સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ઋતુપર્ણનો ‘વરઘોડો’

૧. ઋતુપર્ણનો ‘વરઘોડો’

સુદેવ સભામાં આવિયો જ્યાં બેઠો છે ઋતુપર્ણ;
કરમાંહે આપી કંકોતરી, ઉપર લખ્યું નિમંત્રણ.
પ્રીત વિશેષે પત્ર લીધું, કીધું અવિલોકન;
સ્વસ્તિ શ્રી અયોધ્યાપુરી, ઋતુપર્ણ રાય પાવન.
વિદર્ભ દેશથી લખિતંગ ભીમક, ‘નળે દમયંતી પરહરી; ૫
એને દેવનું વરદાન છે માટે, સ્વયંવર કીજે ફરી.
પૃથ્વીના ભૂપતિ આવશે, તમો આવજો ખપ કરી;
સૂરજવંશીને વરવો નિશ્ચે, કુંવરીએ ઇચ્છા ધરી.’
ભૂપતિ આનંદે ભર્યો, સભામાંહે એમ ભાખે;’
‘ભાઈ વેદવાણી, દમયંતી કોને નહીં વરે મુજ પાખે.’ ૧૦
અધર ડસે, કર ઘસે, વિપ્ર ઉપર આંખ કહાડે;
‘નોતરિયો નિર્માલ્ય દીસે, આવ્યો લગ્નને દહાડે.’
સુદેવ કહે, ‘હું ક્યમ કરું, વેગળું તમારું ગામ;
શત ઠામ થાતાં આવવું, કંકોતરીનું કામ.’
ધાઈ ગયા સવ ભૂપ જે, પ્રથમ-રૂપના પળકા; ૧૫
ઋતુપર્ણ આસનથી ઊઠે બેસે, થાય પરણવાના સળકા.
આહા ગઈ દમયંતી હાથથી, કંકોતરી આવી મોડી;
એક નિશાનો આંતરો હોત તો, જાત જેમ તેમ દોડી.
ત્રાહે ત્રાહે બોલે મસ્તક ડોલે, નિસાસા મૂકે ઊંડા;
વૈદર્ભી વરતાં વેર વાળ્યું, અરે બ્રાહ્મણ ભૂંડા. ૨૦
સાંઢ તો સાંપડી નહીં, નહીં પવનવેગી ઘોડા;
કંસાર દમયંતીના કરનો, નહીં જમે આ મોઢાં.
સભામાં બેઠો નિરાશ થઈ, પ્રધાન બોલ્યો વચન;
‘પેલો બાહુકિયો શે અર્થ આવશે, બેઠો વણસાડે અન.’
ઋતુપર્ણ આનંદ પામ્યો, મોકલ્યો સેવક; ૨૫
‘લાવ તેડી બાહુકિયાને, જે જાણે ગયાની તક.’
શ્વાસ ભરાયો દાસ આવ્યો, અશ્વપાલકની પાસઃ
‘ઊઠો ભાઈ ભૂપ તેડે છે, ગ્રહો પરોણો રાસ.’
બાહુક ચાલ્યો, ચાબક ઝાલ્યો, મુખે તે બડબડતો;
આવ્યો નીચી નાડે નરખતો, નાકે તે સરડકાં ભરતો. ૩૦
સભા મધ્યે સર્વ હસ્યા, આ રત્ન રથખેડણ!
ઋતુપર્ણ બોલ્યો માન દેઈ, ‘આવો દુઃખફેડણ.
ઘણે દિવસે કારજ પડ્યું છે, રાખો અમારી લાજ;
તમો પરણાવો વૈદર્ભીને, વિદ્રભા જાવું આજ.
સમુદ્ર સેવ્યો રત્ન આપે, મેં સેવ્યા એમ જાણી; ૩૫
આજ વિદરભા લઈ જાઓ, ગ્રહું દમયંતીનો પાણિ.’
બાહુક વળતો બોલિયો, ફુલાવીને નાસા;
‘આ ભિયા પરણશે દમયંતીને, અરે પાપિણી આશા!
