સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દાદા

દાદા

[શિખરિણી]

અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા
વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા,
હજારો બાહુઓ પ્રણયમય વિસ્તારિત કરી
લઈ હૈયે ઊંડે ભરત હૃદયે ટાઢક ભલી.
હતું એ હૈયું તો ગહનરસગંભીર દરિયો;
અને નેનો ઊંડાં અમરતતણા કૂપ સરખાં;
હતા માના મીઠા અધર નવલા જીર્ણ વદને
જહીં રેખે રેખે જનક અમ અંકાયલ હતા.

[અનુષ્ટુપ]

સુખે સાથી અને ભાગી દુ:ખમાં બાળકો તણા,
સ્વભાવે બાળના જેવા દાદા આશ્વાસના સમા.

[ઉપજાતિ]

રિસાઈ દાદાતણી સોડમાં અમે મનામણાંનાં સુખ માણવા જતા,
આંસુ ઝમંતાં શિશુલોચનોને દાદાતણો વત્સલ હસ્ત લૂછતો.
વળી ગયેલા વળીને વિશેષ પંપાળતા પીઠ, હથેળી વચ્ચે
લઈ અમારું મુખ અશ્રુભીંજ્યું સ્વયં બની ગદ્ગદકંઠ ચૂમતા;
મનામણાંનાં મધુ વેણ ઊંચરી હસાવતા લોચનનાં જલોને.

[અનુષ્ટુપ]

દાદા ડુંગરના જેવા પ્રેમપાયે વિરાજતા,
ખેલતાં ઝરણાં જેવાં બાળકોને નિહાળતા.

[શાર્દૂલવિક્રીક્તિ]

પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદાતણા
ધોળા વાળ ખરી જઈ ચળકતી માથે પડી તાલકી;
ત્યાં કેવા કરને કુતૂહલભર્યા બાળો ઘસંતા અમે!
ને દાદા શિશુ શું હસી અમ શિરે ઝુલ્ફાં ગ્રહે ઊડતાં.

[ઉપજાતિ]

હસાવતા, ખેલવતા, કુદાવતા, ને મલ્લકુસ્તી નિજ શું કરાવતા;
હારી જઈને અમ પીઠ થાબડી ‘શાબાશ, શાબાશ,’ કહી રિઝાવતા.

[અનુષ્ટુપ]

પડે વાંક લડે માડી, બાપુ ઉગ્ર બની જતા;
અમે દોડી જઈ દાદાતણો આશ્રય સેવતા.
આંખ કો કાઢતું તો તો દાદાજી કેસરી સમા
તડૂકી ઊઠતા; બાળ અમે વિજય માનતા.

[ઉપજાતિ]

સાથે સુવાડી કહી મીઠી વાતો મીંચાવી દે ઘેનભરેલ આંખો;
સ્વપ્ને ધરીને પરીઓની પાંખો વાર્તાવિહારે ઊડતા અમે તો.
‘હજુય શું ઘોરી રહ્યો અઘોરી?’ ઢંઢોળવા મા જતી એમ બોલી;
‘દે જંપવા ફૂલડું થાક્યું પાક્યું’ વારે કહી વત્સલ એમ દાદા.
દાદા જ સામા ઊઠતાં સવારે આશીષમૂર્તિ સમ ‘આવ બેટા’
કહી ઉપાડી નિજ અંકમાં લે, માથે મૂકી હાથ લળી ચૂમી લે.

[અનુષ્ટુપ]

એકલા ના કદી બેસે દાદાજી ભોજનેક્ષણે;
અન્ન ના ભાવતું, બાળ જો બેઠાં હોય ના કને.

[મિશ્રજાતિ]

નાના બનાવી મધુ કોળિયાઓ મુખે અમારા ધરતા અથાક્યા;
ખવાડવામાં નિજ ભૂખ ભૂલતા, સંતોષતા ભાવની ભૂખ ભારે.
જો નીકળે બ્હાર બજાર દાદા, નિશાળમાં નિશ્ચય આવવાના;
ટેકો દઈ વાંસની લાકડીનો બોલાવીને બે જંઈ આપવાના.
મહેતાજીને ક્હે ‘ભૂલચૂક થાયે તોયે ભલા આંખ બતાવતા ના;
આ બાળકું તો હજુ ફૂલડું છે, મુખે હજુ ધાવણ આ જણાયે.’
શેરી મહીં ખેલત બાલબંધુઓ સાથે અમે પીંપળ-છાય નીચે;
પંખેરુ જ્યાં ગાન અખંડ ગાતાં, ને પાંદડાં તાલ બધાં બજાવતાં.
દાદા પડીકું લઈને મિઠાઈનું બજારથી ત્યાં અમ પાસ આવતા;
મુખે અમારે કંઈ પાણી છૂટતું, શી જાફતો ત્યાં તરુ હેઠ જામતી!

[અનુષ્ટુપ]

દાદાનાં સ્મરણો આવાં ખુટાડ્યાં ખૂટતાં નથી.
એકેક સ્મરણે આંખ ભિંજાયે સ્નેહને જળે.
પ્રાણતારે પરોવાયા મણકા સ્મરણો તણા;
ગયા દાદા, પરંતુ એ જપની માળ જીવતી!

[શિખરિણી]

ગયા દાદા વ્હાલા, પ્રતિનિધિ ગઈ પેઢીભરના!
ગળ્યો કાળાબ્ધિના જળમહીં મહાડુંગર મળ્યો!
ગઈ મીઠેરી એ હૃદય હરિયાળી ઊડી ગઈ!
ભલાઈ ભોળાઈ ગઈ! પ્રણયવેલી ગઈ બળી!
ગયા દાદા વ્હાલા અમ ભવનના શંભુ સરખા!
હવે સૂના વાસે બજત ભણકારા ગતતણા.
છબી હૈયે કોરી સજીવન થઈ માનસપટે
ઝરંતાં આંસુની ઉપર લળતી એ હજુય આ!
હવે તો દાદાઓ દુરલભ થયા, દારુણ સમો!
અકાળે બાળો જ્યાં કરમઈ જતાં, શી રીત તહીં
ચહે વાસો દાદા! શિશુસુમનિયાંને લઈ સુખે
ખિલાવીને ખીલે અમરત-રસ્યા નંદન વિષે.
‘પારિજાત’માંથી

સ્વાધ્યાય

૧. ‘ગહનરસગંભીર દરિયો ‘- એમાં રૂપક અને વર્ણસગાઈ છે તે બતાવો.
૨. કવિએ દોરેલું દાદાનું રેખાચિત્ર તમારા શબ્દોમાં આપો.
૩. દાદી માટે તમારે આવું કોઈ ચિત્ર દોરવું હોય તો તમે શું લખશો? ‘દાદી વાંકી રસિક કરતી વાતથી બાળ રાજી’ એ શ્રી. બ. ક. ઠા. ની પંક્તિ યાદ આવે છે? એનો તાંતણો પકડી લઈ વર્ણન આગળ લંબાવશો?
૪. આ કાવ્યમાંની કેટલીક ઉપમાઓ બતાવો.