સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/અષ્ટ સખાઓનાં પદ-ગાન વિશે

અષ્ટ સખાઓનાં પદ-ગાન વિશે


મારી મા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિવારમાંથી, પિતાજીનું કુટુમ્બ વેંકટેશ્વર બાલાજીનું અનુયાયી. બન્ને ભક્તિ મને વારસામાં મળી. પણ બચી, મારી પોતાની રીતભાતમાં. પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીની સેવાર્થે રાગ, ભોગ અને શ્રૃંગારનો ખૂબ મહિમા છે. ભજન-ગાન-કીર્તન. મંગલભોગ, રાજભોગ. ઠાકોરજીને નિત્ય નવા અલંકારો અને વસ્ત્રાભૂષણોના શણગાર. નાનીમા રોજ ઘરના ઠાકોરજીને ઘંટડી વગાડીને જગાડે. વસ્ત્ર બદલાવે. ચકરડી ફેરવીને પ્રસન્ન કરે. તુલસીપાન ને મિસરી અર્પે. મનોરથ જાગે તો અન્નકૂટો કરતી. ઉજાગરા કરીને ૧૫-૨૦ વાનગીઓ બનાવી હોય. ખાખરના સ્વસરજિત પડિયાઓમાં સજાવે. પ્રભુ આરોગે એ પહેલાં એને મારાં રસભૂખ્યાં નયન આરોગી લેતાં! મરજાદી એવી કે મારાં બધાં કપડાં ઉતરાવે -કેમકે કોને યે અડકીને આવ્યો હોઉં! એ પછી જ પરસાદ. એવી બધી મધુર યાદો વચ્ચે પુષ્ટિમાર્ગીય આઠ કવિઓની આજે મારે વાત કરવી છે ને એ નિમિત્તે કંઈક કહેવું પણ છે. શ્રીનાથજીના ભક્ત કીર્તિવન્ત આઠ કવિઓ અષ્ટ સખા તરીકે ઓળખાય છે. શ્રદ્ધારસિત માન્યતા છે કે પુરા કાળે તેઓ શ્રીકૃષ્ણના સખા હતા. ચાર શિષ્યો હતા, મહાપ્રભુ વલ્લભાચાર્યના: સૂરદાસ, કુમ્ભનદાસ, કૃષ્ણદાસ અને પરમાનન્દદાસ. બાકીના ચાર, ગોસાઈજીના: ગોવિન્દસ્વામી, છિતસ્વામી, ચતુર્ભુજદાસ, અને નન્દદાસ. સૌ પર ઠાકોરજીની કૃપા. બધાનું ચિત્ત પ્રભુની લીલામાં ઓતપ્રોત રહેતું હશે. શ્રીકૃષ્ણ સાથે એકાત્મભાવ અનુભવતા. શ્રીજીની સેવા અને દર્શનના આઠ પ્રહર છે: મંગલા, ગ્વાલ, શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સન્ધ્યા-આરતી અને શયન. આ કવિઓને આઠેય પ્રહરની લીલાનાં દર્શન થતાં. એ દર્શનાનુભવોમાંથી પદ-ગાન પ્રગટતાં હતાં. આનન્દ તો એવો કે દરેક દર્શનને માટેનું પદ રચાતું અને તેનું ગાન થતું. પરિણામે આજે સમગ્ર પદ-સૃષ્ટિ ભક્તિભાવની નિતાન્ત અભિવ્યક્તિઓ રૂપે નિર્વ્યાજ બલકે સહજ અને હૃદ્ય અનુભવાય છે. સૈકાઓ પૂર્વે ગોસાંઈજીએ ‘અષ્ટસખામણ્ડલ’ રચ્યું ત્યારથી આ પદો પુષ્ટિમાર્ગીય કીર્તનસેવાનો મહાભાગ મનાય છે. સૂરદાસનું વલ્લભાચાર્ય સાથે ગૌઘાટ પર મિલન થયેલું. પછી એ ગોકુળ ગયેલા. ત્યાં એમને