હંસકન્યા કેમ કરે વાયસસું સંકેત;
નિર્લજ્જની સાથે અમે આવું, તો પછે થાઉં ફજેત. ૪૦
છછોરા ન થઈએ રાયજી, પરપત્નીસું તલખાં;
કેમ વરે વર જીવતે, તો મિથ્યા મારવાં વલખાં.
પુણ્યશ્લોકની પ્રેમદા ને, ભીમકરાજકુમારી;
તમો વિષયીને લજ્જા શાની, થાય ફજેતી મારી.’
રાય કહે, ‘હયપતિ, મારી વતી હયને હાંકો; ૪૫
મારે તો સર્વસ્વ ગયું રે, તમો જે વારે ના કહો.’
બાહુક વળતો બોલિયો, ‘જ્યાં હોયે સ્વયંવર;
અંતર નહીં સેવક સ્વામીમાં, આપણ બન્યો વર.’
હાસ્ય કરીને કહે રાય, ‘વર તમો પ્રથમ;
ભાગ્ય ભડશે, કન્યા જડશે, ત્યાં જઈએ જ્યમત્યમ.’ ૫૦
દૂબળા ઘોડા ચાર જોડ્યા, રથ કર્યો સાવધાન;
શીઘ્રે ત્યાં શણગાર સજવા, સાંચર્યો રાજાન.
રાણી કહે ઋતુપર્ણને, ‘પરહરી હું પર પ્રેમ;
ક્ષત્રી થઈને કરો ઘઘરણું, નવ હોયે અંતે ક્ષેમ.
પતિએ તજી તે અણછતી, કાંઈ એક ગોરી ગૂધ; ૫૫
બાહુક વડે પરણવી રાય, થયું ઊજળું દૂધ.
સૂરજવંશ તણી એ શોભા, તમથી ઝાંખી હોય.’
રીસ ચડી ઋતુપર્ણને, પછી ધણિયાણીને ધોયઃ
‘અમો ભ્રમર કોટિ કુસુમ સેવું, તું શું ચલાવીશ ચાલ;
વીજળી સરખી લાવું વૈદરભી, કરું શોકનું સાલ.’ ૬૦
એમ કહી સભામાં આવ્યો, દુંદુભિ રહ્યાં છે ગાજી;
રીસ કરી કહ્યું બાહુકને, ‘કાં જોડ્યા દુર્બળ વાજી?’
કરણ લૂલા ને ચરણ રાંટા, બગાઈ બહુ ગણગણે;
અસ્થિ નીસર્યાં ત્વચા ગાઢી, ભયાનક હણહણે.
ચારે નોહે ચાલવાના આગળ નીચા પાછળ ઊંચા; ૬૫
ખૂંધ ને ખોડે ભર્યા, બે કરડકણા બે બૂચા.
ઋતુપર્ણ જોઈ શીશ ધુણાવીને, બોલ્યો વળતી ખીજી;
‘એ જોડી શું કુરૂપ લાવ્યા, જોડ ઘણી છે બીજી.
પવનવેગે પાણીપંથા શત જોજન હીંડે ઠેઠ;
એવા ઘોડા મૂકીને કાં, જોડ્યા દૈવની વેઠ? ૭૦
બાહુક કહે, ‘શી ચેષ્ટા માંડી, શું ઓળખો અશ્વની જાત;
જો પુષ્ટ હયને જોડશો, તો હું ન આવું સાથ.
એ અશ્વ રાખવો ને રથ હાંકવો.’ ચઢી બેઠો ભૂપાળ;
રાસ પરોણો પછાડિયો, બાહુકને ચડ્યો કાળ.
‘આટલી વાર લગે લજ્જા રાખી, બોલ્યો નહીં મા મૂચ; ૭૫
તું આગળથી રથે કેમ બેઠો, હુંપે તું શું ઊંચ?’
ઋતુપર્ણ હેઠો ઊતર્યો, વિવિધ વિનય કરતો;
જાય રાય પાસે બાહુક નાસે, તે રથ પૂંઠે ફરતો.
