સુદામાચરિત્ર — પ્રેમાનંદ/2. સ્વરૂપનાં લક્ષણોનો ક્રમિક વિકાસ


2. સ્વરૂપનાં લક્ષણોનો ક્રમિક વિકાસ

આખ્યાનનું સ્વરૂપ નીપજાવવામાં એક તરફ મહાકાવ્યોની કથાઓ, પુરાણોની કથાઓ તથા તે સમયના જૈન રાસાઓ — કથા-કથનની એક પરંપરા રચવામાં કંઈક પ્રેરક બન્યાં. પરંતુ આ બધા કરતાં આખ્યાન મધ્યકાલીન ગુજરાતીનું એક વિશિષ્ટ સ્વરૂપ પુરવાર થયું એ એના ચિત્રાત્મક વાર્તાકથનની લાક્ષણિકતાને કારણે. મહાકાવ્યોમાં પહોળે પટે થતાં કાવ્યાત્મક વર્ણનો કેન્દ્રમાં રહે, પુરાણોમાં કથાઓ અને આખ્યાયિકાઓનું વટવૃક્ષ વિસ્તારથી આકાર ધારણ કરતું હોય જ્યારે આખ્યાન કોઈ એક પ્રસંગને — ઉપાખ્યાનને — લઈને કે એક ચરિત્રને લઈને ચાલતું હોય ને એ પ્રસંગ/ચરિત્રને બહેલાવીને રસાવહ કરવાની એની નેમ હોય. હેમચંદ્રાચાર્યે એમના ‘કાવ્યાનુશાસન’ નામના ગ્રંથમાં આખ્યાન સંજ્ઞા ઉપાખ્યાન આદિના અભિનયન્ પઠન્ ગાયન્-માં જોયેલી એ બતાવે છે કે આવી કથા-રજૂઆતની એક પરંપરા હતી. પછીથી ગુજરાતી આખ્યાનમાં એ પરંપરા સ્વતંત્ર રીતે વિકસી. ઊમિર્આલેખન કરતા પદ જેવા પ્રકારોમાં પ્રસંગો ઉમેરાતાં ને સંકલિત થતાં કથાનું આછું રૂપ બંધાતું ગયું, એ આપણને સૌથી પહેલાં નરસંહિમાં જોવા મળ્યું. એનાં આત્મચરિતનાં પદો તથા ‘સુદામાચરિત’ પદમાળારૂપ આખ્યાનો તરીકે સંકલન પામતાં ગયાં. ભાલણના ‘રામબાલચરિત’માં પણ વિવિધ ભાવ-પરિસ્થિતિ આલેખતાં પદો છે. પરંતુ આ વિદગ્ધ કવિ આપણો પહેલો એવો કવિ છે જેણે મોટા પ્રમાણમાં પૌરાણિક કથા-વિષયોનું આલેખન કર્યું. એની આવી રચનાઓમાં સૌ પ્રથમ કડવાબંધ (=પ્રકરણબંધ) જોવા મળે છે — કથાના પ્રસંગોની એક સાંકળ રચાય છે, ને એથી આખ્યાનને એક સુબદ્ધ કથાપ્રકાર તરીકેનો આકાર મળે છે. આ કારણે જ ભાલણને આખ્યાન-કાવ્યપ્રકારનો પિતા કહેવામાં આવે છે. નાકરમાં આખ્યાનનું માળખું વધારે સ્પષ્ટ બને છે. આખ્યાનના આરંભે ‘મુખબંધ’ની પરંપરા હતી, નાકર કડવાને અંતે આવતા ‘વલણ’થી એને ઘાટ આપે છે. પૌરાણિક કથાનકોમાં સમકાલીન જીવનરંગો ઉમેરવાનું પણ નાકરથી આરંભાય છે ને પ્રેમાનંદમાં એ પૂર્ણ રૂપ પામે છે. આખ્યાનના વિવિધ પ્રસંગો જેમાં પ્રકરણરૂપ પામે છે એ કડવું. કડવું સામાન્ય રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય — પ્રસંગનો આરંભ કરતી એક (કે બે) કડીઓનો પ્રસ્તાવનાદર્શી ‘મુખબંધ’ (કેશવલાલ હ. ધ્રુવે એને માટે ‘મ્હોડિયું’ શબ્દ પણ યોજ્યો છે.) એ પછી કડવાનો મુખ્ય પ્રસંગાલેખન-અંશ. એને ઢાળ કહેવાય. કોઈ એક દેશી(રાગઢાળ)માં એ આલેખાયું હોય. કડવાને અંતે સમાપ્તિસૂચક ‘વલણ’ની એક કડી હોય, જે જુદા છંદ/દેશીમાં હોય. (વલણને ક્યારેક ‘ઊથલો’ પણ કહેવાય છે.) વલણના કેટલાક શબ્દો બીજા કડવાના ‘મુખબંધ’ માં પુનરાવતિર્ત થતા હોય એવું પણ જોવા મળે. આ રીતે સાંકળ જેવી રચનાનો એક ઘાટ પણ ઊપસે છે. વિવિધ કડવાંમાં વિવિધ દેશીઓ યોજાઈ હોય, કોઈ કડવું ક્યારેક ઉદ્રેકસભર પદ રૂપે પણ આલેખાતું હોય. આખ્યાનના આરંભે — પહેલા કડવામાં — કવિ ગણપતિ, સરસ્વતી કે કોઈપણ ઈષ્ટદેવની પ્રાર્થના કરે ને કથાવસ્તુને નિર્દેશતું મંગળાચરણ કરે ને પછી શ્રોતાઓને કથાપ્રવાહમાં આગળ લઈ જાય. આખ્યાનના અંતે ધર્મલાભ માટેની ફલશ્રુતિ હોય, ક્યારેક આખ્યાન રચ્યાનાં વર્ષ-માસ-તિથિનો ને સ્થળનો નિર્દેશ હોય ને કવિનામ(કવિપરિચય)નો નિર્દેશ પણ હોય. આખ્યાનનું આ એક વ્યાપક માળખું. બધા જ કવિઓનાં બધાં જ આખ્યાનોમાં આ સર્વ અંશો ન પણ હોય. રોજરોજ શ્રોતાસમુદાય સામે કહેવાતું, વર્ણવાતું, ગવાતું — એક રીતે કહીએ તો ‘ભજવાતું’ — આખ્યાન દરરોજ એક કે બે કડવાંમાં કથારસ પીરસી, પછીના દિવસની કથાનું વિસ્મયભર્યું સૂચન કરી, પ્રત્યેક દિવસે શ્રોતાના રસને જાગતો રાખીને, છેવટે કથાની રસભરી પૂર્ણાહુતિ કરે. આખ્યાનમાં — ઉત્તમ કવિઓનાં ઉત્તમ આખ્યાનોમાં — આજે પણ કથનકલા-નિપુણતાનો તેમજ કવિત્વનો આહ્લાદક અનુભવ થાય છે. સમય ઘણો વહી ગયો છે અને સંદર્ભ ઘણા બદલાઈ ગયા છે છતાં આજે પણ આખ્યાન કથા અને કવિતાની સંતર્પકતાના અનુભવ સુધી આપણને લઈ જઈ શકે છે એ એની સિદ્ધિ છે. અને આવી સિદ્ધિમાં સૌથી મોટો ફાળો છે કવિ પ્રેમાનંદનો. — રમણ સોની