સાહિત્યિક સંરસન — ૩/સાગર શાહ


++ સાગર શાહ ++


પતંગિ યાં ને ફૂલો —



પ્રિયા ઝબકીને જાગી. એના કપાળે પરસેવો જામી ગયેલો. શ્વાસોચ્છ્વાસ ઝડપથી ચાલી રહ્યા'તા. એણે બાજુમાં નજર કરી. મુકેશ સૂતો'તો. બીજી તરફ, મોટા સફેદ લાકડાના ઘોડિયામાં યશ સૂતો'તો. હાંફળીફાંફળી ઊઠીને એ ઘોડિયા પાસે ગઈ. યશનું ટી-શર્ટ ઊંચું કરીને જોયું. પેટ બરાબર હતું. ને પછી પોતાની કાંડાની નસ જોઈ. પછી અચાનક, કશુંક યાદ આવ્યું હોય એમ - હાંફળીફાંફળી એ બાજુના ઓરડામાં ગઈ. નાની ખુશી, મોટી હિ તાંશીને વળગીને સૂતી'તી.

એને કૈંક હાશ થઈ. બારણું હળવેકથી બંધ કરી એ ધીમે પગલે રસોડામાં પ્રવેશી. આર.ઓ.ના જગમાંથી એક ગ્લાસ પાણી ભરીને ધીમે ધીમે પી ગઈ. હથેળીથી પોતાનું મોં લૂછયું. શ્વાસ કૈંક હેઠો બેઠેલો. એ બીજો ગ્લાસ ભરી ઓપન કિચનની બહાર આવેલાં ડાઇનિંગ ટેબલની બાજુમાં પડેલી ખુરશી પર આવીને બેઠી.

ફરી એની આંખો આગળ સપનાનાં દૃશ્યો ફરવા માંડ્યાં. એ થથરી ગઈ. એણે પગ ઉપર લઈ ખુરશી પર ટૂંટિ યું વાળી દીધું. ને માથું ઢીંચણ વચ્ચે દબાવી દીધું. પ્રાર્થના, મહામૃત્યુંજય, નાનપણમાં મમ્મીએ શીખવાડેલા ઇષ્ટદેવના જાપ- બધાંનો સહારો લઈ જોયો. પણ સ્વપ્નનાં દૃશ્યો બંધ ન જ થયાં. એણે પરિવારના હસતા-રમતા ચહેરા જોવા પ્રયત્ન કર્યો. તરત એને ખુશી ને હિ તાંશીના ચહેરા દેખાયા પણ ખરા. પણ અચાનક એ ચહેરા લોહીથી ખરડાયેલાં ચહેરાઓમાં પરિવર્તિત થઈ ગયા. એને ચક્કર આવવા લાગ્યાં. એણે પગ લાંબા કર્યા. માથું ખુરશીના ટેકા પર ઢાળી દીધું. ને ઊંડા શ્વાસ લઈ એ સ્વસ્થ થવા મથી, રીતસરની. પણ વારંવાર એ-નાં-એ દૃશ્યો દેખાતાં જ રહ્યાં. બાળકની છાતી પર લોહીથી ચીતરેલી પતંગિયાની પાંખો. નાનકડા બાળકના ડિલે પ્રસરેલું લોહીનું ફૂલ. હવે એની પાસે એક જ વિકલ્પ રહેલો. એ ધીમેથી ઊઠી. ગ્લાસ લઇને બેડરૂમમાં ગઈ. ને પથારીની બાજુમાં આવેલા ડ્રોઅરમાંથી એણે ગોળી લીધી ને મોમાં મૂકી, આખો ગ્લાસ પાણી ગટગટાવી ગઈ. પછી ચાદર ઓઢી જોસથી આંખો મીંચી. ને મનમાં મહામૃત્યુંજય બોલવાનું ચાલુ રાખ્યું. સવારે એ ઊઠી ત્યારે એનું માથું ભારે હતું. પથારીમાંથી ઊભી થવા જતાં પણ એ લથડી ગઈ. થોડી વાર એણે પથારીમાં બેસી રહેવું પડ્યું. એણે પ્રયત્નપૂર્વક રૂમની અંદરની અને બહારની ચીજોને વિચારહીન થઈ જોયા કર્યું. બારીમાંથી આવતા તડકાની સેરમાં પોતાનો થાક ઓગાળવા મથી. સાથે જ, એણે જોયું કે મુકેશ કે યશ બેમાંથી એકપણ રૂમમાં ન હતા. એ ધીમે રહીને પથારીમાંથી ઊભી થઈ ને પથારીને અઢેલી સાવ મંથર ગતિએ ચાલતી જેમ-તેમ કરીને દરવાજે પહોંચી.

