સાત પગલાં આકાશમાં/૧૭


૧૭

સ્ત્રીઓના જીવન વિશે મેં ઘણાં વરસોથી વિચાર કર્યો છે, માહિતી અને કિસ્સાઓની નોંધ રાખી છે. આજે બધું કાઢીને જોઉં છું. બધે આ જ વાતો છે. સ્ત્રીએ વિવિધ રીતે સહન જ કર્યું છે, ખબર ન પડે એમ સહન કર્યું છે. ક્યાંક તે જો૨દા૨ છે અને ઘરમાં તેનું જ ચાલે છે, પણ સામાજિક માનપ્રતિષ્ઠામાં, રિવાજો અને પ્રથાઓમાં તે પતિની પાછળ છે. ક્યાંક સ્ત્રીએ પોતાના કુટુંબમાં સુખશાંતિસંવાદ સ્થાપ્યાં છે, પોતાને નામશેષ કરી દઈને. ક્યાંક તેણે આખા ઘરના તાણાવાણા વીંખી નાખ્યા છે, પોતાના સ્વાર્થ અને ક્ષુદ્ર સ્વભાવને લઈને. પણ સ્ત્રીના વ્યક્તિત્વનો સમાન સ્વીકાર થયો હોય એવું ઘર મેં જોયું નથી. વાર્તાઓમાં આવે છે : રાજકુમારનાં રાજકુમારી સાથે લગ્ન થયાં ને પછી તેમણે ખાધુંપીધું ને મજા કરી. પણ પરણ્યા પછીની રાજકુમારીની કથા કોણે લખી છે? વાસંતી રાજકુમારી જેવી સુંદર હતી. તેને પ્રેમના સૂર વડે સતીશ સાથેના જીવનનું સુખ ગૂંથવું હતું અને ભોળી વસુધા માનતી હતી કે વાસંતી જેવી સુખી સ્ત્રી દુનિયામાં બીજી નહિ હોય. પણ હવાથી પડદો જરાક ઊડ્યો અને તેણે જોયું અને તે અવાક થઈ ગઈ. ક્યાં હતું તેણે કલ્પેલું પ્રેમનું ઐશ્વર્ય? ક્યાં હતું એનું બે કાંઠા છલકાવીને વહેતું, હું-તુંના ભેદ ઓગાળી નાખતું મહાસુંદર પૂર? મનુષ્ય-મનુષ્ય વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચે એવો સંબંધ શક્ય છે ખરો, જેનો આધાર પૃથ્વી હોય અને જેનો વિસ્તાર આકાશમાં હોય? આકાશની સઘળી હળવાશ અને મોકળાશ, તેના સૂર્ય, ચંદ્ર, તારકોની શોભા, વાદળાંની મૃદુતા અને રંગોનું વૈવિધ્ય જેમાં ઊતરી આવ્યું હોય અને સાથે જેમાં પૃથ્વીની દૃઢતા અને સ્થાયિત્વ અને એકબીજામાંથી અનેક શાખામાં પાંગરવાની શક્યતા હોય — એવો સંબંધ માનવસમાજમાં સંભવિત છે ખરો? સ્વરૂપને મેં આ વિશે પૂછેલું. સ્વરૂપ વિશે મારે થોડીક વધુ વાત કહેવી જોઈએ, કારણ કે અમારી વસાહતનો તે પ્રાણ છે. જોકે તે પોતે ક્યારેય વર્તુળના કેન્દ્રમાં રહેવાનો પ્રયત્ન કરતો નથી. ડોન જુઆને એકવાર કહેલું કે પ્રાજ્ઞપુરુષ તે છે, જે ગોપનભાવે જીવે છે. સ્વરૂપ એવો છે. તે લગભગ અદૃશ્ય હોય, તેમ તેની હાજરીનો કોઈના પર ભાર પડવા દેતો નથી. તે મૃદુ, શાંત, હળવો અને સહજ માણસ છે. તેની આસપાસ મુક્તિની હવા વહી રહેલી હોય છે અને તેની સાથે હોઈએ ત્યારે સારા થવાનું, હૃદયમાં ઉદારતા અને ઉમદા ભાવોનો અનુભવ કરવાનું અનાયાસ બને છે. મેં તમને આ પહેલાં કહ્યું છે કે સ્વરૂપ કૃષિ-વૈજ્ઞાનિક છે? પહેલાં