સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નામ વિષે

૨. નામ વિષે

શામળ

ધનજી ઉવાણે પાય, ભૂપ ભીખંતો દીઠો;
સૂરજી ન દેખે આંખ, બોલતો કડવું મીઠો;
વ્યાજ ભરે રણછોડ, કામ કલ્યાણ જ કરતો;
અવિચળ ચળ્યા અપાર, દીઠો અજરામર મરતો;
હીરો, માણેક, મોતિયો, રતનિયો કથીર દેખે નહિ:
કવિ શામળ કહે, સંસારમાં કારણ નામ રહ્યું કહીં?
દીઠા અમર મરંત, નાના કાંઈ દીઠા ઘરડા;
નાગો પહેરે વસ્ત્ર, વાઘ સિંહ કૂતરે કરડ્યા;
પર્વત ફરે પરદેશ, દીઠો મંગળને દુઃખિયો;
સંતોખી અદકું ખાય, કાસદું કરે છે સુખિયો :
દયાચંદમાં દયા નહિ, ખુશાલ કહીં રોતા ફરે :
શામળ કહે, નામ પનોતિયો, કંઈ લાખ કુંવારા મરે.
કુબેર નામ કહેવાય, ખજાને દીઠા ખાલી;
કરે ધર્મો બહુ પાપ, ન્યાલ આવે ઘર ઘાલી;
વહાલો રાખે વેર, ઝેર જેવો તે મીઠો.
જોગી કરે વેપાર, ભોગી ભીખંતો દીઠો;
ઘેલો જાયે છેતરી, બળિયોજી હારી જશે;
રૂડા કંઈ ભૂંડા કહું : શામળ કહે, નામે શું થશે?
હાથી નામ કહેવાય, બીએ ઉંદરને સાદે;
કપૂર કાળો હોય, શામળો સુંદર વાદે;
રૂપો હોય કરૂપ, ભૂષણમાં દૂષણ ઝાઝાં;
કૃપાલ રાખે ફૂડ, ભૂપત વજાડે વાજાં;
આશા ઈચ્છા ઓલગ કરે, કલંક નિર્મળ શિર ચડે;
ફોગટ ફરે કંઈ જોઈતા : શામળ નામને શું રડે?

સ્વાધ્યાય

૧ અખાની છેલ્લી લીટીમાં ‘સઘળે સરખો રામ’ એમ કહ્યું છે, અને શામળ છેલ્લી લીટીમાં સૌને સરખાં ગણતાં મહાપાપ લાગે એમ કહે છે. આ બંને અભિપ્રાય સરખાવો અને તપાસો.
૨. ‘નામ’ ઉપર નિબંધ લખો.