પ્રણિપત્ય કીધું ઋતુપર્ણ, ‘હયપતિ હઠ મૂકો;
ઉપકારી જન અપરાધ મારો, બેઠો તે હું ચૂકો.’ ૮૦
બાહુક કહે, ‘યદ્યપિ રાસ ઝાલું, બેસીએ બન્યો જોડે;
તુંને હરખ પરણાં તણો ત્યમ, હુંયે ભર્યો છઉં કોડે.”
સામસામા ચક્ર ધરીને, બંને સાથે ચડ્યા;
એડી દીધી બાહુકે ત્યારે અશ્વ ઢળીને પડ્યા.
મુગટ ખસી ગયો રાયજીનો, માન શુકન હુઆ; ૮૫
બાહુકે અશ્વ ઉઠાડિયા, હાંકે ને કહે ધણીમૂઆ.
અન્ન એવા અશ્વ નિર્બળ, ખાંચે ખીજી ખીજી;
રાય કહે લોક સાંભળે, એ વિના ગાળ દો બીજી.
સુદેવ તાણી બેસાડિયા, રાય કાઢે છે ડોળા;
શેરીએ શેરીએ જાન જોવા, ઊભાં લોકનાં ટોળાં. ૯૦
દુર્બળ ઘોડા, દરિદ્ર બ્રાહ્મણ, જોગ સારથિનો જોડો;
વૈદર્ભીને વરવા ચાલ્યા, ભલો ભજ્યો વરઘોડો.
હાંકે ને હીંડે પાછા પાછા, ઝૂંસરી કાઢી નાખે;
તાણી દોડે ઘર ભણી; ઊભા રહે વણ રાખ્યે.
પૃષ્ઠ ઉપર પડે પરોણા, કરડવા પાછા ફરે; ૯૫
પહોળે પગે રહે ઊભા, વારે વારે મળમૂત્ર કરે.
રાય કહે, ‘હો હયપતિ, નથી વાત એ કો સરવી;’
બાહુક કહે, ‘ચિંતા ઘણી છે, મારે દમયંતી વરવી.’
ઘણે દોહેલે ગામ મૂક્યું, રાયે નિસાસા મૂક્યા;
પુણ્યશ્લોકે હેઠા ઊતરી, કાન અશ્વના ફૂંક્યા. ૧૦૦
અશ્વમંત્ર ભણ્યો, ભૂપતિએ ઇંદ્રનું ધર્યું ધ્યાન;
અશ્વ ચારે ઉતપત્યા, ઉચ્ચૈઃશ્રવા સમાન.
અવનીએ અડકે નહિ, રથ અંતરિક્ષ જાય;
દોટ મૂકી બેઠો બાહુક, રખે પડતા રાય.
માંહોમાંહે વળગીને બેઠા, ભૂપ ને બ્રાહ્મણ; ૧૦૫
રાય વિમાસે, ‘વરે કન્યા, વરૂઆમાં વશીકર્ણ.
કામણગારો કાળિયો, એના ગુણ રસાળ;
ત્રણ કોડીનાં ટટવાં, એણે કર્યાં પંખાળ.’
હસી રાજા બોલિયા, થાબડી બાહુકની ખંધ;
‘તારે પુણ્યે મારે થાશે વૈદર્ભીસું સંબંધ. ૧૧૦
વાજીવિદ્યા વાસવાની, તુજ કને પરિપૂર્ણ;
નાની વાત નોહે ભાઈ, રહે વિદ્યાનું સ્મરણ.
ઐરાવત ને ઉચ્ચૈઃશ્રવા, હાર્યો ગરુડનો વેગ;
તારે હાંકવે હમણાં થઈશું, વિદર્ભ ભેગાભેગ.’
વિખાણે પોતાના ભાગ્યને, ભૂપ કાઢે ઘેલાં; ૧૧૫
‘જો દમયંતી મુજને વરે, તો બાહુક પૂજું પહેલાં.
ભીમકસુતાસું હસ્તમેળાપક, જો થાશે હયપતિ;’
બાહુક કહે, ‘વિલંબ શો છે, પ્રબળ તારી રતિ.’
