સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/અષ્ટનાયિકાભેદ વિશે

અષ્ટનાયિકાભેદ વિશે


ભરત મુનિના સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ ગ્રન્થમાં નાયક-નાયિકાની ચર્ચા છે. નાટકમાં તેમ કથાસાહિત્યમાં કે ફિલ્મમાં નાયક-નાયિકા હમેશાં હોય છે. હીરો-હીરોઇન. પ્રિયા અને પિયુ. ગ્રન્થમાં એક મુદ્દો ‘અષ્ટનાયિકા’ વિશે છે. ‘અષ્ટનાયિકાભેદ’ પણ કહેવાય છે -જુદી જુદી આઠ નાયિકાઓ. આજે મારે એ આઠ નાયિકાઓ વિશે અને એ નિમિત્તે કંઈક કહેવું છે. એ આ પ્રમાણે છે: ‘વાસકસજ્જા’ નાયિકા એ છે જે પિયુના આગમનની રાહ જોઈ રહી છે. પ્રણયની આશમાં સજીધજીને તત્પર બેઠી છે. સહશયન કાજે એણે શય્યા પણ સજાવી છે. સાહિત્યકૃતિઓમાં વર્ણવાય કે પિયુ કશી લાંબી યાત્રાએથી પાછો ફરવાનો છે. પથારીમાં એણે કમળ પાથર્યા છે. ‘વિરહોત્કણ્ઠિતા’ એ છે જે પિયુના વિરહમાં દુ: ખી છે. મિલન કાજે ઉત્કણ્ઠે -ઊંચી ડોકે- વાટ જોઈ રહી છે. વર્ણનો મળે કે પલંગ પર શિર ઢાળીને બેઠી છે. આંગણાની કોઈ થાંભલીને અઢેલીને ઊભી છે. ‘સ્વાધીનભર્તૃકા’ એ છે જેણે પોતાના પ્રગાઢ પ્રેમથી પિયુને સ્વને અધીન કરી લીધો છે. એટલે કે, વશ કરી લીધો છે. ‘કલહાંતરિતા’ એ છે જે પિયુ સાથે કલહ થવાને કારણે દુ: ખમગ્ન છે. કલહનું કારણ પોતે પણ હોય -પોતે કશી ઉદ્ધતાઈ કરી હોય. એવું બતાવાય કે પિયુ એને એ જ હાલતમાં છોડીને નીકળી ગયો છે અને એવી એકલી એ ખિન્ન-મના પસ્તાવો કરતી પિડાઈ રહી છે. પિયુ એને પ્યાલી ધરીને મનાવા જતો હોય, પણ એ એને હડસેલી મૂકે એમ પણ વર્ણવાયું હોય. ‘ખણ્ડિતા’ એ છે જે રોષે ભરાયેલી છે, કેમકે પિયુએ વચન આપેલું કે રાત એની સાથે વિતાવશે, પણ ફરક્યો જ નહીં. કોઈ બીજીની સાથે રાત વિતાવીને છેક સવારે આવ્યો. એટલે એ ખણ્ડિતા છે -ભાંગી પડેલી. એવી અપમાનિત એ, પેલાને ઠપકો આપતી હોય -બીજું તો શું કરી શકે? ‘વિપ્રલબ્ધા’ એટલે છેતરાયેલી. નાયકે છેતરી હોય. બચારીએ આખી રાત એની આશમાં વિતાવેલી. પિયુના વચનભંગથી છંછેડાયેલી એને અલંકારો ફગાવી દેતી પણ દર્શાવી હોય છે. ‘પ્રોષિતભર્તૃકા’ એ છે જેનો ભર્તૃ -ભરથાર- પ્રોષિત, એટલે કે, પરદેશ ગયો છે. નિયત સમય થઈ ગયો છતાં પાછો નથી ફર્યો. એ શોકાતુરાને એની સખીઓ કે દાસીઓ મનાવી શકતી નથી એવાં પણ વર્ણનો મળે. અને ‘અભિસારિકા’ એ છે જે પિયુને મળવા જઈ રહી છે -ચોરીછૂપીથી, તેમછતાં, એને નથી કશી બીક કે નથી