સાહિત્યિક સંરસન — ૪/રાપુન્ઝલનો ચોટલો

2. રાપુન્ઝલનો ચોટલો

જિજ્ઞા વોરા

Jigna Vora 2.jpg

એલ.ઇ.ડી.લાઇટનાં હળવા પ્રકાશમાં પણ દેખાઈ આવે એટલો મેકઅપ કરેલા ચહેરા તેમની સભ્યતાની છાપને હાનિ ન પહોંચે તે માટે માપનું મલકતાં, મલકતાં છેલ્લે સર્વ થઈ રહેલું ડીઝર્ટ માણી રહ્યા હતાં. ડિનર પત્યા પછી પણ લિપસ્ટિક સચવાઈ રહે તે માટે અવારનવાર ટિશ્યુ પેપરથી હોઠને હળવા હાથે લૂછતાં મિસિસ શાહ, મિસિસ ઠક્કરને આજના સૂપની રેસીપી પૂછી રહ્યા હતાં. તો મિસિસ વર્મા લળી લળીને મિસ્ટર ઠક્કરને તેમના ડ્રોઈંગ રૂમના એસ્થેટીક ઇન્ટિરિયર ડેકોરેશન માટે કોમ્પ્લીમેન્ટ આપી રહ્યાં હતાં. મિસ્ટર ઠક્કરની આંખમાં વધી ગયેલી ચમક ચશ્માંની આરપાર દેખાતી હતી. "એમાં એવું છે ને કે, અનોખી કાશ્મીરથી વોલનટ ફર્નિચર લાવવાની વાત કરતી હતી. પણ હું પહેલેથી જ એકદમ ક્લિયર હતો. એ જમાના ગયા હવે. મારે ‘જરા હટકે’ જોઈએ. તમે નહીં માનો...આ એક-એક આર્ટિકલ મેં મારી જાતે ચાઇના જઈને સિલેક્ટ કરેલો છે !" "અરે ના કેમ માનું. મને તમારા હાઈ ટેસ્ટનો પહેલેથી જ આઈડિયા છે. એમાં એવું છે ને કે પુરુષોમાં આ સેન્સ ભાગ્યે જ જોવા મળે છે. અમારે એમને તો આ બધામાં જરાય ઇન્ટરેસ્ટ નહીં. તમારે ત્યાં ...જરા ઊંધું છે" આ બે ડાયલોગમાં તો મિસ્ટર ઠક્કરની છાતી એક ઇંચ ‘ને ઊંચાઈ બે ઇંચ વધી ગઈ હોય તેમ લાગ્યુ. એટલે બેલેન્સ જાળવવા કે પછી શરમાઈને મિસ્ટર ઠક્કરે હસીને નીચું જોઈ લીધું. વુડલેન્ડના મોંઘા શુઝ હજી જમીનને અડેલા જ હતા. બાકી મશરૂમ કટ હેર સ્ટાઇલ વાળા, પચાસે માંડ પાંત્રીસના લાગે તેવા મિસિસ વર્માની કોમ્પ્લીમેન્ટ મળતાં ભલભલા હવામાં... મિસ્ટર ઠક્કરે કપાળ પર આવેલા વાળ સરખા કરતા એક-એક ફર્નીચરની આઇટમનો ઇતિહાસ જણાવવાનું શરૂ કર્યું. કોઈપણ સ્ત્રીની જેમ મિસિસ ઠક્કર તેમના પતિની બધી જ હરકતથી સ્વાભાવિક પણે વાકેફ હતા. અત્યાર સુધી એમને કાંઈ અજુગતું નહોતું લાગી રહ્યું. પરંતુ, જેવા તે પેલી કોર્નર ટીપોઈ તરફ વળ્યા કે મિસિસ ઠક્કરને પરસેવો છૂટી ગયો. સડાક કરતા ઉભા થઈને તે તેમની પાસે પહોંચી ગયા. "તમે આઈસ્ક્રીમ લીધો? ભાવ્યો ? બીજી વાર લાવું? તમે લેશો તો મહેમાનો પણ..."
સ્ત્રીઓને પતિનું ધ્યાન બીજે ફેરવી દેવાની આ કલા સહજ હસ્તગત હોય છે. જોકે અનોખી પાસે અત્યારે આ વાતનું ગૌરવ અનુભવવા માટેની ફુરસદ નહોતી. તેણે કોર્નર ટીપોઈ તરફ જોઈ આંખો કાઢી. સારું થયું આ તો મેં એમને વાળી લીધા. બાકી જોઈ ગયા હોત તો...!? અનોખી પાછી ફરી ત્યાં મિસ દેસાઈએ લપ ચાલુ કરી. "આ વખતે તો તમે અને સર બાલી જવાના છો કેમ? એનિવર્સરી સેલીબ્રેટ કરવા... સરનું સ્પિરીટ જોરદાર છે. બાકી, એમના બિઝનેસમાંથી ચાર દિવસ કાઢવા એટલે..."
