સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સ્મારક

૧. સ્મારક

ચંદ્રવદન મહેતા

[પૃથ્વી]

લઉં ગુલછડી? સુગંધમય પાંખડી? કે ઘડી
શિલાશકલને અબોલ વદનેય વાચા દઉં?
વિરાટ નભમાળથી ચકચકંત તારા લઉં?
ધરું ચરણમાં? પળેપળ રચું નવી દીવડી!
સહસ્રકિરણાવલી રચિત દીપતી રાખડી
થકી ગ્રથિત વિશ્વનાં પરમ પંચતત્ત્વો : સહુ
તણા અચલ ચિત્રની જ સ્મૃતિ એક તારી ચહું.
કિયું રચું કહે અનન્ત યુગરાજથીયે વડી!
હતી રમતિયાળ તું, સરળ શાન્ત ગંગોદક;
સદા પતિતપાવની, કમલરેખ શી વિસ્તરી
વહી ઘનગભીર નિત્ય મુજ જીવને નિર્ઝરી
ઊડંત જગતાતની અતિ વિશાળ કો કલ્પના
સમી, તુજ મિષે કઈ નવીન હું રચું ભાવના?
‘ઇલા’ શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક?