સાહિત્યચર્યા/થિયોક્રિટસ


થિયોક્રિટસ

(જ. આશરે ઈ. પૂ. ૩૧૦, સાઇરાક્યુઝ; અ. ઈ. પૂ. ૨૫૦, કોસ) ગ્રીક ગોપકવિ. આરંભમાં તેઓ સિસિલીમાં વસ્યા હતા અને ત્યાં કાવ્યસર્જન કર્યું હતું. પછી તેઓ કોસમાં વસ્યા હતા અને ફિલેટાસની આસપાસ જે કવિવૃન્દ હતું તેના સભ્ય થયા હતા. ઈ.પૂ. ૨૭૦ની આસપાસ થોડાંક વર્ષ માટે તેઓ ઍલેક્ઝાન્ડ્રિયામાં વસ્યા હતા અને ટૉલેમી ફિલાડેલ્ફસની રાજસભામાં સ્થાન પામ્યા હતા. જીવનના અંતભાગમાં તેઓ કોસમાં વસ્યા હતા અને અંત લગી ત્યાં જ પ્રવૃત્ત રહ્યા હતા. તેઓ જગતકવિતાના ઇતિહાસમાં ગોપકાવ્યોના એક અગ્રણી કવિ તરીકે પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત છે. વર્જિલ અને ત્યાર પછીના યુરોપની સૌ ભાષાઓના આજ લગીના અનેક કવિઓ પર એમનાં ગોપકાવ્યોનો પ્રભાવ છે. સિસિલી અને દક્ષિણ ઇટાલીના ગ્રામપ્રદેશની પ્રકૃતિ અને એના સૌંદર્ય વિશેનાં એમનાં કાવ્યો એમના સમયમાં સમગ્ર ગ્રીકજગતનાં સૌ મહાનગરોમાં અતિ લોકપ્રિય હતાં. આશરે ૩૦ જેટલાં ગોપકાવ્યો ઉપરાંત એમણે ૨૪ જેટલાં કબ્રશિલા અને પ્રતિમાપીઠિકા પર અંકિત કરવા માટેનાં વ્યક્તિવિશેષને સંબોધનરૂપ મુક્તકો, રાજાઓ અને રાજસભા વિશેની પ્રશસ્તિઓ તથા ઍલેક્ઝાન્ડ્રિયાની સન્નારીઓ તથા પૌરાણિક પાત્રો વિશેનાં કાવ્યો આદિનું પણ સર્જન કર્યું છે. એમનું આ સમગ્ર કાવ્યસર્જન એમણે સાહિત્યિક ડૉરિક ભાષામાં કર્યું છે. આજે પણ એમનાં ગોપકાવ્યો જગતભરમાં એટલાં જ આકર્ષક અને સંતર્પક છે. ૧૯૯૬