વર્ષે દહાડે એકાદ ફોરેન ડેસ્ટિનેશન પર જઈને એનિવર્સરી ઉજવવાની. પછી સોશિયલ મીડિયા પર એના ફોટા અપલોડ કરીને સુખી લગ્નજીવનના સમાચાર સ્પ્રેડ કરવાના.આ ગોસિપ પ્રિય પ્રજા આ બધી વાતે માહિર હતી. મિસ્ટર ઠક્કરની આ સેક્રેટરી આમ તો અનોખીને જરાય ગમતી નહોતી. એની વાત માત્રથી માથું ચઢી જતું પણ આજે એનું ધ્યાન એમાં નહોતું. એની નજર રહી રહીને પેલા ખૂણા પર પહોંચી જતી.- આ વળી શું કામ આજે રાત્રે આવી હશે? આમ તો એ બધાં સ્કૂલ, કોલેજ, ઓફિસ જતાં રહે પછી જ આવે છે. આજે પણ ક્યારની ચૂપચાપ જ બેઠી હતી અને એટલે અનોખીએ એને જોઈ ન જોઈ કરી હતી. પણ જે રીતે એટલે દૂર બેઠી એ મરક-મરક હસ્યા કરતી હતી... અનોખીને નવાઈ લાગી કે - શું એને ત્યાંથી અહીંની ગોસીપ સંભળાતી હશે?
 નખ પરની નેઇલ પૉલિશથી માંડીને વાળમાં કરાવેલ હાઈલાઈટના કલર- શેડ સુધી પરફેક્ટ અને લેટેસ્ટ મેકઅપ ટ્રેન્ડની જાહેરાત કરતી મોડલ જેવી મિસ દેસાઈ, જે કારણે મિસ્ટર ઠક્કરને ગમતી હતી, એ જ કારણે મિસિસ ઠક્કરને અકળાવતી હતી. ટૂ પરફેક્ટ ટુ બી અ હ્યુમન!! પણ મિસ દેસાઈને એ વાતનું ક્યાં ભાન હતું! એને તો એ જ વાતનું ગુમાન હતું. અત્યારે પણ વગર માગે તેમની સલાહ ચાલુ થઈ ગઈ હતી. “આ વખતે માત્ર નવી હેર સ્ટાઈલથી ના ચાલે હાં, મિસિસ ઠક્કર. તમારે મેકઓવર કરાવવું જ પડે. તમારા વોર્ડરોબનું કલેક્શન પણ બદલવું પડશે, હોં…!” બગીચાના કોઈ ખૂણેથી આવતી રાતરાણીની માદક સુગંધ કે બાલ્કની ના ખૂણે રેલાઈ રહેલા ચંદ્રપ્રકાશ તરફ અનોખી સિવાય કોઈનું ધ્યાન ન હતું. અને એવું જ કંઈક પેલા ખૂણામાં બેઠેલી આકૃતિ તરફ પણ... ડિનર પછી થતી નકામી વાતોથી આમ તો અનોખી ટેવાઈ ગઈ હતી. પણ આજે એને આ બધાંના જવાની રાહ હતી. કદાચ પેલી ખૂણે બેઠેલી આકૃતિને મળવાની ઉતાવળ...

* * *

શરૂ - શરૂમાં એણે જ્યારે આવવાનું ચાલુ કર્યું હતું ત્યારે અનોખીને રીતસરનો કંટાળો આવતો. એના મોં-માથા વગરના પ્રશ્નોથી એને અકળામણ થતી. ખરેખર? મોં -માથા વગરના પ્રશ્નો? આમ તો અકળાવતા પ્રશ્નો કોઈ ચોક્કસ નિર્દેશવાળા જ હોય એવું નહીં? હા, તો કદાચ ...એના પ્રશ્નોનો નહીં પણ સતત બોલવાની ટેવનો કંટાળો હશે...હા, એ હોઈ શકે. અનોખીને ઘરમાં પથરાયેલી નીરવ શાંતિની ટેવ પડી ગઈ હતી કદાચ...
