સાહિત્યિક સંરસન — ૩/કમલ વોરા



++ કમલ વોરા ++


૧ : પતંગિયા પાછળ દોડતો છોકરો —

પતંગિયા પાછળ દોડતો છોકરો
દોડતાં દોડતાં ઊડવા લાગ્યો
પવને
એને તેડી લીધો
ઝાડવાં, મેદાન, મકાન, રસ્તા
નદી, ઝરણાં, ડુંગરા... આઘે આઘે વહેતાં ગયાં
આકાશ ઓરું ને ઓરું આવતું ગયું
છોકરાએ હાથ પસાર્યા... ઉગમણાં અજવાળાં ઊંચકાયાં
આથમણાં અંધારાં ઢોળાયાં
વીંઝ્યા... હેઠળ વનોનાં વન... રણ થયાં ફૂંકાયાં
રણ દરિયા... દરિયા સપાટાબંધ પાર
આરો ઓવારો નહિ
વીંટાળ્યા તો બથમાંથી સૂરજ સરી ગયો
મુઠ્ઠી ભીડી મુઠ્ઠીમાં ચાંદો
ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં
ઊડતો છોકરો
ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો
ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું
સરકવું, લસરવું હળવા હળવા થતા જવું
ભીનીભીની વાછંટમાં ફરફર ફોરાં થવું
ઘડીકમાં આખું અંગ ધોળુંધફ્ફ
ઘડીકમાં કાળું રાતું ગુલાબી પીળું
ઝીણાં ટીપાંમાં બંધાવું-વેરાવું
વીજળીને રણઝણાવી આખેઆખું આકાશ ગજવવું
એકાદ સૂર્યકિરણને ઝાલી ઝૂલવું
ઝૂલતો છોકરો
ઝૂલતાં ઝૂલતાં મેઘધનુષ પર કૂદી ગયો
લસરી ગયો એક છેડેથી બીજે
બીજેથી પહેલે
સાતરંગી ધુમ્મસ ઓઢી જોઈ રહ્યો ઝરમર પૃથ્વી
જોઈ રહ્યો ઝબૂક ઝબૂક તારા
જોતાં જોતાં છોકરો ગબડી પડ્યો પવનની ખાઇઓમાં
ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવ્યો
ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊડતાં પતંગિયાં
ઊડતાં ઊડતાં...


૨ : વૃદ્ધશતક – કાવ્યક્રમાંક ૯૭ —

 
એને ખબર પડતી નહોતી
એ ઘરડો થઈ ગયો હતો
એટલે એકલો પડી ગયો હતો
કે એકલો પડી રહ્યો હતો
એટલે ઘરડો થઈ રહ્યો હતો.
એને ખબર પડતી નહોતી
આમ ને આમ ક્યાં સુધી એ ઘરડો થશે
આમ ને આમ એકલો
એને ખબર પડતી નહોતી
એ ઘરડો વધારે હતો
કે વધારે એકલો
એને ખબર પડતી નહોતી
ઘડપણ સારું
કે એકલતા
એને ખબર પડતી નહોતી
એને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો
કે એકલતાએ
બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ
એને ખબર પડતી નહોતી
એને ખબર પડી નહોતી
એને ખબર પડવાની નહોતી
પણ એને ખબર પડતી હતી
એ ઘરડો થઈ ગયો હતો
અને
એ એકલો પડી ગયો હતો


૩ : પૃથ્વીનો ગોળો :

બાપદાદાના વખતથી
પૃથ્વીનો એક ગોળો અમારાં ઘરમાં છે
એની ધરી ગોળગોળ ફેરવીને
પેઢી દર પેઢીએ
દેશદેશાવર, ખંડખંડ, સમુદ્ર-મહાસાગરની ઓળખ લીધી છે.
આજે
અચાનક જ એ ગોળો ફાટી પડ્યો ને

કંઈ કેટલા દેશ મહાસાગરને તળિયે ગરકી ગયા,
ક્યાંક વળી કોઈ ભૂ-ખંડ હેઠળ
સમુદ્રો લોપાઈ ગયા.
દેશદેશોના, સમુદ્રોના તૂટી ગયેલા ટુકડાઓ
ઉપાડી ઉપાડીને
જેમતેમ મેજ પર એકઠા કરું છું,
ગોઠવવા મથું છું;
પણ કોઈ દેશની સરહદ-રેખાઓ
મળતી નથી, બંધ બેસતી નથી.
એકેય દેશ
એની મૂળ જગાએ ગોઠવાતો નથી,
એકેયના આંકા કે અક્ષાંશ-રેખાંશના
તાળા મળતા નથી.
ઠેરઠેર
કાળા ડાઘા ઊભરાઈ રહ્યા છે,
સઘળું ગૂંચવાઈ ગયું છે.
ઉતરડાઇને ઉઘાડા પડી ગયેલ
પૃથ્વીના નાક-નકશામાં
ઓળખાય એવું કંઈ જડતું નથી.
એની પર એક કોરો કાગળ ઢાંકી
એક પછી એક દેશને
થોડું સ્મૃતિને આધારે
થોડું આછા અણસારે
ફરી દોરવા-આકારવા મથું છું,
પણ એક લીટી ય પાડી શકતો નથી;
મારાં આંગળાં, મારા પગ ધ્રૂજ્યાં કરે છે,
ગાત્રો શિથિલ થાય છે.
બટકીને વાંકી વળી ગયેલી
ધરીના ટેકે
ઊભો રહેવા જાઉં છું;
પણ વેરાઈ ગયેલી મારી પૃથ્વી પર
ફસડાઈ પડું છું.