નવનીતપ્રિય બાળકૃષ્ણનાં દર્શન થયાં અને એમણે બાળલીલાનાં પદ ગાયાં. પછી એઓ વલ્લભાચાર્ય સાથે ગોવર્ધન ગયેલા અને ત્યાં એમણે કીર્તનસેવા શરૂ કરી. કહેવાય છે કે સૂરદાસે ૧ લાખ ૨૫ હજાર પદ રચ્યાં છે. એનો મતલબ હું એમ ઘટાવું છું કે એમણે અગણિત પદો રચેલાં. હતા તો અન્ધ, પરન્તુ અન્ત:ચક્ષુથી દર્શન લાધેલું કે બાળકૃષ્ણ પારણાંમાં છે અને માતા યશોદા પારણું ઝુલાવે છે. સૂરદાસે પદ રચ્યું -જસોદા હરિ પાલને ઝુલાવે… કુમ્ભનદાસને યુગલસ્વરૂપની લીલાનાં દર્શન થયેલાં. ગાયું -બની રાધા ગિરિધર કી જોરુ… પરમાનન્દદાસે ‘મંગલા’-નો મહિમા ગાયો -પ્રાત:સમય હરિ નામ લીજિયે, આનન્દમંગલ મેં દિન જાય, ચક્રપાણી કરુણામય કેશવ વિઘ્ન વિનાશન યાદવરાય. ( આ બધાં અને હવે પછીનાં દૃષ્ટાન્તો મેં ખૂબ ધ્યાનથી શોધ્યાં છે, એને ધીરજથી વાંચવા વિનન્તી છે. ) આ કવિઓએ યમુનાજી વિષયે પદ રચ્યાં છે: કૃષ્ણદાસ કહે: તૂ સંગ હી મુરરિપૂ, સકલ સામર્થ્યમયી પાપ કી ખણ્ડિની, કૃપારસ પૂર્ણ વૈકુણ્ઠ પદ કિ સીઢી, જગતવિખ્યાત શિવ શેષ શિર મણ્ડિની: ગોવિન્દસ્વામી: શ્યામસંગ શ્યામ, બહ રહી શ્રીયમુને સરત શ્રમ બિન્દુ તેં, સિન્ધુ સી બહિ ચલી: છિતસ્વામી: ધાય કે જાય જો શ્રી યમુનાતીરે તાકી મહિમા અબ કહાં લગ વરનિયે, જાય પરસત અંગ પ્રેમનીરે: ચતુર્ભુજદાસ: વારંવાર શ્રીયમુને ગુણગાન કીજે એહિ રસનાતેં ભજો નામરસ અમૃત, ભાગ્ય જાકે હૈં સોઈ જુ પીજે: આ કવિઓએ બાળલીલાનાં ય અનેક પદ રચ્યાં છે. માત્ર નન્દદાસની એક રચનાનો ઉલ્લેખ કરું: છોટો સો કન્હૈયો એક, મુરલી મધુર છોટી, છોટે છોટો ગ્વાલબાલ છોટી પાય સિરકી છોટે સે કુણ્ડલ કાન, મુનીન કે છૂટે ધ્યાન, છૂટે લટ અલકનકી. મોટી વાત તો એ કે ભારતીય શાસ્ત્રીય સંગીતના લગભગ બધા જ રાગમાં આ પદો ગવાયાં છે અને ગવાય છે. આશાવરી વસન્ત સારંગ લલિત કાફી કેદાર તોડી પૂરવી મલ્હાર માલકૌંસ ભૈરવ -કોઈપણ નામ લો! મોટા ભાગનાં પદ વ્રજ ભાષામાં છે. ઉષ્ણકાળ, શીતકાળ અને વર્ષાકાળ, એ ત્રણેય ઋતુ સાથે પદોનો પાકો સમ્બન્ધ. રાગ પણ ઋતુ-અનુસારી: ઉનાળામાં, સારંગ: જેમકે, સૂરદાસનું આ પદ: સૂર આયો સિર પર છાયા આઇ પાયનતર પંથી સબ ઝુક રહે દેખ છીઁહ ગહરી… સૂર અલબેલી ચલ કાહે કો ડરત હૈ, મહા કી મધ્ય રાત જૈસે જેઠ કી દુપહરી: ચૉમાસામાં, મલ્હાર: છિતસ્વામી: બાદર ઝૂમ ઝૂમ બરસત બરસત લાગે દામિની દમકતે, ચૉંક ચમક શ્યામ, ઘન