સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/અભીપ્સા

અભીપ્સા


ઇપ્સા એટલે ઇચ્છા. અભીપ્સા એટલે તીવ્ર ઇચ્છા. ઝંખના. ‘આ મેળવીને જ રહું.’ એવી માનસિકતા. માણસ અભીપ્સુ છે, જીવન અભીપ્સાલોક. સંસારનાં સૌ પ્રાણીઓને ઇચ્છાઓ જરૂર થાય છે, પણ માણસનું તો એ મોટામાં મોટું લક્ષણ છે. માણસ મૂળે અભીપ્સુ છે -ઇચ્છાઓ કરનારું પ્રાણી. ઇચ્છા માણસના બંધારણમાં છે, તેના અસ્તિત્વનો બહુ મોટો અંશ છે ઇચ્છા. ઇચ્છી ઇચ્છીને માણસ શું મેળવવા માગે છે? એ કદાચ પોતાને સિદ્ધ કરવા માગે છે, સિદ્ધ કરીને પોતાની સત્-તા પ્રગટાવવા ચાહે છે. ઇપ્સા માટે અંગ્રેજી ‘ડીઝાયર’-ની જેમ ‘વિશ’ શબ્દ પણ કામ આવે. આ ‘વિશ’-માં જ્યારે સંકલ્પબળ કે નિશ્ચલતા ભળે ત્યારે ‘વિશ’ ‘વિલ’ બની જાય છે –‘વિલ’ એટલે ઇચ્છાશક્તિ. ‘વિલ ટુ પાવર’ ‘વિલ ટુ હેપિનેસ’ એમ પ્રયોગો થતા રહે છે. જોવા જઈએ તો, સંસારમાં માનવસંસ્કૃતિ અને સભ્યતા જન્મ્યાં જ ન હોત, જો મનુષ્ય અભીપ્સુ જીવ ન હોત, જો એની પાસે ઇચ્છા નામની શક્તિ ન હોત. માનવીય ઇચ્છાશક્તિ અપાર છે. માનવીય ઇચ્છા અખૂટ છે. એક પૂરી થાય કે તરત એને સ્થાને બીજી આવીને બેસી જતી હોય છે. ઘણીવાર તો એક ઇચ્છા પૂરી ન થઈ હોય અને બીજી આકાર લેવા માંડે, અથવા તો એક પૂરી થવામાં હોય ને દરમ્યાન ત્રણ-ચાર-પાંચ જેટલી નવી ઇચ્છાઓ એની બિલકુલ આસપાસ ગોઠવાઈ જાય. મનુષ્ય માત્ર ઇચ્છાઓનું અંદર એવું ઝૂમખું લઈ ફરતો હોય છે. ઝૂમખાનું મનોમન સેવન કર્યા કરતો હોય છે. એને એના વિનાનો કલ્પવાનું અશક્ય છે. ઇપ્સા હમેશાં તીવ્ર હોય છે. આપણો રોજિંદો અનુભવ છે કે ઇચ્છાઓ પોતાની તીવ્રતાને કારણે આપણને જીવન્ત જરૂર રાખે છે, પણ પોતે તો જાણે અધૂરી રહેવાને જ સરજાઈ છે. પરિણામે, જીવન ચાલ્યા કરે છે –પણ ઇચ્છાઓનો અન્ત નથી આવતો. હા, મૃત્યુ પાસે સર્વ ઇચ્છાઓનું પણ અવસાન થઈ જાય છે. જોકે ઇચ્છા પૂર્ણ થવાના દરેક પ્રસંગે માણસને સારું લાગે છે. એવી ઘડીઓમાં એ પ્રસન્ન અને પુલકિત થઈ ઊઠે છે, આનન્દિત થઈ જાય છે. એવો આનન્દ એના જીવનને દૃઢ કરે છે, એને જીવતા રહેવાનું બળ આપે છે. ઇચ્છાને આપણે જીવન-સૂત્ર તરીકે જોવી ઘટે, જીવન-રસાયન તરીકે ઓળખાવવી ઘટે. પરમ્પરાગત ધર્મોએ સંસારને માયા ગણીને બધો હુમલો માણસની આ, ઇચ્છા પર કરેલો: ઇપ્સાઓને, લિપ્સાઓને, ઓળખો, તૃષ્ણા માત્રને જાણો અને પછી તેને ક્રમે ક્રમે તજી દો. ઇચ્છાઓને કાબૂમાં લો, તેમના પર સંયમનો જાપતો બેસાડો અને ઇચ્છાઓને કમ કરતા ચાલો. આ ઉપદેશ માણસના અસ્તિત્વની બુનિયાદથી વિરુદ્ધ જનારો છે અને તેથી એક આદર્શથી વધારે કંઈ નથી. ઇપ્સા કે અભીપ્સા વિનાનો મનુષ્ય કેવો હોય? અતિશયિત ઇચ્છાઓ મનુષ્યનાં દુ:ખોનાં મૂળમાં જરૂર છે, તેને ઓછી કરે તો આશાયેશ પામે પણ ખરો; પરન્તુ ઇચ્છાશૂન્ય થઈ રહેવું એટલે તો માણસ મટી જવું! વાત એમ છે કે માણસ પોતે જેવો છે તેવો રહેવામાં જ સુખ ભાળે છે. ઇચ્છાપૂર્તિ ન થતાં પછાડ જરૂર ખાય છે. પણ તેથી કરીને ઇચ્છવાનું ભૂલી જાય તેવું ક્વચિત્ જ બને છે. ઇચ્છા ઇપ્સા અભીપ્સા તૃષ્ણા વાસના વડે એની મોટામાં મોટી ઇચ્છા જિજીવિષા –જીવવાની ઇચ્છા– ટકી હોય છે, તેથી એનામાં આશાવાદ ઊભો થયો હોય છે. તેથી એનામાં ઉત્સાહ લગન ઊર્મિ થનગનાટ સિંચાયાં હોય છે. અમુક તમુક ઇપ્સા સાવ જ ન હોય ત્યારે પણ માણસ જીવવાની ઇચ્છા તો રાખે જ છે. એવા મનુષ્યને સાધુ ગણીને આપણે નમસ્કાર કરીએ છીએ. પણ ઇપ્સાશૂન્ય કોઈક જો મળી આવે, તો એ કદાચ મનુષ્ય નહીં હોય -ઈશ્વર હશે કે કશુંક ઈદમ્ તૃતીયમ્… જોકે ઈશ્વરને પણ એક વાર ઇચ્છા જ થયેલી: ઇચ્છા એવી કે પોતે એકમાંથી બહુ થાય. ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઈ અને આ સૃષ્ટિનું સૃજન થયું, જો એમ જ હોય, તો જીવ માત્ર ઈશ્વરની એ મૂળ ઇચ્છાનું પ્રત્યક્ષ પરિણામ છે. અને કદાચ એટલે જ બધાં પ્રાણીઓ હમેશાં કંઈ ને કંઈ ઇચ્છ્યા કરે છે. માણસ પણ એટલે જ નિરન્તર ઇચ્છ્યા કરે છે. માણસની ઇચ્છા ઈશ્વરની એ મૂળ ઇચ્છાનો જ વિસ્તાર છે. અભીપ્સાઓથી ખચિત માનવ-જીવન, એ મૂળના ઐશ્વર્યની જ લીલા છે…

= = =