વાટ ઓસરે વાત કરતાં, ઊડતા ચાલે અશ્વ;
રાય વિદ્યાને વખાણે, ન જાણે મનનું રહસ્ય. ૧૨૦
તાણ્યા ન રહે ત્રેહેકતા, દે દોટ ઉપર દોટો;
એક ઝાંખરે વળગી રહ્યો, રાયની પામરીનો જોટો.
‘હાં હાં રાખ’ કહેતાં હય દોડ્યા, રથ ગયો જોજંન;
બાહુકે રથ રાખ્યો, કહે, ‘લઈ આવો રાજન.’
રાય વળતો બોલિયો, શ્રમ મંન વિચારી; ૧૨૫
‘દમયંતીના નામ ઉપર, નાખી પામરી ઓવારી.
જા લાવ, બાહુક, તુને આપી, પામરી બેહુ જોડ.’
બાહુક કહે, ‘દમયંતી ઉપર, તું સરખા ઓવારું ક્રોડ.
રાય મોટા દાનેશ્વરી બોલ્યા, બાહુક, જાચક તું થા.
પરણવા જાઉં દમયંતી, લેઉં તારી પામરીના ચૂંથા.’ ૧૩૦
એવું કહી રથ ખેડિયો ને, રાય મંન વિમાસે;
રંક હોય તો સદ્ય લાવે, મોટો કેમ વરાંસે.
‘હયપતિ તમમાં મોટી વિદ્યા, ગુણે વળિયો છેક;
તારે પ્રતાપે મુજ કને છે, અક્ષવિદ્યા એક.
ગણિતશાસ્ત્રને હું જાણું છઉં, કહો તો દેખાડું કરી.’ ૧૩૫
એક બેડાનું વૃક્ષ આવ્યું, બાહુક પડ્યો ઊતરી.
રાય પ્રત્યે કહે રે બાહુક, ‘ગર્વવચન શાં આવડાં;
બેડાની જમણી ડાળે, કેટલાં છે પાંદડાં?’
રાયે વિચારીને કહ્યું, ‘સહસ્ત્ર ત્રણ ને શત ત્રણ;’
બાહુકે જઈ વૃક્ષ છેદી, ડાળ પાડી ધરણ. ૧૪૦
ગણી જોયાં બાહુકે, ઊતર્યાં તંતોતંત;
ઉત્કૃષ્ટ વિદ્યા દેખીને, હરખ્યું નળનું ચંત.
ફરી આવ્યો રથ પાસે, કહ્યું, ‘રાય, તમો ધન્ય;’
ભૂપ કહે, ‘જો મન મળે તો, વિદ્યા લીજે અન્યોઅન્ય.’
માંહેમાંહે મંત્ર આપ્યા, મનેમન ગયાં મળી; ૧૪૫
પરીક્ષા કરવા વિદ્યાની નળે, ડાળી છેદી વળી.
કહ્યાં તેટલાં પત્ર ઊતર્યાં, ગણિત સંખ્યા મળી;
બીજી વિદ્યાને પ્રતાપે, દેહમાંથી નીસર્યો કળિ.
પાડાનું ચર્મ પહેરિયું, ઊંટ-ચર્મનાં ઉપરણાં;
ટૂંકડા ચરણ ને શ્યામ વરણ, કેશ છે પંચવરણા. ૧૫૦
કરમાં કાતી, આંખ રાતી, મુખે રુધિરના ઓઘરાળા;
ભર્યો રીસે, સગડી શીશે, ઊડે અગ્નિની જ્વાળા.
નીસરી નાઠો ભયે ત્રાઠો, ઊઠ્યો નળ નરેશ;
લપડાક મારી સગડી પાડી, ગ્રહ્યા કળિના કેશ.
વીજળી સરખું ખડ્ગ કાઢ્યું, ન જાય જીવતો પાપી; ૧૫૫
રાજભ્રષ્ટ કીધો દુઃખ દીધું, રહ્યો દેહમાં વ્યાપી.
રગદોળ્યો રેણુ માંહે રોળ્યો, કેમ પડ્યો હતો પૂઠે;
આંખ તરડે દાંત કરડે, મારે ખડ્ગની મૂઠે;
ઊઠે અડવડે અવની પડે, અકળાવ્યો અલેખે;
બાહુકના હસ્ત કળિનાં અસ્થ, ઋતુપર્ણ નવ દેખે. ૧૬૦
રુદન કરતો આંખ ભરતો, કળિ પાગે લાગે;
‘પુણ્યશ્લોકજી ઉગારીએ, નવ મારીએ ઘણું વાગે.’
‘અરે અધર્મનાં મૂળિયાં, તુંને જીવતો કેમ મૂકું;
અમો ઘણું તેં રવડાવ્યાં, નથી નેત્રનું જળ સૂક્યું.
અરે પાપી ધર્મછેદન, વિશ્વ-વેદનાકારી; ૧૬૫
વિજોગદાતા છેદન શાતા, તેં તજાવી નારી.
અવગુણ કેહવા, કરાવી સેવા પારકે મંદિર.’
વદે દીન વાણી મરણ જાણી, નેત્રે ભરિયાં નીરઃ
‘મહારાજ વળતી મારજો, ગુણ અવગુણ બે જોઈ.’
નળ કહે, ‘અવગુણ-ભાજન, તેં સૃષ્ટિ સર્વ વગોઈ.’ ૧૭૦
‘સ્વામી, બે ગુણ મોટા મુજમાં, અવગુણના છેદન.’
નળ કહે, ‘ગુણ અવગુણ તું બેઉનું કર વર્ણન.’
‘સ્વામી, પ્રથમ અવગુણ વર્ણવું, મારું જે આચરણ;
જ્યાં હું ગયો ત્યાં ધર્મ નહીં, ને ભ્રષ્ટ ચારે વર્ણ.
દંભી, લોભી ને લલુતા, બ્રાહ્મણને કરું ભ્રષ્ટ; ૧૭૫
અલ્પ આયુષ ને અલ્પ વિદ્યા, અલ્પ મેઘની વૃષ્ટ.
અનાચાર ને અપરાધ બહુ, અનંત આભડછેટ;
સિદ્ધ હોય સંન્યાસી શીળિયો, ભ્રષ્ટ કરું હું નેટ.
મર્યાદા લાજને મુકાવું, ઉન્માર્ગ મંડાવું;
જપ તપ તીરથ ને જાત્રા, દાન દયા છંડાવું. ૧૮૦
ધ્વંસ કરું હું ધ્યાનમાં, તાપસને ડોલાવું;
અભક્ષાભક્ષ અસ્પર્શાસ્પર્શ, અસત્ય વાક્ય બોલાવું.
સ્વજન વૈર ને પરસું મૈત્રી, હોય નીચ સંગત્ય;
વૈષ્ણવતા ફેડી વિષય સ્થાપું, એવી મારી મત્ય.
માતાપિતાને પુત્ર ઉવેખે, દેખે શ્યામામાં સાર; ૧૮૫
ક્રીડા કામે આઠે જામે, સ્ત્રીમાં તદાકાર.
વિખવાદ કરતાં જન્મ જાય, ગાય ગોરીના ગુણગ્રામ;
લંપટ નિર્લજ થઈ અતિ, જપે નારીનું નામ.
હેલામાં બ્રહ્મચર્ય મુકાવું, જતિ પડે મોહમાં જ;
પાખંડી લાંઠ સુખે જીવે, એવું મારું રાજ. ૧૯૦
હું વ્યાપું ત્યાં હરિહર નહિ, નહિ દેવ દેવસ્થળ;
જ્ઞાનગોષ્ઠિ કથા નહીં, એવું મારું બળ.
સ્વામીદ્રોહી ને મિત્રદ્રોહી, ગુરુદ્રોહી નર ઘણા;
વચનદ્રોહી ને બ્રહ્મદ્રોહી, એ સૌ ગુણ આપણા.
પ્રજા ખોટી રાજા લોભી, નિરંકુશ લંપટ નાર; ૧૯૫
વ્યભિચારિણી દ્રોહકારિણી, ભમતી હીંડે બહાર.