કોઈની પરવા. વર્ષા, આંધી કે વનવગડાની ય એને જરા ય ચિન્તા નથી -બસ ચાલી જઈ રહી છે. આશય તો એ હશે કે નાટક ભજવતી વખતે અભિનેત્રીને માર્ગદર્શન મળે, એને અર્પાયેલી ભૂમિકા માટે દોરવણી મળે. આ નાયિકાચર્ચા વિદ્વાનોને એવી તો ગમી ગઈ કે એનો વાંકો વિસ્તાર થયો. પ્રાચીન કામશાસ્ત્રીઓ મચી પડ્યા જણાય છે. હા, મારી જાણ મુજબ, આપણા કોઈ સાહિત્યકારે આમાં ઝંપલાવ્યું નથી -કેમકે બધા બહુ શાણા. ‘કોકશાસ્ત્ર’-ના રચયિતા પણ્ડિત કોકે સ્ત્રીદેહના આકાર અને તેની પ્રણયી તરીકેની વિશેષતા અનુસારના ૪ પ્રકારો રેખાન્કિત કર્યા, ‘હસ્તિની’ ‘પદ્મિની’ ‘ચિત્રિણી’ અને ‘શંખિની’. હસ્તિની વિશાળકાય, પદ્મિની નાજુક નમણી. ચિત્રિણી માટે ‘રતિરસજ્ઞા’ અને શંખિની માટે ‘સમ્ભોગકેલિરસિકા’ વિશેષણો વપરાયાં છે. ‘કામસૂત્ર’-ના કર્તા વાત્સ્યાયને નાયિકાઓની વયના અનુલક્ષમાં મોટી ઉમ્મરનીને ‘પ્રૌઢા’ કહી અને વયસ્કને ‘મુગ્ધા’. પણ લક્ષણ એમ બતાવ્યું કે પ્રૌઢા કામાનુભવી છે ને મુગ્ધા નવીસવી છે. આ શાસ્ત્રીઓએ વયને તો ઠીક પણ યોનિના આકારોને પણ ધ્યાનમાં લીધા છે. તદ્ અનુસાર ‘મૃગી’ કે ‘અશ્વિની’ વગેરે પ્રકારો મળ્યા છે. ચાલચલગત અનુસાર, નાયિકાઓ ‘સ્વકીયા’ ‘પરકીયા’ અને ‘સામાન્યા’ પણ વર્ણવાઈ છે. કવિ ધનંજય જેવા શબ્દાર્થવિદે નાયિકાના અનુભવજ્ઞાનની વત્તી-ઓછી માત્રા અનુસારના પ્રકાર દર્શાવ્યા -‘મુગ્ધા’ ‘મધ્યા’ અને ‘પ્રગલ્ભા’. મુગ્ધા, પ્રણયથી અણજાણ. મધ્યા, ઠીક ઠીક જાણે. પ્રગલ્ભા, કુશળ -સર્વ કાંઈ જાણે. મને સાહિત્યના માણસ તરીકે આ આઠેય નાયિકાઓથી મણ્ડિત-વિભૂષિત સાહિત્ય ગમે છે. આનન્દ તો એ વાતનો કે અષ્ટનાયિકાભેદની આ વિભાવનાને પ્રતાપે સાહિત્ય-શબ્દનું લગભગ બધી જ લલિત કલાઓ સાથે સમ્મિલન સધાયું. એનો ચિત્ર શિલ્પ સંગીત અને સાહિત્ય પરનો પ્રભાવ અદ્વિતીય છે. ચિત્રકારો માટે ભાનુદત્તની ‘રસમંજરી’ કે કેશવદાસની ‘રસિકપ્રિયા’ અને ‘કવિપ્રિયા’ રચનાઓ મહા મોટા આધારસ્રોત પુરવાર થઈ છે. એ કવિજનોએ કરેલાં રાધા-કૃષ્ણ વગેરેનાં વિવિધ વીગતોથી તાદૃશ વર્ણનોને ચિત્રકારોની સર્જકતાએ હૂબહૂ ઝીલી જાણ્યાં છે. કવિતા અને ચિત્રનો એ સંગમ અદ્ભુત છે. મધ્યકાલીન ‘રાગમાલા’-ચિત્રોનું ભારતીય સંગીત સાથેનું સાયુજ્ય તો વળી, અભૂતપૂર્વ છે. ચિત્રોમાં રાગને આકારિત કરાયો હોય. નાયક-નાયિકા વચ્ચે સંભવેલા કોઈ પ્રસંગને આલેખ્યો હોય. રાગના ગાનની ઋતુનો કે તેના સમયનો