 એક સમય હતો કે ઘરમાં શાંતિનો ‘શ’ પણ શક્ય નહતો. "મમ્મા, મારા લેપટોપનું ચાર્જર ક્યાં છે? " "મારા યુનિફોર્મના મોજાં? ...” "મારે ઓફિસે જવાનું મોડું થાય છે, ‘ને વોલેટ નથી દેખાતું ક્યાંય..." "નૈવેદ્યમાં મૂકવાનું તુલસીનું પાન..." અને એમ જ ક્યારેક વિક્સની ડબ્બી શોધતાં તો ક્યારેક દહીં મેળવતાં રાત થઈ જતી. થાકના માર્યા આંખો ક્યારે મીંચાઈ જતી એની ખબર જ ન પડતી. પરંતુ હવે મોટો દીકરો આઈ.ટી.માં સરસ રીઝલ્ટ લાવીને મોટું પેકેજ મળતા હૈદરાબાદ જતો રહ્યો હતો. નાનો દીકરો પણ હવે કોલેજમાં આવી ગયો હતો. વડીલો ફોટોફ્રેમમાં મઢાઈ ગયા હતા. સવારનો નાસ્તો, રાતનું ડિનર અને પછી બેડરૂમ. દિવસની ઘટનાઓ ટૂંકી થઈ ગઈ હતી. થાક લાગતો જ નહોતો એટલે ખુલ્લી આંખે રાત લંબાતી જતી હતી. ઘરનો દરેક ખૂણો ચકાચક રાખવાથી માંડીને છાપાનો એકેએક ખૂણો વાંચી લીધા પછી પણ નવરાશ રહેતી. જે ઘર એક સમયે શાંતિ ઝંખતું હતું તે ઘર અત્યારે સંવાદ માટે તરસતું હતું. એકલતા...આખા દિવસની એકલતા. અને એમાં,અચાનક એક દિવસ એ આવીને બેસી ગઈ હતી ડ્રેસિંગ ટેબલ સામે...એની ભોળી આંખોમાં કૌતુક આંજીને, મરક-મરક હોઠ સાથે. અનોખી એને કાંઈ પૂછે તે પહેલાં એણે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. “તમે નાકે ચૂંક કેમ નથી પહેરતાં? વાળ આટલા ટૂંકા કેમ રાખો છો? મને તો લાંબા વાળ ખૂબ ગમે. બાર્બીની ચોટલી જેવા લાં...બા. તમે મને તેલ નાખી આપશો? મારા વાળ હજી લાંબા થાય તેવું? મારે ચોટલો વધારવો છે લાં...બો, તમારે પહેલાં હતો ને એવો.” આને કેવી રીતે ખબર કે પહેલાં મારે લાંબો ચોટલો હતો. આલ્બમ જોઈ ગઈ લાગે છે. “હા, તમારા આલ્બમમાં...!?” અરે..! આ તો મન પણ વાંચે છે “કોણ છે તું? નામ શું છે તારું?” અને એ ફૂલની જેમ ખીલી ઉઠી હતી. “હું ?!…હું ઝમકુ…! તમે ના ઓળખી મને?” એ ચમકીલી આંખોમાં રહેલું ભોળપણ કે પછી એ નામ... અનોખીને કોઈ જુદા જ વિશ્વમાં લઈ ગયું હતું. અનોખી એને કાઢી મૂકી શકી નહોતી. પછી તો, એ રોજ આવતી. અનોખી કિચનમાં હોય તો પ્લેટફોર્મ પર બેસીને એની જોડે તડાકા મારતી. બપોરે ઘડીક આડી પડી હોય તો ઓશીકા આગળ આવીને પલાંઠી વાળીને બેસી જતી. એની વાતોના વિષય કદી પૂરા ન થતા. "છી...આ શેની સ્મેલ આવે છે. અરર...રીંગણાંનું શાક ? મને તો રીંગણા જરાય ન ભાવે. તમને કેવી રીતે ભાવે છે?" "એ તો તું મોટી થઈને પરણીશ એટલે, બધું ખાતી થઈ જઈશ. ભાવતું અને ન ભાવતું." અનોખીને પોતાને પણ રીંગણા ક્યાં ભાવતાં! લગ્ન પહેલાં કદી ચાખ્યાં પણ ન હતા. ખબર નહીં કેમ આ છોકરી એની દુખતી નસ પકડી લેતી અને એનું પડી ગયેલું મોં જોઈને વાત બદલી નાંખતી. "ઉઁહુક...હું તો પછી પણ નહીં ખાઉ. રીંગણા ખાઈએ તો કાળા થઈ જવાય!"
અનોખી ખડખડાટ હસી પડતી. ખબર નહીં છેલ્લે ક્યારે આવું હસી હશે!? "તમે આવું ખુલીને હસો ત્યારે બહુ સરસ લાગો છો. પેલું પાર્ટીમાં જેવું હસતાં હતાં તેવું નહીં, હોં!" "સારા ઘરની સ્ત્રી હસે બોલે એમાં જ એની સભ્યતા દેખાઈ જાય. આમ દાંત કાઢીને કોઈ હસે તો સમજી લેવું કે એની માએ એને સંસ્કાર..." ભૂતકાળમાં બોલાયેલા શબ્દો અનોખીને આજે પણ એવી જ ધાર સાથે મનના કોઈ ખૂણામાંથી નીકળી આવીને વાગ્યા. સગાઈનું આલ્બમ જોતી વખતે મરાયેલો ટોણો અનોખીનું હાસ્ય કાયમ માટે છીનવી ગયો હતો. એ બંધ હોઠ સાથે હસતાં શીખી ગઈ હતી... ખોટી મા વગોવાય! પણ સભ્યતા અને સંસ્કારનું લિસ્ટ ત્યાં થોડું પૂરું થતું હતું? અનોખીએ ઊંડો શ્વાસ લીધો અને ઝમકુએ વાત બદલી નાંખી. “ચલો, મને આજે કોઈ નવી રીતે ચોટલો ગૂંથી આપો.” સ્કૂલમાં જતી વેળા મા અનોખીના લાંબા ચોટલા રીબીન નાખીને ગુંથી આપતી. દર રવિવારે સવારે અરીઠાથી માથું ધોઈ આપતી. વાળ સુકાય ત્યાં સુધી માથે રિબિનનું ફૂમતું બાંધી એને છુટ્ટા વાળ રાખવા દેતી. અનોખી અરીસા સામે ઊભી રહીને પોતાના છૂટા વાળવાળા ચહેરાને જોઈ રહેતી. માથે બાંધેલું રિબિનનું ફૂમતું જાણે તાજ બની જતું અને અનોખી બની જતી એના કલ્પના પ્રદેશની રાજકુમારી. રાપુન્ઝલના જાદુઈ રૂપેરી વાળની વાર્તા વાંચી ત્યારે એને લાગ્યું કે એ તો પોતે જ... મધ્યમ વર્ગની સાદગી સાથે ઉછરેલી અનોખીને એના રેશમી કાળા, ઘટાદાર વાળ એના ક્રાઉન જેવા લાગતા. આ જાદુઈ વાળને લીધે તે અડધા દિવસ માટે રાજકુમારી બની જતી. એકલી હોય ત્યારે એના ઘરની બારીમાં ઊભી રહી ને ચોટલો લંબાવી જોતી ...કદાચ ક્યારેક નીચે કોઈ રાજકુમાર... પણ પછી બોર્ડમાં થોડાક માટે સેન્ટર ફર્સ્ટ બનવાનું ચૂકી ત્યારે બાપુજીએ નારાજગી બતાવતા ભણવા પર ધ્યાન આપવાનું કહ્યું. સાથે એના વાળનો વાંક પણ નીકળ્યો “આ કેશ કલાપમાંથી બહાર આવો. આજે જ વાળ કપાવી આવો.” અનોખીએ મા સામું જોયું પણ એ ચૂપ હતી. બાપુજીના વટહુકમ આગળ માનું કાંઈ ચાલે એમ નહોતું. અનોખીએ અરીસામાં એ દિવસે છેલ્લીવાર રાજકુમારી સામું જોયું હતું. કલાકમાં તો રાપુન્ઝલનો જાદુઈ ચોટલો માના હાથમાં હતો! ગ્રેજ્યુએશનના રીઝલ્ટમાં પોતાનું કૌવત સાબિત કર્યા પછી અનોખીના વાળ કપાવવાના બંધ થયા હતા. મૂળ તો, બાએ ખાનગીમાં બાપુજીને ટોક્યા હતા. હવે તો છોકરી મોટી થઈ. એના માંગા આવવા લાગ્યા છે. બહુ મોર્ડન દેખાય એ સારું નહીં. અને સાચે જ જ્ઞાતિના કોઈ પ્રસંગમાં એના ભાવિ સાસુની નજરે અનોખી...કે અનોખીનો ચોટલો ચડ્યો. ચોટલો? ના રે ના. સાદગી, શિસ્ત, જુનવાણી વિચારધારાને અનુકૂળ થઈને રહેવાની જાહેરાત. જો કે, એને એ સમજાતાં થોડો સમય લાગ્યો હતો. "વાળ બાંધીને રાખો. ઘરમાં જ્યાં ત્યાં વાળ આવે છે પગમાં." વાત સાચી. અહીંયા કોણ અરીઠા પલાળે? અહીંયા કોણ ઘરે બનાવેલું તેલ નાખી આપે? એટલે વાળ ખૂબ ખરતા. અનોખી રવિવારે પણ ભીના વાળ બાંધી રાખતી. એમાં એક દિવસ રસોઈમાં વાળ આવ્યો અને સસરાજી થાળી મૂકી ઊભા થઈ ગયા. અનોખી ખૂબ ભોંઠી પડી. આમ પણ, અખિલેશને તો લાંબા વાળ ગમતા જ નહોતા. અનોખી મન મજબૂત કરીને બ્યુટી પાર્લરમાં પહોંચી ગઈ. બ્યુટી પાર્લરવાળી બાઈ પણ ચાંપલી! તે આગમાં ઘી હોમતા પૂછ્યું , “આટલા સરસ વાળ કપાવી દેશો?” અનોખીને તાકડે સૂઝી આવ્યું. હા, કેન્સર પેશન્ટને ડોનેટ કરવા છે. એણે ક્યાંક જાહેરાત વાંચી હતી, ગરીબ કેન્સર પેશન્ટના વાળ માટે વીગ બનાવતા એન.