રાધી અલી ઓ રાધી... એણે બૂમ મારી. પણ એની બૂમમાં કોઈ જોર ન્હોતું. એણે ફરીથી બૂમ મારી. આ વખતે રાધી આવી પહોંચી : ઊઠી ગયાં બેન? : હા. મને ડાઇનિંગ સુધી લઈ જા ને.
શું થયું બેન? તમને સારું નથી, સાહેબને ફોન કરું? : ના, ના. એવું કંઈ નથી. થોડી વીકનેસ લાગે છે, બસ. યશ ક્યાં છે? : અહીં રસોડામાં જ છે. મારી જોડે જ. દૂધ પીએ છે. રાધીએ પ્રિયાને પોતાના હાથનો ટેકો આપ્યો. ને ધીમે ધીમે ચાલતાં બંને ડાઇનિંગ ટેબલ પર પહોંચ્યાં. દરમિયાન રાધીએ પ્રિયાને ખુશી, હિતાંશી, મુકેશભાઈ કેટકેટલા વાગે ગયાં, શું શું લઇને ગયાં, પોતે સવારે એમને ઉઠાડવા કેવા કેવા પ્રયત્નો કરેલા - વગેરેની વિગતે વાત કરી.

ત્યાં જ યશના રડવાનો અવાજ સંભળાયો. પ્રિયાને પળવાર થયું કે એ દોડીને યશને લઈ લે, પણ હજી એને ઘણી નબળાઈ લાગતી હતી. ત્યાં જ રડવાનો અવાજ મોટો થયો. રાધી ને પ્રિયા કિચનની નજીક આવ્યાં. પ્રિયાએ જોયું કે કિચનની ભોંય પર એની ગોદડીમાં હાથ-પગ હલાવતો યશ જોરજોરથી રડી રહ્યો હતો. રાધીના ટેકે એ માંડ-માંડ ડાઇનિંગ ટેબલની ખુરશી પર પહોંચી. પહોંચીને તરત ફસડાઈ પડી. રાધી પ્રિયાને બેસાડી યશ પાસે પહોંચી ગઈ. : શું થયું મારા બેટા ને? રાધી જતી રહી, જતી રહી, એવો કાલોઘેલો સંવાદ કરતી એ યશને દૂધ પીવડાવવા લાગી.

રંજનબહેન, ચા-નાસ્તો આપી દેજો ને. પ્રિયાએ વિ નંતી જેવો આદેશ કર્યો. દાળ બનાવી રહેલાં રંજનબહેન ગેસ બંધ કરી કૅસરોલમાં રહેલો ઉપમા અને ચા માઇક્રોવેવમાં ગરમ કરી એને આપી ગયાં. એક એક કોળિયો ચાવીને ઉપમા ખાવા લાગી ને વચ્ચે વચ્ચે ચાના ઘૂંટડા પણ ભરતી જતી હતી. ગરમ ઉપમા અને ગરમ ચાને લીધે એને શરીરમાં થોડું સારું લાગ્યું.
નહાવાનું બાકી છે, યશને? : ચા નાસ્તો પત્યો કે પ્રિયાએ પૂછ્યું. જેના જવાબમાં રાધીએ હકારમાં ડોકું ધુણાવ્યું. : ચલ, હું નવડાવી દઉ. તું બહાર રહેજે.

