સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વર્ષાની વાત
૨. વર્ષાની વાત
રસિકલાલ છોટાલાલ પરીખ
વર્ષાની વાત ઘનઘેરી સાહેલડી! વર્ષાની૦
ભીજી ભૂમિની ગંધ શી અનેરી, સાહેલડી! વર્ષાની૦
મેઘછૂપી વીજ શી જાદુઈ સાહેલડી! વર્ષાની૦
મઘમઘતી કેતકીની સૂઈ સાહેલડી! વર્ષાની૦
વસી વાદળના વાયુમાં આવી સાહેલડી! વર્ષાની૦
મોર કોયલ બપૈયે બુલાવી સાહેલડી! વર્ષાની૦
રાણી દોહદવતી કો રાજે સાહેલડી! વર્ષાની૦
આછાં આંજણ આંખે આંજે સાહેલડી! વર્ષાની૦
કોઈ કન્યાએ કોડથી જોઈ સાહેલડી! વર્ષાની૦
કોઈ મુગ્ધાએ મોહિનીમાં રોઈ સાહેલડી! વર્ષાની૦
ફરી પ્રૌઢાને યૌવન આવ્યાં સાહેલડી! વર્ષાની૦
ભલાં ઘરરખુનેય ભરમાવ્યાં સાહેલડી! વર્ષાની૦
કો વિજોગણના શ્વાસ રૂંધાયા સાહેલડી! વર્ષાની૦
કોઈ મીરાંએ ઘનશ્યામ ગાયા સાહેલડી! વર્ષાની૦
સ્વાધ્યાય
૧. વર્ષાઋતુનો પ્રભાવ આ ગીતમાં શી રીતે સૂચવવામાં આવ્યો છે?
૨. વર્ષાએ શા ફેરફાર કર્યા?
૩. પૃથ્વી અને ચિત્તની કેવી રીતે સરખામણી કરવામાં આવી છે તે બતાવો.
૪. આ કાવ્યોમાંથી શું સૂચિત થાય છે?
૫. બંને કાવ્યોમાં કયાં કયાં ચિત્રો અંક્તિ થયાં છે?