જી.ઓ.ની...બસ એનું મન મનાવવા આ કારણ પુરતું હતું. એના વાળ કો’ કને જીવવાનું બળ આપશે... એ તો રાપુન્ઝલના વાળનો જાદુ જ કે? એ પછી તો નિયમિત હેર કટ થતી રહેતી. નવી અનેરી પોતે, ભૂલી ગઈ હતી પોતાની એ જૂની જાતને. અખિલેશ સાથેના ઇન્ટરવ્યૂમાં ગમતા રંગ, એક્ટર, સિંગર, હોબી વગેરેની વાત થઈ હતી. પણ પંદર મિનિટના ઇન્ટરવ્યૂમાં કોઈને કેટલું જાણી શકાય !? અખિલેશ મોર્ડન હતો. એના પિતાજીની જેમ જુનવાણી નહતો. એટલું એને એ પંદર મિનિટમાં સમજાઈ ગયું હતું. બાપુજીને અખિલેશની ડિગ્રી દેખાઈ હતી. સાસુમાને ચોટલામાં પોતાનું અનુશાસન ટકી રહેવાનો અણસાર. માને સુખી ઘર દેખાયું હતું. શિસ્તથી થાકેલી અનોખીને અખિલેશમાં ખુલ્લુ આકાશ દેખાયું હતું.અખિલેશ સાથે જીવવા મળશે. એટલે કે મુક્ત આકાશમાં ઉડવા મળશે એવું માનતી અનોખીને નહોતી ખબર કે દરેક આકાશના પોતાના મિજાજ હોય છે. રીત રિવાજ હોય છે. સગાઈ પછી તરત જ અખિલેશે વાત વાતમાં એની ચોઈસ જણાવી હતી. એને આધુનિક દેખાવવાળી છોકરીઓ ગમતી. એની કલ્પનાની ફ્રેમમાં બેસવા માટે અનોખીએ પહેરવેશ પણ બદલી દીધો. પણ એ તો ફ્રેમમાં બેસવાનું માત્ર પહેલું પગથિયું હતું. આજે પચીસ વર્ષ પછી પણ ફ્રેમમાં બેસવાની મથામણ ક્યાં પૂરી થઈ શકી હતી!? સુખી સંસારની સાબિતી તરીકે દરેક ઘરમાં સજાવાતા, ફ્રેમમાં મઢેલા હસતા ચહેરાવાળો એક ફોટો અનોખીના મુંબઈના નવા એકદંડિયા મહેલ... સોરી હાઈ રાઈઝ ફ્લેટની દિવાલે પણ લાગેલો હતો. અનોખી માપનું હસવાનું, માપનું બોલવાનું, માપનું રાંધવાનું, વગેરેમાં પારંગત થઈ ગઈ હતી. ઘરમાં પરંપરાગત ઢબે રહેતા સાસુમાએ શીખવી દીધું હતું. બહારની દુનિયાની એલિટ લાઇફ સ્ટાઇલ અખિલેશે શીખવી દીધી હતી. બ્રાન્ડેડ કપડાં પહેરીને લેટેસ્ટ લુક સાથે પેજ થ્રી પાર્ટીઝ અટેન્ડ કરતી અનોખીની લોકોને ઈર્ષા થતી. થાય જ ને... જન્મદિવસે મોંઘી ભેટ,એનિવર્સરી પર ફાઇવ સ્ટાર હોટેલમાં કેન્ડલ-લાઈટ ડિનર, દર વેકેશનમાં કોઈ ફોરેન ડેસ્ટિનેશન... ઘરની બહાર પણ ગાડીમાં જ જવાનું. કહો કે અનોખીના પગ જ ધરતી પર નહોતા પડતા. ક્યાં કશું ખૂટતું જ હતું!? એનું સુખ ગણાવતી માને અનોખી કહી નહોતી શકી કે જમીન સાથેનું જોડાણ જ ખૂટતું હતું. પ્રેમથી માથામાં હાથ ફેરવતી માનો સ્પર્શ ખૂટતો હતો . ઈશ્વરે પોતાને અલાયદો આપેલો જાદુઈ વાળનો તાજ ખૂટતો હતો. ના ગમતી ગિફટ સ્વીકારી, હસતા મોઢે થેન્ક યુ કહેવું, મેકઅપના લેટેસ્ટ શેડના લપેડા કરી, મોર્ડન સ્ટાઈલના કપડા પહેરી અરીસામાં પોતાના સાવ અજાણ્યા પ્રતિબિંબને જોવું કે ના ભાવતું રીંગણાંનું શાક ખાવું... એ બધું દુખમાં થોડું ગણાય!? બજારના ખૂણે ઊભી રહેતી પાણીપુરીની લારી પરથી મન ભરીને પાણીપુરી ખાવી, દાંત સંતાડ્યા વિના ખડખડાટ હસવું, શબ્દોને તોળ્યા વગર બોલવું, અને એવું તો કંઈ કેટલુંય પિયરથી આવેલા કાટ ખવાઈ ગયેલા પટારામાં પુરાઈ ગયું હતું અને અનોખી પોતે એકદંડિયા મહેલમાં...
