સાહિત્યચર્યા/પેરિક્લીસને પ્રગટ કરો!
ભાઈશ્રી, તે દિવસે તમે કહ્યું કે તમે ‘વિચારશૂન્યતાની વિકાસ યોજના’નો લેખ વાંચ્યો હતો. એ જાણીને બહુ આનંદ થયો. પોતાનું લખાણ કંપોઝીટર અને પ્રૂફરીડર ઉપરાંત પણ કોઈ વાંચે છે એ જાણીને કયા લેખકને આનંદ ન થાય? લેખક લખે છે તે કોઈક ક્યાંક ક્યારેક વાંચે એ આશાએ. ભવભૂતિ જેવા ભારે લાપરવા લેખકને પણ એ લાલચ તો હતી જ. અનિદ્રાના રોગીજનના અપવાદ સિવાય એક પણ રસિકજનની અપેક્ષા રાખ્યા વિના જ ‘ફીનીગન્સ વેઈક’ની રચના કરે એવા જેઈમ્સ જોઈસ જેવા તો સમગ્ર જગતસાહિત્યમાં પણ વિરલ હશે. જો કે તમારી વાતથી આનંદ કરતાં વિશેષ તો આશ્ચર્ય થયું. છાપામાં જ્યાં અગત્યના સળગતા પ્રશ્નોના અનેક સમાચારો હોય ત્યાં તમે સાહિત્યની ટાઢીબોળ પંચાતનું પાનું વાંચો એથી આશ્ચર્ય જ નહિ, આઘાત પણ થાય! પણ પછી જ્યારે તમે એ લેખ વિશે વિરોધની પણ બે વાતો કહી ત્યારે આશ્ચર્ય નહિ પણ ઔર આનંદ થયો. ત્યારે ચર્ચાનો તમારી પાસે સમય ન હતો. મૂળ તો લેખ પણ તમે માંડ માંડ સમય મેળવીને વાંચ્યો હતો. આ પત્ર પર ચર્ચારસના બે છાંટા છંટકારીશ. ક્યારેક એ વાંચવાનો સમય પણ સાંપડી રહેશે ને ત્યાં લગી આ પત્ર તમારી પાસે પડી રહેશે! ભલે! તાજી સદા સાહિત્યની કથા, બીજી બધી તથા! એ લેખનો જે મુખ્ય મુદ્દો હતો કે વિચારો માટે માણસે વાંચવું જોઈએ એની સામે તમને કોઈ વિરોધ ન હતો. વિરોધની તમારી વાતમાં તો માત્ર બેએક અંગત મુશ્કેલીઓનો જ અણસારો હતો. એનો અહીં સહેજ સામનો કરીએ. તમારી મુશ્કેલીઓ તે આ કે સાહિત્ય – શિષ્ટ સાહિત્ય તો માત્ર પંડિતો કે વિદ્વાનો જ વાંચે, સામાન્ય માણસ ન વાંચે. અને વાંચવા ચાહે તો પણ આજના યુગમાં જીવનની જે જલદ ગતિ છે, જે જટિલ જંજાળ છે એમાં સમય ક્યાં છે? સ્વસ્થતા ક્યાં છે? પ્રથમ તો આ પૃથ્વી પર કોઈ સામાન્ય માણસ જ નથી. માણસ માત્ર અસામાન્ય છે. ‘સામાન્ય માણસ’ એ આપણા યુગનાં ભયંકર જુઠાણાંઓમાંનું એક છે. મુઠીભર મકસદી માણસોએ એ જુઠાણું જાણીજોઈને જન્માવ્યું છે. અને ભવિષ્યમાં આખી માણસજાતે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. એટલે વાંચવું એ કંઈ પંડિતો કે વિદ્વાનોનો એટલે કે તમારા વિરોધમાં અભિપ્રેત એવા અસામાન્ય માણસોનો ઇજારો નથી. વાંચવું એ મનુષ્ય માત્રનો અધિકાર છે. રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોની કથાઓથી આપણા ભારતવર્ષમાં ભાગ્યે