ભરથાર પહેલી કરે ભોજન, સૂએ સ્વામી પહેલી;
થાકે નહીં તે વાત કરતાં, વઢકણી મન મેલી.
ક્રોધ-મુખી ને ચોરટી, લોભણી ને લડતી;
સાચી વાત મળે નહીં ને, આઠે પહોર બડબડતી. ૨૦૦
થોડાબોલી સાધુ-મુખી તે, સૂતો સ્વામીને વેચે;
પૂછ્યો ઉત્તર આપે નહીં ને, બોલે પેચે પેચે.
અભડાવે રસોઈ, અન્ન ચાખે, જણાય પરમ પવિત્ર;’
કળિ કહે છે — ‘મારે પ્રતાપે, એવાં સ્ત્રીનાં ચરિત્ર.
પંડિત દુઃખિયાને મૂર્ખ સુખિયા, ભોગી રોગે ભરિયા; ૨૦૫
અસાધુ સુખે અન્ન પામે, સાધુ ઘડીયે નહિ ઠરિયા.
દાતાર જ્યાં ત્યાં ધન નહીં, દાતાર નહીં ત્યાં ધન;
ખાનાર જ્યાં ત્યાં અન્ન નહીં, ખાનાર નહીં ત્યાં અન્ન.
રૂપ હોય ત્યાં ગુણ નહીં, ને ગુણ ત્યાં નહીં રૂપ;
શા શા અવગુણ વરણવું, છે પ્રતાપ મારો અનુપ. ૨૧૦
શિષ્યની સેવા ગુરુ કરે, સાધુ અસાધુનું આચરણ;
સ્ત્રીની સેવા કરે સ્વામી, શૂદ્રને સેવે બ્રાહ્મણ.
છળ છળભેદ અધિક અધિકારી, અઘટિત કરે અન્યાય;
અન્નવિક્રય હયવિક્રય, કરે વિક્રય ગાય.
પરપતિસંગ ને પરનિંદા, ઈર્ષ્યા અપલક્ષણ; ૨૧૫
ઉપવીત અન્ન સીમંત અન્ન, ક્રિયા અન્ન ભક્ષણ.
કન્યાવિક્રય ભૂમિવિક્રય, કરે અકરાનું કામ;
શય્યા લે ને ગોદાન લે, ને બોળે બાપનું નામ.
વાટ પડાવે વિશ્વાસઘાતી, માંહોમાંહે વૈર સાંધે;
પંચદેવનું પૂજન તજીને, અસુરને આરાધે. ૨૨૦
વૈરાગી વિષયી ને જોગી તે ભોગી, ખોટા વણજ વેપારી;
વિષયસેવન કરે ને ગર્ભ ધરે, નવ વરસની નારી.
સુરભિ દૂધ થોડું કરે ને, દુકાળ ને દુર્ભક્ષ;
શોક રોગ વિજોગ ઘેર ઘેર, સદા ભરે જળ ચક્ષ.
કોનું રૂડું નવ દેખી શકું, મારે કો સાથે નહિ સ્નેહ;’
કળિ કહે – ‘નળરાયજી, છે અવગુણ મારા એહ.’
વિશેષ કેશ આમળી ઝાલ્યો, ચડી રાયને રીસ;
‘હવે ન મૂકું અધર્મી, હું છેદું તારું શીશ.
અધર્મી, અવની વિષે આવડો તારો ઉન્માદ;
તારો વધ જાણી મને, સહુ દેશે આશીર્વાદ.’ ૨૩૦
ભયને ધરતો, રુદન કરતો, રાયને કહે કળિઃ
‘પછે મુજને મારજો, બે ગુણ મારા સાંભળી.
કૃત ત્રેતા દ્વાપરે, શત વર્ષ તાપસ તાપે;
તોય તેને હરિહર બ્રહ્મા દર્શન કોય ન આપે.’
કળિ કહે, ‘મારા રાજ્ય માંહે, ધ્યાન ધરે વિશ્વાસે; ૨૩૫
તો તેને ઇષ્ટ દેવતા તે, આવી મળે ખટ માસે.
