સુદામાચરિત્ર — પ્રેમાનંદ/3. પ્રેમાનંદની સર્જકપ્રતિભા


3. પ્રેમાનંદની સર્જકપ્રતિભા

આખાયે મધ્યકાળમાં પ્રેમાનંદ સૌથી મોટો પ્રતિભાવાન આખ્યાનકાર છે. એની પહેલાંની કે એના પછીની આખ્યાન કવિતાએ આટલું ઊંચું શિખર બતાવ્યું નથી. એટલું જ નહીં, અન્ય આખ્યાન-કવિતા-શિખરો કરતાં એ ઘણું વધારે ઊંચું છે. કેમકે કથન-કળામાં તેમજ કાવ્ય-કળામાં પ્રેમાનંદની પ્રતિભા વધારે તેજસ્વી છે ને સમયથી આટલે દૂર આપણા સુધી પણ એની આભા ફેલાયેલી છે — આજના ભાવકની રુચિને પણ પ્રેમાનંદનાં આખ્યાનો સંતોષી શકે છે, બલકે ક્યારેક તો સંતર્પી પણ શકે છે. પ્રેમાનંદની આ સર્જકશક્તિના કેટલાક વિશેષો જોઈએ: 1 પરંપરામાં સર્જકતાનો સંચાર પરંપરાનો પ્રત્યક્ષ-પરોક્ષ પ્રભાવ ઝીલવો એ આરંભે કવિમાત્ર માટે સહજ હોય છે ને મધ્યકાળમાં તો પરંપરાનો પ્રત્યક્ષ-સીધો જ - લાભ ઉઠાવવો એનો પણ કશો છોછ ન હતો. પ્રેમાનંદે આપણી પૌરાણિક કથાસાહિત્યની લાંબી અને સમૃદ્ધ પરંપરાનો પૂરો લાભ લીધો છે. સંસ્કૃત કવિતાના સીધા કે અનુશ્રુત (સાંભળેલા) સંસ્કારો પણ એની કવિતા પર જોઈ શકાય છે. એના પુરોગામી ગુજરાતી આખ્યાનકારો ભાલણ, નાકર, વિષ્ણુદાસ વગેરેનાં આખ્યાનોના પ્રસંગ-અંશો ને ક્યાંય કાવ્ય-અલંકારણો પણ એણે અંગીકાર કરેલાં છે. — કાચી સામગ્રી તરીકે એણે ઘણું સ્વીકાર્યું છે તો ક્યાંક, નાકર જેવા એની પહેલાં થઈ ગયેલા કવિમાંથી તો, એણે ‘પાકો માલ’ — સીધી પંક્તિઓની પંક્તિનિરીક્ષણ ડો. ચિમનલાલ ત્રિવેદીએ વએમના શોધગ્રંથ ‘નાકર : એક અધ્યયન’માં કરેલું છે.) પૌરાણિક કથાનકોમાં મધ્યકાળના કવિઓએ જે પોતીકા ઉમેરા કરેલા છે એ પણ પ્રેમાનંદે એનાં આખ્યાનોમાં સામગ્રી લેખે ઉપાડી લીધેલા છે જેમકે એના ‘નળાખ્યાન’માંના ખૂબ જાણીતા ઉમેરા —મત્સ્યસંજીવની અને હારચોરીના પ્રસંગો — સૌ પહેલાં નાકરમાં દેખાય છે ને પ્રેમાનંદે એ ત્યાંથી લીધેલા છે. જો કે પ્રેમાનંદે નમ્રતાથી પોતાના પુરોગામી આખ્યાનકારોની કવિતાનું આ ઋણ સ્વીકારેલું છે.

