સાત પગલાં આકાશમાં/૩૪


૩૪

બ્રાહ્મણોને જમાડવાનું પતી ગયું. વ્યોમેશ એવી રીતે વર્ત્યો, જાણે ઘરમાં વસુધાનું અસ્તિત્વ જ નથી. સુનીલાને નાટક માટે તૈયાર થઈને જતી તેણે જોઈ, પણ એ વિશે કશું કહ્યું નહીં. ચુપકીદીનું એક વજનદાર મૌન ઘરની હવાને કચડી રહ્યું. વસુધા પણ તે રાત પછી વ્યોમેશ સાથે બોલી નહીં. એ બેઠો હોય તે રૂમમાં જવાનું તે ટાળતી. ટેબલ પર સાથે જમવા બેસતી નહીં. તેની માંદગી દરમિયાન સવારની ચાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. હવે તે સવારે દૂધ લેવા જતી નહીં કે ચા બનાવતી નહીં. સવારની ચા કમલ કે સલીના તેને આપી જતાં. આખો વખત માત્ર મોં પર એક ચમચમાટ થયા કરતો. મને માર્યું? મારની પીડા કરતાં, માર્યું — એ હકીકતની પીડા સહસ્રગણી વધારે હતી. લગ્નના પહેલા દિવસથી આજ સુધીના દિવસો એકએક કરીને યાદ કરી જોયા. પોતાના મનમાં પ્રશ્નો ઊઠતા હતા, અન્યાયનું શલ્ય વાગતું હતું, કોઈક વાર એક-બે વાક્યોમાં દલીલ પણ કરી હશે. પણ એ સિવાય કોઈ દિવસ ખુલ્લી રીતે, વ્યોમેશનો વિરોધ કરવાનું તો બાજુએ, તેને ન ગમે એવુંયે કર્યું નથી. નાની-મોટી સઘળી વાતોમાં વ્યોમેશને શું ગમશે-ના દૃષ્ટિબિંદુથી જ વિચાર કર્યો છે. ભારતીય સંસ્કૃતિએ કલ્પેલી આદર્શ ગૃહિણી પોતે નહીં હોય, પણ પોતાના વ્યવહારમાં બહુ ભૂલ કાઢી શકાય એવું તો કશું કર્યું નથી. અને આજે થોડીક વાત કહેવા જતાં આ બધું ભુલાઈ ગયું? વરસોથી અંગતભાવે કરેલી સેવા, એને રાજી રાખવાના નિરંતર પ્રયત્નો, એની માંદગીમાં ઉજાગરા અને સહુથી વધુ તો મૂંગા મોંએ સહી લીધેલા અન્યાયો — આ બધાંની કોઈ ગણના રહી નહીં? વ્યોમેશનું સાચું સ્વરૂપ આ જ હતું? પોતે તેની આજ્ઞામાં રહેતી હતી એટલે આ પાસું છતું નહોતું થયું? ના ના, એવું તો ન હોય, આ માત્ર ગુસ્સો હશે, ગુસ્સામાં માણસ ન બોલવાનાં વેણ બોલી નાંખે. પુરુષ છે — હાથ ઉગામી લે. આટલાં વર્ષોમાં આવું તો કદી કર્યું નહોતું. એ ક્ષણે કાબૂ નહીં રહ્યો હોય, પણ હવે તેનેય અંતરમાં બળતું હશે. પશ્ચાત્તાપ થતો હશે. કદાચ માફી માગવાનુંયે મન હોય, પણ આજ સુધી કદી એવી નમ્રતા દાખવી નથી એટલે ક્ષોભ થતો હશે. એનો પૌરુષી અહં આડો આવતો હોય એમ પણ બને! …થોડા દિવસ પછી વ્યોમેશે હર્ષને કહ્યું : ‘ટ્રેનમાં આજકાલ ભીડ ખૂબ રહે છે. રિઝર્વેશન સહેલાઈથી મળતું નથી. સલીનાને હવે વૅકેશન પૂરું થવામાં હશે. એની ટિકિટની વ્યવસ્થા આગળથી કરજે, નહીં તો મુશ્કેલી પડશે.’ હર્ષ અસમંજસમાં પડ્યો. ‘પણ સલીનાને હવે જવાનું ક્યાં છે? માએ કહ્યું છે, હવે એણે અહીં રહીને જ ભણવાનું છે.’ ‘એમ? એવું ક્યારે એણે નક્કી કર્યું?’ ‘થોડા દિવસ થયા. તમને વાત નથી કરી?’ વ્યોમેશે જવાબ આપ્યો નહીં. માત્ર ‘હં’ કહીને ચૂપ રહ્યો. હર્ષને કહેવું હતું કે સલીનાના ખર્ચની ચિંતા કરતા નહીં, એ બધી જવાબદારી મારે માથે. પણ વ્યોમેશના મોંના ભાવ જોઈ તે આગળ બોલતાં અટકી ગયો. પિતાનો, લાગણીમાં કોઈ તરફ વહી જવાનો સ્વભાવ નથી, એ તે જાણતો હતો. ખર્ચ ભલે હું આપું, પણ આ ઘર તો તેમનું છે. મા ભલેને કહે કે સલીના અહીં રહેશે, પણ પપ્પા જો હા ન પાડે તો મા પણ શું કરે? પણ સલીના તો ગમી જાય એવી છોકરી છે. ઘરમાં એક તરુણ કન્યા હોય તો ઘર વધારે જીવંત લાગે…વસંતમાં વૃક્ષ લાગે એવું. પણ વ્યોમેશ કાંઈ બોલ્યો નહીં એટલે હર્ષને સમજાયું નહીં કે તેની ‘હા’ હતી કે ‘ના’. આવકાર કે આનંદનો એક્કે ઉદ્ગાર કાઢ્યો નહીં! ઘરમાં બધાંનાં મન ભારે અને અશાંત હતાં. સલીના માટે થઈને જુદા રહેવાનો વિચાર હર્ષને પણ આવ્યો. અશેષ રાહ જોયા કરતો હતો કે મા ક્યારે પોતાની જુદા રહેવાની યોજના વિશે પપ્પાને વાત કરે. લોનની વ્યવસ્થા કરવાની છે. રહેવા જતાં પહેલાં થોડું ફર્નિચર કરાવવાનું છે. ‘થોડી ચીજવસ્તુઓ તો અહીંથી પણ લઈ જવાશે, ખરું ને મા?’ તેણે વસુધાને પૂછેલું. ‘જરૂ૨ દીકરા, તારુંયે આ ઘર છે ને?’ તેણે બોલતાં બોલી દીધું. પછી થયું, પણ વ્યોમેશ એમ માનતો હશે ખરો? વ્યોમેશ પોતે જ જો સામેથી કહે : આ લઈ જા, તે લઈ જા. આ તો તને જોઈશે જ. મૂંઝાઈશ નહીં. ઘર જુદું થાય, તેથી હૃદય જુદાં થોડાં જ થાય છે? — તો કેટલું સારું લાગે! બધી વાતનું કેન્દ્ર ફરીફરીને એક જ બિન્દુમાં સ્થિર થતું હતું. સલીનાનું રહેવાનું નક્કી તેં કર્યું? અશેષને જુદાં રહેવા જવાની સંમતિ તેં આપી? મેં ના પાડી હતી છતાં સુનીલાને નાટકમાં જવા દીધી?… વ્યોમેશ ઉદાર થઈને વર્તે તો તે ચાલે, પોતે ઉદાર થઈને કંઈ કરવા જાય, પોતાનાં ઘરેણાં ઘરનાં જ લોકોને ભેટ આપવા જાય તો ન ચાલે… એક રમૂજી વાત વિનોદે કરેલી તે યાદ આવી. ભિખારી ભીખ માગવા આવેલો. વહુએ ના પાડી. સાસુ ગુસ્સે થઈ. હું બેઠી છું ને ના પાડનાર તું કોણ? ભિખારીને પાછો બોલાવ્યો; પછી પોતે ના પાડી, ત્યારે મનને રાહત થઈ. બધા ગુસ્સાનું, નારાજીનું મૂળ અહીં હતું. હું બેઠો છું, પછી સ્વતંત્રપણે નિર્ણય કરનાર તું કોણ? મારી સ્વતંત્રતાની એને આદત પડતાં વાર લાગશે. મેં જ બહુ આજ્ઞાધીન રહીને એને એવી અપેક્ષા રાખવામાં સહાય કરી છે. ધીમે ધીમે સમજશે કે હું પણ એક સ્વતંત્ર વ્યક્તિ છું. ધીમે ધીમે સ્વીકારશે. એ પહેલાં આવાં નાનાં છમકલાં તો થાય. તો પણ રહી રહીને અંતર ચમચમી ઊઠતું. મને માર્યું?