તન્ત્રીનૉંધ :

૧ : પતંગિયા પાછળ દોડતો છોકરો — આમ તો છોકરો દોડે પણ એને કાવ્યકથક પોતાની કલ્પનાની પાંખે બેસાડે છે, એટલે એ દોડતાં દોડતાં ઊડવા માંડે છે. એ ક્ષણથી રચના પણ આકાશમાં લીલયા વિકસે છે. છોકરાને પણ પોતાના ઉડ્ડયન-અનુભવથી ઘણું લાધે છે. છોકરો તો અનુભવમાં રત છે એટલે એનાથી જે કંઈ અનુભવાયું તે આપણને કાવ્યકથક જણાવે છે : ‘ઉગમણાં અજવાળાં ઊંચકાયાં / આથમણાં અંધારાં ઢોળાયાં’. પછી કાવ્યાત્મક જાદુ થયો -છોકરાએ મુઠ્ઠી ભીડી તો મુઠ્ઠીમાં ચાંદો -ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં. કાવ્યકથક આગળનું જણાવે છે કે ઊડતો છોકરો ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો. આમ ઉડ્ડયનયાત્રાની કથા વિસ્તરતી રહે છે. કથાને અન્ત હોય જ. એ ન્યાયે છોકરો ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવે છે, પણ મોટો જાદુ એ થાય છે કે ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ પતંગિ યાં ઊડવા લાગે છે. છોકરો પતંગિ યાં પાછળ, હવે પતંગિ યાં છોકરા પાછળ. વર્તુળ પૂરું થાય છે.

રચનાનો વિશેષ એનું નૅરેટિવ ટૅક્ષચર છે. કાવ્યકથકે ટૅક્ષચરમાં વિચારો નહીં ખોસીને એને બરાબર સાચવ્યું છે. એટલે, એનાથી એમાં આવી સહજ સુન્દર ગતિરેખાઓ દોરી શકાઈ છે : ‘ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું / સરકવું, લસરવું હળવા હળવા થતા જવું / ભીનીભીની વાછંટમાં ફરફર ફોરાં થવું’.

૨ : વૃદ્ધશતક – કાવ્યક્રમાંક ૯૭ — કમલ-સરજિત વૃદ્ધવિષયક કાવ્યો એટલાં બધાં વાસ્તવિક અને કાવ્યાર્થક છે કે તમારે જે કંઈ કહેવું હોય એ તમે એની રૂપનિર્મિતિ વિશે કહી શકો. પણ એ કહેવું શરૂ કરો કે તરત થશે કે શું કહેવું. આમ ગુજરાતી વિવેચનની વસ્તુવાદી અને રૂપવાદી બન્ને ધારાનું વિ સર્જન અનુભવાય અને તે પછી જે સૂઝે તે કહો. આ કાવ્યસંગ્રહ વિશે મેં લેખ કરેલો ત્યારે આમ થયેલું કે કેમ, મને યાદ નથી આવતું. આ રચના પણ એવી જ છે. ઘડપણે વૃદ્ધને હતો-ન હતો કરી દીધેલો, તમે એ લાગણીની ચર્વણા કરાય એટલી કરો; કાવ્યશાસ્ત્ર ભલે એને રસચર્વણા કહે.

૩ : પૃથ્વીનો ગોળો — રચનાની ગતિ જુઓ : ભણતર માટેના પૃથ્વીના ગોળાથી આ ખરી પૃથ્વી અને તેના વર્તમાન હાલહવાલને વિશેનું કાવ્યકથકનું સંવેદન; એ પ્રકારે, વસ્તુથી વિચાર અને વિચારથી સંવેદન; એ ગતિએ સરજાઈ છે આ કૃતિ. અન્તે ભાવકને પણ કૃતિ એ જ સંવેદનમાં દોરી જાય છે અને એ પણ પૃથ્વીની ભૌગોલિક, રાજકીય કે પર્યાવરણીય સ્થિતિ વિશે વિચારતો થઈ જાય છે. ‘ઉતરડાઇને ઉઘાડો પડી ગયેલો’ પૃથ્વીનો નાક-નકશો એને પણ ભળાય છે. ‘પૃથ્વીની બટકીને વાંકી વળી ગયેલી ધરી’ એને પણ દેખાય છે.

પોતાના એ દુ:ખદ પ્રસંગે જનમાવેલા સંવેદનને કાવ્યકથકે પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી રજૂ કર્યું છે, અને એટલે એ સંવેદનને આકાર મળ્યો, અને એટલે એને સૌ અનુભવી શકે એવું એમાં વ્યાપક પરિમાણ પ્રગટ્યું. ભાવ ઊર્મિ લાગણી કે સંવેદનમાત્ર સાહિત્યકલામાં એ રૂપે જ હોઈ શકે અને તો જ ટકી શકે. એટલે જ, દાખલા તરીકે, આ પંક્તિઓ કે શબ્દગુચ્છો વધારે આસ્વાદ્ય લાગે છે : ‘કાળા ડાઘા ઊભરાઈ રહ્યા છે’ : ‘સઘળું ગૂંચવાઈ ગયું છે’ : ‘બટકીને વાંકી વળી ગયેલી ધરીના ટેકે’ : ‘વેરાઇ ગયેલી મારી પૃથ્વી’.