સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 10


કડવું 10

[અહીં કૃષ્ણ સુદામાએ ગુરુના આશ્રમમાં ગાળેલા સોનેરી દિવસોની સ્મૃતિનું બયાન કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું છે. જેની વાત કરતાં કૃષ્ણ ગદગદ થઈને પોતે વિદ્યા પામ્યા તેનો યશ સુદામાને આપે છે. ઉત્તરમાં સુદામા એને કૃષ્ણની મોટાઈ ગણાવીને એમનું આભિજાત્ય પ્રગટ કરે છે.]


રાગ-રામગ્રી

પછી શામળિયોજી બોલિયા, તને સાંભરે રે?
હાજી નાનપણાંનો નેહ, મને કેમ વીસરે રે?

આપણ બે મહિના પાસે રહ્યા, તને0
હા જી સાંદીપનિ ઋષિને ઘેર. મને0 1

અન્ન-ભિક્ષા માગી લાવતા, તને0
હા જી જમતા ત્રણે ભ્રાત. મને

આપણ સૂતા એક સાથરે, તને
સુખદુ:ખની કરતા વાત. મને0 2

પાછલી રાતના જાગતા, તને
હા જી કરતા વેદની ધુન્ય; મને0
ગુરુ આપણા ગામે ગયા, તને
હા જી કોઈ એકને જાચવા મુન્ય, મને0 3

કામ દીધું ગોરાણિયે, તને
કહ્યું લેઈ આવોને કાષ્ઠ; મને0
શરીર આપણાં ઊકળ્યાં, તને
હા જી માથે તપ્યો અરિષ્ટ. મને0 4

ગોરાણીએ ખાવું બંધાવિયું, તને0
ચણા પોચા વળી સાર; મને0
તમો છાના આરોગિયા, તને
તમે કહ્યો દરિદ્ર મહારાજ. મને0 5

સ્કંધે કુહાડા ધર્યા, તને0
ઘણું દૂર ગયા રણછોડ; મને0
આપણે વાદ વદ્યા બેઉ બાંધવા, તને0
હા જી ફાડ્યું મોટું ખોડ. મને0 6

ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને0
હા જી આવ્યા બારે મેહ; મને0
શીતળ વાયુ વાયો ઘણો, તને0
ટાઢે થરથર ધ્રૂજે દેહ. મને0 7

નદીએ પૂર આવ્યું ઘણું, તને0
ઘન વરસ્યો મુસળધાર. મને0
એકે દિશા સૂઝી નહીં, તને0
થયા વીજ તણા ચમકાર. મને0 8

ગુરુજી ખોળવા નીસર્યા, તને0
કહ્યું સ્ત્રીને, કીધો તેં કેર; મને0
આપણને હૃદયાશું ચાંપિયા, તને0
પછે તેડીને લાવ્યા ઘેર. મને0 9

ગોરાણી ગૌ દો’તાં હતાં, તને0
હતી દોણી માગ્યાની ટેવ; મને0
નિશાળે બેઠાં હાથ વધારિયો, તને0
હા જી દીધી દોણી તતખેવ. મને0 10

જ્ઞાન થયું ગુરુપત્નીને, તને0
તમને જાણ્યા જગદાધાર; મને0
ગુરુદક્ષિણામાં માગિયું, તને0
હા જી મૃત્યુ પામ્યો જે કુમાર, મને0 11

મેં સાગરમાં ઝંપાવિયું, તને0
તમે શોધ્યાં સપ્ત પાતાળ; મને0
હું પંચાનન શંખ લાવિયો, તને0
હા જી દૈત્યનો આણ્યો કાળ. મને0 12

જમનગર પછે હું ગયો તને0
પછે આવી મળ્યો જમરાય; મને0
પુત્ર ગોરાણીને આપિયો, તને0
હા જી પછે થયા વિદાય. મને0 13


આપણ તે દહાડાના જૂજવા, તને0
હા જી ફરીને મળિયા આજ; મને0
હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને0
મને મોટો કર્યો મહારાજ. મને0 14

વલણ
મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રીહરિ,
પછી દરિદ્ર ખોવા દાસનાં, સૌમ્ય દૃષ્ટિ કરી. 15