પૂર્વે જે જે કવિજન-વૈષ્ણવે કીધાં ચરિત્ર અપાર જી
તે સઘળાંનો જોડ કરીને બાંધું શુભ આખ્યાન જી
    (‘હારમાળા’)

પરંતુ પ્રેમાનંદે એની સર્જકશક્તિથી આ પરંપરામાં પ્રાણ પૂર્યો છે — પ્રસંગની કથાકૌશલ વાળી ખીલવણીમાં, ચરિત્રોની બાહ્ય અને આંતરિક રેખાઓને નવાં રૂપો અને પરિમાણો આપવામાં, એને સમકાલીન જીવન-પ્રવાહનો સંસ્પર્શ આપવામાં ને કવિતાની સૂક્ષ્મ પણ તેજસ્વી લકીર ખેંચવામાં પે્રમાનંદે પોતાની આગવી શક્તિનો પ્રભાવક પરિચય આપેલો છે. નમૂના લેખે એક જ દૃષ્ટાન્ત લઈએ તો — ‘ચંદ્રાહાસ-આખ્યાન’માં, ચંદ્રહાસને ‘વિષ દેજો’નું ‘વિષયા દેજો’ કરવાનો જાણીતો પ્રસંગ છે. વિષયા એ પત્રમાં ‘યા’ કેવી રીતે ઉમેરે છે? ‘જૈમિનીય અશ્વમેધ’માં, આંબાના ઝાડનો રસ લઈ વિષયા નખથી એ અક્ષર ઉમેરે છે, એમ છે; નાકરમાં, દેવદારના વૃક્ષનું દૂધ કાઢીને એમાં ‘કાજલ કિંચિત્ નેત્રનું ઉમેરી, અક્ષર કીધું શુદ્ધ’ એવું આલેખન છે. આ કાજળવાળો વિચાર પ્રેમાનંદે નાકરમાંથી લીધો છે, પણ એનું આલેખન જુઓ:


‘એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર;
તરણા વતે લખ્યું તારુણીએ ધરી ક્દયા મધ્યે ધીર’
(‘ચંદ્રહાસાખ્યાન’, કડવું 15, કડી 25)

પ્રેમાનંદે વિગતોનો, નાયિકાના સૂક્ષ્મ મનોભાવોને ઉપસાવવામાં ઉપયોગ કર્યો છે: પત્રમાં ‘વિષ દેજો’ વાંચીને, પ્રેમોત્સુક વિષયા ઘડીભર ધ્રૂજી ગઈ હશે ને એની આંખો ભીની થઈ હશે. પણ પછી પરિસ્થિતિ સંભાળી લઈને ‘(ધરી હૃદયા મધ્યે ધીર’) કુશળતાથી એક નેત્રનું કાજળ તરણા પર લઈને બીજા નેત્રનું, આવીને જાણે કે ઠરી ગયેલું આંસુ ‘(નીર’) ભેળવીને એણે લખ્યું હશે... આમાં, આ દૃશ્ય-વર્ણનની પડછે, એના ત્વરિત બદલાતા સંચારી મનોભાવો પણ આપણે જોઈ શકીએ છીએ. પ્રેમાનંદની કવિકલ્પનાનો એ વિશેષ છે. આખી કડીનો લય પણ, વિગતને અંતર્ગત રાખીને, સંવેદનના મરોડને સાક્ષાત્ કરી આપે છે. પરંપરાને પ્રેમાનંદે સમકાલીન જીવન-પ્રવાહમાં ઓતપ્રોત કરીને પણ વધુ વિકાસશીલ-ગતિશીલ કરી, વધુ જીવંત પણ કરી એ એની સર્જકશક્તિનો વિશેષ — કહો કે વિલક્ષણ વિશેષ છે. આ માટે, એના સૌ અભ્યાસીઓની થોડીક ટીકા ને ઝાઝી પ્રશંસા પ્રેમાનંદ પામ્યો છે. ન્હાનાલાલે પ્રેમાનંદને ‘સૌથી વધારે ગુજરાતી કવિ’ કહ્યો એમાં સૌ વિવેચકોનો જાણે પ્રતિનિધિ સૂર છે.

