સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પૂછતી હીંડી આકુલી

૧. પૂછતી હીંડે આકુલી

ભાલણ

પૂછતી હીંડે આકુલી વન મધ્યે જે જે દ્રુમ,
મળશે પ્રીતમ આપણો, જેને કહે છે પૂરણ બ્રહ્મ. હરિહરિ કહે સુંદરી.
પૂછે કદંબ અશોક જે, વળી પૂછતાં તાલ તમાલ,
કિંશુક અર્ક પનસ (આ) વારે કહેજે રે શ્રીહરિની ભાળ. હરિ૦
બકુલ કપિત્થને પૂછતી વન મધ્યે જે જે દ્રુમ,
પરઉપકારી બાપડા, કહો અમને હરિ મળશે ક્યમ. હરિ૦
કહે રે તુલસી અમને, હરિ વલ્લભ (રે) પ્રેમપ્રકાશ,
વદે સઘળાં પક્ષીઓ, અમ નાથજી તોરે પાસ. હરિ૦
કહે રે અશ્વત્થ બાપડા, હરિ સાથે રે તારે નેહ,
સહુકો પૂજે તુજને, કહે ક્યાં છે શ્રીકૃષ્ણ તેહ. હરિ૦
કોમલ મધુરી માલતી, જો ફળ સુંદર તારાં કેળ,
વનમાંહે તું સુંદરી નંદનંદન અમને મેળ. હરિ૦
કહે રે કાલી તરુ બાપડા વૈકુંઠ રે તારો વાસ,
અમને મેળવ નાથજી તો જીવે હરિના દાસ. હરિ૦
પૂરી પનોતી વાસમતી, તું કહે રે અમને ભાળ,
ચરણ ધરું રે તારે હ્રદે, મારો નાથજી રે શ્રીગોપાળ. હરિ૦
આ મૃગ સંગાથે મૃગલી ધન્ય એ રે નરનાર,
આપણ મંદ અભાગિયાં રે છોડી ગયા દેવ મુરાર. હરિ૦
જ્યમ કરે છલ પારધિ મોહ પામી જીવ અજાણ,
ત્યમ દૂતો રે અંધાગારે લઈ જશે રે નિર્વાણ. હરિ૦
વેરણ રેણી બિહામણી, ક્યાં જઈએ રે અબલા નાર,
રમત રચો હવાં એહની, ધરે જે જે વન મુઝાર. હરિ૦
પૂતના વેષ એકે ધર્યો, એક થઈ બાલમુકંદ,
એક વસ્ત્ર પોઢાડે પાલણે રે, એક થાયે જશોદાનંદ. હરિ૦
પાલણેથી જે પૂતના હરિ લીધા શામલ વર્ણ,
એકે મૂકો મૂકો કહીને જ્યમ પૂતના પામી મરણ. હરિ૦
એક બક વચ્છ અઘ ધેનુક, જેનો રે હરિ આણે રે અંત,
તે ગોપી લીલા રચે હરિ એનાં ચરિત્ર અનંત. હરિ૦
એક ગોવર્ધનલીલા રચી, ધરે અંબર પર્વત ઠામ,
એક ગૌ છોડી વન સાંચરે, અહીં રમતા રે કૃષ્ણ ને રામ. હરિ૦
વળી પગલાં નીરખે નાથનાં વજ્ર અંકુશ ચક્ર એધાણ,
શંખ મધ્યે પેખિયો જેનું વેદ કરે વખાણ. હરિ૦