કહી પ્રિયા યશને લઇને અંદર ગઈ. ધીમે ધીમે હૂંફાળા પાણીની ડોલ ભરાવા લાગી. યશની બેબી-સ્કીનનો સ્પર્શ અનુભવી, એની અચરજથી ભરી ભરી આંખો જોઈ પ્રિયા ગદગદ થઈ ગઈ. પાણીના સ્પર્શે રોમાંચિત થતા ને ગભરાતા એના ચહેરા પરના ભાવોને જોઇને એ ઘડીભર હસી પડી. ને ભીની આંખે એ પાણી અને નો-ટીયર્સ બોડીવોશથી યશને નવડાવવા લાગી. પણ ત્યાં જ એને પેલું દેખાયું - ફૂલ. ઘેરા લાલ રંગથી તરબરતું. યશની છાતી પર. સાવ ચોખ્ખું. લોહીની ચકરડી હોય એવું. એણે તરત એના પર પાણી રેડ્યું. બોડીવોશથી ફીણ પેદા કર્યું ને યશની છાતીના ભાગમાં ઘસ્યું. બે પાંચ સેકન્ડ માટે ફૂલ ગયું, પણ પાછું ય આવતું રહ્યું. પ્રિયાને ચક્કર આવવા લાગ્યાં. પેટમાંથી કશુંક ઉછાળા મારવા લાગ્યું. એના હાથમાંથી યશનો હાથ સરકી ગયો. અને સંતુલન ગુમાવતાં યશ પડી ગયો. જોકે, ઊંધે માથે ન પડ્યો. બાથરૂમની ફર્શ પર બેસી પડ્યો. ખાસ વાગ્યું નહીં, પણ ભેંકડો તો એણે તાણ્યો જ. એનો રડવાનો અવાજ સાંભળી રાધી દોડી આવી. 'શું થયું યશુ બેટાને?' એમ કાલીઘેલી ભાષામાં પૂછી એણે યશને ઊભો કર્યો. ડોલમાં બચેલું પાણી એના શરીર પર રેડ્યું. ટુવાલથી એનું ડિલ લૂછ્યું ને બહાર લઈ ગઈ. દરમિયાન પ્રિયા માથું પકડીને બેસી રહેલી. એણે રાધી અને યશને બાથરૂમની બહાર જતાં જોયાં. થોડી વાર રહી એ ય બાથરૂમની બહાર નીકળી. રાધી યશને કૅડે તેડી પ્રિયા-મુકેશના બેડરૂમમાં લઈ જઈ રહી હતી. બાથરૂમની બહાર આવેલાં પરસાળના એક છેડે ઊભેલી પ્રિયાને એ દૃશ્ય દેખાતું હતું. રાધીની કેડે વળગેલા યશનો બઘવાયેલો ચહેરો જોઈ એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. એને પોતાની જાત પર સખત ગુસ્સો આવ્યો. એ બંનેની પાછળ પાછળ બેડરૂમમાં ગઈ. રાધીએ યશને પથારીમાં બેસાડેલો. મોશ્ચ્રરાઇઝિંગ ક્રીમ લગાડેલું. પછી પ્રિયાના રૂમમાં પ્રવેશ્યા બાદ એણે કબાટમાંથી લાલ શર્ટ ને ટ્રેક પસંદ કર્યા ત્યારે પ્રિયા ભડકી. આ નહીં બીજું કંઈ પહેરાવ - એમ કહી એણે જાતે જ કબાટમાંથી પીળા રંગના કપડાંની જોડ પસંદ કરી.

મારું બેટુ સનફલાવર છે, હેં ને? આવો મમ્મા પાસે. કહી સ્વેટશર્ટ પોતાના હાથમાં લઈ એણે યશને લલચાવ્યો ને નગ્ન યશ ખિલખિલાતો પ્રિયા પાસે આવ્યો. ને ત્યાં જ પેલું ફૂલ ચિતરાયેલું દેખાયું એની છાતી પર.