*

બહુ દિવસથી વિનોદને મળાયું નહોતું. એક દિવસ વસુધા સલીનાને લઈને તેને ઘેર ગઈ. વિનોદે ઘર બદલ્યું હતું. સરનામું આપેલું, પણ વસુધાથી જવાયું નહોતું. જૂના ઘેર એક-બે વાર પહેલાં ગઈ હતી. શરૂમાં વિનોદ આવ્યો ત્યારે ફૈબાએ પૂછેલું : ‘કોણ છે?’ ‘મારો મામાનો દીકરો ભાઈ.’ પછી એક વખત પૂછેલું : ‘એ મળવા આવે છે તો તારી ભાભી કેમ આવતી નથી? લગ્ન તો થયાં છે ને?’ વસુધાએ કહ્યું : ‘થયાં હતાં, પણ હવે બંને છૂટાં થઈ ગયાં છે.’ ફૈબાની નજર વાંકી થઈ : ‘તો હવે એકલો રહે છે?’ ‘હા.’ ‘તો પછી તારે એને ઘેર જવાની જરૂ૨ નથી. એ અહીં આવીને મળી જાય છે, એટલું બસ છે.’ વસુધા ત્યારે રોટલી વણતી હતી. વેલણ ફેરવતા હાથ વચ્ચે જ થંભી ગયા. મનમાં થયું : ફૈબા આ જ વિચારી શકે. આથી જુદું વિચારવાની તેમની ક્ષમતા નથી. વિનોદને ચિત્રોનો બહુ શોખ હતો. એક વાર આવીને આગ્રહ કર્યો : ‘વસુધા, બહુ સરસ ચિત્રોની પ્રિન્ટ લઈ આવ્યો છું. એક વાર જોવા ઘેર આવ ને!’ વ્યોમેશને વિનોદમાં કે વિનોદનાં ચિત્રોમાં બહુ રસ નહોતો. વસુધાને જવું ગમત, પણ ફૈબાએ ના પાડી હતી એટલે ગઈ નહીં. બીજી વાર વિનોદ આવ્યો ત્યારે પૂછ્યું : ‘કેમ ન આવી?’ ત્યારે ફૈબાની વાત કરી. વિનોદ ઠરેલ પ્રકૃતિનો, શાણો ને લાગણીવાળો માણસ છે. તેને માઠું લાગ્યું નહીં. કહ્યું : ‘દરેક માણસનું, ઘર સિવાય એક બીજું નિવાસસ્થાન હોય છે, તેમાં તે રહેતો હોય છે. કેટલાક લોકો પૈસામાં રહેતા હોય છે. પૈસાને જ શ્રેષ્ઠ પ્રાપ્તિ ગણે છે ને તેને માટે કાંઈ પણ કરવા તૈયાર થાય છે. કેટલાક શરીર અને શારીરિકતામાં જ રહેતા હોય છે. બધી બાબતોને શરીરની ભૂમિકાએથી જ મૂલવે છે. તેમના શોખ-શણગાર પણ શરીર સાથે સંબંધિત, અને વ્રત-તપ કરે તોયે ખાવા-ન-ખાવાનાં.’ વસુધાને સમજાયું. ફૈબા ઉપવાસ-આંબેલ કરતાં પણ ખાવાનાં કેટલાં શોખીન! ખાટું અથાણું ખાવાથી સોજા આવતા, તોયે ખાધા વગર તેમનાથી રહેવાતું જ નહીં. ‘કેટલાક લોકો માનમોભામાં ૨હેતા હોય છે.’ વિનોદ આગળ બોલ્યો. ‘કીર્તિ ને સ્થાન ને સત્તા મેળવવા પાછળ પોતાના કુટુંબનીયે અવગણના કરતા હોય એવા લોકો તેં નથી જોયા?’ હું શામાં રહું છું? — વસુધાએ પોતાને માટે વિચાર કર્યો. ‘મલ્લિકાર્જુન મનસૂર બહુ વિખ્યાત ગાયક છે. સાંભળ્યું છે એનું નામ? કોઈએ કહેલું એને માટે, કે તે સૂરમાં રહે છે. અંગ્રેજીમાં જેને સેન્સ ઑફ બિલોન્ગિંગ કહે છે તેને મળતી આ વાત છે. આ મારી સૌથી મહત્ત્વની, સૌથી મૂલ્યવાન ભૂમિ. એમાં મારું હૃદય ઠરે…એવું જે બાબતમાં થાય…દેશભક્તો નથી હોતા? તે પૈસાને તુચ્છ ગણે, શ૨ી૨ની ગણના ન કરે, પત્ની-બાળકો ખાતર વિશેષ કશું ન કરે, પણ દેશ ખાતર લડે, કષ્ટ વેઠે, પ્રાણ પણ આપી દે.’ વિનોદની વાત બહુ ગમી. પૂછ્યું : ‘તું ક્યાં રહે છે, વિનોદ?’ વિનોદ હસ્યો : ‘તું શોધી કાઢને! ભગવાને તને મગજ તો આપ્યું છે.’ પછી કહ્યું : ‘પણ એના કરતાં, તું ક્યાં રહે છે તે શોધી કાઢવાનું તને વધારે નહીં ગમે?’ વિનોદ હંમેશાં સરસ વાતો કરતો. ફાલતુ વાતો, બીજા ત્રીજા માણસની નકામી વાતો કરતો નહીં. મલ્લિકા સાથે છૂટાછેડા લીધા છે, પણ તેના વિશે કદી ઉલ્લેખ કરવાનો આવે તો સ્નેહથી વાત કરે છે. મલ્લિકાને આ ગમતું… એક વાર તેણે આમ કહેલું…પીઝા સરસ બનાવતી…વગેરે. મનમાં કોઈ દુર્ભાવ નથી, ડંખ નથી.