જ કોઈ માણસ અપરિચિત હશે. એમાંથી આપણે સૌ પોષણ પામ્યા છીએ. સૈકાઓથી પામ્યા છીએ. એક કાળે ગુજરાતમાં સૌએ પ્રેમાનંદનાં આખ્યાનોનું પ્રેમથી શ્રવણ કર્યું હતું. હજુ ગઈ કાલ લગી હોંસે હોંસે ઘરેઘરમાં ‘સરસ્વતીચંદ્ર’નું વાચન થયું હતું. લેખમાં મણિશંકર રત્નજી ભટના ઉદાહરણને કારણે સંભવ છે કે કદાચ તમને ભ્રમ થયો હોય કે કાન્ત જેવા ચિંતક-કવિને વાંચવાની જરૂર હશે. એકવાર વૃક્ષ પરથી પૃથ્વી પર વાનર નહિ પણ એમના વારસ તરીકે વસ્યા પછી મનુષ્ય નામના શિંગડાં અને પૂંછડા વિનાના એકેએક બેપગા પ્રાણીને જીવવા માટે વાંચવાની જરૂર છે. જીવનની એકેએક વાતમાં કે વસ્તુમાં રાચવા માટે સમય છે, એક માત્ર વાંચવા માટે જ નથી. વાંચવું એ શું જીવવાના જ ઉપક્રમનું એક કાર્ય નથી? કેમ જાણે કે વાંચવું એ જીવનની નહિ પણ મૃત્યુની પ્રવૃત્તિ હશે! જીવનરૂપી જે સરવાળો છે એમાં અનેક રકમોની સાથે એક રકમ વાંચવું તે છે. આજના યુગમાં જીવનની જલદ ગતિ છે, જીવનની જટિલ જંજાળ છે; પણ કયા યુગમાં ન’તી? અને જો આજના યુગમાં હોય તો તો આજના યુગમાં વાંચવાની ક્યારેય ન’તી એવી જરૂર છે. બેકને કહ્યું છે કે વાચન આનંદ, અલંકાર અને આવડત આપે છે. અહીં આવડત એટલે જીવન જીવવાની, જીરવવાની, જોગવવાની આવડત. આનંદ અને અલંકારનું મૂલ્ય જરીયે ઓછું નથી. પણ જો આજના યુગમાં જીવનની જલદ ગતિ હોય, જટિલ જંજાળ હોય તો આ આવડતની એટલે કે વાચનની વિશેષ જરૂર છે. વાંચવું એટલે રાત ને દહાડો ચોવીસે કલાક કેવળ વાંચવા ખાતર જ વાંચવું એમ અર્થ હોય તો તો વાંચવું એ નર્યો રોગ છે. પણ વાંચવા પછવાડે કોઈ પ્રયોજન હોય છે, હેતુ હોય છે. જેમ સાહિત્યને પણ પ્રયોજન હોય છે, હેતુ હોય છે. જીવનની સહિત (સાથે) હોય તે સાહિત્ય. સાચું સાહિત્ય માણસને જીવનથી વિમુખ નથી કરતું, અભિમુખ કરે છે. પલાયન-વૃત્તિને પોષતું નથી, જીવનથી ભાગી છૂટવાની પામરતાને પંપાળતું નથી; જીવનની સન્મુખ થવા, જીવનનો સામનો કરવા સાહસ પ્રેરે છે. પ્રતિકારવૃત્તિને પોષે છે. હીનવૃત્તિ, ગલગલિયા કે દિવાસ્વપ્નો નહિ પણ ઉદાત્તતા, આઘાત કે વાસ્તવિકતા એ સાચા સાહિત્યનું સાધ્ય છે. નિષ્ક્રિયતા ખંખેરી નાંખીને નૈતિક મૂલ્યોનો ખ્યાલ આપવાનો સૌ સાહિત્યકારો અને ખાસ તો નવલકથાકારો પોતાનો ધર્મ માને છે. સાહિત્ય મનુષ્યના ચારિત્ર્યના ગ્રથનનું, સંવાદ, સૌંદર્ય, સમજ અને સહાનુભૂતિનું સર્જન કરે છે. અસ્તિત્વનો અર્થ અજવાળે