તે એક મોટી સ૨કા૨ી કૃષિ-સંશોધન સંસ્થામાં કામ કરતો હતો. પણ ત્યાંની ખટપટો, ભ્રષ્ટાચાર અને મૂળ વસ્તુ કરતાં બીજી જ બાબતોને પ્રાધાન્ય આપતી નીતિઓ વચ્ચે રહીને કામ કરવાનું તેને ફાવ્યું નહિ. તેનો હોદ્દો ને નામ મોટાં હતાં, પણ તે પોતાની પ્રતિષ્ઠા ને કીર્તિથી અળગો રહેનારો માણસ છે. બહુ જ સહેલાઈથી તે એ પદ, એ મોટો પગાર છોડીને અહીં આવીને રહી શક્યો છે. એક સાધારણ ખેત-મજૂરની જેમ તે જમીન ખેડે છે, ઘાસ વાઢે છે, ક્યારાઓને પાણી પાય છે અને આવડો મોટો નિર્ણય કરતાં પહેલાં તેણે લગાર પણ ખચકાટ કે ભાર અનુભવ્યાં નહોતાં. માથે ઓઢેલી ટોપીને ઉતારીને બાજુ પર મૂકતો હોય એમ એણે એ રોનકભરી કારકિર્દી છોડી દીધી હતી. તેનામાં કોઈ જબરદસ્તી, હોઠ ભીડીને કરેલા નિર્ણયો કે નિશ્ચયનું વજન જ નથી. તે તો અવાજ કર્યા વિના વહેતા પાણીના રેલા જેવો છે. નોકરી છોડી તે દિવસે તે બહુ ખુશ થઈને ઘેર આવ્યો હતો. બારણામાંથી જ બૂમ મારેલી : ‘ઈશા, જો તો, હું તારે માટે એક સરપ્રાઇઝ લાવ્યો છું.’ મને એમ કે કોઈ નવું ફૂલ હશે, જે મેં આજ સુધી જોયું ન હોય. અને તેણે રાજીનામું આપ્યાની વાત કરી. એક ક્ષણ હું સ્તબ્ધ થઈ ગઈ. હવે કેમ કરીને ઘર ચલાવીશું? તે હસીને બોલ્યો : ‘કેમ તારાં લખાણોમાંથી થોડાક પૈસા મળશે ને? બાકી ખૂટશે એટલું આપણા બાંધવો આપશે.’ આ બાંધવો એટલે ઝાડ, છોડ, આખી વનસ્પતિસૃષ્ટિ. સ્વરૂપ વૃક્ષજગતને ચાહે છે, એટલું કહેવું પૂરતું નથી. તેને મન એ અતિશય જીવંત, પ્રકાશિત સૃષ્ટિ છે અને એ સૃષ્ટિના આંતરજગતમાં તેનો પ્રવેશ થયેલો છે. કોઈક રહસ્યમય રીતે તેણે એની સાથે સંવાદ સાધ્યો છે. તેનું કહેવું છે કે તેને વનસ્પતિના દેવતાઓ તરફથી સંદેશા મળે છે. અને ખરેખર, સાધારણ રીતે જે વસ્તુ જ્યાં ન ઊગી શકે ત્યાં એ વસ્તુ તે ઉગાડી શકતો. એના છોડવા ખૂબ તાજા, લીલા ને તંદુરસ્ત લાગતા. ફૂલો ને ફળો બીજે બધે હોય તેના કરતાં વધુ મોટાં, વધુ ચમકતાં, વધુ રસાળ રહેતાં. એટલે તો લોકો અમારો બાગ જોવા ઘણી વાર આવતાં, અમારાં ફળ ખરીદવા દૂરથી આવવાનો શ્રમ લેતાં. અમારી આખી વસાહતમાં પ્રેમ, શાંતિ અને સુંદરતાની જે મૃદુ લહરીઓ વહ્યા કરે છે તેનું ઘણુંખરું શ્રેય સ્વરૂપને ભાગે જાય છે. પારિજાત, રાતરાણી, ગંધરાજ, જૂઈ, ચમેલી, નેવરી-પરિચિત-અપરિચિત કેટલી સુગંધો અહીંની હવામાં તર્યા કરે છે. ગુલછડી અને સ્પાઇડર લીલી, મોગરો અને ડેઇઝીનાં સફેદ ફૂલો, પીળાં લેન્ટાના અને પીળાં મેરીગોલ્ડ સાથે પવનમાં હળવાંહળવાં નાચી ૨હે છે. જાંબલી-ગુલાબી એસ્ટ૨, રંગોનો