પ્રિયાના હાથ ધ્રૂજવા માંડ્યા. માંડ માંડ સ્વેટશર્ટ પકડી, એની બાંયોમાં યશના હાથ નાખી પહેરાવ્યું. એટલું જ નહીં, શર્ટની ચેન વાખીને ફૂલ દેખાતું બંધ થયું ત્યારે જ પ્રિયાને હાશ થઈ. પછી એણે ઝટપટ ટ્રેક પહેરાવ્યું ને રાધીને કહ્યું. : ચલ, બહાર જઇએ. પેલું સ્ટ્રોલર લઈ લેજે. થોડા આંટા મારસુ. આમ પોતાની કૅડે યશને તેડીને એ બહાર લઈ ગઈ. રાધી એની બાજુમાં સ્ટ્રોલર લઇને બહાર આવી. બહાર જઈ એમણે સ્ટ્રોલરમાં યશને બેસાડ્યો ને લોનમાં ચક્કર લગાવવા લાગી. શિયાળાની સવારનો કૂણો કૂણો તડકો ખુલ્લેઆમ બધે ઢોળાયેલો. એ તડકામાં કરેણ, પિંક કેસીઆ ને બીજાં ફૂલો શોભી રહ્યાં હતાં. સાથે જ બંગલાની બહારના પેલ્ટોફોર્મ ને ચંપો તો ખરાં જ. પ્રિયાને નાનપણથી ફૂલો ને પતંગિયા જોવાં બહુ ગમતાં. સમય મળે ત્યારે બગીચામાં જતી રહેતી. ફૂલોનાં નામ કેટલાંક જ આવડે. પતંગિયાની પ્રજાતિઓમાં તો બિલકુલ સમજ ન પડે. પણ એમ જ બસ જોયા કરવાનું, માણ્યા કરવાનું એને ગમતું. એટલે જ એની બે છોકરીઓ થોડી મોટી થઈ ત્યારે એમને ગાર્ડનમાં લઈ જતી અને જુદાં જુદાં ફૂલો બતાવતી. પતંગિયાનો તબક્કાવાર વિકાસક્રમ સમજાવતી. છોકરીઓને એની વાતમાં બહુ ઓછો રસ પડતો. ઊલટું આખો પરિવાર બહારગામ જાય ત્યારે મુકેશ એના મિત્રો સાથે 'પ્રોગ્રામ' કરતો, બાળકો મિત્રો સાથે રમતોમાં મશગૂલ થઈ જતાં ત્યારે બીજી બધી હાઉસવાઈફોથી ઉખડેલી પ્રિયા, પતંગિયા ને ફૂલો સાથે સમય ગાળતી. એ વખતે એને થતું કે આવે ટાઇમે દીકરીઓ એની સાથે રહે તો કેટલું સારું, કેટલી મજા આવે, પણ... ઓહ. એણે રાધી સામું જોયુ. એ દૂરથી યશ સૂઈ ગયો હોવાનો ઇશારો કરતી હતી. પ્રિયાએ સ્ટ્રોલરમાં જોયું. યશ બાળસહજ નીંદર માણી રહ્યો હતો : એને બેડરૂમમાં સુવડાવી દઇએ, તડકામાં ઊઠી જાય એના કરતાં : એણે રાધીને કહ્યું. બંને યશને બેડમાં લઈ ગયાં. એને સુવડાવી એની પીઠ થાબડતી પ્રિયા બાજુમાં આડી પડી. એનીય આંખો ઘેરાઈ રહી હતી. ઊઠી ત્યારે એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જીવ ગભરાઈ રહ્યો હતો. કેમ કે, સપનામાં એણે ફરી એ-નાં-એ દૃશ્યો જોયેલાં. ખુશી અને હિ તાંશીની છાતી પર પતંગિ યાંની લોહિયાળ પાંખો. યશના નાનકડા ધડ પર લોહીનું ફૂલ. મુકેશની ગરદન પર કાપો ને પછી એની પોતાની કાંડાની નસનું કપાવું. ને લોહીનો નાનો ફુવારો ઊડવો. ને પછી સાસુનાં ધોળી પૂણી જેવા ચહેરા પરથી ઊતરતું વાકય : સરસ બેટા. આખરે તેં આપણા કુળદીપકને જન્મ આપ્યો. ને પછી શ્વાસનું ચઢવું. સમગ્ર શરીરે પરસેવો. વધેલા ધબકારા. મોઢું સુકાવું. કંપારી. એણે વિચાર કર્યો ફરીથી ગોળી લેવાનો, પણ એને ડૉકટર પારેખ યાદ આવી ગયા. સારા માણસ હતા બિચારા. ઓછામાં ઓછા શબ્દોમાં ખાલી સવાલ-જવાબથી એની સ્થિતિ સમજી ગયેલા. એમણે પણ એને ગોળી ના છૂટકે જ લેવાનું કહેલું. ને ટેવ પાડવાની તો સખત મનાઈ ફરમાવેલી. એણે ભીંસમાંથી બચવા બારી ખોલી. પંખો ચાલુ કર્યો. તાજી હવા આવવા દીધી ને થોડી વાર રહી એ રૂમની બહાર નીકળી ગઈ. ખુશી અને હિતાંશીનો સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયેલો. રહીરહીને એને એવું થતું’તું કે કાશ એ કોઇને આ વાત કહી શકે. જો એમ થાય તો એને હળવાશ લાગે. મન પરનો ભાર હળવો થઈ જાય. એણે એકવાર પોતાની લેડીઝ કિટીની એકમાત્ર ફ્રેન્ડ એવી જુથિકાને પોતાની અકળામણ શેર કરેલી.