ઉત્તમ કથન-કળાકર

પ્રસંગ ગમે હોય — શોકનો કે મિલન-વિરહનો; હાસ્ય-મજાકનો કે ગંભીર ચિંતાનો; સ્વયંવરનો કે ડરામણા વનમાં એકલી તરછોડાયેલી યુવતીનો; લગ્નનો, સીમંતનો કે પુત્રજન્મનો — પ્રેમાનંદ એને બહેલાવીને, રંગીને રજૂ કરી શકે છે, સતત એ રસપ્રદ બની રહે એ રીતે. વર્ણન-આલેખન-વાક્છટા પર એની એવી પકડ હોય છે કે કોઈપણ કથા-અંશને વિસ્તારીને પણ એ એને વેગીલો, પ્રવાહી રાખી શકે છે ને પ્રસંગના હાર્દને એ એવી રીતે પ્રગટ કરે છે કે એના શ્રોતાને (હવે વાચકને) એ એક ક્ષણ પણ તન્મયતામાંથી બહાર આવવા દેતો નથી. આ શક્તિ નાટ્યકારની શક્તિ છે — જયંત કોઠારીએ કહ્યું છે એમ ‘પ્રસંગની નિગૂઢ નાટ્યાત્મકતા છતી કરવાની અજબ આવડત’ પ્રેમાનંદમાં છે. ‘કુંવરબાઈનું મામેરું’માં નાગરો દ્વારા થતી નરસંહિની અમાનવીય મજાક ને પછી દામોદર દોશી રૂપે ભગવાને કરેલા ભવ્ય મામેરામાં એ જ નાગરોની થતી વળતી ક્રૂર મજાકના પ્રસંગો; ‘સુદામચરિત્ર’માં, કૃષ્ણને મળીને પાછા ફરતાં, પોતાના ઘરને બદલે મહેલ જોતાં ભ્રમિત થતા, અકળાતા- મૂંઝાતા સુદામાનો પ્રસંગ; ‘ચંદ્રાહાસ-આખ્યાન’માં, બાગમાં સૂતેલા ચંદ્રહાસનના દર્શનથી લઈને એના પત્રમાં ‘વિષ’નું ‘વિષયા’ કરતી વિષયાવાળો પ્રસંગ; ‘નળાખ્યાન’માં સ્વયંવરમાં આવેલા રાજાઓની હાસ્યાસ્પદ લોલુપતા આલેખતો પ્રસંગ — એવા અનેક પ્રસંગોમાં પ્રેમાનંદની કથનકલા-શક્તિનો, ન ભુલાય એવો, આહ્લાદક અનુભવ થાય છે. અલબત્ત પ્રસંગને બહેલાવવામાં, એના સમયમાં જે કંઈ રસપ્રદ ને મનોરંજક બન્યું હશે એ બધું આજે એવું રસાવહ નથી પણ લાગતું — ક્યાંક એમાં અનૌચિત્યના, પ્રેમાનંદની ટૂંકી પડતી કલ્પનાના, અપ્રતીતિકરતાના ને ક્વચિત ગ્રામીણતાના અંશો પણ આપણને જણાવાના. તે સમયની ને કવિની આટલી મર્યાદા સ્વીકારી લઈએ તો મોટાભાગના પ્રસંગાલેખનમાં પ્રેમાનંદનું કથન-કૌશલ સાચે જ આહ્લાદક છે.