 જોકે અનોખી ટેવાઈ ગઈ હતી. ગમતા અણગમતા વચ્ચેની ભેદ રેખા ભૂંસાઈ ગઈ હતી.અનોખી પણ પોતાની જાતને સુખી માનવા લાગી હતી. ત્યાં જ આ નાનકડી છોકરી કોઈ અજાણી દુનિયામાંથી આવી ચઢેલી અને એની ગેબી ચાવીથી પેલો પટારો ખોલી નાખ્યો હતો. એ બોલે જતી- ભાન વગર. ખડખડાટ હસતી- માપ વગર. વારેવારે એની લટોમાં હાથ ફેરવતી , અનોખીની દુઃખતી રગ દબાવ્યા કરતી અને તોય,અનોખીને એ વ્હાલી લાગતી. અનોખી એને લાડ લડાવતી. પરીઓની વાર્તાઓ સંભળાવતી.

* * *

અને હવે આજે એને રાપુન્ઝલની વાર્તા સાંભળવી છે. એના હાથમાં સોનેરી વાળવાળી બાર્બીની ચોટલી રમાડતી, જીદ પકડીને બેઠી છે. કાલે ન કહી તો આજે ધરાર બધા વચ્ચે આવી બેઠી છે. અનોખી કેટલાય દિવસથી આ વાર્તાને ટાળીને સિન્ડ્રેલા, સ્લીપિંગ બ્યુટી, સ્નો વ્હાઇટની વાર્તા સંભળાવી ચૂકી હતી. અનોખીએ બીજે દિવસે બપોરે એ વાત કહેવાનું વચન આપ્યું અને પાર્ટી પછીનું રમખાણ સમેટવામાં પડી. એ તો વળી બીજા દિવસની બપોરે હાજર. હાથમાં એની બાર્બી સાથે હીંચકે ઝુલતી રાપૂન્ઝલનું રટણ લઈને બેઠી. આજે બીજો કોઈ ઉપાય નથી એ જોઈને અંતે એણે રાપૂન્ઝલની વાર્તા માંડી. રાજા, રાણી, રાજકુમારીનો જન્મ, મઝાના લાંબા સોનેરી વાળ, દાસી દ્વારા રાજકુમારીનું અપહરણ થઈ જવું, જાદુગરણી દ્વારા એકદંડિયા મહેલમાં પુરાઈ રહેવું, અજાણ્યા ઘોડેસવારનું આવવું, લાંબો ચોટલો લટકાવી એને એક દંડિયા મહેલમાં બોલાવતી રાજકુમારીનું ઘોડેસવાર દ્વારા બહારની દુનિયા વિશે, પોતાના સાચા માતા પિતા વિશે જાણવું, એની સાથે ભાગવું, જાદુગરણીનું પાછળ પડવું , એના વાળની જાદુઈ શક્તિ વિશે જાણવું અને રાપૂન્ઝલનું પોતાના વાળને જાતે જ કાપી દેવું...ન રહેગા બાંસ ન બજેગી બાસુરી... વાર્તા કહેતાં અનોખી અટકી. ના... એના ગળામાં કઈ અટક્યું. એ અટકેલું કશું થોડીવારે એની આંખમાં ઉભરાઈ આવ્યું. ધૂંધળી આંખ સામે તરવરી ઊઠ્યો એક તરુણ ચહેરો, એના હાથમાં ગુલાબ હતું, અનોખીના ચહેરા પર આક્રોશ.- અરે આ હું થોડો ‘તમને’ આપવા આવ્યો છું, એ તો તમારા સુંદર વાળ માટે... બીજી ક્ષણે બાપુજીનો આકરો ચહેરો દેખાયો. કંઈક સમજવા મથતી અનોખીની આંખો સામેથી બાપુજીની જગ્યાએ હવે અખિલેશ દેખાયો, જેના હાથમાં…ગુલાબ નહીં વીંટી હતી સગાઈની... એની બાજુમાં પણ એક આકરો ચહેરો ઉભો હતો. અનોખી મૂંઝાઈ... આમાં મારો રાજકુમાર કોણ? અને જાદુગર કોણ? મારા વાળનો લાભ લઈને કોણ…? ના… હું એવું નહીં થવા દઉં. અનોખીની