સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અખો

અખો

[અખાની વાણી જુસ્સાદાર, ચોટવાળી અને સીધી છે. સમાજમાં ધર્મને નામે જે વહેમ, ખોટા આચાર અને દંભ ચાલતા હોય છે તેની ઉપર એ કડકમાં કડક પ્રહાર કરે છે. કોઈ વાર એ સીધી ટીકા કરે છે, તો કોઈ વાર હસી કાઢે છે. બહુ જ ટૂંકામાં મર્માળી વાણીમાં એ આપણા મનને અસર કરે છે. આમાં એને કહેવતો, ઉખાણાં, દાખલા, વગેરે બહુ કામ આવે છે. ઘરગથ્થુ દૃષ્ટાંતો લઈને એ આપણી આગળ હસવા જેવાં ચિત્ર ખડાં કરે છે અને એ રીતે સામા પક્ષને ઉતારી પાડે છે. ૧. ખેડે– ક્ષેત્રમાં. સં. ‘ખેટક’ શબ્દ લઈએ તો ગામમાં. ૬. બોખ – ડોલ. ૧૦. વ્યાસ પણ વેશ્યા જેવો જ છે. પોતાની વિદ્યા દ્વારા કમાણી કરવા ઇચ્છે છે. ૧૪. ભૂતકાળમાં જે મોટાં સ્ત્રીપુરુષો થઈ ગયાં તેમની મયા (કૃપા) વાંછે છે, એટલે કે તેમનાં ચરિત્ર ગાઈ રોટલો રળવા માગે છે, મનમાં બોધ ઉતારવા માગતો નથી. ૨૦. નાનપણમાં બાળકને જન્મ આપે તો પછી (‘વળતી’) સારી રીતે એના શરીરનો બાંધો વિકાસ પામે નહિ. ૨૯. ગ્રહો પોતે જ પરાધીન છે અને પીડાય છે, એમનાથી ડરવું શા માટે? ૩૭. એવી — તીરથમાં પ્રભુની સ્થાપના કરવાની – બુદ્ધિ. ૩૯. જેને સંસારની લાલસા-રૂપી ઝેર લાગ્યું નથી તે જ જીવતો છે. બીજા જીવતા પણ મૂએલા છે. એમને લીધે જ, જે ગણવી હોય તો, આભડછેટ થાય છે એમ કહેવાય, પણ તે તો બીજાઓની - અંત્યજોની બાબતમાં આભડછેટ જુએ છે. પોતાની અંદર છે તે જોતા નથી. ૪૪. માણસ અવગત થાય છે એમ જે વહેમ છે તેની સામે સચોટ પ્રહાર છે. ૪૫. ખટ-છ. દર્શન -ધર્મ સમજવાના માર્ગો.]

જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધેઅંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા.
ઘેંસ ન થાય, ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.
આંધળો સસરો ને સણગટ વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
કહ્યું કાંઈ ને સમજ્યાં કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ૫
ઊંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
શબ્દજાળ માયાનું કૂડ, ત્યાં નરપશુ પડે મતિમૂઢ;
શણગારી વાણી સૌ ગાય, ત્યાં મોહ્યા જીવ સાંભળવા જાય;
અખા શું વાંચ્યું, સમજ્યો કશું? જેમ આંખનું કાજળ ગાલે ઘસ્યું.
વ્યાસવેશ્યાની એક જ પેર, વિદ્યાબેટી ઉછેરી ઘેર; ૧૦
વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરું જડે.
જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે પોતાને ઘેર?
ગુરુ થઈ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે;
ભૂતકાળમાં જે થઈ ગયા, તેની મનમાં ઇચ્છે મયા.
અખા વહેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાંની કથા?
દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વાધ્યું શેર;
ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય.
ગુરુ થઈ બેઠો હોંસે કરી, કંઠે પહાણ શકે ક્યમ તરી?
જ્યમ નાર નાનડી હવું પ્રસૂત, વળતી વાધે નહિ અદ્ભુત. ૨૦
શિષ્યને ભારે ભારે રહ્યો, અખા તે મૂળગેથો ગયો.
પોતે હરિ નહિ જાણે લેશ, કાઢી બેઠો ગુરુનો વેષ;
સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી ચાલ્યો ઘેર આપ.
એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવ પાર?
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામેસામાં બેઠાં ઘૂડ; ૨૫
કોઈ આવી વાતસૂરજની કરે, તે આગળ લઈ ચાંચ જ ધરેઃ
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પહાણ.
હરિજનને ગ્રહ કહો શું કરે, જે ગ્રહ બાપડા પરવશ ફરે?
રવિ ભમંતો, શશીનો ખે, રાહુ તો ધડવોણો વહે; ૩૦
કાણો શુક્ર ને લૂલો શનિ, બૃહસ્પતિએ સ્ત્રી ખોઈ આપણી.
ગ્રહે નહિ ગ્રહ, હરિ મુજ રદે, અખા દીન વચન કોણ વદે?
પોતાનાં પડખાં નવ જુએ, હાડચામડાં મૂરખ ધુએ;
શુદ્ધ કેમ થાય જો ચામડું, મોટું માંહે એ વાંકડું;
હરિ જાણ્યા વિના ભૂલા ભમે, અખા પાર ન પામે ક્યમે. ૩૫
તું તીરથ કાં સામું જુએ? કાં પોતાને પ્રતિબિંબે રુએ?
એવી બુધ જેણે આદરી, તેણે આપથી બીજો કીધો હરિ.
તું કલ્પદ્રુમ કાં કલ્પી રમે, અખા એમ પ્રીછે અર્થ શમે.
નિર્વિષપણું તે સજીવનદશા, વિકારસહિત તે મુડદા જશા;
મુડદાંની આભડછેટ ઘણી, તે આભડછેટ કોઈએ નવ ગણી; ૪૦
અળગી આભડછેટ જોવા જાય, પોતાની આભડછેટ પ્રલય ન થાય.
બાળકપે ઘરડો તે શૂન્ય, સત્ય માન્યું સમણાનું ધન;
બાળક રમતને માને ફોક, ઘરડો સત્ય માને હર્ષશોક.
પશુ મૂઓ કો ભૂત ન થાય, માણસ અખા અવગત કહેવાય.
ખટ દર્શનના જૂજવા મતા, માંહોમાંહીં ખાધા ખતા; ૪૫
એકનું થાપ્યું બીજા હણે, અન્યથી આપને અદકો ગણે.
અખા એ જ અંધારો કૂવો, ઝઘડો ભાંગી કોઈ ન મૂઓ.
અગમપંથમાં મોટો ભલ્લ, ચાલી શકે કોય એકલમલ્લ;
સામો મળે ન વાંકો જાય, નિજ બળ બળિયો ત્યાં ઠેરાય.
બાકી અખા હોંકારા કરે, ભૂમિ વિના પગ કોઈક ધરે. ૫૦

સ્વાધ્યાય

૧. અખો કથા કરનાર અને સાંભળનાર વિષે શો અભિપ્રાય ધરાવે છે?
૨. મોટાઓ અને ગુરુઓ વિરુદ્ધ એણે શા પ્રહાર કર્યાં છે?
૩. તીર્થસ્થાન, ગ્રહો અને ભૂતપ્રેતમાં ન માનવા માટે એ શી દલીલ કરે છે?
૪. અખાની કવિતામાં કહેવતોનો ઉપયોગ બહુ હોય છે. એ કહેવતો જુદી તારવી કાઢી સાબિત કરો.