સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભોમિયા વિના
૩. ભોમિયા વિના
ઉમાશંકર જોષી
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી,
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉર બોલના ઝીલવા ગયો.
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
‘ગંગોત્રી’માંથી
સ્વાધ્યાય
૧. ‘હોડી’ સંબંધીના કાવ્યનું ધ્રુવપદ સમજાવો.
૨. આ ત્રણે કાવ્યોમાંથી કેટલીક સુંદર પંક્તિઓનો ઉલ્લેખ કરી તે પંક્તિ શાથી સુંદર બની છે તે જણાવો.
૩. કોકિલા માળો બાંધે છે? કોકિલાના માળાથી કાવ્યમાં શું અભિપ્રેત છે તે જણાવો.
૪. ‘ગીત ગોત્યું ગોત્યું’ અને ‘તુજ પ્રેમના સંદેશા ક્યાં!’ કાવ્યની તુલના કરો.
૫. ‘ભોમિયા વિના’ કાવ્યનું રહસ્ય સમજાવો.