સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રસિકલાલ છોટાલાલ પરીખ
[આ લેખ બાળકોના હસ્તલિખિત ‘વનરાજ’માં મૂળ છપાયો હતો. તેનો ઉદ્દેશ આબુનાં પ્રખ્યાત મંદિરો વિષે ખ્યાલ આપવાનો છે. ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલ વિષે તેમના સમયના (અને તે પછીના પણ) કવિઓએ અને વિદ્વાનોએ બહુ લખેલું છે. એવા એક જૈન કવિ શ્રી. જિનહર્ષગણિ કૃત સંસ્કૃત ‘વસ્તુપાલચરિત’ ઉપરથી આ વૃત્તાન્ત તૈયાર કરવામાં આવેલો છે. અંદર જે સંવાદ આવે છે તે મૂળમાંથી ભાષાંતર કરીને જ આપેલો છે. એટલે કે લેખકે પોતે ઉપજાવી કાઢેલો નથી. આ લેખમાંથી સમજાશે કે મંત્રીઓ મહાન હતા, પણ એમની મહત્તાને પણ ઢાંકી દે એવી મોટાઈ તેજપાલની પત્ની અનુપમાદેવીની હતી. અથવા એમ કહો કે મંત્રીઓની મહત્તાને આગળ લાવનાર, ઊંચે અરવલ્લીના શિખર પર સ્થાપનાર, એ જ હતી. અને અનુપમાદેવીની મોટાઈ શામાં છે? મોટી મોટી લડાઈઓ જીતવામાં? રાજ્યોની ઊથલપાથલ કરવામાં? ના. એની મોટાઈ તો ભારે ઠંડીમાં કામ કરનાર સલાટો અને મજૂરોનું કષ્ટ સમજવામાં અને તેમને સગવડ કરી આપવામાં સમાઈ છે. પુરુષ કરતાં સ્ત્રીના હૃદયની વડાઈ પણ આવાં દૃષ્ટાંતોથી સમજવા મળે છે.]