સિગ્નેચર પોયમ્સ/કન્યાવિદાય – અનિલ જોશી

કન્યાવિદાય

અનિલ જોશી


સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળાપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો...

પૈૈંડું સીંચતો રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો...

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભી રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.