છે, રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. આસપાસની પરિસ્થિતિ અને પાત્રોને સમજવામાં સહાય કરે છે. એથી જ સાહિત્યની સૃષ્ટિ અને એનાં પાત્રો કલ્પિત હોવા છતાં વધુ વાસ્તવિક લાગે છે. સાહિત્યનો આ હેતુ કોણ સમજે? આ પ્રયોજન કોણ પામે? આળસુ ને એદી, ફુરસદિયા કે ફુવડ લોકોની એ લાયકાત નથી. જીવનના જુદ્ધમાં જે ઝૂઝે છે; સંગ્રામમાં, સંઘર્ષમાં જે ઝઝૂમે છે, જે કટોકટીના કેન્દ્રમાં છે એ જ સાહિત્યને સાર્થક કરે છે. જે સાહિત્ય વાંચે છે તે જ જીવનનો અનુભવ વધુ સમજે છે અને જે જીવનને અનુભવે છે તે જ સાહિત્યને વધુ સમજે છે. આમ, જીવન અને સાહિત્ય એ પરસ્પર પોષક અને પ્રેરક પ્રવૃત્તિઓ છે. એક બે વ્યક્તિગત ઉદાહરણોથી વધુ સ્પષ્ટતા થશે. અમેરિકન આંતરવિગ્રહની કરુણતાના કેન્દ્રમાંથી લિંકન શેક્સ્પિયરનાં નાટકોની પંક્તિઓનો જેવો પાર પામ્યા હશે એવો અન્ય કોઈ પામ્યા હશે? અને એ પરિસ્થિતિનો પાર પામવામાં પણ એ પંક્તિઓની સહાય સામાન્ય નહિ હોય. નોઆખલીની પદયાત્રામાં ગાંધીજી (તમે કહેશો કે ગાંધીજી અને લિંકન તો અસામાન્ય માણસો છે. ના, ટોલસ્ટોયે એકવાર અને આખરી વાર કહ્યું છે કે કલાકાર માટે કોઈ વીરપુરુષો – અસામાન્ય માણસો છે જ નહિ. સૌ માત્ર માણસો જ છે. લિંકન કે ગાંધી મહામાનવો નથી, મારા તમારા જેવા માટીના માનવો છે. દૈવી કે ચમત્કારી પુરુષો નથી. આપણે સૌએ પોતપોતાના જીવનમાં એ જ ભાગ ભજવવાનો હોય છે) રવીન્દ્રનાથનું ‘એકલા ચલો રે’ ગીત રાતને દહાડો રટી રહ્યા હતા. ગીત સાવ સામાન્ય છે. પણ એ પરિસ્થિતિમાં એમને માટે અસામાન્ય પૂરવાર થયું અને એ પરિસ્થિતિ પરની પકડમાં એનું અર્પણ પણ એટલું જ અસામાન્ય હશે. એનો તો અંદાજ કાઢવો જ અશક્ય! ચર્ચિલ હોય કે નહેરુ હોય (નહેરુને ‘પંડિત’ કહે છે અને ચર્ચિલ ઇતિહાસના પ્રખર અભ્યાસી છે, હમણાં ઇંગ્લેન્ડનો લાંબોલચક ઇતિહાસ લખે છે. છતાં બન્ને મુખ્યત્વે વ્યવહારપુરુષો છે, રાજકારણના માણસો છે, પંડિત કે વિદ્વાન નથી.) એમને વાંચ્યા વિના ચાલે છે? આજના યુગમાં જીવનની જલદ ગતિ કે જટિલ જંજાળનો અનુભવ એમને કોઈથી ઓછો નહિ હોય, બલકે વધુ હશે, છતાં વાંચવાનો સમય ચોરે છે ને? એમના કેલેન્ડરમાંયે દિવસ ચોવીસ કલાકનો જ હશે! એક ગ્રીક પાત્રનું સહેજે સ્મરણ થાય છે. એ છે પેરિક્લીસ. કોઈ પણ સરેરાશ ગ્રીક પ્રજાજનના જીવનમાં કેટલો સંવાદ, કેવી સમતુલા, સ્વસ્થતા હતી એનું આ આદર્શ દૃષ્ટાંત છે. ઈ.