સંકેત અપાયો હોય. કોઈ કોઈ રોગોનું દેવદેવીઓ સાથેનું સન્ધાન સૂચવાયું હોય -જેમકે રાગ ભૈરવ અને ભૈરવીનું શિવજી સાથેનું. શિલ્પ સાથેના સન્ધાનનું દૃષ્ટાન્ત ખજૂરાહોમાં છે. એના લક્ષ્મણ-મન્દિરમાં વાસકસજ્જા નાયિકાનું શિલ્પ છે. ઉત્સુકે જઈને જોવું. જયદેવકૃત ‘ગીતગોવિન્દ’-માં રાધા સ્વાધીનભર્તૃકા છે. સાહિત્યના કોઈ અધ્યેતાએ ‘ગીતગોવિન્દ’ ન વાંચ્યું હોય તો એને નાતબહાર મૂકવો જોઈએ! શૃંગાર રસનું સમગ્ર સંસ્કૃત સાહિત્ય આ નાયિકાઓથી રમણીય અને આસ્વાદ્ય દીસે છે. પદ્મિનીનું આવું વર્ણન હોય: પૂર્ણિમાના ચન્દ્ર જેવી સુન્દર. મૃદુ સુવર્ણ ત્વચા. કમળ જેવી કોમળ. એની ચાલ હંસિની જેવી. ચિત્રિણી નાયિકા, કલાકાર હોય. સંગીત નૃત્ય કવિતા એને પ્રિય હોય. એની કાયા, નાજુક. કટિ, સિંહની હોય એવી પાતળી. સ્તન, પૃથુ અને પૃષ્ટકઠણ. નારીના સર્વાંગને નરી સૌન્દર્યદૃષ્ટિથી કદાચ ભારતીય મનીષીઓએ જ કલ્પ્યું છે, ને વળી, નિ:સંકોચ ભાવે વર્ણવી જાણ્યું છે. પરન્તુ માણસ તરીકે મને નાયિકાના આ બધા જ પ્રકારો નથી ગમતા. અનેક વિદ્વાનોની જેમ મારું પણ માનવું છે કે આ બધી નાયિકાઓ પુરુષોને ફાવે-ભાવે એ જાતની પૌરુષેય દૃષ્ટિમતિનું કે મનોવ્યાપારોનું પરિણામ છે. શું નાટકનું, કાવ્યનું કે કામવાસનાનું શાસ્ત્ર લખનારા તો પુરુષો જ હતા! વાસકસજ્જા, વિરહોત્કણ્ઠિતા, સ્વાધીનભર્તૃકા, પ્રોષિતભર્તૃકા અને અભિસારિકા મને જરૂર ગમે છે કેમકે એ પાંચેયમાં પ્રીત અને પ્રણયને માટેની સ્ત્રીસહજ લાલસા છે -એક તીવ્ર મનોરથ, અને એને સિદ્ધ કરવા માટેનો સચ્ચાઈભર્યો યત્ન-પ્રયત્ન. એવા મનોરથ પરત્વે મને અભિસારિકા સૌથી વધુ પ્રિય છે. સુખ્યાત ચિત્રકાર મોલા રામે (૧૭૪૩-૧૮૩૩) ચીતરેલી હૃદયંગમ અભિસારિકા યાદ આવે છે. ઘનઘોર વિજન મારગે ધપી રહેલી એ પાછું જુએ છે કેમકે ઉતાવળમાં હમણાં જ એનું સુવર્ણ ઝાંઝર સરકી ગયું -અરે પણ, આમતેમ સર્પ અટવાઈ રહ્યા છે. માથે વીજ તો ક્યારની ઝબૂકે છે. બાકીના બધા પ્રકારોમાં, મને વાંકમાં કે ગુનામાં પુરુષો જ દેખાય છે. કલહાંતરિકાનો, ખણ્ડિતાનો કે વિપ્રલબ્ધાનો કયો દોષ? અઢળક પ્રેમ કર્યો એ જ કે કશો બીજો? હકીકત એમ છે કે સ્ત્રીઓ માત્ર ભોગવાય છે. પરન્તુ, ઉપરાન્ત, અન્તે, બદલામાં, પરિણામે, વ્યથા પીડા કે દુ:ખને જ પામે છે. આજે તો થઈ પૌરુષેય કલ્પકતાની સરજત એવી નાયિકાઓની વાત, કોઇ વાર દેવદાસીઓની નકરી વાસ્તવિક વાતો કરીશું.

= = =