માનવ-ભાવોનું ઝીણવટભર્યું આલેખન

પ્રેમાનંદનાં આખ્યાનો, વ્યાપક રીતે જોઈએ તો જેટલાં પ્રસંગકેન્દ્રી લાગે એટલાં પાત્રકેન્દ્રી કદાચ ન પણ લાગે તેમ છતાં કુંવરબાઈ, નરસંહિ, સુદામા, દમયંતી આદિ ક્દયસ્પર્શી પાત્રો એણે આલેખ્યાં છે ને એનાં જાતિચિત્રો જેવાં ગૌણ પાત્રો — કુંવરબાઈની વડસાસુ, ‘ઓખાહરણ’ની ચિત્રલેખા, ‘રણયજ્ઞ’ની મંદોદરી, ‘મામેરું’ના દામોદર દોશી કે નાગરો — પણ કેટલીક આકર્ષક રેખાઓ ઉપસાવે છે. પણ પ્રેમાનંદનું કૌશલ તો પરિસ્થિતિ-અંતર્ગત થતું પાત્ર-ભાવનું એટલે કે માનવભાવનું સૂક્ષ્મ ને અસરકારક આલેખન કરવામાં સૌથી વધારે પ્રગટ થાય છે. માનવમનની અવઢવ કે દ્વિધાના ભાવને જ લઈએ તો પણ પ્રેમાનંદમાં કેવાં ઝીણાં આલેખનો મળવાનાં! પિતાને મળવા જતી કુંવરબાઈની દ્વિધાગ્રસ્ત વેદના; અ-યાચક સુદામાની અવઢવભરી અકળામણ; વનમાં દમયંતીને ગુસ્સાથી એકલી છોડીને જતા નળમાં, દમયંતી પ્રત્યેના સ્નેહ-કર્તવ્યભાવથી થોડીકવાર જાગતી દ્વિધા વગેરે. પ્રેમાનંદે પૌરાણિક પાત્રોની આવી ભાવ-સ્થિતિઓ પોતાના સમયના જનસમુદાયના ભાવોની સમાન્તરે લાવીને આલેખી છે એમાં માનવ-સ્વભાવની અનેક લાક્ષણિકતાઓ એની ચકોર આંખે પકડી છે. ઓખા અને દમયંતીની લગ્ન-ઉત્સુકતા; કૃષ્ણ-સુદામાનો મૈત્રીભાવ; નણંદ-સાસુ-વડસાસુની અને સૌ નાગરોની પરપીડકવૃત્તિ અને એવા બીજા અનેક માનવભાવો — ઈર્ષ્યાના અને વેદનાના, લોભના અને ભયના; સ્નેહના અને શોકના ક્યારેક વિગતે તો ક્યારેક કોઈ એક પંક્તિના લસરકાથી એણે આલેખી આપ્યા છે. પોતાના સમયના શ્રોતાસમૂહને પ્રસંગ-પાત્ર-પરિસ્થિતિમાં તન્મય કરવાના કથાકાર-ચાતુર્યને લીધે (અને નગીનદાસ પારેખે યોગ્ય રીતે બતાવ્યું છે એમ પૌરાણિક પાત્ર-માનસને ચક્ષુપ્રત્યક્ષ કરવાની એની કલ્પનાની અશક્તિને કારણે પણ) માનવ-ભાવ-આલેખન ક્યારેક અતિ સામાન્યતામાં સરી પડતું. પૌરાણિક પાત્ર-પ્રતિમાને ખંડિત કરનારું બન્યું છે એ પ્રેમાનંદની મર્યાદા પણ બને છે પરંતુ આવી વિપરિતતા અનુભવાતી ન હોય એવાં અનેક સ્થાનોમાં માનવભાવોની કોઠાસૂઝ તથા એને તાદૃશ્યતાથી, પ્રત્યક્ષીકરણથી રજૂ કરવાની એની અભિવ્યક્તિ-કુશળતા મધ્યકાળમાં તો અપ્રતિમ ગણાય એવી છે.