તને એવું નથી લાગતું કે આ બધું નકામું છે ને આ કશાનો કશો અર્થ નથી?
શું બોલે છે યાર, તું કંઈ સમજાય એવું તો બોલ.
તને નથી થતું કે આમાંનું કશું ના હોય તો ય કશો ફેર ના પડે?
યાર તું બહુ વિચારે છે. આટલું બધું નહીં વિચારવાનું. બોલ, તારે કોઈને મળવું છે?
કોઇને એટલે?
અરે યાર, આટલું નથી સમજતી? કોઈ છોકરાને.
છોકરાને?
હા. થોડીવાર માટે મળવાનું. જસ્ટ ફોર ફન.
ના, ના. મને એવું નહિ ફાવે.
ના તે શેનું ફાવે? તારા હસબંડને તો બધું ફાવે છે.
શું બોલે છે તું? મોઢું સંભાળીને બોલ.
જો તારો હસબંડ ને મારો હસબંડ ઓછા નથી. તને શું લાગે છે.વ્હોટ ડુ યૂ થિંક? આ લોકો જ્યારે બિઝનેસ ટૂર કહેતા હોય ત્યારે ખરેખર બિઝનેસ ટૂર પર જતા હોય છે? અરે નાલાયકો છે બધા. પોતાની ઐયાશી માટે જાય છે .ઇન્ક્લુડિંગ યોર હસબંડ એન્ડ માઇન.

ઠંડે કલેજે જુથિકા બોલી ગઈ. જે સાંભળી પ્રિયા સમસમી ગઈ. બીજું કરે ય શું? ત્યાર પછી ઘણીવાર એણે મુકેશ બહારગામ કે ફોરેન જતા હોય ત્યારે તપાસ કરવાનું રાખેલું. કયા કામે જાઓ છો, કોણ કોણ જોડે છે વગેરે સવાલો ય એ પૂછતી. મુકેશ જવાબ ન આપતો કે પછી ઉડાઉ જવાબો આપતો. એની જવાબો આપવાની રીત પરથી એ સાચું બોલે છે કે જૂઠ્ઠું - એ ઉકેલવા પ્રિયા મથતી. પણ પછી એને એ જાસૂસીનો ય કંટાળો ચઢેલો. અત્યારે સાંજના સાડા સાત વાગ્યા છે. ઘરે માત્ર પ્રિયા અને યશ છે. થોડીવાર પછી દીકરીઓ ખુશી અને હિ તાંશી આવશે. એમને જમવાનું આપવામાં, એમનું સ્કૂલ હોમવર્ક પતે છે કે નહીં એ જોવામાં પ્રિયાનો સમય ખર્ચાઈ જશે. દરમિયાન મુકેશ આવશે. એને જમવાનું આપવાનું. . . તેમ જ એને અને યશને સાથે સમય ગાળવો હશે તો યશના ડાયપર ચેન્જ અને બીજાં પણ કામો કરવાં પડશે.

• • •

રાતના અગિયાર વાગ્યા છે. મુકેશ છેલ્લા એક કલાકથી - માય સ્ટ્રોંગ બોય, માય સ્ટ્રોંગ બોય - બોલતો યશ સાથે બેઠો. ખુશી અને હિ તાંશીને સૂવડાવ્યાં છે, પણ છાનાંમાનાં એમણે પોતાના ગેજેટ ચાલુ કરી દીધા છે. પ્રિયાના મનમાં સાસુના શબ્દો વાગ્યા કરે છે - આખરે તેં અમને મારો કુળદીપક આપ્યો... સૂતાં સૂતાં જ એ ચપ્પુ લઈ લે છે ને આંખો બંધ કરી એક પ્રૌઢ, લચી પડેલી ગરદન પર ચીરો મૂકે છે. નાની નાની છાતીઓ પર પતંગિયાની પાંખો ને ફૂલ ચીતરે છે. ને છેલ્લે એ એક નાજુક જેવા કાંડાને કાપે છે. જેમાંથી લોહીનો ફુવારો ઊડે છે ને સરખી કરેલી મોંઘી ચાદર લોહીથી લથબથ થઈ જાય છે.



