સિગ્નેચર પોયમ્સ/અમર આશા – મણિલાલ નભુભાઈ દ્વિવેદી

અમર આશા

મણિલાલ નભુભાઈ દ્વિવેદી


કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે. – કહીં

જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી;
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. – કહીં

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.– કહીં

જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
કતલમાંયે કદમબોશી, ઉપર કયામત ખુદાઈ છે. – કહીં

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે. – કહીં

ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. – કહીં

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે. – કહીં

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે;
તડપતે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે. – કહીં

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે. – કહીં

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશુકમાં ડૂબી;
ન ડૂબ્યા તે મૂઆ એવી કલામો સખ્ત ગાઈ છે. – કહીં