એ ગુણ છે એક મારો, હવે બીજો કહું વિસ્તારી;
શત વાર દાન કરે ત્રણ યુગે, એક વાર પામે ફરી.
ભાવે કભાવે મારા વારામાં, જે હેતે નર નાર;
પુણ્ય કરે જો એક વારે, તો પામે શત વાર.’ ૨૪૦
નળ કહે, ‘જા નહિ હણું, ઊપજી મુજને માયા;
અનંત અવગુણ તારા તે બે ગુણે ઢંકાયા.
મારા રાજ્યમાં તું નહિ, જો હોય જીવ્યાનું કામ.’
કળિ કહે, ‘હું ક્યાં વસું? વસવાનો આપો ઠામ.
જ્યાં જાઉં ત્યાં નામ તમારું, તો ક્યાં રહું હું દાસ?’ ૨૪૫
નળ કહે, ‘બેડાના દ્રુમમાંહે, સદા તારો વાસ.
જ્યાં કથા હોય મારી, અથવા હરિકીર્તન;
એવે સ્થાનક તું નહીં,’ તેનું લીધું વચન.
રાય બેઠો રથ ઉપર, ઋતુપર્ણ સમજ્યો નહિ;
હર્ષ પૂર્ણસું હય હાંક્યા, જાણે પ્રેમસરિતા વહી. ૨૫૦
વલણ
વહી ચાલ્યો પ્રેમરસ, રથ ગાજતો ગડગડાટ રે;
કહે ભટ પ્રેમાનંદ, નાથની વૈદર્ભી જુએ વાટ રે.
( નળાખ્યાન)

[પ્રેમાનંદની વર્ણનશક્તિ અજોડ છે તે ‘હૂંડી’ના કાવ્ય પરથી જોઈ શકાશે. નરસિંહ મહેતાએ જુનાગઢમાં બેઠાબેઠા દ્વારકામાં શ્રી. શામળશા શેઠ ઉપર હૂંડી લખી મોકલી. એટલે કે કોઈ તીરથવાસીઓને જુનાગઢથી દ્વારકા જવું હતું તેમણે પોતાની પાસેના પૈસા રસ્તામાં લૂંટાઈ જાય એ ડરથી જુનાગઢમાં નરસિંહને પૈસા આપી દઈ, તે જ રકમ તેની વતી દ્વારકાના શામળશા શેઠ તેમને ચૂકતે ભરી આપે એ રીતની ચીઠી લખાવી લીધી. આવી ચીઠીને વેપારી ભાષામાં હૂંડી કહે છે. હવે નરસિંહની કોઈ પેઢી ચાલતી નહોતી. તેણે તો ભગવાન ભરોસે દ્વારકાના દેવ શામળ કહેતાં કાળા રંગવાળા કૃષ્ણ ઉપર જ હૂંડી લખી મોકલી હતી. તીરથવાસીઓ શામળશાનું ઠેકાણું પૂછી પૂછીને કંટાળી ગયા ને જુનાગઢનો નરસૈંયો પૈસા ઠગી ગયો એમ માનવાની અણી ઉપર હતા ત્યાં તેમને શામળશા શેઠનો પત્તો લાગ્યો. આ કથા ચમત્કારની છે. કૃષ્ણ પોતે પોતાના ભક્ત નરસિંહની લાજ રાખવા નાણાવટી બનીને તેણે લખેલી હૂંડી સ્વીકારી લે છે ને પૈસા ચૂકતે ભરી આપે છે. એવા ચમત્કારમાં આપણી આજની વિજ્ઞાનથી ઘડાયેલી દૃષ્ટિ ઝટ માને નહિ એ સ્વાભાવિક છે. પણ કાવ્યમાં આ ચમત્કારને સ્વીકારી લઈને પછી આપણે એનો આનંદ લઈશું તો ઠીક પડશે. કૃષ્ણ શામળશા બનીને હૂંડી સ્વીકારે—‘શીકારે’ છે એનું વર્ણન કેટલું મનોરમ છે! કવિએ ગુજરાતના કોઈ મોટા નગરના શેઠિયા જેવું શામળશાનું આબેહૂબ ચિત્ર દોર્યું છે.]