સુદામાચરિત્ર — પ્રેમાનંદ/2. જીવનસંદર્ભ અને કૃતિઓ


2. જીવનસંદર્ભ અને કૃતિઓ

જે કૃતિઓને નિશ્ચિતપણે પ્રેમાનંદની જ ગણી શકાય એમ છે એ કૃતિઓમાંના ઉલ્લેખોને આધારે એટલું તારવી શકાય છે કે — પ્રેમાનંદ વડોદરાનો વતની હતો. ‘(વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ’); એના પિતાનું નામ કૃષ્ણરામ હતું ને એ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિનો હતો. ‘ઉદરનિમિત્તે સેવ્યું સૂરત ને ગામ નંદરબાર’ એવી એની પંક્તિને આધારે કહી શકાય કે જીવનનિર્વાહ માટે ‘(ઉદરનિમિત્તે’) એણે આખ્યાનકારનો વ્યવસાય સ્વીકારેલો ને વડોદરાથી સુરત ને છેક ખાનદેશના નંદરબાર સુધી અનેક ગામોમાં ફરીને એણે આખ્યાન-કથન-ગાન કર્યું હતું. નંદરબારના એક પ્રતિષ્ઠિત આગેવાન શંકરદાસ દેસાઈનો એને આશ્રય મળ્યો હતો. એ રામભક્ત અને કૃષ્ણભક્ત હતો. છેલ્લે ‘દશમસ્કંધ’ની રચના ને એનું કથન-ગાન એણે વ્યવાસાય માટે નહીં પણ અંગત ભક્તિ-ભાવ માટે કરેલાં. એ કાવ્યમાં એક પંક્તિ છે: ‘રામચરણ-કમળ-મકરંદ, લેવા ઇચ્છે પ્રેમાનંદ.’ કવિ નર્મદે જાતે તપાસ કરીને કેટલીક માહિતી મેળવેલી એ મુજબ પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ હતું; માતા-પિતાના અવસાન પછી એ માસીને ત્યાં ઊછરેલો અને આખ્યાનકાર - માણભટ્ટ તરીકે એણે સારું એવું દ્રવ્ય એકઠું કરેલું, કેમ કે કવિ નર્મદના સમયમાં એના વારસો પ્રેમાનંદે બંધાવેલા ઘરમાં રહેતા. એ સમયે એ ઘરની કિંમત 10,000 રૂ. જેટલી હતી એવું નર્મદે નોધ્યું છે. પરંતુ પ્રાચીન ભક્તો - કવિઓ વિશે અનેક દંતકથાઓ પણ પ્રચલિત હોય છે એવી પ્રેમાનંદ વિશે પણ હતી : પ્રેમાનંદ જડબુદ્ધિ હતો પણ કોઈ મહાત્મા ગુરુની કૃપાથી એને કવિત્વશક્તિ મળી હતી. (કાલિદાસ વિશેની આ પ્રકારની દંતકથા પણ સૌને યાદ હશે જ!) વળી, પુરાણીઓ સામે સ્પર્ધા કરવા એણે સંસ્કૃતમાં પુરાણો વાંચવાનું છોડીને ગુજરાતીમાં આખ્યાન-કથા કરવાનું શરૂ કરેલું. આવી દંતકથાઓ ઉપરાંત અર્વાચીન કાળમાં (ઈ. 1884થી) હરગોવંદિદાસ કાંટાવાળાના સંપાદનમાં વડોદરાથી પ્રગટ થવા માંડેલાં ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ તથા ‘પ્રાચીન કાવ્યમાળા’માં, વડોદરાના ને ગુજરાતના કવિ પ્રેમાનંદનું ગૌરવ અનેકગણું વધારી દેવા માટે, કેટલીક કૃતિઓ એને નામે છાપીને પ્રકાશિત કરવામાં આવી. એટલું જ નહીં, કોઈ ‘પ્રેમાનંદસુત વલ્લભ’ને નામે પણ કેટલીક કૃતિઓ પ્રકાશિત કરવામાં આવી. આ બનાવટી કૃતિઓમાં પ્રેમાનંદના જીવન વિશેની કેટલીક ઉપજાવી કાઢેલી વિગતો મળે છે એ ટૂંકમાં મૂકીએ તો —(1) પ્રેમાનંદ હિંદીમાં રચનાઓ કરતો. એને કોઈ ગુરુએ કહ્યું કે તું ‘ઉંબર મૂકીને ડુંગરને’ કેમ પૂજે છે? ત્યારથી એણે ગુજરાતીમાં લખવા માંડ્યું ને ગુજરાતી ભાષાનું