કવિશક્તિ: રસનિરૂપણ

જેમ કથન-કળા પ્રેમાનંદનો આગવો વિશેષ છે એમ એનું કવિત્વ પણ એટલું જ આકર્ષક છે. એના સમયના અનેક પ્રચલિત રાગ-ઢાળોને એણે પૂરા પ્રભુત્વથી યોજ્યા છે. અને એમાં પદ્યકારની સફાઈ અને લયસૂઝ ખૂબ ધ્યાનપાત્ર છે. પ્રકૃતિનાં, માનવસૌંદર્યનાં ને પ્રસંગોનાં વર્ણનોમાં, પ્રચલિત રૂઢતામાં એ કંઈક તણાયો હોવા છતાં એની આગવી રેખાઓ પણ ઊપસે છે એમાં એની કવિ-શક્તિનો ફાળો ઘણો મોટો છે. અલંકારોમાં એની વાગ્મિતા દેખાય છે તો એ સાથે જ પ્રસંગ-પાત્ર પ્રત્યક્ષ કરી આપતી ને ભાવના ઝીણા મરોડોને ઉપસાવી આપતી કવિ-કલ્પનાનું પ્રવર્તન પણ એમાં દેખાય છે. કથાકેન્દ્રી કાવ્યોમાં રસનું નિરૂપણ મહત્ત્વનું ને કવિની શક્તિ કેટલી છે એનો હિસાબ આપનારું બનતું હોય છે. પ્રેમાનંદની રસનિરૂપણ શક્તિની બાબતમાં નવલરામની અત્યંત પ્રચલિત ઉક્તિ આજે પણ સ્વીકાર્ય લાગે છે, કે ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ એના પેંગડામાં પણ ઘાલે એવો નથી’ પ્રેમાનંદના રસસંક્રાન્તિ-કૌશલની એમની વાત પણ એટલી જ સાચી છે. ‘મામેરું’ અને ‘નળાખ્યાન’નો કરુણ રસ; ‘મામેરું’ અને ‘સુદામાચરિત’નો ભક્તિરસ; ‘ઓખાહરણ’, ‘નળાખ્યાન’માંનો શૃંગારરસ અને મુખ્યત્વે ‘મામેરું’, ‘નળાખ્યાન’ માંનો ને બીજાં ઘણાં આખ્યાનોમાંનો એનો હાસ્યરસ ખૂબ અહ્લાદક બલકે સ્મરણીય બનેલા છે. એક રસમાંથી બીજા રસમાં સહજ ગતિએ સરવાનું એનું કૌશલ તેમજ એક સાથે બે રસોનો યુગપત્ અનુભવ કરાવવાનું (જેમકે-‘મામેરું’માં પહેરામણીની યાદી વખતે નાગરોના હાસ્ય ને કુંવરબાઈના કરુણમાં) પ્રેમાનંદની શક્તિઓ પ્રફુલ્લ બની રહી છે. ભક્તિ, વાત્સલ્ય, બીભત્સ, વીર, ભયાનક, અદ્ભુત એવા રસો પણ પ્રેમાનંદે પ્રયોજ્યા છે પણ એનામાં મુખ્યત્વે કરુણ, હાસ્ય અને શૃંગારનું પ્રમાણ અને શક્તિ વધારે રહ્યાં છે; ઓખા, દમયંતી, નળ, વિષયાના શૃંગારભાવોનાં કેટલાંક મામિર્ક આલેખનોમાં એનો શૃંગાર સૂક્ષ્મસ્તરે ઊતર્યો છે પણ મહ્દંશે એ રૂપવર્ણનોની પ્રચલિત કક્ષાએ રહે છે; એના કરુણ વધુ પ્રભાવક છે: કુંવરબાઈનો અને દમયંતીનો કરુણરસ એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. શ્રોતા(વાચકો)ને આર્દ્ર બનાવનારી, એમને તદ્રૂપ કરનારી શક્તિ એમાં પ્રેમાનંદે દાખવી છે. અલબત્ત, નાટકી કરુણ સુધી પણ એ વારંવાર સરે છે એમાં એ સમયના કથા-કાર તરીકેની એની વિલક્ષણતા કારણભૂત છે. એની કલ્પનાશક્તિનું સ્તર પણ એ માટે જવાબદાર છે. હાસ્ય પ્રેમાનંદને વિશેષ ફાવતો રસ છે. સ્થૂળ હાસ્યમાં પણ એ ઘણીવાર ખેંચતો — ને પોતે ખેંચાતો હોય છે એમાં, ઉપર ગણાવી તે વિલક્ષણતા કારણરૂપ છે. છતાં મામિર્કતા ને સૂક્ષ્મતા પણ એના હાસ્યની મહત્ત્વની શક્તિઓ છે. કથાપ્રસંગો ને પરિસ્થિતિઓમાં એની નજર હાસ્યને ઝટ શોધી કાઢે છે —ક્યારેક તો મૂળ પ્રસંગમાં આછો નિર્દેશ હોય ત્યાં, ને નવી પરિસ્થિતિ યોજીને પણ એ હાસ્યને માટે જગા કરે છે ને એને ઉત્તમ રીતે બહેલાવે છે. દમયંતીને વરવા તૈયાર થયેલા અનેક રાજાઓનું આલેખન — અને અલબત્ત, દેવોની દુર્દશાનું આલેખન — એનું મહત્ત્વનું ઉદાહરણ છે. મધ્યકાલીન આખ્યાન, માણભટ્ટોના વ્યવસાય તરીકેની એક પ્રવૃત્તિ તરીકે પણ વધુ ને વધુ શક્તિઓથી વિકસેલું છે. એમાં પ્રેમાનંદ ટોચે છે. કથાકાર અને કવિની પ્રતિભાથી કથન-વર્ણન-ગાન-અભિનયનાં કૌશલ્યોને પૂરેપૂરાં પ્રયોજીને એક ઉત્તમ રજૂઆતકાર (પરર્ફોર્મર) તરીકે પ્રેમાનંદની એક શક્તિમંત કલાકારની પ્રતિમા ઊપસી છે. — રમણ સોની