*

સલીનાની મદદથી ઘર શોધી કાઢ્યું. સલીનાને બીજે જવું હતું. ‘કલાકેક પછી પાછી આવું છું,’ કહીને તે ગઈ. વસુધાને જોઈ વિનોદ ખૂબ પ્રસન્ન થયો. ‘કેટલાં વર્ષે આવી, વસુધા! આવ બેસ, તબિયત સારી નથી? હું તો તને જ્યારે જોઉં ત્યારે તું વધારે ને વધારે કરમાયેલી લાગે છે. ઠીક નથી રહેતું?’ વસુધાની આંખો ઊભરાઈ પડી. કેટલા વખતથી શુદ્ધ લાગણીના આવા ભીના શબ્દો, સલીના સિવાય કોઈ પાસેથી સાંભળ્યા નહોતા! ઘર સરસ હતું. બધું વ્યવસ્થિત. મોટી બાલ્કનીમાં ખૂબ ફૂલછોડ. દીવાલો પર ચિત્રો હતાં. બેન્દ્રે, સબાવાલા, હુસેનનાં ચિત્રો. એક રેમ્બ્રાનું ચિત્ર હતું. ઘોડા ૫૨ સવા૨ થયેલો સરદાર…ઘોડાની ગતિ અને મનુષ્યની સ્થિતિ, બંને જાણે એકરૂપ થયેલાં હોય અને તેથી બંને નિશ્ચિતપણે ચાલ્યા જતા હોય. વિનોદે દરેક ચિત્રની વિશેષતાની વાત કરી. એક ચિત્ર દરિયા પર સરતા જહાજનું હતું. દરિયો તોફાની નથી, શાંત છે. જહાજ એમાં એવી રીતે જાય છે, જાણે જગન્માતાના વિરાટ ખોળામાં નિર્ભયપણે વિહરતું મનુષ્ય-બાળ. ચિત્રમાં વાદળી રંગની નહીં નહીં તોય દસ-બાર જેટલી છાયા. ચન્દ્ર વાદળ પાછળ દેખાતો નથી, પણ આકાશમાં ઉજાસ છે. ‘મને આ ચિત્ર સહુથી વધારે ગમ્યું.’ વસુધાએ કહ્યું. ‘તને ખબર છે વસુધા, આ ચિત્ર મલ્લિકાએ પસંદ કરેલું. અમે છૂટાં પડ્યાં ત્યારે વિદાયની ભેટ તરીકે મને આપતી ગઈ.’ વસુધા ચૂપ થઈને સાંભળી રહી. આટલી શિષ્ટતાથી છૂટાં પડી શકાય? મૃદુપણે પૂછ્યું : ‘વિનોદ, મલ્લિકાને મળવાનું મન થાય કદી?’ વિનોદે જરા વિચાર કર્યો. પછી કહ્યું : ‘ના. પણ ધારો કે સામે મળી જાય તો ટાળું નહીં. અસ્વસ્થ ન થાઉં. જૂના મિત્રની જેમ ખબરઅંતર પૂછી લઉં. મને હવે એનું ખેંચાણ નથી, એના જવા વિશે ખેદ પણ નથી.’ ‘કોઈ વાર ગુસ્સો નથી આવતો?’ ‘ગુસ્સો શા માટે આવે, વસુધા? અમારી પ્રકૃતિ સાવ જુદી હતી. સાથે રહ્યાં હોત તો દુઃખી થાત, તેથી છૂટાં પડી ગયાં. તેનો કંઈક વાંક હશે. મારોય હશે. પણ એક વાર લગ્ન કર્યાં એટલે સદાકાળ સાથે બંધાઈ રહેવું — તેવું થોડું જ છે?’ ‘પણ તમે લોકોએ તો પ્રેમલગ્ન કરેલાં! પ્રેમ હોય ત્યારે માણસ સાથેની પ્રકૃતિ જુદી હોય, તોય સહી ન લે?’ વિનોદ જરા ગંભી૨ થઈ ગયો. ‘પ્રેમલગ્નમાંયે ભૂલ તો થઈ હોય. અને વળી કોઈ માણસ શું એમ ખાતરી આપી શકે કે આ વ્યક્તિને હું જીવનભર ચાહીશ? કોઈ પણ પોતાના વિશે એટલું અફ૨પણે જાણી શકે? કે આવી બાંયધરી બીજાને આપી શકે?