સુખલાલ સંઘવી

સંઘવી સુખલાલ સંઘજી, ‘પંડિત સુખલાલજી' (૮-૧૨-૧૮૮૦, ૨-૩-૧૯૭૮): ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર નજીકના લીમલી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમા વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧થી ૧૯૩૦ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪ -માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદા વાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીને તે પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ. ગાંધીવાદી તત્ત્વજ્ઞાની આ લેખકે ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા કરી છે; અને તત્ત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મની જડ સીમાઓમાંથી મુકત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમની તત્ત્વ વિચારણા પાછળ અનુકંપા અને તર્કનું સહિયારું બળ પડેલું છે; અને તેથી જ ધર્મ અને સંસ્કૃતિનું હમેશાં માનવકલ્યાણના માનદંડથી જ એમણે મૂલ્યાંકન કર્યું છે. ક્રિયાકાંડથી મુકત અને સમન્વયદર્શી ધર્મનું સ્વરૂપ એમની વિચારણાનું મુખ્ય બળ છે. ‘ચાર તીર્થંકર' (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત' (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન' ભા. ૧-૨ (૧૯૫૭)માં સંચિત થયા છે. ‘તત્ત્વાર્થસૂત્ર' (૧૯૩૦) એમનો જૈન ધર્મદર્શનનો પ્રમાણભૂત પાયગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા' (૧૯૫૬), ‘ભારતીય તત્ત્વવિદ્યા' (૧૯૫૯), ‘જૈન ધર્મને પ્રાણ' (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે, તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક'- ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે.