએ કે જરૂર છે એટલા કદાચ શબ્દો પર વિશ્વાસ રાખી થોડાક પૈસા પણ આપણને આપી શકતા નથી?’ વસુધાએ આ પહેલાં પૈસા વિશે ખાસ કોઈ વિચાર કર્યો નહોતો. રંજનાની વાત સાચી હતી. વ્યોમેશ વાતવાતમાં ઘણી વાર કહેતો : આ કોને માટે આટલી મહેનત કરીને કમાઉં છું? બધું તમારે માટે તો છે! પણ પોતાને માટેની એ કમાણીના નાના સરખાયે અંશ પર પોતાનો અધિકાર હતો ખરો? શબ્દો… કેવળ શબ્દો… સસ્તા, આકર્ષક, અર્થ વગરના મોહ પમાડતા શબ્દો… વસુધા ગૂંચવાઈને ચૂપ બની રહી. થોડી વાર તેમની વચ્ચે વિષાદભર્યું મૌન પ્રસરી રહ્યું. છેવટે રંજના બોલી : ‘એમ તો મેં પણ તમને હજી કહ્યું નથી કે મને શા માટે પૈસા જોઈએ છે. પણ હું ધારું છું કે મિત્રતા અને સંબંધનો વિશ્વાસ જેવી એક બાબત છે, જ્યાં માણસ પોતાની બધી વાતો ખુલ્લી ન કરે તો પણ તેનામાં શ્રદ્ધા રાખવામાં આવે. જોકે મારે તો વાત કહેવી છે અને સલાહ પણ લેવી છે. પણ એ પછી અત્યારે તો ક્યાંક બીજે પ્રયત્ન કરી જોઉં.’ …રંજનાના ગયા પછી પણ વસુધા ચોખા ઝાટકવાનું ભૂલી બેસી રહી. પૈસાની બાબત પહેલાં કદી સૂઝી જ નહોતી. વ્યોમેશ ઘ૨ખર્ચ માટે પૈસા આપે છે, નાનીમોટી બાબતો માટે કચકચ નથી કરતો. આજ સુધી અચાનક આમ મોટી ૨કમ માગવાની પહેલાં જરૂ૨ પણ નથી પડી. પણ ધારો કે પોતે માગે — કહે કે, મારે પાંચસો રૂપિયા જોઈએ છે, પણ શા માટે, તે હું હમણાં કહી શકું તેમ નથી — તો શું તે પૈસા આપશે? વ્યોમેશ બહાર કામ કરે છે, હું ઘરનું કામ કરું છું, બન્નેનો સહયોગ ન હોય તો શું ઘર ચાલે કે? પણ વ્યોમેશ કામ કરે છે તેના તેને પૈસા મળે છે. પૈસા તે કમાય છે, તેથી તે વા૫૨વા અંગેનો નિર્ણય ક૨વાની સત્તા પણ તેની છે. મારા કામ માટે મને પૈસા મળતા નથી, તેથી મારે પૈસા ‘માગવા’ પડે છે. ઘરખર્ચ માટે મળેલા પૈસાનો હિસાબ આપવો પડે છે. કોઈ વાર ખર્ચ વધારે થયું હોય તો તરત કહેશે : આ વખતે કેમ તેલનો ડબ્બો આટલો જલદી ખલાસ થઈ ગયો? તરંગને વશ થઈ વ્યોમેશ મોટો ખર્ચ કોઈ વાર કરી નાખે તો ક્ષમ્ય ગણાય, પોતે એવું કરી શકે? પોતાને તો વ્યોમેશનો પગાર કેટલો છે, તે પણ ખબર નહોતી. ફૈબા કહેતાં : બહુ સારી નોકરી છે, એટલે એક-બે વાર કુતૂહલથી પૂછેલું. વ્યોમેશે કહેલું : તારે જાણીને શું કામ છે? ઘરખર્ચના પૈસા પોતાને આપ્યા પછી વ્યોમેશ પાસે ઘણા પૈસા બચતા હશે? ખબર