ખજાનો તેમના પર ઢોળાઈ ગયો હોય એવાં ગુલાબ ને ક્રિસેન્થેમમ, ઊતરતા ઉનાળે ખીલતાં કેમેલિયા, પાતળી પાંખડીવાળાં જરબેરા અને પતંગિયાની ભાતવાળાં પેન્ઝી — ઘણાંના તો હું નામ પણ ભૂલી જાઉં છું — આ બધાં ફૂલો અમને આવી હળવી રીતે, અનેક રંગ સુગંધમાં ઊઘડવાનો સંકેત આપે છે. અમારી આ વસાહતમાં ઊંચાનીચા કામના કે સ્ત્રીપુરુષના ભેદભાવ નથી. સામૂહિક રસોડામાં બધાં વારાફરતી રસોઈ કરે છે. માત્ર સ્વરૂપનો વારો હોય ત્યારે બીજાઓ પણ રસોડામાં અનાયાસ આવીને ઊભાં રહે છે, કારણ કે સ્વરૂપની વાતો સાંભળવાનું અમને સૌને આકર્ષણ છે. નાનામાં નાની વાત પણ તેના મુખેથી આવે ત્યારે હાસ્યનો કે પછી ઊંડા અર્થનો સ્પર્શ પામેલી હોય છે. તે દિવસે એ દૂધીના માંડવા પાસે બીથોવનની સિમ્ફનીની રેકર્ડ વગાડી રહ્યો હતો. હમણાંથી તે એક પ્રયોગ કરે છે. કેટલાક ક્યારાઓને તે ભારતનું શાસ્ત્રીય સંગીત પિવડાવે છે, કેટલાકને પશ્ચિમનું. તેને જોવું છે કે છોડના ઊગવા પર એથી કોઈ ફરક પડે છે કે નહિ. તેના કામમાં તે એટલો તલ્લીન હતો કે હું તેની પાસે જઈને ઊભી રહી તેની થોડી વાર સુધી તો તેને ખબર પણ પડી નહિ. મેં એના ખભા પર હળવેથી હાથ મૂક્યો. તે ચોંકી ગયો. પછી સામે જોઈ એ પ્રેમભર્યું હસ્યો. મેં કહ્યું : ‘તને વિક્ષેપ કર્યો, નહિ? પણ એક સારા સમાચાર આપવા આવી છું.’ ‘શું?’ ‘થોડા ભલા લોકોને ખુશ કરવાનું વિચારું છું.’ ‘કોણ ભલા લોકો?’ ‘વિવેચકો.’ સ્વરૂપને સમજ પડી નહિ. માટી, જળ, વાયુ, પ્રકાશની સૃષ્ટિમાંથી ટીકા, નિંદા, ઈર્ષ્યાની દુનિયામાં તેને જરા વાર લાગી. ‘હું સમજ્યો નહિ.’ તેણે કહ્યું. ‘એક નવલકથા લખવાનું મન થાય છે. એની વિવેચના કરીને, એને છિન્નભિન્ન કરીને વિવેચકો કેટલા રાજી થશે એનો વિચાર કરું છું.’ સ્વરૂપના મોં પર સમજની દીપ્તિ આવી. ‘અચ્છા, એમ નવલકથા લખવા ધારે છે? વાહ! બહુ સરસ. જરૂ૨ લખ. વિશ યૂ ધ બેસ્ટ લક.’ ‘હું એમાં લાંબા કલાકો રોકાઈ રહું, તો તને કાંઈ તકલીફ નહિ પડે ને?’ ‘વાહ, મને એમાં શી તકલીફ પડવાની હતી? ઊલટાનું, મારા છોડવા હમણાં વરસાદનું પાણી પી-પીને મસ્તીમાં આવી ગયા છે, એટલે થોડા દિવસ એમને બદલે તારી સેવામાં આનંદથી રહી શકાશે. કહે, તને શી શી સગવડ કરી આપું?’ ‘પહેલી તકલીફ તો એ કે, મારે એ વાંચવી પડશે.’ ‘અરે, પાનેપાનું વાંચીશ. શબ્દેશબ્દ લખાય તેની આતુરતાથી રાહ જોઈશ. આઈ વિલ બી ધ ફર્સ્ટ રીડર ઑફ ધ બેસ્ટ ઈન ધ હૉલ વર્લ્ડ.’ તે હસ્યો. પછી કહે : ‘ના, ખરું કહું છું. તું લખવા બેસી જ જા. હું તારા ટેબલ પર અગરબત્તી સળગાવીને મૂકી જઈશ. જોઈએ તો, જોર્જ સિમેનોનની જેમ નવલકથા પૂરી ન થાય ત્યાં સુધી બહાર જ ન નીકળતી. હું તને અંદર ચા ને જમવાનું આપી જઈશ. કોઈ તને ખલેલ ન પહોંચાડે તેનું ધ્યાન રાખીશ. કહે તો બારણે પ્લેબોર્ડ લઈને બેસું કે : કામ ચાલુ છે, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ.’ હું હસી પડી, પણ મારું હૃદય ભીનું થઈ ગયું. સ્વરૂપ સારો માણસ છે એટલું કહેવાથી કંઈ વળે નહિ. એ એટલાં બધાં બંધનોમાંથી મુક્ત થયેલો છે! એટલે તો એની સાથે રહેનારા લોકોને એ મુક્ત રહેવા દઈ શકે છે! એણે કામ પડતું મૂક્યું અને અમે બન્ને, નજીકમાં અમે પથ્થરની એક સરસ ઘટાળી બેઠક બનાવી હતી તે તરફ ગયાં. છ ખૂણાવાળી એ બેઠક ફરતી અમે સ્નો-ક્વીન — સફેદ બોગનવેલ ઉગાડી હતી. ઑક્ટોબરની હવામાં ઠંડીનો પ્રથમ અણસાર આવે કે બેઠક પરનો એનો માંડવો સફેદ ફૂલોના ભભકાભર્યા હિમમુકુટથી ગજબની શોભા ધારણ કરતો. ‘શાના વિશે લખવા ધારે છે?’ ચાલતાં ચાલતાં તેણે પૂછ્યું. ‘વસુધાની વાત, એટલે કે સ્ત્રીઓની વાત લખવાનું મન થાય છે. પણ તું શું કહે છે? લોકો એ સ્વીકારશે? ખાસ કરીને પુરુષો — એમને એ સ્વીકાર્ય બનશે?’ સ્વરૂપ હસ્યો : ‘હું પુરુષ છું. મને એમાં ન સ્વીકારવા જેવું કાંઈ લાગતું નથી.’ ‘તું તો ભાઈ, જેની ઘણી બધી ગ્રંથિઓ છૂટી ગઈ છે એવો માણસ છે. તારી તો વાત જ જુદી છે. પણ હું સાધારણ જનસમાજની વાત કરું છું. એ લોકોને આ પસંદ પડશે? પુરુષોને એમ નહિ લાગે કે અમે કમાઈએ છીએ, સ્ત્રીઓ ઘર ચલાવે છે, બધું સરખું ચાલે છે, એમાં આ પથ્થર નાખવાની શી જરૂર છે?’ ‘ટ્રેડ યુનિયનની હિલચાલ શરૂ થઈ ત્યારે ઉદ્યોગોના માલિકોને એમ જ થયું હશે કે મજૂરો કામ કરે છે, અમે તેમને પગાર આપીએ છીએ, બધું શાંત સરખું ચાલે છે, ત્યાં મજૂરોના હકોની, સંચાલનનાં ભાગીદારીની નવી વાત શરૂ કરી મજૂર-માલિકના સંબંધો ડહોળી નાખવાની શી જરૂર છે?’ કોઈક પાછળથી બોલ્યું. અમે ડોક ફેરવી. વિનોદ હતો. સાથે એના પણ હતી. ‘સવાલ એમ છે કે ખરેખર બધું સરખું ચાલતું હોય છે ખરું? ઉપરથી શાંત-સારું દેખાતું હોય તે અંદરથી પણ તેવું હોય છે ખરું?’ એનાએ કહ્યું. ‘અને સ્ત્રીઓનું શું? તેમને વસુધાની આ વાત વાંચવી ગમશે?’ મેં પૂછ્યું. ‘જેમને એના જીવનમાં પોતાના જીવનનું પ્રતિબિંબ પડતું દેખાશે, એમને એ ખૂબ સ્પર્શી જશે. પણ એવી સ્ત્રીઓ હશે જ, જેમને પોતાનું જે છે તેમાં બહુ સલામતી અને નિશ્ચિતતા અનુભવાતી હશે. તેમને થશે — આ બધી શી માથાકૂટ? પોતાનાં લોકોને તો ચાહવાનાં હોય. એમાં સ્વતંત્રતા ને અધિકાર ને એવી બધી બાબતો વચ્ચે લાવવાની કંઈ જરૂર નથી. એવી સ્ત્રીઓને લાગશે કે એક સ્થિર સુચારુ વ્યવસ્થા છે, તેમાં ઊથલપાથલ શા માટે કરવી?’ ‘એ સ્થિરતા અને સલામતીમાં જેઓ સ્વર્ગ માને છે, તેમનું સ્વર્ગ તૂટી પડે ત્યારે ક્યાં જાય છે એ ચાહના? ક્યાં જાય છે એ સુચારુ વ્યવસ્થા?’ એક તીક્ષ્ણ અવાજ આવ્યો. મિત્રા ક્યારની અમારી પાછળ આવીને ઊભી રહી હતી તેની, આંબાની આડશમાંથી તે બહાર આવી ત્યારે ખબર પડી. ખલાસ! મિત્રા આવી એટલે હવે જોરદાર ચર્ચા જામવાની ખરેખર તો આ અમારા બધાનો કામનો સમય હતો. પણ અમે બધાં એટલું દિલ દઈને કામ કરીએ છીએ કે ઘડિયાળનાં બંધનોને ચુસ્તપણે વળગવાની અમને જરૂ૨ પડતી નથી. પણ મને બીક લાગી કે આજે રસોઈની વાત ક્યાંક ઊડી ન જાય. આજે કોનો વારો હતો રસોઈનો? હિમરાણીના માંડવા નીચે અમે બધાં આરામથી ગોઠવાયાં. સ્વરૂપ એની આદત મુજબ સૌની પાછળ બેઠો. ‘અરે વાહ, આજે તો સમુદ્રમાંથી મંથન કર્યા વગર અમૃત મળશે એમ લાગે છે!’ મિત્રા બોલી પડી. સામેથી અલોપા આવી રહી હતી. સાથે એનાનો પુત્ર અગ્નિવેશ હતો. તેના હાથમાં નાનકડો કુંભ હતો. અલોપાના હાથમાં પ્યાલા હતા. ‘આજે રસોઈનો કાંઈ મારો વારો નથી, પણ તમને લોકોને બધાંને આમ સાથે આનંદથી બેઠેલાં જોયાં એટલે એ આનંદને વધુ રસાળ બનાવવાનું મન થયું.’ તેણે કુંભમાંથી ગાજરનો રસ બધાંને પ્યાલી ભરીને આપ્યો. સફેદ ફૂલથી ઢંકાયેલા માંડવા તળે, પ્રિય મિત્રોના સાન્નિધ્યમાં, ‘પછીની કશી ચિંતા વિના, આરામથી બેસીને રસ પીતાં ઉંમર ખય્યામની યાદ આવી ગઈ. કેટલીક વાર સાવ સાદી બાબતો કેટલી સુખભરેલી હોય છે! હવે શું કરીશું આપણે? ગાઈશું?’ મેં પૂછ્યું. ‘હવે કામ તો નથી જ કરવું.’ એનાએ કહ્યું. ‘આજે મઝા કરીએ.’ ‘લો હવે થઈ રહી મઝા…’ મિત્રા નારાજીથી કોઈને જોઈને બોલી. સુશીલા આવી હતી — મિત્રાની માસીની દીકરી. એ અમારી વસાહતની સભ્ય નહોતી. અમારા કામમાં તેને રસ પણ નહોતો. પણ તે મિત્રાએ બનાવેલા ગાલીચા અહીંથી ખરીદીને વેચતી. સ્થૂળ શરીર, ગોરું ગોળ મોં અને અકાળે સફેદ થઈ ગયેલા એટલે રંગેલા વાળવાળી એ સ્ત્રી પોતાને દુઃખ ન હોય ત્યારે દુનિયામાં ક્યાંય દુઃખ નથી એમ માનતી, એથી મિત્રાને તેના તરફ જરા ચીડ હતી. કેમ, બધાં ભેગાં મળીને શી ચર્ચા કરો છો?’ તેણે તલાશી લેતી હોય એવા અવાજે પૂછ્યું. મિત્રાને સહેજ ગુસ્સો આવ્યો. તેણે તેને છંછેડવાના હેતુથી જ કહ્યું : ‘સ્ત્રીઓના અધિકાર વિશે ચર્ચા કરીએ છીએ.’ સુશીલાના સ્ત્રીઓ વિશેના ખ્યાલ લગભગ પરંપરાગત હતા. નાકનું ટીંચકું ચડાવીને તે બોલી : ‘એ જ પાછી તમારી વીમેન્સ લિબની, વખત બગાડવાની વાતો. મને તો સમજાતું જ નથી કે સ્ત્રીઓને શું જોઈએ છે. છે. પુરુષ બહાર કામ કરે છે, કમાય છે, તે પણ ઘણું કષ્ટ વેઠે જ છે. સ્ત્રી ઘરનું કામ કરે, સારી માતા બને, સારું આતિથ્ય કરે, ઘ૨ સંભાળે — તેમાં ખોટું શું છે?’ ‘પુરુષ કમાય છે, તેને કમાવાનો ગર્વ હોય છે. તેનું કામ ઊંચું ગણાય છે. ઘરનું કામ હલકું ગણાય છે. પુરુષને ઘરમાં ઝાડુ મારવાનું કે લોટ ચાળવાનું કહો જોઈએ!’ મિત્રાએ કહ્યું. ‘અને ધારો કે કોઈ સ્ત્રીને ઘરકામ ન કરવું હોય, માતા ન થવું હોય તો? તેને વેપાર કરવો હોય તો? રાજકીય નેતા, કલાકાર, લેખક થવું હોય તો?’ મેં કહ્યું. ‘તો થાય ને! કોણ ના પાડે છે? ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન છે જ ને?’ ‘અને એનામાં એના પતિ કરતાં વધારે બુદ્ધિ, વધારે કાર્યશક્તિ, વધારે પ્રતિભા હોય તો?’ હવે એના પણ ચર્ચામાં જોડાઈ. ‘પછી તે ઘરકામ નહિ કરે તો ચાલશે?’ ‘તેનો પતિ કહેશે કે ભલે, તું વધારે કમાઈ શકે તેમ છે તો તું વેપાર કર, ઘર-છોકરાં હું સંભાળીશ? તે વિવેચનાના ગ્રંથો લખશે તો પતિ ભામતીની જેમ બત્તી ધરીને પાસે ઊભો રહેશે? એને રાંધીને ખવડાવશે? સાધારણ પુરુષ ના પાડશે. જરાક સારો હશે તો કહેશે, તને જોઈએ તે કર, પણ ઘરનું કામ કર્યા પછી, વધ્યાઘટ્યા સમયમાં કર. સ્ત્રી ગમે તેટલી સમર્થ, પ્રતિભાસંપન્ન, મેધાવી હોય તો પણ ઘરનું કામ તો સ્ત્રીએ જ કરવાનું. તેવું શા માટે, ભાઈ?’ મિત્રાએ શરૂઆત સુશીલાને ચીડવવા કરી હતી, પણ હવે તે પોતાના રંગમાં આવી. ‘એટલી બધી પ્રતિભા હોય ને એવું બધું કામ કરવું હોય તો ન પરણે.’ ‘અબ્રાહમ લિંકન અને આઇન્સ્ટાઈનને તો કોઈએ નહોતું કહ્યું કે આટલી મહત્ત્વાકાંક્ષા હોય તો ન પરણવું! ઊલટાનું પુરુષ ધૂની, કલાકાર કે મહત્ત્વાકાંક્ષી હોય તો તેને ખાસ પરણવાનું કહેવાય છે — તેને સાચવનાર કોઈક સ્ત્રી હોવી જોઈએ! તો કેમ પતિઓને જ સાચવવાના હોય છે? પ્રતિભાશાળી સ્ત્રી હોય તો તેણે પત્ની ન થવું અને પત્ની હોય તો તેણે પ્રતિભાને પાંગરવા ન દેવી એવો કોઈ અગિયારમો કમાન્ડમેન્ટ છે?’ મિત્રા બોલી. ‘પણ…’ અને તું ઇન્દિરા ગાંધીનું નામ આપે છે. દુનિયામાં કેટલા દેશો છે? એમાંથી કેટલાના ઉચ્ચતમ પદે સ્ત્રી છે? સ્ત્રીઓની સંખ્યા તો અડધોઅડધ છે. તો પછી પ૦ ટકા સ્થાને સ્ત્રી કેમ નથી?’ — અલોપા. ભારતમાં તો સ્ત્રીઓની સંખ્યા ૫૦ ટકાથી જરા ઓછી છે. તો લગ્ન માટે છોકરીઓને જ વધારે મુશ્કેલી કેમ છે? માંગ અને પુરવઠાનો નિયમ ત્યાં કેમ લાગુ નથી પડતો? શા માટે પુરુષની કારકિર્દીમાં હજાર પ્રકારનું વૈવિધ્ય હોય છે અને સ્ત્રીને કપાળે એ જ રસોઈ, એ જ ઘરકામ? શા માટે પુરુષ માટે આખી દુનિયા હોય છે અને સ્ત્રી માટે માત્ર પતિ ને બાળકો ને ઘર જ હોય છે? શા માટે ઘરમાં હંમેશા પુરુષ જ અધિપતિ હોય છે?’ એનાના અવાજને સજાવેલી ધાર હતી. ‘એ બધા તમારા વાયવી ખ્યાલો છે. સ્ત્રીઓ પણ જોરદાર હોય છે. ઘણાં ઘરોમાં તો સ્ત્રીઓનું જ ચાલતું હોય છે.’ સુશીલાનો અવાજ હવે પોલો બનવા લાગ્યો હતો. ‘પતિ કે સાસરિયાંના ત્રાસથી ભાગી છૂટેલી સ્ત્રીઓ માટે વિકાસગૃહ કે નારી-નિકેતન કે બાપનું ઘર જેવી સંસ્થાઓ છે : પુરુષ માટે એવી સંસ્થા ક્યાંય જોઈ છે?’ — મિત્રા. ‘સ્ત્રી બહાર કામ કરતી હોય, પુરુષના જેટલું જ કામ કરતી હોય, તોપણ તે હંમેશા ગરમ રોટલી પતિને જમાડતી હોય છે. તેં કોઈ પુરુષ જોયો, જે સ્ત્રીને કહે — તું જમવા બેસ, હું તને પીરસું છું?’ — એના. પુરુષ નહાવા જતાં કહેશે : ‘ક્યાં છે મારાં કપડાં? બાથરૂમમાં મારાં કપડાં મૂક્યાં? સ્ત્રી કદી કહે છે એને કે મારાં કપડાં બાથરૂમમાં મૂકજે?’ — મિત્રા. ‘એ કદી એની સાડીની ગડી વાળી આપે છે? એના માટે વ્રત કરે છે? પત્નીનો ધર્મ જુદો હોય તો, પતિ તેનો ધર્મ સ્વીકારે છે? વણિક પુરુષ બ્રાહ્મણ સ્ત્રીને પરણે તો બાળકો વિણક ગણાય છે કે બ્રાહ્મણ?’ — અલોપા. ‘ઊભાં રહો, એમ બધાં મારા પર તૂટી ન પડો.’ સુશીલાએ અવાજમાં જરા જોર પૂર્યું. ‘સ્ત્રી હંમેશા પોતાના અલગ વ્યક્તિત્વનો ત્યાગ કરતી આવી છે. એ ત્યાગમાં જ તેની મહાનતા છે. મહાનતાને કારણે જ ઈંટચૂનાની દીવાલોવાળું મકાન હૂંફ અને ઉષ્મા આપતું ઘર બને છે, પુરુષ સ્ત્રીનું રક્ષણ કરે છે, સ્ત્રી પુરુષને આધાર આપે છે. સ્ત્રીનું સ્થાન કાંઈ ઊતરતું નથી.’ ‘તને ખબર છે સુશીલા, કે સ્ત્રી આખી જિંદગી ઘરકામમાં ઘસી નાખે એ કામનું કાંઈ જ મૂલ્ય અંકાતું નથી? એક કામવાળી ઘરકામ કરે તો તેને પગાર આપવો પડે તે નૅશનલ ઇન્કમ કહેવાય. પણ પુરુષ એ કામવાળીને પરણી જાય તો પગાર ન આપવો પડે. કામ એનું એ જ કરે, પણ પછી એ નૅશનલ ઇન્કમ ન ગણાય. સ્ત્રી વડે જ ઘર ચાલે છે, પણ સેન્સરના અહેવાલોમાં સ્ત્રીની કામગીરીને ભીખ અને ચોરીની બિન-ઉત્પાદક પ્રવૃત્તિની હરોળમાં મૂકવામાં આવે છે! ખેડૂતોમાં સ્ત્રીઓ પુરુષોની જોડાજોડ કામ કરે છે પણ આવક બધી પુરુષની ગણાય છે, અને સ્ત્રી કુટુંબની કમાનાર વ્યક્તિ ક્યારેય નથી ગણાતી. તને ખબર છે સુશીલા, કે ખેતીનાં અમુક કામમાં સ્ત્રીઓ પુરુષો કરતાં ચારગણું વધુ કામ કરે છે, પણ તેની મજૂરીનો દર પુરુષ કરતાં ઓછો હોય છે?’ મિત્રા ઊભી થઈને આગળ આવી. ‘તને ખબર છે, આ દેશમાં વિધવાઓની શી પરિસ્થિતિ હતી? હજીયે સ્ત્રી ‘અમુકની વિધવા’ તરીકે ઓળખાય છે; પુરુષ ‘અમુકના વિધુર’ તરીકે કદી ઓળખાયો છે?’ તેના અવાજમાંથી ચિનગારીઓ ઊડવા લાગી. ‘બેગમ અખ્તરનાં લગ્ન થયાં ત્યારે તેમના પતિએ શરત મૂકી હતી કે તેમણે બહાર ગાવું નહિ અને સંગીત છિનવાઈ જવાથી તેમની તબિયત મરણતોલ થઈ ગઈ ત્યારે તેણે ૨જા તો આપી ગાવાની, પણ બીજી શરત મૂકી કે એમના પૈસા ઘરમાં વાપરવા નહિ. આ રજા આપનાર એ કોણ? શરત મૂકનારની સત્તા કઈ? રુક્મિણી એરુડેલે કહેલું કે નાનપણમાં એમને નૃત્ય ક૨વાની તો શું, જોવાની પણ મનાઈ હતી. પણ ત્યારે નૃત્યો તો થતાં જ હતાં. કોણ હતાં એના પ્રેક્ષકો?… મંજૂરી અને મનાઈની આ નીતિઓ કોણ નક્કી કરે છે? પૈસા કોના હાથમાં હોય છે?’ ‘પણ હવે…’ સુશીલાનો અવાજ થોથવાયો. મિત્રા તેની નજીક આવી. અચાનક જ, સુશીલા સમજે એ પહેલાં તેણે તેના ગળામાંથી મંગળસૂત્ર કાઢ્યું. ‘આ શું છે?’ સુશીલા બેબાકળી થઈ ગઈ. ‘અરે, એ તો મારું મંગળસૂત્ર છે.’ તેણે મિત્રાના હાથ ૫૨, એ પાછું લેવા ઝપટ મારી. મિત્રાએ સિફતથી હાથ સેરવી લીધો. હાથ ઊંચો કરી આંગળીઓથી એને ઝુલાવતી બોલી : ‘શા માટે તું એ પહેરે છે? આ કાળા મણકાની તુચ્છ માળા તું શું કરવા આખોયે વખત ગળામાં પહેરી રાખે છે?’ ‘આપી દે મને, મારું મંગળસૂત્ર પાછું આપી દે. એ મારા સૌભાગ્યની નિશાની છે.’ સુશીલાનો અવાજ ફાટી ગયો. ‘સૌભાગ્ય?’ મિત્રા તુચ્છતાથી બોલી : ‘અને તારા પતિના સૌભાગ્યનું શું? એ કેમ તારે માટે થઈને મંગળસૂત્ર પહેરતો નથી? તું એનું સૌભાગ્ય નથી? આ તારો ચાંલ્લો પણ સૌભાગ્યનું ચિહ્ન છે, નહિ? તારો પતિ કેમ ચાંલ્લો કરતો નથી? તારું ભાગ્ય એને આશ્રિત હોય પણ એનું ભાગ્ય તને આશ્રિત ન હોય તો શાથી તું કહે છે કે સ્ત્રી-પુરુષનો જીવન-અધિકા૨ સમાન છે?’ હિમરાણીનો મંડપ સ્તબ્ધ બની ગયો. આવી જ્વાળાઓ આ પહેલાં અહીં કદી ભભૂકી નહોતી. સુશીલા ગુસ્સાથી થરથર ધ્રૂજી રહી. શું બોલવું તે તેને સૂઝ્યું નહિ. મિત્રાએ તિરસ્કારથી માળા તેના તરફ ફેંકી. ‘તારા જેવી સ્ત્રીઓની બંધિયાર થઈ ગયેલી માન્યતાઓ જ સ્ત્રીઓની હીન દશા ચાલુ રહેવા માટે જવાબદાર છે. સુશીલાએ માળા ઝડપી લીધી. ગળામાં નાખતાં તે રડવા જેવી થઈ ગઈ. ડૂમો પાછો ધકેલી માંડ માંડ બોલી : ‘હું હવે અહીં કદી નહિ આવું, કદી નહિ. તારા ગાલીચા વેચવામાં મદદ કરતી હતી. હવે હું અહીં કદી પગ નહિ મૂકું…’ તે ઊઠીને એક હાથે માળા પકડી, કોઈના તરફ જોયા વિના દોડી ગઈ.