સ. પૂર્વે ૪૫૦ની સાલ આસપાસની એક સંધ્યાનો સમય છે. ઈજીઅન સમુદ્રના એક દ્વીપની સમીપે ગ્રીક નૌકાસૈન્ય નાંગર્યું છે. આવતી કાલ સવારે તો એ દ્વીપ પર હુમલો કરીને હંમેશને માટે ગ્રીસ સમુદ્રની સામ્રાજ્ઞી થશે. નૌકાસૈન્યના સેનાપતિ પેરિક્લીસ પોતાના ઉપસેનાપતિને સાંજનું ભોજન મુખ્ય નૌકા પર પોતાની સાથે લેવા આમંત્રે છે. બન્ને જણા જમે છે. માથે ચંદરવો ઝૂલે છે. એક ફૂટડો જુવાન બન્નેને પીરસે છે. એનું સૌન્દર્ય જોઈને પેરિક્લીસને એના પ્રિય કવિની એક પંક્તિનું સ્મરણ થાય છે. એમાં કોઈ સુંદર યુવાનના ચહેરા પર સંધ્યાનાં કિરણો ચમકે છે એનું વર્ણન છે. પેરિક્લીસ કહે છે ‘રાતો રંગ’. પણ ઉપસેનાપતિ રસિક વિવેચક પણ છે. એને રંગનું વિશેષણ વિચિત્ર લાગે છે. એટલે એ પોતાના પ્રિય કવિની પંક્તિમાંનું વિશેષણ પસંદ કરે છે ને કહે છે ‘ગુલાબી રંગ’. પેરિક્લીસ વિરોધ કરે છે. કારણ કે ઉપસેનાપતિના પ્રિય કવિએ જ અન્યત્ર યુવાનના ચહેરા પર રાતા રંગનો ઉલ્લેખ કર્યો છે. એને આ આત્મવિરોધ અયોગ્ય લાગે છે ને આમ ચર્ચાનો રસ જામે છે. આ રસકથાને કારણે રાતે જ યુદ્ધ આપસઆપસમાં ખેલાત! પણ કાર્યક્રમ પ્રમાણેનો જ ખૂનખાર જંગ બીજી સવારે જામે છે. ટીકાટિપ્પણની જરૂર છે? સ્પષ્ટ છે. પેરિક્લીસ અને ઉપસેનાપતિ જીવનની જટિલ જંજાળ અને જલદ ગતિ અનુભવે છે. કટોકટીના કેન્દ્રમાં જીવે છે. સમય ક્યાં છે? સ્વસ્થતા ક્યાં છે? વળી સૈનિકો છે. સહેજે નિષ્ઠુર ને કઠોર હોય! બીજી સવારે તો ગ્રીસનું ભાવિ આ બન્ને ઘડવાના છે. યુદ્ધની ઐતિહાસિક ને કરુણ ઘટના દ્વારા. કદરૂપતા, મૃત્યુ અને સંહારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવાના છે. છતાં આગલી સાંજે સૌન્દર્ય, જીવન અને સર્જનમાં એ રત છે, અને તે પણ ગાલ પરનો રંગ રાતો કે ગુલાબી એવી એક ઝીણામાં ઝીણી વિગતમાં, એક ક્ષુદ્ર ને ક્ષુલ્લક વાતમાં. જેટલો યુદ્ધમાં એટલો જ વિશેષણની યોગ્યતામાં એમને રસ છે. કારણ કે એ બન્નેનો એમને મન એકસરખો મહિમા છે! આનું નામ સમતોલ, સંવાદી, સ્વસ્થ અને સંસ્કારી જીવન. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બરાબર બે સૈન્યોની વચમાં જ કૃષ્ણે ગીતા ગાઈ છે ને! આપણે પણ અર્જુનની જેમ આપણા જીવનના મહાભારતમાં એ જ સ્થળે સાંભળવી રહી! તો પેરિક્લીસને પ્રગટ કરો, કબરમાંથી નહિ, કિતાબમાંથી નહિ, હૃદયમાંથી! ૨૧ માર્ચ ૧૯૫૭