… અને આ સહી લેવાની વાત મને કંઈ બહુ સારી લાગતી નથી. તે તો જાણે સામી વ્યક્તિ પર ઉપકાર કરતાં હોઈએ એવું લાગે છે. ‘તમે મને જરા પણ સુખરૂપ નથી, પણ મારા મનની ઉદારતાને કારણે હું તમને સહી લઉં છું’…હું આને પ્રેમ ન કહું, વસુધા! આ તો પોતાની પર ને બીજાની પર પણ બહુ મોટો જુલમ કહેવાય. તું એક વાર સચ્ચાઈની વાત કરતી હતી ને? એક વાર એક ગોઠવણી થઈ હોય, એટલે પછી એમાં રૂંધામણ થતી હોય તોયે જીવન એમાં બાંધેલું રાખવું, એ સચ્ચાઈ છે? ‘પણ તો તો પછી કેટલાં બધાં લગ્નો તૂટી જાય? કુટુંબજીવન વેરવિખેર થઈ જાય. સમાજ ભાંગી પડે. બાળકોનું શું થાય? પશ્ચિમમાં થાય છે તેવું આપણે ત્યાં થવા ન માંડે?’ વિનોદ મોટેથી હસી પડ્યો. ‘આ બધી બહુ અટપટી પરિસ્થિતિઓ છે. હું કોઈ સમાજશાસ્ત્રી કે સુખી દાંપત્યજીવન માટેનો સલાહકાર થોડો જ છું? મારી પાસે બધા પ્રશ્નોના જવાબ નથી. પણ તને એટલું આશ્વાસન આપી શકું કે સંબંધો એમ તૂટી જતા નથી, કારણ કે માણસને એકલા જીવવાનો ભય પણ લાગતો હોય છે ને! થોડીક માયાએ બંધાઈ હોય છે. ગોઠવાયેલું બધું તોડી નાખીએ ને નવું કાંઈ ઊભું નહીં કરી શકીએ તો શું કરીશ — એવી ચિંતાયે હોય છે. બાળકોનો સવાલ હોય છે. આવા બધા ખ્યાલોથી માણસો પ્રેમ ન હોય તોયે મેળ કરીને ઢાંકીઢૂંબીને રહેતા હોય છે. એને કારણે કેટલાય પુરુષોને પત્ની હોવા છતાં લગ્ન બહારના સંબંધો હોય જ છે. પણ એક સાર્વત્રિક નિયમ બધાને લાગુ ન પડે. દરેકની પરિસ્થિતિ, સંજોગો, મનની સ્થિતિ અલગ-અલગ હોય છે. તોડી નાખવું કે ટકાવી રાખવું — તે દરેક જણ પોતે નક્કી કરી શકે. પણ મને એટલું તો લાગે જ છે કે લાચારીથી, મારું શું થશે — એવા ભયથી બીજો કોઈ ઉપાય ન હોવાથી સહિષ્ણુતા દાખવવી એ કાંઈ ગુણ નથી. માણસે જે કાંઈ કરવું હોય પોતાની અંદરની શક્તિથી કરવું જોઈએ.’ ‘તારી વાત સાચી છે, તોપણ —’ વસુધાએ ડોકું હલાવ્યું, ‘કંઈક ખૂટતું લાગે છે એમાં. બહુ દુર્લભ હશે, છતાં ક્યાંક, કોઈની વચ્ચે તો એવો પ્રેમ હશે, જે સ્વભાવ-ભેદ, પ્રકૃતિની ભિન્નતા, રુચિ ને વિચાર-ભિન્નતા જેવી બધી દીવાલોને, બધા અંતરાયોને તોડીને એક મહાપ્રવાહમાં વહાવી લઈ જાય! જેમાં મેળ કે ગોઠવણ ક૨વાપણું ન હોય, સહી લેવાપણું ન હોય, જે સ્વયં સ્ફૂર્ત ગંગોત્રી જેવો ઊછળતો, ખળખળતો, બેઉ કાંઠાને છલકાવી દેતો વહી જતો હોય એવો પ્રેમ તે શું ક્યાંય જોયો નથી?’ ‘આવો પ્રેમ તો અરે હા, અરે હા, યાદ આવ્યું, વસુધા! આવો ઊછળતો ખળખળતો નહીં, પણ શાંત ને સૂક્ષ્મ — પણ આવો જ, બધી ભિન્નતાઓની ઉપરથી વહી જતો પ્રેમ મેં જોયો છે. સ્વરૂપ ને ઈશા સાવ જુદી જ પ્રકૃતિનાં લાગે, પણ બે વચ્ચે અંતરની એટલી બધી એકતા છે! સ્વરૂપ એને આત્મમૈત્રી કહે છે…’ વસુધા ઉત્સુકતાથી સાંભળી રહી : ‘કોણ છે એ લોકો?’ ‘છે. કોઈક વાર તને ત્યાં લઈ જઈશ — આનંદગ્રામમાં. હવે તો ઘણુંખરું હુંયે ત્યાં જ રહું છું. હવે મેં પણ કામ ઓછું કરી નાખ્યું છે. ટી.વી.-રેડિયોના રિપૅરકામમાંથી જોઈતું મળી રહે છે. ચિત્રો પણ હવે દોરું છું…’ ‘એના’ વિશે વાત કરી નહીં. વિચાર્યું — કોઈક વાર ઓળખાણ કરાવીશ. સલીના ક્યારની આવી ગઈ હતી. છેલ્લી વાતો એણે સાંભળી. ફળનો રસ પી તે અને વસુધા ઘરે જવા નીકળ્યાં. ટૅક્સીમાં બેસતાં સલીના બોલી : ‘વિનોદભાઈ સરસ માણસ છે, નહીં? એ કોઈના પ્રેમમાં હોય એવું લાગે છે કે નહીં?’ ‘વાહ, એવું તને શા પરથી લાગ્યું?’ ‘મેં બારણું ખખડાવ્યું ને એમણે ઉઘાડ્યું ત્યારે એ ગીત ગણગણતા હતા. એમણે મારી સામે એવી રીતે જોયું, જાણે તેમને મારા આવવાની રાહ હોય. પણ હું નહોતી, જેની તેમને રાહ હોય. છતાં તે નિરાશ ન થયા. મારામાં થઈને જાણે તે એને જોઈ રહ્યા.’ વસુધા હસી પડી : ‘તું કવિતા પણ કરતી હોઈશ, મને ખબર નહીં.’ પછી જરા વહાલ કરતાં પૂછ્યું : ‘તું પણ કોઈના પ્રેમમાં છો, સલીના?’ ફરી — સહેજે સંકોચ નથી. કશું છુપાવવાપણું નથી. નિર્ભીક, સુંદર ભાવ. ‘એ તો હું તમને કહેવાની જ છું મા, પણ એ પહેલાં તમને કંઈક પૂછું તો જવાબ આપશો?’ ‘પૂછી જો તો!’ ‘તમારી ને પપ્પાજી વચ્ચે પ્રેમ છે? તમારી પ્રેમની કલ્પના એમના સંબંધમાં પૂરેપૂરી, ઠીક પૂરેપૂરી નહીં તો ઘણીખરી સાકાર થઈ છે?’ વસુધા સ્તબ્ધ થઈ ગઈ. અઢાર વરસની છોકરીને મોંએ આવો પ્રશ્ન? પહેલાંનો સમય હોત તો વાત ઉડાવી દીધી હોત. પણ આ તબક્કે કશું અધૂરું, ખોટું નથી કહેવું. અત્યારે જે સૌથી નિકટ છે, નિર્દોષ છે, તેની આગળ હૃદય પ્રગટ કરવાથી કોઈને નુકસાન નહીં થાય! કહ્યું : ‘અમારાં પ્રેમલગ્ન થોડાં જ હતાં? ગોઠવાયેલાં લગ્ન હતાં. આજ સુધી કોઈ મોટો વાંધો તો નથી આવ્યો.’ ‘પણ પપ્પાજી તરફથી તમને ખૂબ તૃપ્ત થવાય એવો પ્રેમ મળ્યો છે?’ તીવ્રપણે પુછાયેલો એક સઘન પ્રશ્ન. એનો એટલી જ નિખાલસતાથી જવાબ આપવો જોઈએ. ‘સાચું કહું તો, અત્યાર સુધી લાગતું કે આકંઠ ડૂબી જવાય એવો પ્રેમ ભલે નથી, પણ કાંઠે બેસી પગ પલાળી શકાય એવું સ્નેહનું ઝરણું તો છે. પણ વિનોદની વાતો સાંભળ્યા પછી શું થયું — શી ખબર આ કદાચ ગોઠવણ હોય, પ્રેમ સિવાયનાં અનેક કારણોએ ટકાવી રાખેલી વ્યવસ્થા હોય. એટલે, તમે