નજર કાતર શોધવા લાગી ત્યાં જ સામે સફેદ વસ્ત્રોમાં સજજ ડોક્ટર દેખાયા જેના હાથમાં પણ કંઈક કાતર જેવું જ સાધન... ડોક્ટરે એની આંખમાં આંખ મેળવી પૂછ્યું: “આ ગર્ભપાત તમારી સંમતિથી જ ને?” અનોખીને સાસુનું હોઠ ભીડેલું ભારે મોં દેખાયું. ન્યૂઝ જોઈને શાહરૂખની બે દીકરાની ઈચ્છાને ‘જસ્ટિફાય’ કરતો અખિલેશ દેખાયો. અનોખીએ ડૉક્ટર સામેથી પોતાની નજર ફેરવી. એની નજર વ્હાઇટ-વોશ કરેલી દીવાલ સામે ભટકાઈ. “હા... હા..મારે દીકરી નથી જોઈતી...હા, મારે બીજી રાપુન્ઝલ નથી જોઈતી” - ન રહેગા બાંસ ... અનોખીની નજર સામે સફેદ ધબ્બામાં એક લાલ ટપકું વિસ્તરીને ખાબોચિયું બની ગયું. અનોખીએ એ દૃશ્યથી બચવા આંખો મીંચી દીધી કે પછી… સાંજે ઓફિસેથી પાછો ફરેલ અખિલેશ ચોંકી ગયો, હીંચકા પાસે બેહોશ પડેલી અનોખીને જોઈ. એના મોં પર પાણી છાંટ્યું. એને હલબલાવી. અનેરીનાં પોપચાં હલ્યા…હોઠ ફફડ્યા…મને માફ કર ઝમકુ…હું…તને…બોલતાં એણે આંખો ખોલી. અખિલેશને કાંઈ ન સમજાયું… “શેની માફી? કોણ ઝમકુ?” કંઈક યાદ આવતાં અનોખીએ હીંચકા સામું જોયું. ત્યાં કોઈ નહોતું. માત્ર બાર્બી પડેલી અને એની બાજુમાં એની કપાયેલી ચોટલીના વાળ...અનોખી રઘવાઈ થઈ, બાલ્કની બાજુ ધસી ગઈ. ઝમકુ નીચે હોય તો ચોટલો લંબાવી એને...પણ અનોખી પાસે ચોટલો નહોતો અને નીચે…

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

વાર્તાકારે અનોખીની વ્યથાને રાપુન્ઝલના કથાનક સાથે જોડી, એથી વાત જીવનની હોવા છતાં, સાહિત્યિક બની ગઈ, કેમકે વિષયવસ્તુનું રૂપાન્તર થઈ ગયું. નહિતર, સંભવ છે કે વાર્તા દામ્પત્યમાં સ્ત્રીના શોષણની એક સામાન્ય રચના બની ગઈ હોત. વાર્તાના વસ્તુને સીધેસીધું સ્થૂળ સ્વરૂપમાં મૂકી દેવાને બદલે એને સાહિત્યગુણથી રસી લેવા માટેની જિજ્ઞાની આ પસંદગી નૉંધપાત્ર છે. કથાતન્તુઓની ગૂંથણી આ રચનાનો વિશેષ છે. અનોખી કુંવારી હતી એ ગતકાલીન સહજ જીવન અને હવે પરિણીતા છે એ વર્તમાનનું કૃત્રિમ જીવન - બન્ને વચ્ચેની વિષમતા એની વ્યથાનું કારણ છે. એ જ એની એકલતાનું ય કારણ છે. વાર્તાકારે એ બન્ને અવસ્થાઓના પોતાને દેખાયા એ બધા જ તન્તુઓ જોડીને વિષયવસ્તુનો પાક્કો હિસાબ આપી દીધો છે. એથી રચના જરૂરતથી થોડી વધારે ‘ટાઇટ’ લાગે છે. તેમછતાં, એ ગૂંથણી વર્ણન અને આલેખનની ભાતમાં હોવાથી સહ્ય બની છે, કેમકે એથી પણ વસ્તુની સ્થૂળતા ઑગળી ગઈ છે. ટૂંકીવાર્તાકારની વર્ણન અને આલેખનની