કી ગરજ સુન જાગે: કુમ્ભનદાસ: વર્ષા કી અગવાની, આયે માઇ વર્ષા કી અગવાની દાદુર મોર પપૈયા બોલે, કુંજન બગપાન્ત ઉડાની: શિયાળામાં, લલિત: સૂરદાસનું આ પદ: બોલવે કી નાહીં, તુમ સો બોલવે કી નાહીં ઘર ઘર ગમન કરત સુન્દરપ્રિય, ચિત્ત નાહી એક ઠાહીઁ: મનોરથે મનોરથે પદ ગવાય -જેમકે જન્માષ્ટમીએ, ચતુર્ભુજદાસનું આ પદ: નૈનભર દેખો નન્દકુમાર જસુમતીકુખ ચંદ્રમા પ્રગટ્યો, યા વ્રજ કો ઉજિંયાર: હોળી વખતે, સૂરદાસનું આ પદ: ફાગુન મેં સબ હોરી ખેલત હૈ, અપને અપને વર સો પિય કે વિજોગ જોગન વ્હે નિકરી, ધૂર ઉડાવત કર સો ગલી મથુરા કી ડગર સો ઊધો જાય દ્વારકા કહિયો, ઇતની અરજ મેરી હરિ સોં વિરહવ્યથા સે જીયરા ડરત હૈ, જબસે ગયે હરિ ઘર સો દરસ દેખન કો હોં તરસો… પ્રત્યેક લીલા, તેનું અર્થપૂર્ણ પદ, અને તે બન્નેનું સંગીત સાથેનું આવું મનભાવન સાયુજ્ય. પાંચ પાંચ શતક પછી પણ પુષ્ટિમાર્ગીય મન્દિરોમાં આ મહિમાવન્ત પદ-ગાન ચાલુ છે. જોકે મૂળે તો આ બધું ભક્તિભાવ માટે હતું. એટલે એનું છેવટનું મૂલ્ય તો ભક્તિ અભિવ્યક્તિ થાય એ છે. કેમકે ઠાકોરજીને ભાવ ખપે છે. ચતુ:શ્લોકી સ્તોત્રમાં વલ્લભાચાર્યે ભક્તોને કહ્યું છે: શાશ્વત ગોકુલેશ્વરના પાદારવિન્દે સ-સ્મરણ શરણ લઈને ભજનપાઠ ને ગાન હૃદયપૂર્વક કરીએ. ન વીસરીએ. એક એ જ છે જો આપણને મનવાંછિત ‘ભગવતપ્રાપ્તિ’ કરાવશે. આ અષ્ટ સખાઓને નિમિત્તે મારે જે કંઈ કહેવું છે તે આપણા સમકાલીન કવિઓને કહેવું છે: કે સમસામયિક કાવ્યશબ્દને રાગ અને ગાનમાં પળોટી જુઓ, શું થાય છે. કે ઋતુ અને સમય સાથે જોડી જુઓ, શું થાય છે. કે અર્થની, કાવ્યાર્થની, સર્જનયાત્રામાં ભાવને નિરન્તર યાદ રાખો. શું થાય છે: ભક્તિભાવને વ્યક્ત કરતા કાવ્યશબ્દનું આવું આવિષ્કરણ મને કોઈપણ શબ્દસ્વામી માટે સંદેશક અને પ્રેરક લાગે છે. પોસ્ટ-મૉડર્નિઝમના સમયમાં એ માર્જિનોને પણ ફંફોસી જોઈએ. હા, મને ભાન છે: કે આપણે સ્વકીય ગીતસંગીત વિનાના સૂકા થઈ ચૂક્યા છીએ; કે વિચ્છિન્ન છીએ. એકેય ઋતુકાળ અકબંધ નથી અનુભવાતો. કે અનર્થોના અવિરત પ્રાગટ્યો વચ્ચે આજે કાવ્યાર્થ પોતે જ પ્રશ્નમય છે. અને મને એ પણ છે કે, ભક્તિ ગાવી તો કોની? ક્યાં છે કૃષ્ણ? વળી, આપણે વળી કોના સખા!: જોકે એ જ કારણોસર, રાગ ગાન ઋતુ કે ભાવ જોડે શબ્દસમર્થોએ આજે કશી નવી આગવી રીતે ઝૂઝવાની અને એમ રમી લેવાની જરૂર છે!

= = =