તન્ત્રીનૉંધ :

એક કરુણ દુ:સ્વપ્ન, એટલી જ કરુણ વાસ્તવિકતા ! એની કથની ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રથી થઈ છે, પણ કથકે કોઈ ચિત્રકાર પોતાના ચિત્રને ક્રમે ક્રમે પૂરું કરે એમ એ કથનીનું વીગત વીગતમાં તાદૃશ આલેખન કર્યું છે, જેને બ્યુટિફુલ ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કહેવાય. જીવનના કદર્ય સામે કલાના સૌન્દર્યનું આ સાયુજ્ય મનભાવન છે. એ ચિત્રમાં જે મુખ્ય છબિ છે એ પ્રિયાની છે, ખરાબ સપનું એને આવ્યું છે; એનો પીછો નથી છોડતું; એની આગળ એનાં દૃશ્યો ફર્યા કરે છે. એ દૃશ્યોમાં છે, બાળકની છાતી પર ચીતરેલી પતંગિયાંંની પાંખો. નાનકડા બાળકના ડિલે પ્રસરેલું લોહીનું ફૂલ. રચનામાં મુકાયેલા અન્તિમ પ્રસંગને કથક આલેખે છે : સૂતાં સૂતાં જ એ ચપ્પુ લઈ લે છે ને આંખો બંધ કરી એક પ્રૌઢ, લચી પડેલી ગરદન પર ચીરો મૂકે છે. નાની નાની છાતીઓ પર પતંગિયાની પાંખો ને ફૂલ ચીતરે છે. ને છેલ્લે એ એક નાજુક જેવા કાંડાને કાપે છે. જેમાંથી લોહીનો ફુવારો ઊડે છે ને સરખી કરેલી મોંઘી ચાદર લોહીથી લથબથ થઈ જાય છે : કથકે કોની ગરદન, કોનું કાંડું, એ બે સવાલના ચોખ્ખા ઉત્તર આપવાને સ્થાને ગરદનને ‘લચી પડેલી’ અને કાંડાને ‘નાજુક જેવું’ કહીને કલાસંયમ જાળવ્યો છે, કેમકે એ, એટલે કે વાર્તાકાર, કશી સનસનાટીભરી વાત કરવા નથી બેઠો. એ ચિત્રમાં છે, પ્રિયાની સાસુ, અને એનો આ ઉદ્ગાર - સરસ બેટા. આખરે તેં આપણા કુળદીપકને જન્મ આપ્યો. એ ચિત્રમાં છે, પ્રિયાનો પતિ મુકેશ, જેનું પત્ની પ્રિયા સાથેનું વર્તન સુસંગત નથી. મુકેશ બહારગામ કે ફોરેન જવાનો હોય ને પ્રિયા પૂછે કે કયા કામે જાઓ છો, કોણ કોણ જોડે છે, તો જવાબ ન આપે કે પછી ઉડાઉ જવાબો આપે. રચનામાં મુકાયેલા અન્તિમ પ્રસંગ પૂર્વે એ હાજર હતો પણ કથક જણાવે છે એમ ‘છેલ્લા એક કલાકથી - ‘માય સ્ટ્રોંગ બોય, માય સ્ટ્રોંગ બોય - બોલતો યશ સાથે’ બેસેલો, ‘ખુશી અને હિ તાંશીને સૂવડાવેલાં’, પણ ‘છાનાંમાનાં’ એણે પોતાનાં ગેજેટ્સ ચાલુ કરી દીધેલાં.’ પ્રિયાની આવી પારિવારિક સ્થિતિ હતી, જેમાં પુરુષપ્રધાન વિચારધારાનાં બે લક્ષણ જોઈ શકાય -પુત્રપ્રાપ્તિ અને -પતિ નું પતિપણું. પ્રિયાની પરિસ્થતિના એ કારણને વિકસાવીને કથક એ દિશાની નારીચેતનાપરક વાત કરવા નથી માગતો, છતાં એની એને પોતાના ચિત્રમાં રેખાઓ તો આંકી જ છે. એ પ્રકારે રચનાનું વિષયવસ્તુ જિવાતા જીવનમાંથી જ છે, પણ એની રૂપનિર્મિતિ કથકની છે, એટલે કે એ, વાર્તાકારની સર્જકતાનું પરિણામ છે. સાહિત્યકાર જીવનનો પીછો કરે ને જે વાસ્તવિક દેખાય તેનું કલામાં રૂપાન્તર કરી એક નવ્ય વાસ્તવ સરજે, એ સત્યનું આ રચના એક સમર્થ નિ દર્શન છે. મેં આને ચિત્ર કહ્યું, ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કહ્યું, પણ હવે કહું છું કે એને અનુસરીને એક નાની ફિલ્મ સરજી શકાય. નિપુણ દિગ્દર્શક કરવા ચાહે, તો મને યાદ કરશે.