ગૌરવ સ્થાપિત ન થાય ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી. (2) પ્રેમાનંદનું બહોળું શિષ્યમંડળ હતું ને એમાં સ્રીઓ પણ હતી. એ શિષ્યોને એણે ગુજરાતી રચનઓ કરવાનું કહી અન્ય ભાષાઓ કરતાં ગુજરાતીની કવિતા ચડિયાતી બનાવવા સંકલ્પ કરેલો. (3) પ્રેમાનંદને તથા (પ્રેમાનંદસુત ગણાવાયેલા) વલ્લભને શામળ સાથે ઝઘડો થયેલો એના ઉલ્લેખો પણ, પ્રેમાનંદ તેમજ વલ્લભને નામે થયેલી એ બનાવટી રચનાઓમાં આવે છે. આખ્યાનો જ નહીં, નાટકો પણ પ્રેમાનંદને નામે છપાવીને ચડાવી દેવામાં આવ્યાં હતાં. ને એમ પ્રેમાનંદને નામે 45 થી 50 કૃતિઓ પ્રગટ થયેલી છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આમાંની ઘણી આખ્યાનકૃતિઓ (ને બધાં જ નાટકો) કોઈ અર્વાચીન વિદ્વાનોએ પોતે લખીને પ્રેમાનંદને નામે ચડાવી દીધેલાં! એમાં સૌથી વધુ શંકા ગયેલી છોટાલાલ ભટ્ટ નામના વિદ્વાન(!) વિશે. વિચક્ષણ વિદ્વાન નરસંહિરાવ દીવટિયાને સૌ પ્રથમ, આ કૃતિઓની ભાષા-શૈલી વિશે શંકા થયેલી ને એમણે ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદકો પાસે મૂળ હસ્તપ્રતો માગેલી પણ એ આપી શકેલા નહીં. એ પછી કેશવલાલ ધ્રુવે પણ ઘણી કૃતિઓની પ્રમાણભૂતતા વિશે શંકા ઉઠાવેલી. બીજી કેટલીક કૃતિઓમાં ભેળસેળ પણ થઈ છે એટલે કે એમાં કેટલાક અંશો (જેમકે માર્કેડેય પુરાણમાં મદાલસા આખ્યાન) પ્રેમાનંદની રચના હોય ને બાકીનું એને નામે ચડાવી દેવામાં આવ્યું હોય. પરિણામે વિદ્વાન સંશોધકોએ સતત શુદ્ધ ને પ્રમાણભૂત (વિશ્વાસપાત્ર) કૃતિઓ શોધવા મથવું પડ્યું છે. ડો. પ્રસન્ન વકીલે ‘પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓ’ વિશે ઉત્તમ સંશોધનગ્રંથ પ્રકાશિત કરેલો છે. એ પછી પણ કેટલીક વિગતો પ્રકાશમાં આવતી રહી છે. પ્રેમાનંદને નામે બતાવવામાં આવેલી કેટલીક કૃતિઓની હસ્તપ્રતો મળી છે પણ એ કૃતિઓ અન્ય પ્રાચીન કવિની રચનાઓ સાબિત થઈ છે. એટલે, જેને પ્રેમાનંદની જ કહી શકાય એવી ખાતરીપૂર્વકની, પ્રમાણભૂત કૃતિઓ આ મુજબ તારવી શકાય એમ છે : ઓખાહરણ (1671), અભિમન્યુ આખ્યાન (1671), ચંદ્રહાસ આખ્યાન (1671), મદાલસા આખ્યાન (1672), હૂંડી (1677), શ્રાદ્ધ (1681), સુદામાચરિત (1682), મામેરું (1683), સુધન્વા આખ્યાન (1683), રુક્મણીહરણનો શલોકો (1684), નળાખ્યાન (1686), રણયજ્ઞ (1690), એ ઉપરાંત, રચનાવર્ષ ન દર્શાવતાં, દશમસ્કંધ, શામળશાનો વિવાહ, રુક્મણીહરણ, વામન કથા, દાણલીલા, ભ્રમર પચીસી, પાંડવોની ભાંજગડ તેમજ સ્વર્ગની નિસરણી, ફૂવડનો ફજેતો, વિવેક વણઝારો (રૂપક કાવ્ય), વિષ્ણુસહસ્રનામ, બાળલીલા-વ્રજવેલ, મહિના. આ કૃતિઓમાં પણ ક્યાંક, છપાતી વખતે, ઉમેરણ - ફેરફારો થયા હોવાનો સંભવ છે. તેમ છતાં આ કૃતિઓ પ્રેમાનંદની હોવા વિશે એકમતી પ્રવર્તે છે.