સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય


સમીક્ષક સુમન શાહે નવલકથા-વાર્તા લેખનમાં પોતીકી મુદ્રા અંકિત કરી આપી; એ પછી એમણે નિબન્ધમાં વિશેષ કામ કરવાનું સ્વીકાર્યું હોવાની પ્રતીતિ એમના નિબન્ધો કરાવે છે. પોતાના વિદ્યાગુરુ સુરેશ હ. જોષીની જેમ સુમન શાહને નિબન્ધ ઘણો વ્હાલો છે. નિબન્ધમાં એમની અનેક મુદ્રાઓ તથા ગદ્ય-છટાઓ પ્રગટી આવી છે. ‘વેઇટ્ અ બિટ્’, ‘બાય લાઈન’, ‘વસ્તુસંસાર’ અને ‘સાહિત્ય-સાહિત્ય’ – ૧ થી ૪ –માં સચવાયેલા એમના નિબન્ધોમાંથી ચયન કરીને, એમણે ‘એકત્ર ફાઉન્ડેશન’-ની આ ઈ-બુકમાં, કેટલાક વિશિષ્ટ નિબન્ધો રજૂ કર્યા છે.

આ નિબન્ધોમાં પ્રકૃતિની સાક્ષીએ પ્રગટતો વર્તમાન જીવનનો ચહેરો ભાવકોને ખસૂસ આકર્ષિત કરશે. વિદ્યા, શિક્ષણ, સાહિત્ય, કુટુમ્બ, સામ્પ્રત સમાજ, નફ્ફટ રાજરમતો, તૂટતાં મૂલ્યો, યાન્ત્રિક બની ગયેલું જીવન, સમ્બન્ધોનું કે ભાવનાઓનું ખોખલાપણું, આ બધું જ ટૂંકમાં ને અસરકારક રીતે આલેખતા આ નિબન્ધકારના નિબન્ધોમાં પ્રવાહિતા અને સર્જક વ્યક્તિત્વની ભીનાશ છે. પોતાના સમયમાં રહીને વ્યતીતને ઓળખાવતા તથા વર્તમાનને મૂલવી બતાવતા આ નિબન્ધો વાચકો માટે મૂલ્યવાન ભેટ સમાન છે.