સમજદારી, લાઘવનો કસબ, હમેશાં ઉપકારક નીવડે. ટૂંકાં વર્ણનો સ્થળસમય દર્શાવે, ટૂંકાં આલેખનો બધું તાદૃશ કરી આપે. આ રચનામાં એ કસબ જોઈ શકાય છે. દાખલા તરીકે, પ્રારમ્ભનું મિસ્ટર ઠક્કરને ત્યાંની પાર્ટીનું આલેખન. દાખલા તરીકે, ઝમકુને રાપુન્ઝલનું પૂરેપૂરું કથાનક કહેવા બેસે તો વાર્તામાં ઝોલ પડી જાય, ત્યાં માત્ર ટુકડાઓનું કથન કરીને રચનાને સાચવી લીધી છે, એ. રચનામાં, આ નિરૂપણો નૉંધપાત્ર કહેવાય, એથી વાર્તાકારની સર્જકતાનો પરિચય મળે છે. એમાં પણ દૃશ્યો અને પાત્રોની વ્યક્તિતા સૂક્ષ્મતાના ગુણે રસાઈ છે: (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- મિસ્ટર ઠક્કરની ‘આંખમાં વધી ગયેલી ચમક’ ચશ્માંની આરપાર દેખાતી હતી. -- બગીચાના કોઈ ખૂણેથી આવતી રાતરાણીની માદક સુગંધ કે ‘બાલ્કનીના ખૂણે રેલાઈ રહેલા ચંદ્રપ્રકાશ તરફ’ અનોખી સિવાય કોઈનું ધ્યાન ન હતું . -- થાક લાગતો જ નહોતો એટલે ‘ખુલ્લી આંખે’ રાત લંબાતી જતી હતી. -- આને કેવી રીતે ખબર કે પહેલાં મારે લાંબો ચોટલો હતો. આલ્બમ જોઈ ગઈ લાગે છે. “હા, તમારા આલ્બમમાં...!?” અરે..! આ તો ‘મન’ પણ વાંચે છે! “કોણ છે તું? નામ શું છે તારું?” અને એ ‘ફૂલની જેમ’ ખીલી ઊઠી હતી". -- એ ‘બંધ હોઠ સાથે’ હસતાં શીખી ગઈ હતી... -- એની નજર વ્હાઇટ-વોશ કરેલી દીવાલ સામે ‘ભટકાઈ’. વગેરે. વાર્તા સર્વજ્ઞ કથનકન્દ્રથી કહેવાઈ છે. તેમછતાં, કથકના અને અનોખીના અવાજમાં ઝાઝું અન્તર નથી. આ વાર્તા પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી કહેવાય તો સંભવ છે કે વધુ પ્રભાવક લાગે. રાપુન્ઝલ આમ તો લોકકથાઓમાં પ્રયોજાતું m0tif છે. દસમી સદીના પર્સિયન "શાહનામા"માં એક નાયિકા પ્રેમીને પોતાની સન્નિકટ પ્હૉંચવા પોતાનો ચોટલો લંબાવે છે. ભારતીય લોકકથાઓમાં પણ પ્રેમી સર્પ જેવા સર્પને પકડીને પ્રેમિકા પાસે પ્હૉંચી ગયો હોય છે. ગ્રીમ બ્રધર્સના Children’s and Household Tales સંગ્રહમાં રાપુન્ઝલના કથાનકનો સમાવેશ થયો છે. એમાં નાયકે પત્નીની વૅણપીડાના ઇલાજ માટે સોનેરી વાળવાળી રાપુન્ઝલની ચોરી કરેલી. આમ રાપુન્ઝલ, સંકટમાં સહાયનું પ્રતીક છે. વાર્તાકારે એનો એ જ હેતુથી પોતાની વાર્તામાં વિનિયોગ કર્યો છે. ભારતીય પારિવારિક પરમ્પરામાં છોકરીઓ ચોટલો રાખે એનો મહિમા હતો, હવે ન રાખે એનો છે. અહીં ચોટલાનો એ રૂઢ મહિમા બન્ને પરિવારને નિયન્ત્રણમાં લે છે, પણ એનો ભોગ બની છે, અનોખી.

= = =