સુદામાચરિત્ર — પ્રેમાનંદ/સંપાદક-પરિચય


સંપાદક-પરિચય

ડો. દર્શના ધોળકિયા (જ. 1962) મૂળે જીવ અધ્યયન અને અધ્યાપનનો. ભુજની આર. આર. લાલન કોલેજથી આરંભી કચ્છ યુનિવસિર્ટીમાં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન. સમાયાંતરે કાર્યકારી કુલપતિ પદ સુધીનો કાર્યભાર નિભાવ્યો. હાલ કચ્છ યુનિવસિર્ટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે. સંશોધન, સંપાદન, વિવેચન, અનુવાદ, ચરિત્ર-નિબંધ આદિનાં 22 જેટલાં પુસ્તકો પ્રકાશિત. પ્રથમ પુસ્તક પીએચ.ડી.નો શોધનિબંધ ‘નરસંહિ ચરિત્ર વિમર્શ (1992). એમાં નરસંહિનાં આત્મચરિત્રાત્મક પદોના સમીક્ષાત્મક નિરીક્ષણે અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું. કવિ કાન્તના લગભગ તમામ પત્રોને સમાવતું ઉપયોગી સૂચિઓ સાથેનું સંપાદન ‘કાન્તના પત્રો’ ધ્યાનાર્હ બન્યું. ‘દીઠે અડસઠ જાત્ર, અસંગ લીલાપુરુષ’, ‘મહાભારત ચરિત્ર વિમર્શ’ આદિ એમની યશોદાયી કૃતિઓ. આસ્વાદલક્ષી અને અધ્યાપકીય અભિગમ સાથેના વિવેચનગ્રંથો પણ એ આપતાં રહ્યાં છે. એ ઉપરાંત ‘નારીની કથા : પુરુષની લેખિની’— એ નારી સંવેદનને કેન્દ્રમાં રાખતી વાર્તાઓનું આગવું સંપાદન છે. તો ‘ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ’ને રતિલાલ બોરીસાગરે ‘ગુજરાતના પ્રાથમિક શિક્ષણની તવારીખ’ તરીકે ઓળખાવ્યું છે. કોંકણી નવલકથા ‘કાર્મેલીન’નો એમનો અનુવાદ કેન્દ્રીય સાહિત્ય અકાદેમી દ્વારા પુરસ્કૃત થયો, તો સમયાંતરે ‘ક્રિટીક એવોર્ડ’ સહિતના કેટલાક પુરસ્કારો પણ એમને મળ્યા છે. અધ્યયન અધ્યાપન અને અધ્યાત્મની ત્રિવિધ ધારાઓનું પોતાના જીવનમાં અને લેખનમાં સંકલન કરતાં દર્શના ધોળકિયા આપણી ભાષાનાં એક અભ્યાસશીલ લેખિકા છે. —- રમણીક સોમેશ્વર