નથી, તેને તે ક્યાં, કેમ રાખે છે, શામાં ખર્ચે છે અને કેટલું બેંકમાં મૂકે છે — કશી ખબર નથી. વ્યોમેશે કોઈને હિસાબ આપવાનો હોતો નથી. પોતે કદાચ એ વિશે આગ્રહથી પૂછે તો નારાજ થાય. મારી બાબતમાં માથું ન માર — એમ કહે. વ્યોમેશ જો ‘અમારા માટે’ જ કામ કરતો હોય અને ‘અમારા માટે’ કમાતો હોય, તો એની કમાણી ૫૨ અમારો થોડોકેય હક કેમ નથી? કદાચ તેનો મોટો પગાર નહિ હોય! કદાચ તેના મન પર તાણ હોય! પણ એ બધું સહિયારું ન બનાવી શકાય? પત્ની પાસે ખોટું ગૌરવ પહેરી રાખવાની શી જરૂર? તે બેઠી હતી ત્યાં જ શૂન્ય જેવી થઈને બેસી રહી. પશ્ચિમે ઢળેલા સૂર્યના પ્રકાશનો એક મોટો ટુકડો લંબાઈને બારણામાંથી ૨સોડામાં આવ્યો ને ચોખાના ઢગલા પર પથરાયો. વસુધાને સાવ એકલાં બેસી રહેવાનું, આ વિશે વિચાર કરવાનું મન થયું. થોડાક કલાક જો એવા મળે — જેમાં કશું જ કરવાનું ન હોય, ફૈબા ને દીપંકરની ચિંતા કરવાની ન હોય, વ્યોમેશ આવે એ પહેલાં ઝટપટ નાસ્તો બનાવી લેવાની ફિકર કરવાની ન હોય, રસોડું-ચૂલો-દાળ-રોટલીની સાંકડી, અતિ સાંકડી શેરીમાં ભીંસાઈ રહેવાનું ન હોય! સાવ ખાલી, સાવ મુક્ત એવો થોડોક સમય પણ પોતાને ક્યારેય ન મળે, જેમાં તે પોતાની સાથે થોડી પળો ગાળી શકે? આ બધું આમ શા માટે છે અને એમાંથી, ખુલ્લામાં જતી કોઈ કળી નીકળી શકે એમ છે કે નહિ તેનો વિચાર કરી શકે? ફૈબાએ બારણામાં આવીને જોયું, થોડી વાર જોયા કર્યું. પછી અવાજની ધાર સહેજ સજાવીને બોલ્યાં : ‘ક્યાં ધ્યાન છે તારું? બપોરથી ચોખા લઈને બેઠી છે, હજી પૂરા કર્યા નથી? હમણાં છોકરાઓ આવશે. વ્યોમેશને હવે બહુ વાર નથી. લો, આ કુમાર તો પધાર્યા પણ ખરા.’ તે બોલતાં હતાં ત્યાં દીપંકર દોડતો આવ્યો. માને વળગવા જતાં તેનો એક પગ ચોખાના ઢગલા પર પડ્યો અને તે લપસ્યો. વસુધાએ ગભરાઈને ફૈબા સામે જોયું. ફૈબાની નજરમાં એ જ સનાતન ઉપાલંભ, બોલ્યા વગર બધું જ કહી શકતી અને હૃદયને ઈજા પહોંચાડી શકતી દૃષ્ટિ! ‘આમ આવ, દીકરા’ કહી એક હાથે તેણે દીપંકરને પાસે લીધો અને બીજા હાથે વેરાયેલા ચોખા એકઠા કરવા લાગી. પોતાની જાતને તેણે પૂછ્યું : આજે તું ચૂપ રહે છે વસુધા, પણ હંમેશાં તું ચૂપ રહી શકીશ? વ્યોમેશ આવતાં સુધીમાં તેણે નક્કી કરી લીધું. પૈસા માટે કહેવું તો ખરું જ. એ નહિ આપે — તે પોતાનું અનુમાન હતું. પૂર્વ-અનુભવો પર આધારિત હતું. છતાં માણસનું મન કાંઈ ચેતનહીન, જડ વસ્તુ તો નથી. કદાચ આપે પણ. સારા ‘મૂડ’માં હોય તો તકલીફમાં આવી પડેલી એક વ્યક્તિ પ્રત્યે સમભાવ પણ. પોતે પહેલી વાર માગે છે, તો પોતાનું માન રાખે પણ. સાંજે વ્યોમેશને ભાવતાં છૂટી મગની દાળ, ભાત, કઢી બનાવ્યાં. પણ તેને ભાવતી વાનગી બનાવતાં હંમેશ જે આનંદ થતો તે આજે નહોતો. ઊલટાનું મનમાં ખરાબ લાગતું હતું. એને રાજી કરવાના મારી પાસે બે જ ઉપાય છે : એક સારું જમવાનું અને… મારી એક નાનકડી વાત એની પાસે રજૂ કરતાં પહેલાં મારે એના મનને પ્રસન્ન કરવું પડે છે. વાતનું વાજબી હોવાપણું પૂરતું નથી. વાતને મઢીને, વાતાવરણ સરખું સજાવીને મૂકવાથી એ સ્વીકૃત થવાની વધુ સંભાવના રહે છે. આમ ક૨વાથી પોતે ખૂબ નીચે ઊતરી જતી હોય એમ લાગ્યું, પણ બહેનપણી ખાતર એ કરવા તે તૈયાર થઈ. વ્યોમેશના આવવાની તે રાહ જોઈ રહી, પણ વ્યોમેશ મોડો આવ્યો. વસુધા રાહ જોતી હતી એટલે તેને વધુ મોડું લાગ્યું. છોકરાઓને જમાડીને તે વ્યોમેશની થાળી પીરસતી હતી ત્યાં હર્ષ આવ્યો : ‘મા, કાલે મારી પરીક્ષા છે, મને દાખલા શીખવીશ?’ જમવાનું જોઈને વ્યોમેશ રાજી થયો. વાહ, આજે તો સરસ રસોઈ છે ને શું? મોડું પણ થયું હતું અને ભાવતી વસ્તુઓ હતી. સહેજ વધારે જમાઈ ગયું. જમીને આરામખુરશીમાં લાંબો થઈ તે હંમેશની જેમ બાકી રહેલું છાપું વાંચવા અને પઝલ ઉકેલવા લાગ્યો. વસુધાએ એની સાથે વાત કરવા માટે આ સમય વિચારી રાખ્યો હતો, પણ તેને હર્ષને ગણિત શીખવવા બેસવું પડ્યું. મોડું થાય તો તે ઊંઘી જાય. અને કાલે તો પરીક્ષા છે. શીખવતાં શીખવતાં વ્યોમેશ તરફ જોયું. તેની આંખો મીંચાઈ જવા લાગી હતી. ‘અરે અરે, ઊંઘી નહિ જતા — ’ તેનાથી મોટેથી બોલાઈ ગયું. વ્યોમેશ જાગી ગયો : ‘કેમ?’ ‘મારે થોડીક વાત કરવી હતી.’ ‘કાલે કરે તો નહિ ચાલે? આજે હર્ષ પર ધ્યાન આપને!’ આટલું બધું ગોઠવી રાખવા છતાંયે શરૂઆત તો ખોટી જ થઈ. ઝડપથી વિચાર કરી તે બોલી : ‘એટલી બધી ઉતાવળ નથી. પણ આજે કહું તો સારું. હર્ષનું હવે પૂરું થવા જ આવ્યું છે.’ કહીને તેણે ઝટપટ હર્ષને શીખવવા માંડ્યું. પણ પંદર મિનિટ થઈ ગઈ. તે હર્ષને તેના રૂમમાં મોકલી વ્યોમેશ પાસે આવી ત્યારે વ્યોમેશની આંખો બંધ હતી. જાગે છે કે નહિ, તેની સમજ પડી નહિ. આમ પણ ખુરશીમાં ઊંઘી ગયો છે એટલે ઉઠાડવો તો પડશે. રૂમમાં જઈને પથારી કરી પછી બહાર આવી વ્યોમેશના ખભા પર હળવો સ્પર્શ કર્યો. વ્યોમેશે આંખ ઉઘાડી. વસુધાને જોઈને જરાક મુખ મલકાવ્યું. એ સ્મિતથી હવામાં વળી જરા ઉજાસ આવ્યો. અંદર જતાં જતાં તે બોલ્યો : ‘હર્ષને બરોબર લેસન કરાવી લીધું?’ વસુધાએ હકારમાં માથું હલાવ્યું અને આશા રાખી રહી કે હમણાં પૂછશે : તો તારે શી વાત કહેવી હતી? પણ વ્યોમેશે કાંઈ પૂછ્યું નહિ. રૂમમાં આવીને તે પથારીમાં લાંબો થઈને પડ્યો. પેલી કલ્પેલી ક્ષણો તો ક્યારનીયે સરકી ગઈ હતી. આમ છતાં થોડો વખત હતો. પૂછવું હોય તો અત્યારે જ પૂછી લેવું જોઈએ. વસુધાને ઝટપટ બીજી-ત્રીજી વાત કર્યા વગર બોલી નાખ્યું : ‘સાંભળો છો? તમારી પાસે પાંચસોએક રૂપિયા હશે? હોય તો મને જોઈએ છે.’ ‘પાંચસો રૂપિયા? તને જોઈએ છે?’ વ્યોમેશના અવાજમાં નર્યું આશ્ચર્ય ઊભરાયું. ‘એટલા બધા પૈસા તારે શું કરવા છે? ઘરખર્ચના તો હજી હમણાં જ આપ્યા હતા.’ ‘મારી એક બહેનપણી બહુ મુશ્કેલીમાં છે, તેને આપવા છે.’ ‘કઈ બહેનપણી? શી મુશ્કેલી છે?’ વ્યોમેશનો અવાજ ધીમો અને પ્રમાણમાં સૌમ્ય હતો. એ અવાજથી વસુધામાં સહેજ હિંમત આવી. બોલી : ‘નામ ન કહું તો ન ચાલે?’ ‘એટલે?’ અત્યાર સુધી વ્યોમેશ સૂતાં સૂતાં જ વાત કરતો હતો, તે બેઠો થયો. ‘એવી કોણ તારી બહેનપણી છે કે એનું નામ જણાવ્યા વગર, મારાથી ખાનગી તારે એને પૈસા આપવા છે?’ વાતને સાવ આડી કેડી પર ફંટાતી જોઈ વસુધા નિરાશ થઈ ગઈ. છતાં કોશિશ કરીને બોલી : ‘તમારાથી ખાનગી તો કોઈ બાબત નથી. પણ પોતાની દુર્દશાની વાત પ્રગટ કરતાં માણસને ક્ષોભ-સંકોચ થાય…’ ‘એક તો પૈસા માગવા ને પાછું નામ સંતાડવું…’ વ્યોમેશના બોલવામાં તિરસ્કારની છાંટ હતી. ‘આ ઠીક મૂરખ બનાવવાના ધંધા છે.’ ‘એમ નથી, એમ નથી…’ વસુધા પીડાઈને બોલી. ‘ઠીક, નામ કહું તો પૈસા આપશો?’ ‘પૈસા કાંઈ એમ ઝાડ ઉપર ઊગતા નથી. આખો દિવસ મહેનત કરી પરસેવો પાડું છું ત્યારે પૈસા મળે છે. એ કાંઈ મફતમાં આવતા નથી કે તારા કહેવાથી જેને-તેને આપી દેવાય.’ બુઠ્ઠા ખરબચડા આ શબ્દો સાંભળી વસુધાનું હૃદય વળ ખાઈ ગયું. મારે કાંઈ કહેવું હોય તો કેટલી પૂર્વતૈયારી કરવી પડે છે! અને એ તો ગમે તેવી કઠોર વાત ફટ દઈને કહી નાખે છે. એ નારાજ થાય એવી નાનીસરખી વાત કહેવાની હું હિંમત કરી શકતી નથી અને એમને તો મને નારાજ કરવામાં સહેજે વાંધો આવતો નથી. હવે કાંઈ બોલવાનો અર્થ નહોતો, છતાં છેલ્લો પ્રયત્ન કરી જોયો. ‘પાંચસો રૂપિયા કાંઈ બહુ મોટી ૨કમ તો નથી. અને સાવ આપી જ દેવાના છે તેવું થોડું છે? સગવડ થયે એ તરત પાછા આપી દેશે. મને વિશ્વાસ છે.’ ‘તને વિશ્વાસ છે… એમ? તારામાં બહુ પાછી અક્કલ ખરી ને! કોઈ દિવસ કમાઈ જોયા છે પૈસા? બોલી દીધું — બહેનપણીને પૈસા આપવા છે! કેમ જાણે પૈસા રસ્તામાં પડ્યા હોય. એ પાછા ન આપી શકે તો તું ક્યાંથી લાવી આપવાની છે? બૈરાની બુદ્ધિ પગની પાનીએ — કહ્યું છે તે કાંઈ અમથું નથી કહ્યું.’ ‘પણ મુશ્કેલીમાં કોઈને મદદ કરવી એ ફરજ નથી?’ ‘ફરજ શું ને શું નહિ તે મને સમજાવવાની જરૂ૨ નથી. તમારે બૈરાંને ઠીક, ઘરમાં બેઠાં બેઠાં ખાવું છે અને પછી આવા ઉધામા કરવા છે. ચાલ હવે, મૂક માથાકૂટ. મારા પૈસા એમ વેડફી દેવા માટે નથી.’ વ્યોમેશે પડખું ફેરવી દીધું. તે ને તે જ ઘડીએ વાસંતીને ત્યાં દોડી જવાનું વસુધાને મન થયું. વાસંતી, આ જો, આ કેવડો મોટો અન્યાય છે! એમ કહેવાય છે કે, બન્નેની મહેનતથી ઘરસંસાર ચાલે છે; પણ એની પાસે હજારો રૂપિયા છે, અને મને મારે માટે પાંચસો રૂપિયા પણ મળી શકતા નથી. એ બધા પૈસાનો શી રીતે વહીવટ કરે છે એ વિશે મને કશી જાણ નથી, પણ હું કોઈને ક્ષોભ-શરમમાંથી બચાવવા તેનું નામ ન જણાવું તો તેનો અવળો અર્થ કરવામાં આવે છે, ‘બૈરાં’ કહીને આખી સ્ત્રીજાતિને ઉતારી પાડવામાં આવે છે. વાસંતી, મને સમજાવ, એક માણસના હાથમાં બધા જ અધિકાર અને એની જોડાજોડ જીવતી બીજી વ્યક્તિમાં બધાં જ હલનચલન પર નિષેધનો ભાર — આવું શા માટે? તેને સુમિત્રા યાદ આવી. મારા મિત્રોને હું મુશ્કેલીમાં થોડીક પણ મદદ ન કરી શકતી હોઉં તો મારામાં મારાપણું જેવું કોઈ તત્ત્વ છે એમ કહેવાય ખરું? વાસંતી, મને કહે, મારું પોતાપણું ખોઈ દઈને હું જે પામી છું તેનું નામ શું છે? તેનું મૂલ્ય ક્યાં છે? પણ રાતના આ સમયે તે વાસંતીને ત્યાં જઈ શકે તેમ નહોતી. ટૂંટિયું વાળી તે પથારીને છેડે પડી રહી. ગમે તેમ કરીને હું પૈસા એકઠા કરીને રંજનાને મદદ કરીશ — તેણે મક્કમતાથી હોઠ ભીડ્યા. તેની ને વ્યોમેશની વચ્ચે ઠીક ઠીક અંતર હતું તોયે તે વધુ દૂર ખસી અને દૃઢ નિર્ણય કર્યાના સંતોષથી તેણે આંખો મીંચી.