સિગ્નેચર પોયમ્સ/મેં ત્યજી તારી તમન્ના – મરીઝ

મેં ત્યજી તારી તમન્ના તેનો આ અંજામ છે

મરીઝ


મેં ત્યજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચેજ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ, આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોંઘા અમારા દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.