લોકો જેને પ્રેમ કહો છો તેવું તો કાંઈ નહીં, પણ —’ સલીના રૂઢિબદ્ધ છોકરી નથી. ફટ દઈને પૂછી બેઠી : ‘મા, હવે તમને એવો પ્રેમ મળે તો સ્વીકારો ખરાં? તમે વાત કરતાં હતાં ને તેવો, ગંગોત્રી જેવો ભવ્ય, સુંદર, નિર્બળ ધસમસતો પ્રવાહ —’ વસુધા હસી પડી. ‘ગાંડી જ છે તો! પચાસ વર્ષની ઉંમરે હવે પ્રેમની વાત થતી હશે?’ કેમ ન થાય? આપણને પ્રેમની અને સાથની જરૂ૨ કાંઈ અમુક ઉંમર સુધી જ હોય એવું થોડું છે? ઉંમર તો શરીરની સ્થિતિ છે. પ્રેમને શરીરની સીમાઓમાં થોડો જ પૂરી શકાય?’ આ છોકરીને આટલા બધા વિચારો ક્યાંથી આવે છે? આટલી નાની ઉંમરે આવી પરિપક્વતા તેનામાં ક્યાંથી આવી? ‘સલીના, તેં એક વા૨ કહેલું કે પછી કહીશ. તને કશી તકલીફ છે — એમ મેં પૂછેલું, યાદ છે? મારી વાત પછી. આજે તારી વાત કહે.’ સલીના સહેજ અસ્વસ્થ થઈ ગઈ. ‘એ વિશે કોઈનેય ખબર નથી, મા. અને એ બહુ જાહેર કરી શકાય તેવું પણ નથી.’ વસુધાએ તેની આંખમાં આંખ પરોવી. ખભા પર હળવેથી હાથ મૂક્યો. ‘હું કોઈને એ નહીં કહું.’ મનમાં સહેજ નવાઈ લાગી. પ્રેમની જ માત્ર વાત હોય તો તેમાં આટલી સાવચેતી શા માટે? ઘર આવવાને હવે બહુ વાર નહોતી. ‘ટૂંકમાં કહું મા, વિગતે પછી કોઈક વા૨. જોકે કૃષ્ણનને કહેલું કે…’ ‘કૃષ્ણન?’ ‘એ અમારી ટુકડીનો નેતા છે.’ ‘મને જરા સમજાવીને કહે, સલીના!’ ‘અમારી એક ગુપ્ત ક્રાંતિકારી સંસ્થા છે. એની દેશમાં ઘણી શાખાઓ છે. અમારી શાખાનો નેતા કૃષ્ણન છે. તમારા જેવો છે — એટલે કે હંમેશા બીજાનાં દુઃખથી ઘવાય છે. હરિજનો, આદિવાસીઓ, સ્ત્રીઓ પરના અન્યાય જોઈને એનાથી ચૂપ બેસી શકાતું નથી. એ મારી કૉલેજમાં જ છે — અથવા હતો. પણ ભણવાનું તો નામનું છે. ગામડામાં જઈ ગરીબ લોકો વચ્ચે કામ કરે છે. ઘણાં માને છે કે તે નકસલવાદી છે; પણ ખરેખર તો તે બીજા માણસોનું દુઃખ જોઈને દુઃખી થતો માણસ છે.’ ‘તું એના પ્રેમમાં છે, સલીના? એટલા માટે જ અહીં રહીને ભણવાની વાત સાંભળી તારા મોં પર આનંદ નહોતો આવ્યો?’ ‘પણ નાની ગુજરી ગયાં, ને મામાને ઘેર મને રહેવાનું ફાવે એવું નથી. એટલે મારે અહીં જ રહેવું પડશે ને? અહીં કંઈ નહીં તો માસીને તો મારે માટે ખૂબ લાગણી છે! અને વળી તમે પણ છો. પણ મારું કામ, મિત્રો, કૃષ્ણન — બધું ત્યાં છે.’ ‘કૃષ્ણન સારો છોકરો છે?’ ‘અદ્ભુત છોકરો છે, મા!’ સલીનાનો ચહેરો તેજથી ચમકી ઊઠ્યો. ‘મારે માટે એને બહુ જ લાગણી છે. અમે માઈલો જંગલમાં, ગામડાંઓમાં, કાદવ-ભરેલા રસ્તે સાથે ચાલ્યાં છીએ, પણ એણે મને કોઈ દિવસ થાક લાગવા નથી દીધો. એ એટલો બધો પ્રામાણિક ને પ્રેમાળ છે!’ એના મોં પર પ્રેમની સુરખી આવી. ‘ભણવાનું પૂરું થાય કે અમે હિમાલયનાં જંગલોમાં ફરવાનાં છીએ. જંગલના કૉન્ટ્રાક્ટરો ત્યાંની ભોળી પ્રજાનું શોષણ કરે છે તેને માટે કંઈક લડત આપવાનું ગોઠવીએ છીએ. મા, એ મારામાં એટલી બધી શક્તિ મૂકે છે! એની સાથે હોઉં ત્યારે મને થાય છે, હું કાંઈ પણ કરી શકું.’ ઘર આવી ગયું. વસુધા થાકી ગઈ હતી. આજે કેટલા બધા પ્રકારની વાતો થઈ! સલીના ને કૃષ્ણન…છોકરી દુઃખી તો નહીં થાય ને? અને વિનોદની વાતો. ‘પપ્પાજી ને તમારી વચ્ચે પ્રેમ છે?’ પ્રેમ…પ્રેમ શી ચીજ છે? યુવાકાળનો ઉત્કટ, આવેગભર્યો, તરફડાટો અને અજંપાથી ભરેલો પ્રેમ નહીં, પણ શાંત સ્નિગ્ધ કમળ-તળાવડીના જળ પર ઢોળાયેલી ચાંદની જેવો પ્રેમ તો મોટી ઉંમરેય ન હોઈ શકે? હજુ કાંઈ મોડું નથી થયું, કદાચ મારોયે વાંક હશે. આટલા દિવસ વ્યોમેશે મને ન બોલાવી તો હું પણ ક્યાં તેની પાસે ગઈ છું? ક્ષણિક આવેશમાં એણે મારી પ૨ હાથ ઉપાડી લીધો. પણ એ બાહ્ય ઉગ્રતા પાછળ, હૃદયમાં મારે માટે સ્નેહ હશે જ. એ સિવાય આટલાં વર્ષ એ મારી સાથે કેમ કરીને રહી શકે? સતીશની જેમ, સુધીરની જેમ એ મારાથી દૂર ન સરી ગયો હોય? ઝઘડો તો ઉપરનો છે. આવા ઝઘડા તો થાય. મનાવીશ તો માની જશે. મારે પહેલ કરવી જોઈએ. આ કાંઈ લાચારીથી હું નથી કરતી. ક્ષમા આપવામાં શક્તિ જોઈએ; મારામાં એ શક્તિ છે. જરા વા૨ અમસ્તી સૂતી. પણ થાક લાગ્યો હતો એટલે સહેજ ઊંઘ આવી ગઈ. જાગી ત્યારે રાતના નવેક વાગ્યા હતા. બેઠી થઈ, ત્યાં વ્યોમેશ એની રૂમમાં આવ્યો. વસુધા પ્રસન્ન થઈ. મનમાં થયું — હું નહોતી કહેતી? હૃદયમાં તો લાગણી હોય જ ને! ‘વસુધા!’ ‘શું?’ બહુ પ્રેમથી પૂછ્યું. તમાચાની વાત ભૂલી ગઈ. ગમે તેમ તોયે મારો પતિ છે. એને પસ્તાવો થયો હોય તો હું પણ તે વાતને પકડી રાખું તેવી તો નથી! ‘મારે તને એક વાત કહેવી છે.’ અવાજ સુઘટ્ટ નહોતો, જરા વિખરાયેલો, જરા ભાંગેલો, દૂરથી આવતો હોય તેવો હતો. ‘શું છે, કહો ને?’ હવે હું તારી સાથે રહી શકું તેમ નથી.’ જોર કરીને વ્યોમેશે કહી નાખ્યું. ‘તને ઘરમાંથી જવાનું નથી કહેતો. અશેષ કહેતો હતો કે તે જુદું ઘર લેવાનો છે. તું તેની સાથે રહી શકીશ. હું દર મહિને પૈસા મોકલી આપીશ, અથવા તું કહીશ તો લમ્પસમ — એકસામટી ૨કમ…’ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના એંસીમા, નેવુંમા માળ પરથી નીચે પડવાનો અનુભવ કેવો હોય?