સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કરસનદાસ માણેક

કરસનદાસ માણેક

[‘આરતી’ની રીતે લખાયેલું ‘જય જગનાથ!’ આમ દેખાય છે તો આરતી જેવું, પણ એમાં કવિએ આપણા સમાજની અન્યાયી રચના ઉપર ઘણો તીખો કટાક્ષ કર્યો છે. દેવને નામે, ધર્મને નામે જે પાર વિનાનો વ્યય, અનીતિ અને અન્યાય થાય છે તે પ્રત્યેની કડવાશમાંથી આ કાવ્ય જન્મ્યું છે. શ્રી. સુન્દરમ્નું ‘ત્રણ પાડોશી’ કે એવાં અન્ય આપણાં ગીતો જોવાથી આ કાવ્યમાં રહેલાં દર્દ અને કટાક્ષ વધુ સ્પષ્ટ થશે. માણસે પોતાને હાથે દેવ સર્જ્યો. એ દેવને આસન આપ્યું પર્વત-ટોચે, જ્યારે અસંખ્ય મનુષ્યો ખીણમાં ખદબદે છે. પ્રભુને નિત અન્નના ઓડકાર આવે છે, જરકશીના જામા પહેરવા મળે છે, ત્યારે એ પ્રભુની ભક્તિ કરવાનું જેમને કહેવામાં આવે છે તેમને શું મળે છે? આમ આખા કાવ્યમાં એક તીવ્ર વિરોધનું ચિત્ર ખડું કરી મનુષ્યોના પર જ કવિ એક આકરો કટાક્ષ કરે છે કે, જીવતા જાગતા માનવ-દેવોને રઝળાવી, ભૂખે ટટળાવી, બીજા દેવોને રીઝવવામાં કંઈ માણસાઈ રહેલી છે ખરી?]